વસ્તુ ભલે હો એક, છે અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
વિવેક મનહર ટેલર

કોણ બતાવે કેડી – ભગીરથ બ્રહ્મભટ્ટ

કોણ બતાવે કેડી?
કોના રે અણસારે ચઢતી ચપચપ કીડી મેડી!

સૈયર સાથે જાતર જાતી
મારગ લેતી મીઠો
મોરસદાણો મેડી ઉપર
દીવા જેવો દીઠો
ગોવર્ધન શો મોરસદાણો માથે લીધો તેડી!
કોણ બતાવે કેડી?

મુખમાં દાણો પગમાં ઝાંઝર
દોડે દડબડ એવું
ઝરમર ઝરમર વર્ષાકાલે
ટપકે ટપટપ નેવું.
ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!
કોણ બતાવે કેડી?

– ભગીરથ બ્રહ્મભટ્ટ

કીડી વિશે આવું મજાનું ગીત આપણે ભાગ્યે જ માણ્યું હશે. કીડીના મૂળભૂત ગુણધર્મોને લયબદ્ધ કરીને કવિ મજાની કવિતા સિદ્ધ કરે છે અને કીડીના બહાને આપણને આંગળી પણ ચીંધે છે…

4 Comments »

  1. Pravin Shah said,

    April 3, 2020 @ 7:03 AM

    સરસ ગીત..

  2. pragnajuvyas said,

    April 3, 2020 @ 10:32 AM

    કવિશ્રી ભગીરથ બ્રહ્મભટ્ટની લયબદ્ધ કવિતા અને મા વિવેકજીનો મજાનો આસ્વાદ
    કીડી વિષે જાણીતી વાત શરીરના કદની સરખામણીમાં પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ કીડી છે. કીડી પોતાના શરીર કરતાં ૨૦ ગણું વજન ઊંચકીને ચાલી શકે છે. કીડીની આંખમાં ૧૦૦૦ સુક્ષ્મ લેન્સ હોય છે તે નજીકની વસ્તુ સારી રીતે જોઈ શકે છે. માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે. આ બધુ માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય તેટલું સુક્ષ્મ હોય છે. કીડીના બંને પડખે ત્રણ ત્રણ એમ છ પગ હોય છે. પગના છેડે પંજો પણ હોય છે.કીડી કતારબંધ ચાલે છે અને રસ્તો ભૂલતી નથી આવા બધા ગુણોની સ રસ ગુંથણી કરી મજાની કવિતા દ્વારા મનુષ્ય તરફ આંગળી ચીધે છે.
    યાદ આવે મઝાના બે કાવ્યો
    નૂતન કેડી ! ‘સ્નેહરશ્મિ’
    દિશ દિશ ચેતન રેડી
    વન વન આંકો નૂતન કેડી !
    ઊંચી નીચી હોય ધરા છો,
    હોય કઢંગી ટેડી;
    સરળ તહીં પદ-રેખા પડી
    સાથ રહો સૌ ખેડી !
    વન વન આંકો નૂતન કેડી !
    પૂરવ ને પશ્ચિમને ભેદી,
    ઉત્તર દક્ષિણ છેદી;
    કાળ અને સ્થળના કાંટાળા
    ફેંકો થોર ઉખેડી !
    વન વન આંકો નૂતન કેડી !
    ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
    રવિ-શશી ગોળા ફેંકી,
    અગમ અલખનું નિશાન તાકી,
    ચાલો જગ-તમ ફેડી !
    વન વન આંકો નૂતન કેડી !
    અને રાજેન્દ્ર શુકલ
    કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
    મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

    ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
    લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

    લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
    શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

    પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
    આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

    પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
    એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

    ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
    હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

  3. હરિહર શુક્લ said,

    April 4, 2020 @ 8:48 AM

    કીડી ને કણ મોરસ દાણો
    અને રાજેદ્ર શુક્લની અદભૂત ગઝલ પણ કમેન્ટમાં એટલે નકરી મોજ 👌

  4. Meenakshi Chandarana said,

    April 20, 2020 @ 4:19 AM

    ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment