કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
ચિનુ મોદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દક્ષા બી. સંઘવી

દક્ષા બી. સંઘવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શમે ભેદ સઘળા – દક્ષા બી. સંઘવી

ભલે એ જ ધરતી, ભલે એ જ અંબર!
નવું તેજ નયને, નવલતા નિરંતર!

પ્રગટ થ્યા પછી ક્યાં નડે ચાર ભીંતો,
ઝૂમીને કહો, ‘સ્વાગતમ્ દિગદિગંતર!’

ને કોલાહલે પાંગરે સૂર નોખો,
ઝીણું ઝીણું ઝીણું બજે મૂક જંતર!

મળી ક્ષણ, તે ક્ષણને નિચોવીને પી લે;
પછી છોને થાતું દટંતર-પટંતર!

શમે ભેદ સઘળા, પછી શેષ ક્યાં કૈં?
ન લે-દે, ન હું-તું, ન સુંદર-અસુંદર!

– દક્ષા બી. સંઘવી

એકવિધતા મનુષ્યને કદી માફક આવી નથી… કુદરત આ વાતથી કદાચ વાકેફ જ હશે… એટલે જ ધરતી-આકાશ-સમુદ્ર, ચાંદ-તારા-સૂરજ બધું એનું એ જ હોવા છતાં રોજેરોજ આપણે એમાં નાવીન્ય અનુભવી શકીએ છીએ. સદીઓથી એની એ જ હોવા છતાં સૃષ્ટિ આપણને શા માટે નિતનવીન હોવાનું અનુભવાય છે એનો રહસ્યસ્ફોટ કવયિત્રીએ મત્લામાં બહુ સ-રસ રીતે કર્યો છે. આપણાં નયનોનાં નૂર નવાં હોવાને લઈને એની એ જ પ્રકૃતિ પણ આપણને નિરંતર નવીન અનુભવાયા કરે છે. ભીંતો અને બંધન એ તો કેવળ મનની અવસ્થા છે. આપણે આપણી જાતને એમાં સ્વેચ્છાએ કેદ કરી રાખીએ છીએ. બાકી, ચારેય દિશાઓને જે ખૂલીને આહ્વાન આપી શકે, આ દુનિયા એની જ છે. મેળાની વચ્ચે પણ માણસ પોતાનું એકાંત અકબંધ જાળવી શકે છે. ઈશ્વર સાથે તાર સંધાઈ જાય તો ગમે એટલા કોલાહલની વચ્ચે પણ સાવ ઝીણું ઝીણું બજતા મૂક જંતરનો નોખો સૂર સંભળાશે. ચોથા શેરમાં Carpe Diem નો નાદ સંભળાય છે. જે ક્ષણ હાથ આવી છે, એને જો પૂરેપૂરી જીવી લેતાં શીખીએ તો પ્રલય થઈ જાય તોય શી ચિંતા! અંધારું જે રીતે સારા-નરસા, નાના-મોટા બધાને ઓગાળીને એકસમાન કરી દે છે, એ જ રીતે જો બે જણ પોતાની વચ્ચેના ભેદ મિટાવી શકે તો કોઈ કરતાં કોઈ અલગાવ બચતો નથી. કેવી મજાની ગઝલ!

Comments (10)

એક કહાની ઐસી ભી… – દક્ષા બી. સંઘવી

લટકચમેલી જેવી છોરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલે ત્યારે છોરીની આ લટકમટકતી ચાલે આખું ફળિયું કોળે
ગરમાળા જેવો એક છોરો ડોક નમાવી ફળિયા વચ્ચે સમી સાંજનો સોનલવરણો ઝરમર ઝીણો તડકો ઢોળે

તને ખબર છે! એમ કહીને આંખ નચાવી લટ લહેરાવી છોરી છુટ્ટી મૂકે આખી પતંગિયાની ઝલમલ ટોળી
આંખે અચરજ આંજી છોરો ‘એમ!’ ‘અરે!’ હોંકારા ભણતો વાતું એની ચગળે જાણે હોય રસીલી મીઠી ગોળી
કોક દિવસ છોરાને થાતું કેવું છે ઈ આજે અબ્બીહાલ કહું, પણ ‘કેમ કહું’ની કૂંચી છોરો મનમાં ખોળે

એક દિવસ! હા એક દિવસ તેજી ઘોડી ને લાલ પલાણે આવ્યો કુંવર લાવ્યો રે કાંઈ લાલ ફૂલની લીલી ડાળી
એક દિવસ! હા એક દિવસ તો સોળ સજી શણગાર ચમેલી ઘરચોળાના છેડે તડકો મોતી જેમ પરોવી હાલી
મોં મલકાવી સામે ઊભો છોરો એના પગલે પગલે ફૂલ વેરતો છાને ખૂણે જઈ જઈ રાતી આંખ્યું ચોળે

જાતાં જાતાં લટકચમેલી આંખો ઢાળી દઈ ગઈ’તી જે ફૂલો એની મનભર મસ્ત સુગંધ હજી છોરાના ગજવે
છોરાએ તો ઘસીઘસી ને ધોઈ હથેળી, ધોયું પહેરણ, ધોયું ગજવું તોય હજી એ ગંધ જુઓ છોરાને પજવે
પછી થયું શું?
થયું એમ કે લટકચમેલી નથી-નથીના જાપે સૂનમૂન બેઠો છોરો હાય વીતેલી પળ વાગોળે
વહી ગયેલાં જળ વાગોળે… હાય વીતેલી પળ વાગોળે…

– દક્ષા બી. સંઘવી

એક તો આઉટ ઓફ ધ બોક્સ લાગે એવી લાંબીલચ પંક્તિનું ગીત અને ‘લટકચમેલી’ જેવા સંબોધનથી ઉપાડ- એટલે ગીત સાથે મુલાકાત થતાવેંત એટલો તો ખ્યાલ આવી જ જાય કે રચના જરા હટ કે જ હશે. ગામમાં છોકરી યુવાન થાય એટલે ફળિયું સજીવન થઈ જાય. આપણો કાવ્યનાયક કંઈ કોઈ અપવાદ નથી. ગરમાળો તાપ ઝીલીને ફૂલ ખેરવીને રસ્તાને પીળી ચાદરથી ઢાંકી દે એ વાતને છોકરા સાથે વણી લઈને સર્જક ખૂબ જ મનહર ચિત્ર ખડું કરે છે. રૂપના તાપ સામે ડોક ઝૂકાવી ઊભેલા ગરમાળા જેવો છોકરો સમી સાંજના કુમાશભર્યા તડકા જેવી લાગણીઓ વહેતી કરે છે.

બંને મિત્રો પણ છે, એટલે વાતચીતનો વહેવાર તો છે, છોકરી તરફથી મિત્રતા છે, પણ છોકરો રસીલા મીઠા પ્રેમમાં ઓગળી ચૂક્યો છે. દિલની વાત હમણાં કહું હમણાં કહુંની તાલાવેલી વચ્ચે પણ છોકરાના એકતરફી પ્રેમને વ્યક્ત થવા માટેની ચાવી મનના ભંડકિયામાંથી કેમે કરીને જડતી નથી. નિષ્ફળ પ્રણયકથામાં જે બને એ જ અહીં પણ બને છે. તેજીલી ઘોડી પલાણીને એક કુંવર આવીને સોળ શણગાર સજી છોકરીને પરણીને લઈ જાય છે. છોકરો છોકરીના પગલે પગલે તો સ્મિત અને પુષ્પો વેરતો જઈને પ્રસંગના આનંદમાં અન્હિવૃદ્ધિ કરે છે, પણ ખૂણામાં જઈને બધાથી છાનોમાનો રડીને રાતી થયેલી આંખ ચોળે છે. જતાં જતાં છોકરીએ મિત્રની હથેળીમાં ફૂલ મૂકી ગઈ, જેની સુગંધ અને યાદ હવે કેમે કરીને છોકરાનો કેડો મૂકતાં નથી. સમયજળ અને પ્રેમકહાણી ભલે વહી ગયાં પણ પૂરી ન થયેલી વાર્તાનું અધૂરું પાનું વાગોળતા છોકરાની જિંદગીએ આગળ વહેવાનું છોડી દીધું છે.

Comments (23)

ફરી સાંજ પ્રગટી – દક્ષા બી. સંઘવી

ફરી સાંજ પ્રગટી, અને આભ આખું થયું સોનવ૨ણું!
ફરી યાદ તારી, અને આંખમાં એક ચહેરાનું તરવું!

ફરી રાતમાં ઝલમલે સૌ સિતારા, ઝીણું ઝીણું ગાતા;
ફરી એ ઉજાસી મુલાયમ ક્ષણોનું હથેળીમાં ઝ૨વું!

ફરી કોઈ ડાળે સૂબાબીલની જોડી અનાયાસ ટહુકે;
ફરી એ યુગલગીતનું અશ્રુ થઈ આંખમાંથી નીતરવું!

ફરી કોઈ ભૂલું પડેલું સ્મરણ રાતવાસો કરે, ને;
ફરી મધ્ય રાતે અમસ્તું સૂરજનું ભ્રમણ પર નીકળવું !

ફરી રાતની બેય કાંઠે છલોછલ નદી સ્વપ્ન ઘેલી;
ફરી ડૂબવાની ક્ષણે હાથમાં હોય એકાદ તરણું!

ફરી લીંબડે ઘૂઘવે એક હોલો, સ્મરે પ્રિયજનને;
ફરી તું હી તુંથી ભરે રાન, હૈયું અજંપાથી ભરતું!

– દક્ષા બી. સંઘવી

સાંજનો સમય દિવસભરનો સૌથી રંગીન અને ગમગીન સમય હોય છે. સાંજે વાતાવરણ સોનવરણું તો થાય જ છે, પણ આ જ સમય યાદોના મધ્યાહ્નનો પણ છે. સંધ્યાટાણે જ આંખોમાં ખોવાયેલો ચહેરો વધુ તરવરતો હોય છે. ઝલમલ સિતારાઓનું ગાન ક્રમશઃ વધતું જાય છે, સાથોસાથ જ સંગાથની મુલાયમ ક્ષણો હથેળીમાં ઝરતી વર્તાય છે. સુબાબુલની ડાળે કોઈ પક્ષીની જોડી અચાનક ટહુકારી બેસે છે, ત્યારે આંખમાંથી આંસુ નીકળી પડતું રોકી શકાતું નથી. ભૂલું પડેલું સ્મરણ ક્યાંય જવાના બદલે રાતભર માટે અડીંગો જમાવી બેઠું હોય ત્યારે મધરાતે સૂર્ય કારણ વિના ભ્રમણ પર નીકળ્યો હોય એમ લાગે. સ્મરણના અજવાળાનો આ પ્રતાપ છે. હરીન્દ્ર દવે તરત યાદ આવે: ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ રાતની સ્વપ્નઘેલી નદીમાં ડૂબી જવાની પળે કોઈક આવા જ સ્મરણનું તરણું બચાવી પણ લે છે. ક્યાંક એક લીમડા પર કોઈ હોલો ઘુઘવાટો કરે છે ત્યારે કેવળ રાન આખું તું હી તુંથી નથી ભરાઈ જતું, હૈયુંય અજંપાથી છલકાઈ ઊઠે છે…

આખી રચનામાં દરેક પંક્તિનો ‘ફરી’થી થયે રાખતો પ્રારંભ રચનાના લયહિલ્લોળને નવું જ આયામ બક્ષે છે… મજાનું ઊર્મિગાન! પણ એને કહીશું શું? ગઝલ કહીશું? ગીત કહીશું? ગીતનુમા ગઝલ કહીશું કે ઊર્મિકાવ્ય?

Comments (9)

પહેલી શરત – દક્ષા બી. સંઘવી

હર ઘડી પર કર ખુશીના દસ્તખત,
લાગશે સુંદર પછીથી આ જગત.

દિલ નિરાકારે જુએ આકારને;
શિલ્પી માટે હોય એ પહેલી શરત.

તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના,
હે હવા! હુન્નર તને એ હસ્તગત!

શ્વાસ ઊભા હરક્ષણે તહેનાતમાં,
રાજવી તું, જિંદગી આ સલ્તનત!

વ્યગ્ર થઈને શોધતી’તી હું મને;
આંખ એની આયનો થઈ ગઈ તરત!

કૈં ઉકેલે, કૈં રહસ્યો ગોપવે;
જિંદગી જાણે પુરાણી હસ્તપ્રત!

– દક્ષા બી. સંઘવી

ભીતર ખુશી ન હોય તો જગતમાં કશું પણ સુંદર લાગતું નથી. પણ દિલમાં આનંદ હોય તો દુનિયા આખી ખુબસૂરત લાગે છે એ વાત કવયિત્રીએ કેવી સરસ રીતે રજૂ કરી છે! વધા જ શેર સુંદર અને અર્થગહન થયા છે.

Comments (8)

રિસામણે બેઠેલ સ્ત્રીનું ગીત – દક્ષા બી. સંઘવી

સાવે ચૂપચાપ અમે તૂટેલું સાંધ્યું ને
આંસુડે અણગમતું ધોયું
ખૂણે ને ખાંચરેથી મોતીડાં વીણ્યાં ને
એક દોરે ફેર બધું પ્રોવ્યું

મનગમતા ઘાટ અમે કે’દુના ગાળ્યા હવે ક્યો તો આ પંડને ઓગાળિયે
ઇચ્છાયું કે’દુની ફીંડલું વાળી અમે મૂકી દીધી છે ઊંચે માળિયે
ફૂલ જેમ રાખવા કોલ દઈ દલડાંને
સાંઠકડી જેમ તમે તોડ્યું

સહેજે ખખડેલ બે’ક વાસણને ફટ્ટ લઈ દઈ દીધું અથડામણનું નામ
ચીતર્યા તમે રે આ રાઈના પહાડ નીચે દટ્ટણ થ્યાં સમણાનાં ગામ
ઊંચી ગઢરાંગના ડાંગરાની જેમ તમે
એકવાર નીચે ન જોયું

રાત ક્યો તો રાત તમે અંધારી રાત ને દંન ક્યો તો દંન અમે ભાળિયે
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.

– દક્ષા બી. સંઘવી

કચ્છના કવયિત્રીની કલમેથી શબ્દ નહીં, લોહીના આંસુ ટપકી રહ્યાં છે. મનના માણીગરથી રિસાઈને બેઠેલી સ્ત્રીની વેદનાનું આ ગાન છે. સ્ત્રી તૂટેલું સાંધે છે, ને આંસુથી ધોઈને સંબંધને સાફ કરે છે અને ખૂણેખાંચરેથી સંબંધની બચી રહેલી જણસને એકઠી કરીને એક દોરમાં પરોવી સંસારની માળા ગૂંથવાની કોશિશ કરે છે, પણ આ બધું એ સાવ જ ચૂપચાપ કરે છે. ‘સાવે ચૂપચાપ’થી થતો ગીતનો ઉપાડ દઝાડે છે. મનગમતી વસ્તુઓ તો ત્યજી જ દીધી છે, હવે ‘સ્વામી’ કહે તો જાતને પણ એ ઓગાળવા તૈયાર છે. ઇચ્છાઓ પણ માળિયે ચડાવી દીધી છે પણ ફરિયાદ એક જ છે કે જે દિલને ફૂલની જેમ સાચવવાનું વચન આપ્યું હતું એ સાંઠકડીની જેમ તોડી નાંખ્યું છે. ગીત આગળ વધે છે એમ વેદનાની પરાકાષ્ઠા પણ આગળ વધે છે….

Comments (5)

વંચાતો નથી ! – દક્ષા બી. સંઘવી

ફૂલ ખરવું આમ તો ઘટના સહજ;
ડાળથી વિચ્છેદ, વંચાતો નથી !

પ્રેમ જેવા પ્રેમની બેઠી દશા;
શબ્દમાં છે કેદ; વંચાતો નથી !

નાવડીનું ડૂબવું નક્કી હવે;
એક નાનો છેદ; વંચાતો નથી !

આયનાની બા’ર-અંદર-બા’ર છું,
છે જરા શો ભેદ; વંચાતો નથી !

છોડવાથી એમ ક્યાં છૂટે કશું,
આંખમાં નિર્વેદ વંચાતો નથી !

– દક્ષા બી. સંઘવી

આમ તો આ ગઝલમાં મત્લા ગેરહાજર છે પણ બાકીના બધા જ શેર એટલા પાણીદાર થયા છે કે આ ગઝલ લયસ્તરોના વાચકો સાથે share કરવાની લાલચ રોકી શકતો નથી…

Comments (6)