કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
હિમલ પંડ્યા ‘પાર્થ’

ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

– મનોજ ખંડેરિયા

છેલ્લેથી બીજો શેર જુઓ…..આવી અભિવ્યક્તિ મનોજભાઈને જ સૂઝે !!!

3 Comments »

  1. Palasbhai shah said,

    April 22, 2020 @ 6:52 AM

    સુંદર ઞઝલ…… મજા આવી ગઈ…

  2. લલિત ત્રિવેદી said,

    April 22, 2020 @ 6:59 AM

    વંદન કવિને

  3. pragnajuvyas said,

    April 22, 2020 @ 2:33 PM

    પ્રયોગશીલ ગઝલકારોમા મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે .
    સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ
    ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
    મક્તાનો શેર દિલમા ચોટ આપી જીવનનો સાર બતાવે છે.
    કહી જાય છે કેઃ ‘ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનુ છે’
    આવું કહેનાર કવિ મનોજ ખંડેરિયા કેન્સરની બીમારીમા ૨૭ ઓકટોબર ૨૦૦૩ની સવારે આપણી વચ્ચેથી ઉઠી ગયા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment