મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
-રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભગીરથ બ્રહ્મભટ્ટ

ભગીરથ બ્રહ્મભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોણ બતાવે કેડી – ભગીરથ બ્રહ્મભટ્ટ

કોણ બતાવે કેડી?
કોના રે અણસારે ચઢતી ચપચપ કીડી મેડી!

સૈયર સાથે જાતર જાતી
મારગ લેતી મીઠો
મોરસદાણો મેડી ઉપર
દીવા જેવો દીઠો
ગોવર્ધન શો મોરસદાણો માથે લીધો તેડી!
કોણ બતાવે કેડી?

મુખમાં દાણો પગમાં ઝાંઝર
દોડે દડબડ એવું
ઝરમર ઝરમર વર્ષાકાલે
ટપકે ટપટપ નેવું.
ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!
કોણ બતાવે કેડી?

– ભગીરથ બ્રહ્મભટ્ટ

કીડી વિશે આવું મજાનું ગીત આપણે ભાગ્યે જ માણ્યું હશે. કીડીના મૂળભૂત ગુણધર્મોને લયબદ્ધ કરીને કવિ મજાની કવિતા સિદ્ધ કરે છે અને કીડીના બહાને આપણને આંગળી પણ ચીંધે છે…

Comments (4)

લ્યો, કાગળ આપું કોરો ! – ભગીરથ બ્રહ્મભટ્ટ

લ્યો, કાગળ આપું કોરો
સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !

નજર નામની સેંથી પૂરો
મૌન મઢેલા હીરા
પાંપણ ઉપર કાનો દોરો
આંસુઓમાં મીરાં!
ઝંખનજળની પાળે રહીને ઝબક જીવતર બોળો

સૂરજ ભાલે સંતાયેલો
ને પગલિયુંમાં ભોર
આછાઆછા અજવાળામાં
ઝરમર ઝાકળ દોર!
કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો!

લ્યો કાગળ આપું કોરો.

– ભગીરથ બ્રહ્મભટ્ટ

તદ્દન નવા કલ્પનોથી સજાવેલું, એક કોરા કાગળ પર નવી ને નમણી સૃષ્ટિ સર્જવા ઉશ્કેરતું ગીત.

Comments (15)