ફરી સાંજ પ્રગટી – દક્ષા બી. સંઘવી
ફરી સાંજ પ્રગટી, અને આભ આખું થયું સોનવ૨ણું!
ફરી યાદ તારી, અને આંખમાં એક ચહેરાનું તરવું!
ફરી રાતમાં ઝલમલે સૌ સિતારા, ઝીણું ઝીણું ગાતા;
ફરી એ ઉજાસી મુલાયમ ક્ષણોનું હથેળીમાં ઝ૨વું!
ફરી કોઈ ડાળે સૂબાબીલની જોડી અનાયાસ ટહુકે;
ફરી એ યુગલગીતનું અશ્રુ થઈ આંખમાંથી નીતરવું!
ફરી કોઈ ભૂલું પડેલું સ્મરણ રાતવાસો કરે, ને;
ફરી મધ્ય રાતે અમસ્તું સૂરજનું ભ્રમણ પર નીકળવું !
ફરી રાતની બેય કાંઠે છલોછલ નદી સ્વપ્ન ઘેલી;
ફરી ડૂબવાની ક્ષણે હાથમાં હોય એકાદ તરણું!
ફરી લીંબડે ઘૂઘવે એક હોલો, સ્મરે પ્રિયજનને;
ફરી તું હી તુંથી ભરે રાન, હૈયું અજંપાથી ભરતું!
– દક્ષા બી. સંઘવી
સાંજનો સમય દિવસભરનો સૌથી રંગીન અને ગમગીન સમય હોય છે. સાંજે વાતાવરણ સોનવરણું તો થાય જ છે, પણ આ જ સમય યાદોના મધ્યાહ્નનો પણ છે. સંધ્યાટાણે જ આંખોમાં ખોવાયેલો ચહેરો વધુ તરવરતો હોય છે. ઝલમલ સિતારાઓનું ગાન ક્રમશઃ વધતું જાય છે, સાથોસાથ જ સંગાથની મુલાયમ ક્ષણો હથેળીમાં ઝરતી વર્તાય છે. સુબાબુલની ડાળે કોઈ પક્ષીની જોડી અચાનક ટહુકારી બેસે છે, ત્યારે આંખમાંથી આંસુ નીકળી પડતું રોકી શકાતું નથી. ભૂલું પડેલું સ્મરણ ક્યાંય જવાના બદલે રાતભર માટે અડીંગો જમાવી બેઠું હોય ત્યારે મધરાતે સૂર્ય કારણ વિના ભ્રમણ પર નીકળ્યો હોય એમ લાગે. સ્મરણના અજવાળાનો આ પ્રતાપ છે. હરીન્દ્ર દવે તરત યાદ આવે: ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ રાતની સ્વપ્નઘેલી નદીમાં ડૂબી જવાની પળે કોઈક આવા જ સ્મરણનું તરણું બચાવી પણ લે છે. ક્યાંક એક લીમડા પર કોઈ હોલો ઘુઘવાટો કરે છે ત્યારે કેવળ રાન આખું તું હી તુંથી નથી ભરાઈ જતું, હૈયુંય અજંપાથી છલકાઈ ઊઠે છે…
આખી રચનામાં દરેક પંક્તિનો ‘ફરી’થી થયે રાખતો પ્રારંભ રચનાના લયહિલ્લોળને નવું જ આયામ બક્ષે છે… મજાનું ઊર્મિગાન! પણ એને કહીશું શું? ગઝલ કહીશું? ગીત કહીશું? ગીતનુમા ગઝલ કહીશું કે ઊર્મિકાવ્ય?
Poonam said,
April 22, 2022 @ 2:44 PM
ફરી…
– દક્ષા બી. સંઘવી – 👌🏻
Aaswad mast.
Pragna Vashi said,
April 22, 2022 @ 7:50 PM
ખૂબ સરસ રચના.
pragnajuvyas said,
April 22, 2022 @ 8:01 PM
સુંદર રચના
ડૉ.વિવેકજીનો સ રસ આસ્વાદ
ફરી લીંબડે ઘૂઘવે એક હોલો, સ્મરે પ્રિયજનને;
ફરી તું હી તુંથી ભરે રાન, હૈયું અજંપાથી ભરતું!
આફ્રીન
મનમા ગુંજે…
आसमा तू मेरी या है मेरी खुदा
देखता हू जहा तू ही तू, तू ही तू
तेरी दुनिया से तो क्या दिन से भी गया
एक कलमा मैं तू ही तू, तू ही तू
preetam lakhlani said,
April 22, 2022 @ 9:15 PM
વાહ દોસ્ત વાહ, વરસો પછી વાંચેલ એક સુંદર કવિતા, ડો.કવિ. તમારું સંપાદન અદભૂત હોય છે./આભાર
જયેન્દ્ર ઠાકર said,
April 22, 2022 @ 9:15 PM
દિલને આંસુમા ડુબાવતી રચના. વાંચતા વાંચતા લાગે કે દિલ ગમકો ખા રહા હે, ગમ દિલકો ખા રહા હે…
Dr Heena Yogesh Mehta said,
April 23, 2022 @ 12:39 PM
મઝાની, ફરી ફરી વાંચવી ગમે તેવી રચના!
હર્ષદ દવે said,
April 23, 2022 @ 6:42 PM
સરસ રચના અને આસ્વાદ.
Aasifkhan said,
April 25, 2022 @ 11:07 AM
વાહ સુંદર રચના
મજાનો આસ્વાદ
વિવેક said,
April 25, 2022 @ 5:46 PM
સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….