નથી જામતી એક બે અશ્રુઓમાં
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુરેન્દ્ર કડિયા

જોડણીનો બંધકોશ – હરીશ મીનાશ્રુ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ

ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી

હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું

જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા

ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?

ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં

એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું

– હરીશ મીનાશ્રુ

ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે. એમનો અવાજ એમનો પોતાનો ટ્રેડમાર્ક બની ગયો છે. પ્રસ્તુત રચનામાં ખાડે ગયેલી ગુજરાતી જોડણી, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોને એમણે આડે હાથે લીધા છે.

અંગ્રેજી જોડણીમાં સહેજ પણ ભૂલ ન થાય એની ચીવટાઈ રાખતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી જ સાચવી શકી નથી. શ,ષ, સ – ત્રણેયનો એક જ ‘સ’માં ફાલુદો કરવા ઉપરાંત બોલાતી ખોટી ભાષાને ગીતનું સાધન બનાવીને કવિએ સતત હાંસી ઉડાવતા જઈને ચૂંટિયા ખણવાનું બેવડું કામ કર્યું છે. જિજ્ઞેશભાઈ, સૉરી, જિગનેસભાઈને સંબોધીને કવિ કહે છે કે જોડણીકોશને ભારી કબજીયાત થઈ છે અને એનો ઇલાજ કેમેય કરી જડતો નથી. આમ તો ભૂલવાળી ચોપડી આપણે ચલાવી લેતા નથી, ઊંઝા જોડણીવાલા સરળીકરણ માટે માથાં પટકી મરી જાય છે પણ વિદ્યાપીઠ એના જોડણીકોશને બદલવાનું કે સુધારવાનું નામ લેતી નથી. ઊંઝા જોડણીનું ઇસબગુલ ફાંકે કે વિદ્યાપીઠનો જોડણીકોશ લોકો હરડે-હીમજની જેમ ચૂસે તો કદાચ આ બંધકોશ ખૂલે. ગુજરાતી શબ્દોમાં જોડણીની પૂરતી ખોદણી કરતા કવિ પાછા સ્પૅલચૅક જેવા અંગ્રેજી શબ્દમાં માત્રાનીય ભૂલ કરતાં નથી, આ કટાક્ષ પણ નોંધવા જેવો.

ઉમાશંકર જોશી અને નિરંજન ભગત જેવા ઊંચી કક્ષાના કવિઓ પાક્યા હોવા છતાં માતૃભાષામાં આવું લોલંલોલ કેમ ચાલ્યા કરે છે એ એક કોયડો છે. વિદેશથી આવેલ ફાધર વાલેસ જેવા માણસની જોડણી નખશિખ સાચી હતી પણ ગાંધીની ગુજરાત પાસે બાવન અક્ષર સમાય એવું ખિસ્સું પણ નથી. ગુજરાતી દૂધના ઠેકાણાં નથી, પણ એમાં અંગ્રેજીની મિલાવટ કરીને ગુજરેજીનું દહીં જમાવવા આખી પ્રજા ઊભી બજારે નીકળી પડી છે. એબીસીડીઘેલા આ અક્કલમઠાઓનું શું કરવું એ વિમાસણ છે. આપણે ત્યાં નથી શિક્ષકમાં ઠેકાણાં, નથી વિદ્યાર્થીના. ગુજરાતી ભાષાના ભવિષ્ય ઉપર વેધક કટાક્ષ કરતું હળવું લાગતું આ ગીત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે.

23 Comments »

  1. Prahladbhai Prajapati said,

    April 16, 2020 @ 8:57 AM

    GOOD

  2. pragnajuvyas said,

    April 16, 2020 @ 11:16 AM

    કવિશ્રી હરીશ મીનાશ્રુની મૌલિક અભિવ્યક્તિવાળુ મજાનુ ગીત.
    ડૉ વિવેક નો સ રસ આસ્વાદ ન હોત તો ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતા ન સમજાત.
    મા અનિલજી એ સરસ વાત કહી – “બાકી તો હ્રદયને જોડે તે સાચી જોડણી કહેવાય. ભાષા તો વહેતો પ્રવાહ છે. એને વ્યાકરણના જડ નિયમોમાં બાંધવાનો કોઈ અર્થ નથી”
    અખા ભગત કહી ગયો કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર –

  3. હરિહર શુક્લ said,

    April 17, 2020 @ 1:24 AM

    વિચારતા કરી મૂકે એવું હલકું ફૂલકું ગુજરાતી રોટલી જેવું કે અમારે મહેસાણાના ગોળના શીરા જેવું ગીત 👌💐

  4. ગૌરાંગ ઠાકર said,

    April 17, 2020 @ 2:08 AM

    અરે વાહ વાહ ને વાહહહહ… આ ગીત તો મજાનું જ પણ તમારી ટીપ્પણી પણ બૈ ડફણાં મારતી જાય એવી.. સરસ પૉસ્ટ

  5. કિશોર બારોટ said,

    April 17, 2020 @ 2:15 AM

    શરમજનક સચ્ચાઈ દર્શાવતું સુંદર ગીત.

  6. મયૂર કોલડિયા said,

    April 17, 2020 @ 2:22 AM

    વાહ… અલગ જ ફ્લેવરનું ગીત…
    આસ્વાદ ખૂબ મજાનો…

  7. બાબુલાલ ચાવડા 'આતુર' said,

    April 17, 2020 @ 2:24 AM

    થોડામાં ઘણું બધું કહી જાય એવું સુંદર ગીત.

  8. Dilip Chavda said,

    April 17, 2020 @ 2:29 AM

    આનંદ સાથે દુઃખ ની પણ લાગણી ઉપજાવતું સુંદર ગીત
    વિચારવું રહ્યું જોડણી વિશે

  9. મંથન ડીસાકર said,

    April 17, 2020 @ 2:48 AM

    અત્યારે facebook અને whatsapp જેવા માધ્યમો પર આડેધડ, ગમે તેમ લખનારા લોકોએ ગુજરાતીનો વધારે કચ્ચરઘાણ વાળ્યો છે. એમને કહીએ તો, એમ કહેશે કે , આ કીબોર્ડમાં પ્રોબ્લેમ છે પણ પોતે જોડણીનું અજ્ઞાન ધરાવે છે એ કબૂલ કરવા તૈયાર થતા નથી. આ લખનારાઓનું વાંચન બિલકુલ હોતું નથી અને અનઅધિકૃત વેબસાઇટો પર ખોટું ગુજરાતી વાંચી રહ્યા છે તે પણ ચિંતાજનક છે. શિષ્ટ વાંચન અને સંશોધન વગર અહીં કવિ-લેખક બનવાની હોડ જામી છે… મેં ખાસ જોયું છે કે છેલ્લા સાત-આઠ વર્ષમાં આવેલાં પુસ્તકોમાં અઢળક ભાષા ક્ષતિઓ હોય છે. સ્વસ્થ ભાષામાં તો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે.
    ઉપરાંત, આવા અણઘડ લાહિયાઓ ‘ભાષાને શું વળગે ભૂર’નું પણ ખોટું અર્થઘટન કરી પોતાની કમજોરી છાવરવાનો નિરાર્થકપ્રયાસ કરતા રહે છે. આવી સ્થિતિમાં ભાષાપ્રેમીને આવી બળતરા થાય ત્યારે આવાં કાવ્યો સર્જાતાં હોય છે. મને તો આ કટાક્ષ કાવ્ય…. કવિના આંતરિક વલોપાતની ચરમસીમા જેવું લાગ્યું.

  10. Vijay Trivedi said,

    April 17, 2020 @ 2:48 AM

    ખરેખર! સત્ય હકીકત દર્શાવતું ગીત. સવાલ એ છે કે શુદ્ધ ઉચ્ચારથી ગુજરાતી બોલવાવાળા પણ કેટલા છે?

  11. રવીન્દ્ર પારેખ said,

    April 17, 2020 @ 3:19 AM

    આપણે ગુજરાતીઓએ ભાષાની તો મા જ પૈણાઇવી છે.હરીશ મીનાશ્રુએ હળવી લપડાક જ મારી છે,પણ તેય સંવેદનશીલ ગુજરાતીઓને જ વાગવાની છે.જેને ભાષાની પડી જ નથી એવા ગુજરાતીઓને એની અસર થવાની નથી.એ તો રાજી થશે કે આ તો આપણે લખીએ છીએ એવું જ લખે છે.આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલોને સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે એ લોકો જે બોલે છે એ સિવાયનું જ સાચું છે.આમાં ગુજરાત સરકારે ગુજરાતી ભાષાને મામલે ઘોર ઉદાસીનતા દાખવી છે.યાદ રહે,અંગ્રેજીનો વિરોધ નથી,પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થઈ જવા માંડી છે તે ચિંતાજનક છે.અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખૂલે છે ને ગુજરાતી માધ્યમની દશા બેઠી છે.કાલ ઊઠીને કોઈ પૂછશે કે ગુજરાતની માતૃભાષા કઈ તો જવાબ મળશે-અંગ્રેજી.આપણે ગુજરાતી લેખકો ભાષાનું કોઈ સંગઠન કરીએ ને સરકારમાં રજૂઆત કરીએ તો ચાલે?

  12. Kajal Kanjiya said,

    April 17, 2020 @ 3:24 AM

    આસ્વાદ વાંચ્યા વગર કવિતાની કિંમત કરવી અને સમજવી અઘરી
    ખૂબ સરસ કવિતા અને તેનો આસ્વાદ.
    અભિનંદન 💐

  13. Nilesh Thanki said,

    April 17, 2020 @ 3:34 AM

    આ લેખમાં પણ ઘણી ભાષા ભૂલો છે. વધુ લખવું શું?!

  14. Dr Mukur Petrolwala said,

    April 17, 2020 @ 4:19 AM

    અભિનંદન! વાંચવાની મજા આવી – કવિતા અને આસ્વાદ પણ. 
    જો કે એમાં પૂરેપૂરું સહમત થવાય એવું નથી. કવિતામાં વપરાયેલા મોટા ભાગના શબ્દો એવી રીતે બોલાય છે એ સાચું, પણ શું બધા લખે પણ એવું જ છે? અને બોલીમાં તો ફર્ક દરેક ભાષામાં રહેવાનો – નહીં તો શૉ પિગ્મેલિઓન શું કામ લખતે અને આપણે ત્યાં તેના પરથી સંતુ રંગીલી શું કામ આવતે? 
    કવિતામાં ફક્ત પ્રશ્નો છે – જવાબ નથી! સ્પેલચેક ની ટીકા કેમ? એવું આપણે ગુજરાતીમાં રચવું ન જોઈએ? યુરોપિયન, જાપાની, ચીની વગેરે ભાષાને ટાંકીને આપણે માતૃભાષાના ગૌરવની વાત કરીયે છીએ પરંતુ આપણી કોઈ પણ ભાષામાં એન્જીનીયરીંગ કે મેડિકલ ભણાવવામાં આવે છે? તો અંગ્રેજી મહત્વ તો રહેવાનું જ ને!

  15. Aasifkhan said,

    April 17, 2020 @ 4:20 AM

    મજાની કવિતા
    મજાનો આસ્વાદ

    આસ્વાદ વગર કવિતા સમજવી મુશ્કેલ થાત

    વાહ

  16. શબનમ said,

    April 17, 2020 @ 4:24 AM

    વાહ.. વરવી વાસ્તવિકતા દર્શાવતું ગીત.

    સુંદર આસ્વાદ

  17. વિહંગ વ્યાસ said,

    April 17, 2020 @ 7:41 AM

    બહુ મજાની રચના

  18. Poonam said,

    April 17, 2020 @ 7:48 AM

    Sataak… kavita
    ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
    બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું? 👌🏻

  19. Kavita shah said,

    April 17, 2020 @ 8:35 AM

    વાહ વાહ વાહ .. ભાષાપ્રેમ અને ભાષાની ફિકર નીતરતું સુંદર ગીત

    સુંદર આસ્વાદ

  20. Sandip Pujara said,

    April 17, 2020 @ 11:16 AM

    વાહ …
    સચોટ, સરસ અને સરળ

  21. નૂતન તુષાર કોઠારી 'નીલ' said,

    April 23, 2020 @ 7:04 AM

    કાવ્ય વાંચીને હૃદયમાં એક ટીસ ઉઠી આવી. ખરેખર, ગુજરાતી ભાષાની અવદશા બેઠી છે અને એ કરવાવાળા પણ આપણે ગુજરાતીઓ જ છીએ. આજના બાળકો ખિચડીયું ગુજરાતી બોલે છે. એમના એક વાક્યનું વિશ્લેષણ કરશું તો દસ શબ્દમાંથી ચાર અંગ્રેજી, ચાર હિંદી અને માત્ર અને માત્ર બે જ ગુજરાતી શબ્દ મળશે. કવિએ રડતાં હૃદયે લખેલાં આ ગીતને ગાતાં આંખેથી નહીં તો હૈયેથી પણ આંસુ તો સરે જ છે. કેવી કેવી જોડણીઓ અને સાવ લઘરવઘર ગુજરાતીમાં લખતાં આજકાલના (કહેવડાવતા) લેખકોને વાંચતાં એવું લાગે જાણે હું મારી આંખોથી મા ગુર્જરીનું ખૂન થતું વિવશતાથી જોઈ રહી છું.હું શું કરી શકું? બહુ તો એ પુસ્તક બંધ કરીને એને ફરી ક્યારેય હાથમાં નહીં લેવાના શપથ લઈ શકું. લાચાર છું. એક લેખકને મેં એમની દરેક નવલકથાની આ ભૂલો વિશે સજાગ કરવા જોડણીકોશનો ઉપયોગ કરવા કહ્યું તો મને કહે તમે કેટલાં વખતથી લખો છો? મેં કહ્યું એક વર્ષથી. તેઓ કહે કે મેં આઠ હજાર પુસ્તકો વાંચ્યા છે અને પંદર વર્ષથી લખું છું. આ સાંભળીને સાચે જ મને તમ્મ ર આવી ગયાં. એમણે કેટલી નવલકથાઓ લખી છે એ પણ કહ્યું હતું પણ હું લગભગ હોશ ગુમાવી ચૂકી હતી. મેં ફક્ત એટલું જ કહ્યું કે હું આપની ઉત્કૃષ્ટ કૃતિઓ વાંચવાની લાયકાત નથી ધરાવતી. ગુજરાત સરકારે ગુજરાતીને જીવંત રાખવા ઠોસ કદમ ઉઠાવવા જોઈએ અને જેમને પણ મા સમાન ભાષા માટે લાગણી હોય એમણે એક થઈને આ દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. આ બાબતમાં અગર કોઈ કાર્ય કરી રહ્યું હોય તો મારો સહકાર જરૂર આપીશ. :- નૂતન તુષાર કોઠારી ‘નીલ’ – વાપી

  22. વિવેક said,

    April 23, 2020 @ 8:25 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

  23. Jitendra Desai said,

    July 13, 2020 @ 9:36 AM

    આપડી ભાસાની આપડે જે વલે કરી છે તે હરીસભાઈએ બરાબરના ચાબખા મારીને આપણને સમજાવ્યું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment