એક ક્ષણ – વિપિન પરીખ
ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં
બિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.
ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટાળાઈ વળીએ !
ના, ના,
તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?
તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :
“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”
હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ.”
અને
આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે
તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે
અને કહે છે :
(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)
“પાછા બોલો તો?”
તે ક્ષણે
આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ.
ના, તે ક્ષણે
આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.
– વિપિન પરીખ
પ્રેમ ઓગળવાની એક ક્ષણનું બીજું નામ છે. ‘હોવું’ ભૂલવું એ પ્રેમની અનુભૂતિની પ્રથમ અને આવશ્યક શરત છે. બે જણ એકબીજાં સાથે મસ્તી કરતાં હોય ત્યારે ઘડીભર માટે નાયકને એવું લાગે છે કે બિલાડીનાં બે બચ્ચાં તો એકબીજાં સાથે મસ્તીએ નથી ચડ્યાં ને! પણ બીજી જ ક્ષણે અહેસાસ થાય છે, કે શરીર ઓગળી ગયાં છે, માત્ર આનંદ રહી ગયો છે. Selflessness ની આ પરાકાષ્ઠા એ જ પ્રેમ છે. નાયિકા જો કે ચરમસીમાએ પણ સુરક્ષા શોધે છે. નાયક પોતાને ક્યાંક ભૂલી ગયો તો? શરીર ઓગળી ગયાંની એક ક્ષણે જો કે આ સવાલ પૂછવામાં એને કોઈ સંકોચ નથી. એ બેધડક પૂછી લે છે કે તમે મને ભૂલી તો નહીં જાવ ને? અને નાયક મસ્તીના તોરમાં હા કહે છે. જો કે નાયિકાને પણ પોતાના પ્રેમ પર કંઈ ઓછો ભરોસો નથી… એ પણ ગેલ જ કરી રહી છે. સમય અઃઈં જ થંભી જાય એવી મનોકામના બળવત્તર બનતાં એ ડાબા હાથે સૂર્યને પૂર્વમાં ક્ષિતિજ ઉપર અટકાવી રાખે છે, જેથી દિવસ ઊગે જ નહીં. આ એક ક્ષણ ચિરંજીવી બની રહે. નાયિકા નાયકને ભૂલી જવાની વાત ફરી બોલવા પણ કહે છે અને હાથ એના મોઢા પર મૂકીને બોલતી બંધ પણ કરી દે છે. આ ક્ષણે બે જણ ગુલાબનાં ફૂલ બની જાય છે. ના… માત્ર સુવાસ… આકાર ઓગળી જવાની આ એક ક્ષણ છે. આ પ્રેમ છે…
હરિહર શુક્લ said,
May 7, 2020 @ 1:25 AM
ઓહો ! 👌💐
આકાર ઓગળે ને માણવાની ઓગળેલા આકારની સુગંધ!
રોકી રાખવાનો સૂર્યને ક્ષિતિજ પર “ડાબા” હાથે!
ડાબો હાથ સ્ત્રીનો !👌
સુનીલ શાહ said,
May 7, 2020 @ 1:29 AM
વાહ..
અદ્દભુત
Lata Hirani said,
May 7, 2020 @ 7:31 AM
કેટલું મધુર !!
Rohit Kapadia said,
May 7, 2020 @ 8:07 AM
પ્રેમની પાવનતાનો અવર્ણનીય આસ્વાદ. ધન્યવાદ
MAHESHCHANDRA NAIK said,
May 7, 2020 @ 9:12 AM
સરસ,સરસ…..
કાલ્પનિક મિલન….
અભિનદન………….
આઅભાર્…….
JAFFER KASSAM said,
May 7, 2020 @ 9:24 AM
“પાછા બોલો તો?”
Pravin Shah said,
May 7, 2020 @ 9:50 AM
હોવું ભૂલવું એ જ પ્રેમની પરમ અનુભૂતિ…
pragnaju said,
May 7, 2020 @ 11:16 AM
અદભુત કાવ્ય
સુંદર સમજૂતી.
“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”
હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ.”
વાફ
ભૂલી જવાનું’- કબૂલીને નથી પડવાના ભુલા – એની જાણ સામેવાળી વ્યક્તિ સિવાય બધામાં પડઘાય છે. એક સૂરજને રોકીને અંધારામાં બ્રહ્માંડ દેખાય છે. પછી આંખો બંધ અને ખૂલવામાં ઋણાનુંબંધ હોય છે, ત્યારે બિલાડીની જેમ ગેલમાં આવેલો આનંદ બેહિસાબ ગુલાબની સુગંધ બની જાય છે… પ્રેમમાં પડવું એટલે સુગંધનાં જન્મદિવસને ઉજવવો… !
પ્રેમમાં ખોવાઈ ગયેલા બે જણા ફરીથી પ્રેમમાં ભૂલા પડવાની શરૂઆત કરે છે. પ્રેમ એટલે એવી ક્ષણ જે જીવી ગયા પછી રોમેરોમમાં રમમાણ રહે છે.
દિવ્ય પ્રેમ ની અનુભૂતિ તો નિર્દોષ સ્મિત માં જ સમજાય એ સ્મિત કરતા કરતા જીવવું એ જ જીવન…. વાહ!
Kajal kanjiya said,
May 8, 2020 @ 10:30 PM
વાહહહ
મસ્તી
પ્રેમ
મિલન
અને પરાકાષ્ઠા
રંગીન કવિતા
મારા વાલમની જેમ શુદ્ધ સોનું
Kavita shah said,
May 9, 2020 @ 6:57 AM
કેવું સુંદર .. જાણે આંખ સામે શબ્દોથી રચાયેલું ચિત્ર..
પ્રેમ .. પ્રેમ .. પ્રેમ..
હું ય આખી પ્રેમ બની વહેવા લાગી કાવ્ય સંગાથે
Anil Shah.Pune said,
September 2, 2020 @ 12:11 AM
તારૂં, મારૂં મિલન થાય ને થયું,
તું મારા માં ઓગળે, ને હું તને ચાહું,
તારૂં રડવું થાભે નહીં ને
મને રડવું આવે નહીં,
તારા આંસુ પીગળે, ને એમાં હું ભીજાઉ,
વાતો બધી કરી નજરો થી,
પણ શબ્દો ના નિકળે મુખેથી,
તારા હોઠ થરથરે, ને હું એમાં મુરઝાઉ,
ફરી એ તારૂં મધુર હાસ્ય,
વેધક કરે મારું લક્ષ્ય,
ફરી એ ચુસ્ત આલિંગન, ને હું એમાં વિખરાઉ,