રિસામણે બેઠેલ સ્ત્રીનું ગીત – દક્ષા બી. સંઘવી
સાવે ચૂપચાપ અમે તૂટેલું સાંધ્યું ને
આંસુડે અણગમતું ધોયું
ખૂણે ને ખાંચરેથી મોતીડાં વીણ્યાં ને
એક દોરે ફેર બધું પ્રોવ્યું
મનગમતા ઘાટ અમે કે’દુના ગાળ્યા હવે ક્યો તો આ પંડને ઓગાળિયે
ઇચ્છાયું કે’દુની ફીંડલું વાળી અમે મૂકી દીધી છે ઊંચે માળિયે
ફૂલ જેમ રાખવા કોલ દઈ દલડાંને
સાંઠકડી જેમ તમે તોડ્યું
સહેજે ખખડેલ બે’ક વાસણને ફટ્ટ લઈ દઈ દીધું અથડામણનું નામ
ચીતર્યા તમે રે આ રાઈના પહાડ નીચે દટ્ટણ થ્યાં સમણાનાં ગામ
ઊંચી ગઢરાંગના ડાંગરાની જેમ તમે
એકવાર નીચે ન જોયું
રાત ક્યો તો રાત તમે અંધારી રાત ને દંન ક્યો તો દંન અમે ભાળિયે
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.
– દક્ષા બી. સંઘવી
કચ્છના કવયિત્રીની કલમેથી શબ્દ નહીં, લોહીના આંસુ ટપકી રહ્યાં છે. મનના માણીગરથી રિસાઈને બેઠેલી સ્ત્રીની વેદનાનું આ ગાન છે. સ્ત્રી તૂટેલું સાંધે છે, ને આંસુથી ધોઈને સંબંધને સાફ કરે છે અને ખૂણેખાંચરેથી સંબંધની બચી રહેલી જણસને એકઠી કરીને એક દોરમાં પરોવી સંસારની માળા ગૂંથવાની કોશિશ કરે છે, પણ આ બધું એ સાવ જ ચૂપચાપ કરે છે. ‘સાવે ચૂપચાપ’થી થતો ગીતનો ઉપાડ દઝાડે છે. મનગમતી વસ્તુઓ તો ત્યજી જ દીધી છે, હવે ‘સ્વામી’ કહે તો જાતને પણ એ ઓગાળવા તૈયાર છે. ઇચ્છાઓ પણ માળિયે ચડાવી દીધી છે પણ ફરિયાદ એક જ છે કે જે દિલને ફૂલની જેમ સાચવવાનું વચન આપ્યું હતું એ સાંઠકડીની જેમ તોડી નાંખ્યું છે. ગીત આગળ વધે છે એમ વેદનાની પરાકાષ્ઠા પણ આગળ વધે છે….
Haresh Jamnadas Nimavat said,
November 30, 2019 @ 5:30 AM
सुंदर दिल सोसरवी नीकली जाय तेवी बलकट क
रूती.
Haresh Nimavat said,
December 1, 2019 @ 10:33 PM
खूबज बणकट अभिव्यक्ती.आपणने पण ऐ वेदना दझाडे छे.खुब खुब अभिनंदन.
Daxa b sanghavi said,
December 3, 2019 @ 6:42 AM
થોડા શબ્દોમાં સુંદર રીતે આ ગીતનું કેન્દ્ર ખોલી મારી રચના અહીં મુકવા બદલ હૃદયપૂર્વક આભાર વિવેકભાઈ-શબ્દ સંગાથે મળતા રહીશું.
ધવલ said,
December 3, 2019 @ 10:19 PM
ઉમદા ગીત!
સી.ટી.પ્રજાપતિ said,
December 4, 2019 @ 1:16 AM
વેદનાની પરાકાષ્ઠા ત્યારે દેખાય છે જ્યારે……
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.
લખાયું છે ત્યારે…….