હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!
પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!
– હર્ષા દવે

એમ મારે જવાનું – હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સફળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યા ટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.

– હર્ષદ ત્રિવેદી

મૃત્યુની ગઝલ છે પણ આખી ગઝલમાં મૃત્યુ શબ્દ વપરાયો નથી. जातस्य हि ध्रुवो मृत्यु | જન્મ્યા એ દરેકે જવાનું જ છે પણ કેવી રીતે જવાનું છે એ વિશે કવિ બહુ સલૂકાઈથી વાત કરે છે. નગરમાં દરેકે સમય આવ્યે જે રીતે ઊપડવાનું છે , એ જ રીતે કથકે પણ જવાનું છે, પણ કથક રસ્તા સુદ્ધાંને ખબર ન પડે એવી સહજતાથી જવા ઇચ્છે છે. કામના સફળ જિંદગીની છે, જોયેલાં સ્વપ્નો જીવતેજીવ સાફલ્યતાનો સ્વાદ ચાખે એની છે, પણ જતી વખતે સિકંદરની માફક ખાલી હાથે, ખુલ્લી મુઠ્ઠીએ અને સફળ થયેલાં સ્વપ્નોનું ગુમાન આંખોમાં રહી ન જાય એ રીતે કથક જવા ચહે છે. જવાનું થાય ત્યારે ઘડપણના કારણે દોડવા જઈએ તો ચરણ લથડિયાં ખાય છે, એટલે ઊભાં ઊભાં વિવશ થઈને દુનિયાને દોડતી જોવાની છે.

ગઝલ છે, પણ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે, જે મૃત્યુના રંગ સાથે તંતોતંત ઉચિત જણાય છે.

અલસગમના – ધીમું ચાલનારી [અલસ (ધીમું) + ગમન (ચાલ) + આ (નારીજાતિનો પ્રત્યય)]

8 Comments »

  1. nayan dave said,

    May 21, 2020 @ 6:36 AM

    વાહ કવિ
    સરસ રચના
    નયન

  2. naren said,

    May 21, 2020 @ 8:18 AM

    ખૂબ સુંદર રચના

  3. Harshad Mistry said,

    May 21, 2020 @ 10:49 AM

    WOW !!

  4. Deepak (NZ) said,

    May 21, 2020 @ 7:07 PM

    આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,

    ( એવુ જેીવવા નુ કે, જઈએ તો નગરને ખોટ લાગે. જાણે આખુ નગર ઉપડેી ગયુ!)
    વાહ! અને તોય..

    ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

    (અભિમાન, ગર્વ… નથેી કરવો; પણ ચુપચાપ, રસ્તા ને પણ ખબર ના પડે એમ સરકેી જવુ
    વાહ!!!

  5. હરિહર શુક્લ said,

    May 21, 2020 @ 11:36 PM

    બહુ સરસ રચના આજના અછાંદસ અને ગઝલ, ગીતોના દોરમાં અક્ષરમેળ છંદમાં, સરસ લય જાળવીને, મોજ જ મોજ 👌💐

  6. Pravin Shah said,

    May 22, 2020 @ 12:07 AM

    મંદાક્રાંતા છંદમાં એક ખૂબ સુંદર રચના..
    વાહ વિવેકભાઈ તમે પણ ખરા, આ તો હરિહરભાઈએ
    ઉલ્લેખ કર્યો ત્યારે લાઈટ થઈ.

  7. pragnajuvyas said,

    May 22, 2020 @ 11:39 AM

    કવિશ્રી હર્ષદ ત્રિવેદીની એમ મારે જવાનું મંદાક્રાંતામા સું દર ગઝલનો ડૉ વિવેકજી દ્વારા સુંદર આસ્વાદ
    સંધ્યા ટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
    ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.
    અદભુત મક્તા
    યાદ આવે
    મને હરિએ એંસી વર્ષે મોકલ્યું માંગુ યામિની વ્યાસ રચના

  8. Kajal kanjiya said,

    May 23, 2020 @ 4:13 AM

    સર તમે જે રીતે શબ્દોને હળવેકથી સ્પર્શીને તમારી બાનમાં લો છો અને ધીમે ધીમે તેને બંધનમાંથી મુક્ત કરતા ઉઘાડ આપો છો ત્યારે એવું લાગે છે કે તમે કવિતાને ચિરંજીવીનાં આશીર્વાદ આપો છો….વંદન છે તમારી સરસ્વતી વંદનાને.🙏😊

    હર્ષદભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment