રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
કલાપી

જુદી જ તાસીર….– રાજેન્દ્ર શુક્લ

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

The thought and The Thinker are not separate – J Krishnamurti

1 Comment »

  1. pragnajuvyas said,

    April 13, 2020 @ 1:49 PM

    હ્રદયસ્પર્શી ઘણી સુંદર ગઝલ
    પ્રથમ બે શેરમાં એક પશ્ચાદભૂ બને છે અને પછી મુદ્દો આવે છે .–
    એકરૂપતા…..ભક્ત,ભક્તિ અને ભગવાન અલગ નથી એ અહેસાસ ઊભરે છે.
    કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની એ ગઝલ મમળાવતા યાદ આવે હિમાંશુ ની રચના…
    લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
    સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

    ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
    અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

    ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
    ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

    સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
    હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

    જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
    ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment