જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

વાત અધૂરી- – હર્ષદ ત્રિવેદી

રહી છે વાત અધૂરી –
શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી –
.                                  રહી છે વાત અધૂરી –

એક પળે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ,
આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ?
અકળ મૌનની આવજાવમાં સળવળ કરે સબૂરી!
.                                  રહી છે વાત અધૂરી –

જળમાં મારગ, મારગમાં જળ, માટી જેવી જાત,
ઓગળતાં ઓગળતાં જીવે ઝીણી માંડી વાત;
આમ ઝુરાપો અડધે મારગ, આમ જાતરા પૂરી!
.                                  રહી છે વાત અધૂરી –

– હર્ષદ ત્રિવેદી

કવિશ્રી હર્ષદ ત્રિવેદીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બહુમતીથી વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

જીવતર અધૂરું જ મધુરું લાગે. ખરી મજા જ અધૂરપની છે. વાત તો કરવી છે પણ પૂરી કરી શકાતી ન હોવાની અવઢવનું આ ગીત છે. પોતે જે કહેવું છે એ કહેવા માટે યોગ્ય શબ્દો ન જડે ત્યારે શબ્દ અને અર્થની વચ્ચે બહુ અંતર પડી ગયું હોવાની વેદના અનુભવાય. એક પળમાં શબ્દનો વરસાદ વરસે છે એમ લાગે તો બીજી જ પળે તડકો નીકળી આવે એમ મૌન પથરાઈ વળે. અભિવ્યક્તિની મોસમનું આ રૂપ બંને માટે અજાણ્યું છે. મૌન કળી ન શકાય અને સબૂરી પણ ખૂટી રહી હોય, સળવળ કરતી હોય ત્યારે કેવો વલોપાત હૈયું અનુભવે! જળમાં મારગ, મારગમાં જળ – જે શબ્દ જ્યાં બોલાવા જોઈએ એ બોલી નથી શકાતા અને જે નથી કહેવા જેવું એ કહેવાઈ જાય ત્યારે માટી જેવી આ જાત ઓગળવા માંડે… હોવાપણું લુપ્ત થતું લાગે એ પળે ઝીણું ઝીણું માંડ કાંતી શકાય છે. થોડું કહી શકાયું છે, થોડું નથી કહી શકાતું, વાત અધૂરી જ રહી છે, પરિણામે એક તરફ તો ઝૂરાપો એમનો એમ અનુભવાય છે, બીજી તરફ જાતરા પૂરી થયાનો પરિતોષ પણ થઈ રહ્યો છે. કહ્યું ને, અધૂરપમાં જ મધુરપ છે… ખરું ને?

6 Comments »

  1. Pravin Shah said,

    November 9, 2023 @ 4:15 AM

    વાહ ! ખુબ સરસ !

  2. Harsha dave said,

    November 9, 2023 @ 1:53 PM

    અદભુત…..કવિને અને લયસ્તરોને શુભેચ્છાઓ

  3. Aasifhan said,

    November 9, 2023 @ 4:25 PM

    આહ ખુબ સરસ ગીત નો સરસ આસ્વાદ

  4. Pragnaju said,

    November 10, 2023 @ 6:54 AM

    કવિશ્રી હર્ષદ ત્રિવેદીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે વરણી થવા બદલ અભિનંદન
    સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    એક પળે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ,
    આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ?
    વાહ
    સુખને તો ઓળખીએ અને અનુભવીએ એ પહેલાં તે અકળ રીતે સરી પડતં હોય છે .રંગ, રાગ અને પરાગની સૃષ્ટિ તો ક્ષણજીવી, લગભગ stillborn child જેવી જ છે.જીવનનો સામનો કરીએ છીએ અને એમાં જે શૂન્યતા અને અભાવ અનુભવીએ છીએ એને કારણે અને એને પરિણામે ‘અહો’નું ‘અરે’માં રૂપાંતર થઈ જાય છે
    માણો

  5. Harshad Trivedi said,

    November 10, 2023 @ 7:52 AM

    Wah dost. Khoob aabhaar chhu.
    Saras karyu.

  6. Dr Bhuma Vashi said,

    November 10, 2023 @ 3:42 PM

    ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ. ગમ્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment