આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
ગની દહીંવાલા

શમે ભેદ સઘળા – દક્ષા બી. સંઘવી

ભલે એ જ ધરતી, ભલે એ જ અંબર!
નવું તેજ નયને, નવલતા નિરંતર!

પ્રગટ થ્યા પછી ક્યાં નડે ચાર ભીંતો,
ઝૂમીને કહો, ‘સ્વાગતમ્ દિગદિગંતર!’

ને કોલાહલે પાંગરે સૂર નોખો,
ઝીણું ઝીણું ઝીણું બજે મૂક જંતર!

મળી ક્ષણ, તે ક્ષણને નિચોવીને પી લે;
પછી છોને થાતું દટંતર-પટંતર!

શમે ભેદ સઘળા, પછી શેષ ક્યાં કૈં?
ન લે-દે, ન હું-તું, ન સુંદર-અસુંદર!

– દક્ષા બી. સંઘવી

એકવિધતા મનુષ્યને કદી માફક આવી નથી… કુદરત આ વાતથી કદાચ વાકેફ જ હશે… એટલે જ ધરતી-આકાશ-સમુદ્ર, ચાંદ-તારા-સૂરજ બધું એનું એ જ હોવા છતાં રોજેરોજ આપણે એમાં નાવીન્ય અનુભવી શકીએ છીએ. સદીઓથી એની એ જ હોવા છતાં સૃષ્ટિ આપણને શા માટે નિતનવીન હોવાનું અનુભવાય છે એનો રહસ્યસ્ફોટ કવયિત્રીએ મત્લામાં બહુ સ-રસ રીતે કર્યો છે. આપણાં નયનોનાં નૂર નવાં હોવાને લઈને એની એ જ પ્રકૃતિ પણ આપણને નિરંતર નવીન અનુભવાયા કરે છે. ભીંતો અને બંધન એ તો કેવળ મનની અવસ્થા છે. આપણે આપણી જાતને એમાં સ્વેચ્છાએ કેદ કરી રાખીએ છીએ. બાકી, ચારેય દિશાઓને જે ખૂલીને આહ્વાન આપી શકે, આ દુનિયા એની જ છે. મેળાની વચ્ચે પણ માણસ પોતાનું એકાંત અકબંધ જાળવી શકે છે. ઈશ્વર સાથે તાર સંધાઈ જાય તો ગમે એટલા કોલાહલની વચ્ચે પણ સાવ ઝીણું ઝીણું બજતા મૂક જંતરનો નોખો સૂર સંભળાશે. ચોથા શેરમાં Carpe Diem નો નાદ સંભળાય છે. જે ક્ષણ હાથ આવી છે, એને જો પૂરેપૂરી જીવી લેતાં શીખીએ તો પ્રલય થઈ જાય તોય શી ચિંતા! અંધારું જે રીતે સારા-નરસા, નાના-મોટા બધાને ઓગાળીને એકસમાન કરી દે છે, એ જ રીતે જો બે જણ પોતાની વચ્ચેના ભેદ મિટાવી શકે તો કોઈ કરતાં કોઈ અલગાવ બચતો નથી. કેવી મજાની ગઝલ!

10 Comments »

  1. Harsha Dave said,

    September 14, 2023 @ 12:47 PM

    વાહ ગઝલ… કવિએ શું કમાલ કરી છે! કવયિત્રીને શુભેચ્છાઓ… અભિનંદન
    લયસ્તરોને ધન્યવાદ 💐

  2. Ramesh Prajapati said,

    September 14, 2023 @ 1:00 PM

    Excellent creation in Gazal….. Ramesh Prajapati. Bharuch.

  3. Aasifkhan Pathan said,

    September 14, 2023 @ 1:25 PM

    વાહ સરસ ગઝલ
    અભિનંદન
    કવયિત્રી ને

  4. Shwetal said,

    September 14, 2023 @ 1:34 PM

    હૃદય સ્પર્શી ગઝલ માટે કવયિત્રી ને અભિનંદન. ભાવસભર ગઝલ ભાવકો સુધી પહોંચાડવા માટે લયસ્તરોનો આભાર.

  5. જગદીપ નાણાવટી said,

    September 14, 2023 @ 1:41 PM

    અતિ સુંદર જડતર…..!!

  6. દક્ષા સંઘવી said,

    September 14, 2023 @ 5:04 PM

    લયસ્તરો પર મારી ગઝલ મૂકાય એનો આનંદ હોય જ વિવેકભાઈ. ને તમે જે નજાકત થી એક એક શેર ને ખોલ્યો છે તે માટે આફ્રિન. દિલથી આભાર વિવેકભાઈ.અને અહિં પ્રતિભાવન્ કરનાર મિત્રોનો પણ ખુબ ખુબ આભાર

  7. Pragnaju said,

    September 14, 2023 @ 6:42 PM

    કવયિત્રી દક્ષા બી. સંઘવીની મજાની ગઝલ
    ડો વિવેકનો સ રસ આસ્વાદ

  8. Tanu patel said,

    September 14, 2023 @ 8:25 PM

    સરસ ગઝલ અને આસ્વાદ.
    પછી છોને થાતું દટંતર પટંતર..,, અદભુત શબ્દ ની વિવિધતા઼.

  9. Leelaben patel said,

    September 14, 2023 @ 8:44 PM

    ખૂબ જ સુંદર રચના, વિવિધતાસભર કાફિયા…

  10. Poonam said,

    September 26, 2023 @ 11:48 AM

    ને કોલાહલે પાંગરે સૂર નોખો,
    ઝીણું ઝીણું ઝીણું બજે મૂક જંતર!
    – દક્ષા બી. સંઘવી – saras

    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment