વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

મળશું! – હર્ષદ ત્રિવેદી

ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું,
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું !

તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાંનું તો એવું –
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
.                                      ઓણ મળશું..

અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં!
સપનાનું તો એવું –
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
.                                      ઓણ મળશું…

એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યા!
ચહેરાનું તો એવું –
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
.                                      ઓણ મળશું….

– હર્ષદ ત્રિવેદી

વાત મળવાની છે અને કથક મળવાને કૃતનિશ્ચયી પણ છે. આ વરસે નહીં તો આવતા વરસે નહિતર એના પછીના વરસે, પણ મળીશું એ નક્કી. આ સમયે અથવા પેલા સમયે, આ સ્થળે અથવા પેલા સ્થળે –ક્યાંય પણ અને ક્યારેય પણ; એમ સ્થળ-કાળની કોઈપણ સરહદમાં કથક બંધાતો નથી, એ બંધાય છે તો કેવળ મળવાની વાતે. નાયિકાની ઉતાવળ સામે કથકની ધીરજ મુકાબલે ચડી છે. સસલું હોય એ અધવચ્ચે ઊંઘમાં સરી જઈ શકે, કાચબો ધ્યેયપ્રાપ્તિ સુધી અટકતો નથી. કાયા પંચમહાભૂતમાં મળી જાય ત્યાં સુધીના મક્કમ નિર્ધાર સાથે કથક મળવાનું વચન પૂરું કરવાની કોશિશ પડતી મેલનાર નથી. મનગમતું સપનું મેળવવા કથકે આખી જિંદગી સાધના કરી છે, પણ સામા પક્ષે સ્વપ્ન કે સ્વપ્નસિદ્ધિ કરતાં ઊંઘના સુખની કિંમત વધુ હતી. કોઈપણ સંજોગોમાં સાયુજ્યનું સ્વપ્ન તો જોવું જ છે, ભલે એ ફળે નહીં ને આજીવન દાહ કેમ ન દેતું રહે. બે જણ કદાચ અમાસી રાતે અલગ થયાં હશે એટલે અંધારામાં ન દેખવું-ન દાઝવુંના ન્યાયે એકમેકનું દર્દ જોઈ ન શકાય એમ અલગ થયાં હશે એ વાત તરફ આંખ ભરીને કાજળ આંજવાનું પ્રતીક વાપરીને કવિ ઈશારો કરે છે. હવે અષાઢની બીજના આછા અજવાળામાં બંને આંખ અરીસાની જેમ માંજી લીધી છે, મતલબ આંખમાં આંસુય નથી અને દૃષ્ટિ પણ હવે સાફ છે. બે જણ મળી શકે અને ચહેરા પર મલકાટ આવી જાય તો ઉત્તમ, અન્યથા એકમેકને સુખી હોવાનો ડોળ કરીને છળતાં રહીશું… ટૂંકમાં, પુનર્મિલનની આશા અમર રાખીને જિંદગી જે આપે તે સ્વીકારીને જીવ્યે જવાનું છે,બસ.

10 Comments »

  1. kishor Barot said,

    September 9, 2023 @ 10:06 AM

    અમર આશાનું અનોખું ગીત.
    બહુ સરસ. 👌

  2. Bharati gada said,

    September 9, 2023 @ 10:32 AM

    ખૂબ સરસ સકારાત્મક વાત કહેતું ખૂબ સરસ ગીત 👌ખૂબ સરસ આસ્વાદ સાથે 👌

  3. DILIPKUMAR CHAVDA said,

    September 9, 2023 @ 11:19 AM

    અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!

    વાહ મજાનું અલગ અનુભૂતિ ને કલ્પન સાથેનું ગીત

  4. Jigisha shah said,

    September 9, 2023 @ 12:01 PM

    ખુબ સરસ…

  5. Vinod Manek, Chatak said,

    September 9, 2023 @ 2:31 PM

    મળવાનું નક્કી જ છે… એ આશા સાથે કવિ વિવિધ આયામો રજુ કરી ગીતને સુમધુર બનાવ્યું છે.અભિનંદન કવિને..m

  6. Pragnaju said,

    September 9, 2023 @ 8:26 PM

    કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદી ખૂબ સરસ વાત મળવાની છે.
    માણો તેમના મુખે…

  7. Parbatkumar nayi said,

    September 10, 2023 @ 10:04 AM

    વાહ મજાનું ગીત

  8. preetam lakhlani said,

    September 12, 2023 @ 6:34 AM

    આવું અદભૂત ગીત મેં ભાગ્યે જ કોઈ એકાદ જગ્યાએ વાંચ્યું હશે. ગુજરાતી સાહિત્યનું આ ભાગ્ય છે કે આવુ સરસ ગીત આપણને મળે છે

  9. લલિત ત્રિવેદી said,

    September 15, 2023 @ 11:06 PM


    કવિ શ્રી હર્ષદ ત્રિવેદી ના ગીતોનો હું ચાહક છું..આ પણ સરસ ગીત.. વાહ વાહ

  10. Poonam said,

    September 26, 2023 @ 11:45 AM

    ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું,
    અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું !
    – હર્ષદ ત્રિવેદી –
    Aasha aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment