ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું
ભરત વિંઝુડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
December 18, 2019 at 7:53 AM by તીર્થેશ · Filed under ગઝલ, રૂસવા
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું.
જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.
પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું.
ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું.
થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.
– ‘રુસ્વા’ મઝલૂમી
Permalink
December 14, 2019 at 12:47 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે
હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે
હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि
બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંત. કવિ આ ત્રણ સિદ્ધાંતોની જમીન પર ઊભા રહીને આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.
Permalink
December 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મણિલાલ હ. પટેલ
ગામ પાછું સપનામાં આવ્યું છે:
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે…
આંબલીના પોલા થડમાંથી, સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે…
વચલા ફળિયાના પીપળ-ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગુપચુપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજુ રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે…
રમજુડા ભૂવાએ ધૂણીધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યું છે
અંધારું મને નેળિયા બહાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે – અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું: પરસેવે રેબઝેબ
– મણિલાલ હ. પટેલ
ગામનો આદમી ગામ છોડીને શરે આવી જાય ત્યારે શરીર જ શહેરમાં આવે છે, એનો જીવ તો ગામમાં જ રહી જાય છે પાછળ. પણ આજે પરિસ્થિતિ એવી છે કે આખેઆખા ગામડાં શહેરમાં ઠલવાવા માંડ્યા છે. ગામના કૂવા હવડ થઈ ગયા છે ને શેરીઓમાં સન્નાટો ફેલાઈ વળ્યો છે. મકાનોના દરવાજા હવે કાયમ માટે બંધ રહે છે અને પીપળાના ચોરા પર કદાચ દેવલોક થયેલા વડવાઓ આવે તો આવે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે… ગામડું હવે દુઃસ્વપ્ન બનીને સતાવે નહીં તો જ નવાઈ…
Permalink
December 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ભાનુપ્રસાદ પુરાણી, સોનેટ
તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?
તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?
તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?
તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.
– ભાનુપ્રસાદ પુરાણી
એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.
Permalink
December 10, 2019 at 4:27 AM by વિવેક · Filed under પદ, ભક્તિપદ, મીરાંબાઈ, સૂફી
જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?
તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.
તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.
તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.
મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.
– મીરાં
ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.
મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.
Permalink
December 9, 2019 at 6:09 AM by વિવેક · Filed under કબીર, ભક્તિપદ, વિશ્વ-કવિતા, સૂફી
વ્હાલમ! આવો મારે ઘેર રે,
તમ બિન દુઃખી તન ઢેર રે.
સૌ કહે હું નારી તારી,
મને જ આ સંદેહ રે;
એક મેક થઈએ, સંગ ન સૂઈએ
ત્યાં લગી કેવો સ્નેહ રે?
અન્ન ન ભાવે, ઊંઘ ન આવે,
ઘર વન ધરે ન ધીર રે,
જેમ કામીને કામિની પ્યારી
જેમ તરસ્યાને નીર રે.
છે કોઈ એવો પરોપકારી
પ્રિયને કહી સંભળાવે રે,
‘કબીર’ હવે બેહાલ થયા છે
વણદેખ્યે જીવ જાવે રે.
– કબીર
(અનુ.: વિવેક મનહર ટેલર)
સૂફીવાદ અથવા તસવ્વુફ શબ્દ બોલતાંની સાથે આપણી નજર સામે માથે ઊંચી સફેદ ટોપી અને શરીરે લાંબો-ખુલતો સફેદ ચોગો પહેરીને નિજાનંદમાં ગોળ ગોળ ફર્યે રાખતા દરવેશની છબી આવી ઊભે. અથવા આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન જેવા ગાયકોનું સ્મરણ થાય. સાહિત્યમાં થોડોઘણો પણ રસ હોય એની નજર સામે અમીર ખુશરો, રૂમી, ગુલામ ફરીદ, મન્સુર, રાબિયા જેવા કવિઓ તરવરી ઊઠે. માન્યું કે પ્રવર્તમાન સૂફીવાદના મૂળ ઈસ્લામમાં પડેલાં છે અને સૂફી કલામ મુસ્લિમ ધર્મમાંથી લંબાયેલી ડાળ છે, પણ ભારતીય સાહિત્યનો ઇતિહાસ ચકાસીએ તો આપણે ત્યાં ઘણાં કવિઓની કલમ સૂફીવાદની વિચારધારાને મળતી આવે છે.
સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે:
૧) રુઢિચુસ્ત ઈસ્લામ ધર્મ બાહ્યાચાર અને ધાર્મિક વિધિઓના આંધળા પાલનનું સમર્થન કરે છે, જ્યારે સૂફી દરવેશ આંતરિક આંતરિક શુદ્ધિની આરત રાખે છે.
૨) સૂફી દરવેશ ઈશ્વરને પોતાની માશૂકા ગણે છે અને માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
૩) પ્રેમ અને સમર્પણ ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.
૪) સૂફીવાદમાં સૌથી ઊંચુ સ્થાન ગુરુ (મુર્શીદ/પીર)નું છે.
૫) સમર્પણ નમાઝ અને રોજાથીય ઊંચું સ્થાન ધરાવે છે.
૬) સૂફીવાદ જાતિ વ્યવસ્થામાં માનતો નથી.
૭) સૂફીવાદ સાદા-સરળ જીવનનો હિમાયતી છે.
આપણે ત્યાં જયદેવ, વલ્લભાચાર્ય, આણ્ડાળ, વિદ્યાપતિ, કબીર, લાલ દીદ, નરસિંહ, મીરાં જેવા અનેકાનેક કવિઓ થઈ ગયા છે, જેમની રચનાઓ અને જીવનશૈલીમાં આ તમામ સિદ્ધાંતો વણાયેલા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઈસ્લામિક દેશોમાં અને આપણે ત્યાં સૂફીવાદી ભક્તિવિચારધારાઓનો સમાંતરે અને સ્વતંત્રપણે વિકાસ થયો છે.
કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. પ્રભુને વહાલમ કહીને એ ઘરે બોલાવે છે, કેમ કે એના વિના આ કાયા દુઃખી દુઃખી છે. લોકોના કહેવા મુજબ કબીર ઈશ્વરની પત્ની છે પણ કબીરને આ વાત પર શંકા છે કેમ કે જ્યાં સુધી બે જણ એક ન થાય, સાથે એક સેજ પર સૂઈ ન જાય ત્યાં સુધી સ્નેહસંબંધ વળી કેવો? કેવી ચતુરાઈથી ઈશ્વરને પોતાને એકરૂપ કરી દેવા માટે કબીર ઉકસાવે છે! પ્રભુના પ્રેમમાં નથી અન્ન ભાવતું, નથી ઊંઘ આવતી, ઘરમાં રહે કે વનમાં, ધીરજ ખૂટી રહી છે અને જેમ કામીને સ્ત્રી પ્યારી હોય અને તરસ્યાને પાણી, બરાબર એ જ તીવ્રતાથી કબીરને પ્રભુની આરત છે. હવે તો કોઈ પરોપકારી મળે અને ઈશ્વરને કબીરના બેહાલ હાલની વાત કહી સંભળાવે તો ઠીક, બાકી કબીરના પ્રાણ પ્રભુદર્શન ન થવાના લઈને નીકળવા પર છે.
*
बालम आवो हमारे गेह रे,
तुम बिन दुखिया देह रे।
सब कोई कहै तुम्हारी नारी
मो कों यह संदेह रे;
इक मिक होये सेज न सोये
तब लग कैसो स्नेह रे।
अन्न न भावै नींद न आवै
गृह बन धरै न धीर रे,
ज्यों कामी को कामिनी प्यारी
ज्यों प्यासे को नीर रे।
है कोई ऐसा पर-उपकारी
पिय से कहै सुनाय रे,
अब तो बेहाल ‘कबीर’ भये हैं
बिन देखे जिया जाय रे।
– कबीर
Permalink
December 8, 2019 at 7:50 PM by ઊર્મિ · Filed under અમીર ખુશરો, સૂફી
મારી છબી બનાવીને હું જો પિયાની પાસે ગઈ,
એની છબી જોઈને હું તો મારી ભૂલી જ ગઈ.
ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે, આંખમાં આંખ પરોવીને,
વાત નટખટ (હલકી) કહી દીધી રે, આંખમાં આંખ પરોવીને.
વારિ વારિ જાઉં હું તો તને રંગ-રસિયા,
તારા જ રંગે રંગી રે, આંખમાં આંખ પરોવીને.
પ્રેમ-ભઠ્ઠીનો રસ પાઈને, મતવારી કરી દીધી રે,
આંખમાં આંખ પરોવીને.
ગોરા ગોરા હાથ અને લીલી લીલી બંગડી,
હાથ પકડીને ઘરમાં ખેંચી રે, આંખમાં આંખ પરોવીને.
‘ખુશરો’ ‘નિજામ’ ને વારી વારી જાયે,
મને સોહાગણ કરી દીધી રે, આંખમાં આંખ પરોવીને.
-અમીર ખુશરો (અનુવાદઃ મોના નાયક ‘ઊર્મિ’)
ફારસીના જ્ઞાતા, ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુશરો દહેલવી, ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા હતા. ઉપરાંત તેઓ અરેબિક ભાષા પણ જાણતા. તેમની મોટા ભાગની કવિતાઓ આજે પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં બંદીશો તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેમની ગઝલો ગઝલગાયકો ગાય છે. તેઓ ઉર્દૂ ભાષાના સ્થાપક હતા અને પ્રથમ ઉર્દૂ કવિ પણ હતા. તેમને કવ્વાલીના જનક કહેવાય છે. કવ્વાલી એ ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. ભારતીય તબલાની શોધ પણ તેમણે કરી હતી. તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા. ખુશરો દિલ્હીના અલ્લાઉદ્દીન ખીલજીથી ગયાસુદ્દીન તઘલખ સુધીના સાત રાજાઓના દરબારમાં જાણીતા સંગીતકાર હતા.
અમીર ખુશરો કોમીએકતા, હિન્દુ-મુસ્લિમ સંવાદિતા, સામાજીક જોડાણ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક ગણાય છે. અમીર ખુશરોએ ભારતીય સંસ્કૃતિના સદ્ભાવનાના મૂલ્યોને “ખિદમત-એ-ખલ્ક” એટલેકે માનવતાની સેવાથી આગળ વધાવ્યો છે. તેમણે “સુલ્હ-એ-કુલ” પ્રથા એટલે કે સમાધાનની પ્રથાની પણ શરૂઆત કરી જેના અનુસાર ઈશ્વર એ લોકોનું દામન થામે છે જે માનવતા માટે તેનાથી પ્રેમ કરે છે અને તેથી જ સમગ્ર માનવતા તેનાથી પ્રેમ કરે છે. આજના સમયમાં અમીર ખુશરોની નજ્મો-કવિતા અને શિક્ષાઓ કોમી એકતા, સહનશીલતા, આધ્યાત્મિકતાને મજબૂત કરવા ઉપયોગી બને છે.
ખુશરો સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત હઝરત મુહંમદ નિઝામુદ્દીન ઓલિયાના વિચારોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બની ગયા, જે તેમના આધ્યાત્મિક ગુરુ પણ હતા. પાંચ હજાર દોહા અને શાયરીનાં પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે. તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણા મોડા મળેલા અને સમાચાર મળતાં જ અમીર ખુસરો તેમની દરગાહ પર જઇ ચોધાર આંસુએ રડેલા અને ત્યારે તેમની અંદરનો કવિ બોલી ઊઠેલો,
‘ખુસરો રૈન સોહાગ કી, જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો, દાઉ ભયે એક સંગ
ગોરી સોવે સેજ પર, મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને, રૈન ભઈ ચહું દેસ’
આ દોહા સાથે ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયેલા. આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં ‘ખ્જૈન- અલ -ફતહ’ અને ‘તારીખ-એ – અલાય’ છે. જ્યારે ઐતિહાસિક રચનાઓમાં ‘નૂહ સિફિર’ અને ‘તુગલખનામ’ જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાની કબર પાસે જ દફ્નાવાવમાં આવ્યા.
Source: WikiPedia અને અન્ય
*
अपनी छवि बनाय के जो मैं पी के पास गई
जब छवि देखी पीहू की तो अपनी भूल गई
छाप तिलक सब छीनी रे मोसे नैनाँ मिलाय के
बात अधम कह दीन्हीं रे मोसे नैनाँ मिलाय के
बल-बल जाऊँ मैं तोरे रंग-रेजवा
अपनी सी रंग दीन्हीं रे मोसे नैनाँ मिलाइ के
प्रेम-भटी का मदवा पिलाय के मतवारी कर दीन्हीं रे
मोसे नैनाँ मिलाइ के
गोरी गोरी बइयाँ हरी हरी चूड़ियाँ
बईयाँ पकर धर लीन्हीं रे मोसे नैनाँ मिलाय के
‘ख़ुसरव’ ‘निजाम’ के बल-बल जइए
मोहे सुहागन कीन्हीं रे मोसे नैनाँ मिलाइ के
Permalink
December 7, 2019 at 1:09 AM by ધવલ · Filed under ફરીદુદ્દીન અટ્ટાર, સૂફી

પ્રેમમાં યુવાન અને વૃદ્ધ એક સમાન છે
પ્રેમમા ખોટ અને નફો એક સમાન છે
પ્રેમમાં દુનિયાના બધા રંગ એક સમાન છે
પ્રેમમાં વસંત અને પાનખર એક સમાન છે
પ્રેમમાં ઊંચું અને નીચું એક સમાન છે
પ્રેમમાં ધરતી અને સ્વર્ગ એક સમાન છે
પ્રેમનું સ્થાનક વર્તુળાકાર છે
એના પરનું દરેક બિંદુ એક સમાન છે
પ્રિયતમનું વ્હાલ ને આક્રોશ એક સમાન છે
પ્રેમની પરંપરામાં મૃત્યુ ને અમરત્વ એક સમાન છે
-ફરીદુદ્દીન અટ્ટાર
પ્રેમ માત્ર સાધન નથી સાધ્ય છે: આ જરા જેટલા વિચારમાં આખી દુનિયાને ક્ષણાર્ધમાં સરળ કરી નાખવાની તાકાત છે.
Permalink
December 5, 2019 at 11:08 PM by ધવલ · Filed under રૂમી, સૂફી

ન ઇસાઇ કે યહૂદી કે મુસ્લિમ,
ન હિન્દૂ કે સૂફી કે ઝેન.
ન કોઈ ધર્મ કે ન કોઈ સંસ્કૃતિ.
ન હું પૂર્વથી કે પશ્ચિમથી.
ન સાગરમાંથી કે ન ધરતી પરથી,
ન પાર્થિવ કે ન અપાર્થિવ,
નથી બન્યો હું તત્વોથી.
હું હોવામાં નથી.
હું નથી આ દુનિયાનો કે નથી બાજુની દુનિયાનો,
નથી હું આદમ-ઇવથી જન્મ્યો કે સ્વર્ગથી ઉતારી આવ્યો.
મારું સ્થાન સ્થાનરહિત છે, પગેરાવિહીન પગેરું .
ન આત્મા ન શરીર.
હું મારા પ્રિયતમનો છું ને જોયા છે એમાં
બે જગતને એક થઇ જતા જેને હું પોકારું છું અને જાણું છું.
એ જ પહેલો અને છેલ્લો, એ જ બાહરનો અને અંદરનો,
ખાલી એ શ્વાસ લેતો માનવ.
– રૂમી (કોલમેન બાર્કસના અનુવાદના આધારે)
સૂફીવાદની વાત નીકળે તો પહેલો રૂમી યાદ આવે. એની રહસ્યવાદી કવિતાઓ આજે લગભગ હજાર વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એની હજારો કવિતાઓ છે અને એકે એક ઉમદા છે.
સુફીમાર્ગમાં ‘ફિત્ર’ની વાત છે. ફિત્ર એટલે નિર્દોષ અને નિર્મળ સ્થિતિ. દરેક માનવ જન્મે આ જ સ્થિતિમાં હોય છે. સંસારના રંગે ના રંગાય ત્યાં સુધી. બીજે બધે વાત છે વધારે જ્ઞાન મેળવીને આગળ જવાની, અહીં વાત છે બિનજરૂરી આવરણો ઉતારીને શુદ્ધ થવાની. બધું પોતાની અંદર છે જ. માત્ર શોધવાની જ વાર છે.
અહીં રૂમી પોતાની જાતને એક પછી એક આવરણમાંથી મુક્ત કરતા જાય છે. પોતાના પરથી જાણે એક પછી એક ‘લેબલ’ ઉખાડતા જતા હોય એમ. કવિને ધર્મ કે સંસ્કૃતિ ખપતા નથી. નથી એમને શરીરનો ભાર ખપતો. પોતાના અસ્તિત્વનું પોત કવિને એટલું પાતળું કરી દેવું છે કે એ શબ્દ વાપરે છે – ‘સ્થાનરહિત સ્થાન’ અને ‘પગેરાવિહીન પગેરું.’ કવિ આત્મા અને શરીર બંનેથી આગળ વધી જવા માંગે છે. એમનુ ગંતવ્ય છે પ્રિયતમ. પોતાના પ્રિયતમમાં એમને બંને જહાન એક થતા દેખાય છે. છેલ્લે રહી જાય છે ખાલી એક શ્વાસ લેતો માનવ. કોઈની પણ આટલી ઓળખાણ પર્યાપ્ત હોય છે. એનાથી વધારેના કોઈ પણ આવરણો આખરે તો અડચણ જ બની રહેતા હોય છે.
Permalink
December 5, 2019 at 1:39 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મન્સૂર, સૂફી
I do not cease swimming
in the seas of love,
rising with the wave,
then descending;
now the wave sustains me,
and then I sink beneath it;
love bears me away
where there is no longer any shore.
Al Hallaj Mansoor
પ્રેમસિંધુઓ મહીં
તરવું બંધ કરતો નથી.
ઉપર જતો મોજા સાથે,
પછી નીચે.
હમણા મોજું મને ટકાવે છે
ને પછી હું એની નીચે ડૂબું છું.
કિનારાના તો ઓછાયામાત્રથી
પ્રેમ મને આઘો રાખે છે.
– મન્સૂર
આ મારો સૌથી પ્રિય માથાનો ફરેલો સૂફી છે. અંગત રીતે મને આ સંત સૌથી હિમતવાન અને નીડર લાગે છે. એને સત્ય સિવાય કશાનો ખપ પણ નહોતો અને ખોફ પણ નહોતો. એ સારી પેઠે જાણતો હતો કે એના વિચારો પ્રગટ કરવાનો અર્થ શું હતો અને અંત શું હતો,છતાં એણે ડંકાની ચોટ પર એલાન કરેલું – ‘ અનલહક ‘ – અર્થાત ‘ હું જ સત્ય છું ‘ – બીજા શબ્દોમાં – “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. હૃદયથી બધા જ એની સામે નતમસ્તક થયા. ખાનગીમાં તે ઇસ્લામનો મહાનાયક કહેવાયો.
કાવ્ય સરળ છે…..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત….. આ જ વાત જિબ્રાન,રવીન્દ્રનાથ અને જે.કૃષ્ણમૂર્તિ ભિન્નભિન્ન શબ્દોમાં કહે છે…..
Permalink
December 4, 2019 at 9:18 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાબિયા, સૂફી

પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે.
વાણી જન્મે છે વિરહમાંથી,
હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.
જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય
તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?
વળી તમારું અસ્તિત્વ હજુ જેના સ્વ માં છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
વળી જે તમારી યાત્રાની નિશાનીરૂપે જીવંત છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
– રાબિયા
In love, nothing exists between heart and heart.
Speech is born out of longing,
True description from the real taste.
The one who tastes, knows;
the one who explains, lies.
How can you describe the true form of Something
In whose presence you are blotted out?
And in whose being you still exist?
And who lives as a sign for your journey?
-Rabia al-Adawiyya
મંદિરમાં જેમ ગર્ભગૃહ, મહાભારતમાં જેમ ગીતા તેમ ઇસ્લામમાં સૂફી. ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો જે સ્થાન ઝેનનું બૌદ્ધપંથમાં છે તે જ સ્થાન સૂફીનું ઇસ્લામમાં છે. ઇસ્લામનો પાયો અદ્વૈત નથી. સૂફીમાં અદ્વૈતનો ઈશારો છે. ‘અનલહક’ એ અદ્વૈતનો ઉદ્દગાર છે. અદ્વૈતની ઉદ્દઘોષણા છે. સૂફીની કોઈ સ્પષ્ટ મર્યાદિત વ્યાખ્યા નથી. ઈશ્વરને પ્રિયતમ સ્વરૂપે અનુભવવો, માશૂક સરીખો સંવાદ સાધવો, સખાભાવે ઝઘડવું-રૂઠવું-રીઝવું… આ બધા સૂફીના સ્વભાવ-સ્વરૂપ. જયારે કોઈક સાધક ઈશ્વરના પ્રચલિત ખ્યાલને વીંધીને ઈશ્વર-તત્વનું ચિંતન કરે ત્યારે તે સૂફી-ભોમકામાં પદાર્પણ કરે. જલાલુદ્દીન રૂમીએ સૂફી પરંપરામાં એવું મોટું સિમાચિહ્ન સર્જ્યું છે કે ત્યાર બાદના તમામ સૂફીપરંપરાના સર્જનો એ જ માપદંડે મપાય છે. અસંખ્ય સાધકોએ આ પરંપરામાં અદભૂત સર્જન આપ્યા છે.
પ્રસ્તુત રચના એક લાક્ષણિક સૂફી કાવ્ય છે- સંપૂર્ણપણે અદ્વૈતનું ગાન !! એક ગુલામડી તરીકે યુવાન થનાર બહેન ઇસ્લામની પૂજ્ય સંત બને છે સાતમી સદીના અતિરૂઢીચૂસ્ત સમાજમાં. તેઓએ પરમતત્વને આત્મસાત કર્યું હતું, અને સ્પષ્ટ કહે છે કે “પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે” – દ્વંદ્વ શમે છે ત્યારે પ્રેમ જ રહી જાય છે, બીજું કશું હોતું નથી. કિરણ અને સૂર્ય અલગ નથી, બૂંદ અને મોજું અને સાગર અલગ નથી. અલગતાની જનની ભ્રમણા છે. ઈશ્વરને શોધવો નરી મૂર્ખતા છે.
Permalink
December 3, 2019 at 3:47 PM by ધવલ · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, વર્ષગાંઠ, સાહિત્ય સમાચાર

લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.
મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.
દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂
કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ
કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ
જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ
કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ
કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)
કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ
ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ
કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ
કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક
મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન
કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન
જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ
કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન
કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ
કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી
લોહીનું શ્યાહી માં રૂપાંતર એટલે કવિતા. – હરીન્દ્ર દવે (આભાર: કેતન યાજ્ઞિક)

Permalink
November 30, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દક્ષા બી. સંઘવી
સાવે ચૂપચાપ અમે તૂટેલું સાંધ્યું ને
આંસુડે અણગમતું ધોયું
ખૂણે ને ખાંચરેથી મોતીડાં વીણ્યાં ને
એક દોરે ફેર બધું પ્રોવ્યું
મનગમતા ઘાટ અમે કે’દુના ગાળ્યા હવે ક્યો તો આ પંડને ઓગાળિયે
ઇચ્છાયું કે’દુની ફીંડલું વાળી અમે મૂકી દીધી છે ઊંચે માળિયે
ફૂલ જેમ રાખવા કોલ દઈ દલડાંને
સાંઠકડી જેમ તમે તોડ્યું
સહેજે ખખડેલ બે’ક વાસણને ફટ્ટ લઈ દઈ દીધું અથડામણનું નામ
ચીતર્યા તમે રે આ રાઈના પહાડ નીચે દટ્ટણ થ્યાં સમણાનાં ગામ
ઊંચી ગઢરાંગના ડાંગરાની જેમ તમે
એકવાર નીચે ન જોયું
રાત ક્યો તો રાત તમે અંધારી રાત ને દંન ક્યો તો દંન અમે ભાળિયે
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.
– દક્ષા બી. સંઘવી
કચ્છના કવયિત્રીની કલમેથી શબ્દ નહીં, લોહીના આંસુ ટપકી રહ્યાં છે. મનના માણીગરથી રિસાઈને બેઠેલી સ્ત્રીની વેદનાનું આ ગાન છે. સ્ત્રી તૂટેલું સાંધે છે, ને આંસુથી ધોઈને સંબંધને સાફ કરે છે અને ખૂણેખાંચરેથી સંબંધની બચી રહેલી જણસને એકઠી કરીને એક દોરમાં પરોવી સંસારની માળા ગૂંથવાની કોશિશ કરે છે, પણ આ બધું એ સાવ જ ચૂપચાપ કરે છે. ‘સાવે ચૂપચાપ’થી થતો ગીતનો ઉપાડ દઝાડે છે. મનગમતી વસ્તુઓ તો ત્યજી જ દીધી છે, હવે ‘સ્વામી’ કહે તો જાતને પણ એ ઓગાળવા તૈયાર છે. ઇચ્છાઓ પણ માળિયે ચડાવી દીધી છે પણ ફરિયાદ એક જ છે કે જે દિલને ફૂલની જેમ સાચવવાનું વચન આપ્યું હતું એ સાંઠકડીની જેમ તોડી નાંખ્યું છે. ગીત આગળ વધે છે એમ વેદનાની પરાકાષ્ઠા પણ આગળ વધે છે….
Permalink
November 29, 2019 at 2:06 AM by વિવેક · Filed under અછાંદસ, આલ્બર્ટો રિયોસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
. એક નદી એની મુસાફરી
. આગળનીને આપતી જાય છે.
આપણે આપીએ છીએ કેમકે કોઈકે આપણને આપ્યું છે.
આપણે આપીએ છીએ કેમકે કોઈકે આપણને આપ્યું નથી.
આપણે આપીએ છીએ કેમકે આપવાથી આપણે બદલાયા છીએ.
આપણે આપીએ છીએ કેમકે આપવાથી આપણે બદલાઈ શકીએ છીએ.
આપવાથી આપણને સારું લાગે છે,
આપવાથી આપણે ઘાયલ પણ થઈએ છીએ-
આપવુંના ઘણા ચહેરા છે: એ બુલંદ છે અને શાંત પણ,
મોટો છે, હાલાંકિ નાનો પણ, લાકડામાં ખૂંપેલો હીરો.
એની વાર્તા જૂની છે, કથાવસ્ર્તુ અને પાનાં પણ ઘસાયેલાં,
તોય આ પુસ્તક આપણે, કોઈ પણ રીતે, ફરી-ફરીને વાંચીએ છીએ:
આપવું એટલે, પહેલવહેલીવાર અને દર વખતે, હાથોહાથ,
હું તમને અને તમે મને.
તમે મને ભૂરો આપો છું અને હું તમને પીળો.
સરવાળે આપણે મહજ લીલા છીએ. તમે મને આપ્યું
એ જે તમારી પાસે નહોતું, અને મેં તમને આપ્યું
જે મારે આપવું જોઈતું હતું- સરવાળે, આપણે સર્જ્યું
કંઈક મોટું આ નાનકડા તફાવતોમાંથી.
– આલ્બર્ટો રિયોસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
આજે ‘થેન્ક્સગિવિંગ ડે’ નિમિત્તે એક રચના એ સંદર્ભમાં. રચના સરળ છે અને સહજ પણ એટલે વધારાની ટિપ્પણીની જરૂર જણાતી નથી… ‘આપવું’ જ આ વિશ્વને વધુ અર્થસભર બનાવે છે, અને આપણા જીવવાને વધુ જીવનસભર પણ!
*
When Giving Is All We Have
. One river gives
. Its journey to the next.
We give because someone gave to us.
We give because nobody gave to us.
We give because giving has changed us.
We give because giving could have changed us.
We have been better for it,
We have been wounded by it—
Giving has many faces: It is loud and quiet,
Big, though small, diamond in wood-nails.
Its story is old, the plot worn and the pages too,
But we read this book, anyway, over and again:
Giving is, first and every time, hand to hand,
Mine to yours, yours to mine.
You gave me blue and I gave you yellow.
Together we are simple green. You gave me
What you did not have, and I gave you
What I had to give—together, we made
Something greater from the difference.
– Alberto Ríos
Permalink
November 28, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રવિ દવે 'પ્રત્યક્ષ'
ગરજ પતે ને મને એમ હરઘડી ફેંકે,
બળ્યા પછી કોઈ જાણે દીવાસળી ફેંકે.
એ એમ તાકીને ફેંકે નજર અમારા પર,
નિશાન રાખી કોઈ જેમ કાંકરી ફેંકે.
નહીં સમાવી શકું મારા ખોરડે એને,
કહો બધાને ઉદાસી ના ઘર ભણી ફેંકે.
હતાશ થઈને કદી બાળ ફેંકે દફ્તરને,
કે એવી રીતે કોઈ ક્યાંથી જિંદગી ફેંકે?
નસીબ ફેંકે તો સમજી શકાય છે, મિત્રો
પણ આદમીને અહી જોને આદમી ફેંકે.
– રવિ દવે ‘પ્રત્યક્ષ’
સરળ ભાષામાં સ્પર્શી જાય એવી વાત… વાત તો એની એ એ જ છે પણ કલ્પનો અને અભિવ્યક્તિનું નાવીન્ય સ્પર્શી જાય છે.
Permalink
November 27, 2019 at 9:17 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જે કૃષ્ણમૂર્તિ
I have no name,
I am as the fresh breeze of the mountains.
I have no shelter;
I am as the wandering waters.
I have no sanctuary, like the dark gods;
Nor am I in the shadow of deep temples.
I have no sacred books;
Nor am I well-seasoned in tradition.
I am not in the incense
Mounting on the high altars,
Nor in the pomp of ceremonies.
I am neither in the graven image,
Nor in the rich chant of a melodious voice.
I am not bound by theories,
Nor corrupted by beliefs.
I am not held in the bondage of religions,
Nor in the pious agony of their priests.
I am not entrapped by philosophies,
Nor held in the power of their sects.
I am neither low nor high,
I am the worshipper and the worshipped.
I am free.
My song is the song of the river
Calling for the open seas,
Wandering, wandering,
I am Life.
I have no name,
I am as the fresh breeze of the mountains.
-Jiddu Krishnamurti
ઋષિવચન છે આ !! Lao Tsu ની વાણી હોય એવું લાગે !! આ કાવ્ય વિષે ઘણુંબધું લખી શકાય….પુસ્તકો ભરી શકાય, પણ ખરી રીતે તો કાવ્ય મનનનું કાવ્ય છે,વર્ણનનું નહિ. સરળ શબ્દોમાં બધું ઘણું ભાંગીતોડી નાખ્યું છે….રૂઢિગત ધર્મ, ઈશ્વરનો વ્યાપક ખ્યાલ, security ની ભ્રામક માન્યતા…..ઘણુંબધું !!! રહી જાય છે આ પળ અને આ પળના આપણે……I am free…..- આ ઉદ્દઘોષ કરવો એ સામાન્ય માનવીનું ગજું નથી.
Permalink
November 23, 2019 at 2:09 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
કાનને એ આંખ આડા નહિ કરે,
આવશે આંસુ, અખાડા નહિ કરે.
કાવ્ય વાંચીને તમે સમજી જજો,
એ કવિ જખ્મો ઉઘાડા નહિ કરે.
ધીમું બળશે, પણ ખબર પડશે નહીં,
આ હૃદય છે, એ ધુમાડા નહિ કરે.
આપશે સસ્તામાં એ બીજું ભલે,
પણ ખુમારીમાં ઘટાડા નહિ કરે.
સાંભળો, ના સાંભળો, પરવા નથી,
દાદ માટે ધમપછાડા નહિ કરે.
– હેમેન શાહ
‘આંખ આડા કાન કરવા’ની કહેતીને પ્રયોજીને કવિ કેવો મસ્ત મત્લા આપે છે! અને માત્ર મત્લા જ શા માટે, આખી ગઝલ જ શાનદાર જાનદાર થઈ છે… વાહ!
Permalink
November 22, 2019 at 1:03 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!
જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!
અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!
સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!
મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!
– મનહર મોદી
ટૂંકી ટચ બહેરમાં જાતને સંબોધીને ચુસ્ત કાફિયા સાથેની આખેઆખી મત્લા ગઝલ… કવિકર્મની સાચી કસોટી… પણ મનહર મોદી એટલે સો ટચનું સોનું… બધા જ શેર ગમી જાય એવા…
Permalink
November 21, 2019 at 12:43 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
કિનારેથી અંદર કૂદેલા જીવે છે,
જીવન, દિલના દરિયે ડૂબેલા જીવે છે.
ખરું છે કે સંબંધ નકરૂં કળણ છે,
ને એ પણ ખરું છે ખૂંપેલા જીવે છે !
કહ્યું માર્ગને ચોંટી બેઠેલા સૌએ,
ખરેખર તો રસ્તો ભૂલેલા જીવે છે!
સતત કાંટા સાથે ફરે તે મરે છે,
ને ઘડિયાળમાંથી છૂટેલા જીવે છે.
પસીનો લૂછી કાળ હાંફીને બોલ્યો !
જીવે છે અણીના ચૂકેલા જીવે છે.
– ડૉ. મનોજ જોશી ‘મન’
જામનગરના તબીબ-કવિમિત્ર આ સાથે એમનો બીજો ગઝલ સંગ્રહ ‘ઘડીક ઝળહળ, ઘડીક ઝાંખું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે કવિ અને સંગ્રહ-બંનેનું સહૃદય સ્વાગત છે…
પ્રમાણમાં કઠિન કહી શકાય એવા કાફિયા અને નિભાવવી અઘરી થઈ પડે એવી રદીફ સાથેની એક મજાની ગઝલ સંગ્રહમાંથી માણીએ.
Permalink
November 20, 2019 at 7:41 AM by તીર્થેશ · Filed under ગીત, રાવજી પટેલ
મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી!
મેશ જોઈ મેં રાતી
આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી!
શમણાંને છુટ્ટાં મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી
પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું ;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી!
મેશ જોઈ મેં રાતી
– રાવજી પટેલ
ભાવાર્થ પકડાતો નથી. સૌ વાચકોને અભિપ્રાય આપવા આમંત્રણ….
Permalink
November 19, 2019 at 2:55 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.
આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..
આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……
– પ્રિયકાન્ત મણિયાર
પ્રિયકાન્ત નઝકાતના કવિ છે, શબ્દેશબ્દે નમણાશ ટપકે…..વિષય સરળ-સહજ હોય, પણ માવજત અદભૂત હોય. બારીક કારીગરીથી કાવ્ય કંડાર્યું હોય….
Permalink
November 16, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
બહુ બહુ બહુ પાંખો ફરકાવી ફરકાવી ફરકાવીને
રંગો રંગો રંગો ઉડાડી ઉડાડી ઉડાડીને
ઘાસિયાં મેદાનો પર મંડરાઈ મંડરાઈ મંડરાઈને
ફૂલ ફૂલ ફૂલ પર બેસણાં કરી કરી કરીને
સુગંધોને પી પી પીને
આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને
કર્યો છે તરબોળ તરતો તરતો તરતો મારો સમય!
બહુ થયું
હું હવે ઉફરો માર્ગ લેવા ધારું છું
હું ફરી કોશેટાની ઇચ્છા રાખું છું
ફરી કોશેટામાં ભરાઈ
ફરી ઇયળ બની
અંતે
ફરી ઈંડું થઈ ફૂટી જવા ચાહું છું.
હું ગતિ નહીં, હવે સ્થિતિની શોધમાં છું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
મનુષ્યનો સ્વભાવ છે કે જે મળે એની આરત મરી પરવારે. નાનાં હોઈએ ત્યારે ઝડપથી મોટા થઈ જવાનું મન હોય ને મોટા થઈ જઈએ તો ઉમર કેમ છૂપાવવી એની સમસ્યા. પોતાની થાળીમાં ગમે એટલો મીઠો લાડુ કેમ ન હોય, પારકે ભાણે જ એ મોટો લાગશે.
પતંગિયા જેવી રંગીન અને મુક્ત જિંદગીથી નાયક વાજ આવી ગયો છે. એ આ સતત ગતિમય જિંદગીના સ્થાને હવે સ્થિતિમય શાંત જીવન ઝંખે છે. પહેલી સાત પંક્તિઓમાં દસ શબ્દોને ત્રેવડાવીને કવિએ પતંગિયાની પાંખોના ફફડાટને કેવો અદભુત રીતે ચાક્ષુષ કરી આપ્યો છે! સાત-સાત પંક્તિના બે અંતરાની વચ્ચે નાનું અમથું વાક્ય -‘બહુ થયું’- જાણે મિજાગરાનું કામ કરતી હોય એમ અચાનક આ ફૂદકફૂદક ગતિને અચાનક શાંત-સ્થિર કરી દે છે. હવે કોઈશબ્દ ત્રેવડાતો નથી. આ સાત પંક્તિઓમાં ‘હું’ત્રણવાર અને ‘ફરી’ ચાર વાર આવે છે પણ હવે આ પુનરાવર્તન શાંત દૃઢોક્તિનો અહેસાસ કરાવે છે.
અને હા, આ કવિતાને જરા આડી કરીને જુઓ તો! પતંગિયાનો આકાર દેખાય છે?
Permalink
November 15, 2019 at 8:22 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
મળ્યું છે જે કૈં વેદનાથી વધારે
છે સોહામણું એ કલાથી વધારે
અગર જો સજાથી મળ્યું કૈંક ઓછું
થયું છે કશું તો ગુનાથી વધારે
ધર્યો વેશ ભગવો પછી આ દશા છે
ફરકતા રહે છે ધજાથી વધારે
તમે માર્ગ બદલો નહીં એને જોઈ
નથી માગતો કૈં દુઆથી વધારે
કશે પણ ગયા ના, જરા પણ હલ્યા ના
છતાં થાક લાગ્યો હવાથી વધારે
મળ્યો દંડ એનો પછી કોડિયાને
જરા ઝળહળાયું દીવાથી વધારે
બધી વાત અંગત ફકત બે જણાની
બધાને છે રસ બે જણાથી વધારે
– ભાવેશ ભટ્ટ
નવી કલમની મજા એ છે કે એ સરળ ભાષામાં સચોટ વાત કરી શકે છે. આ ગઝલ માણો અને પ્રમાણો…
Permalink
November 14, 2019 at 8:23 AM by વિવેક · Filed under અછાંદસ, અજય સરવૈયા
લાઈબ્રેરીમાં
તમે જો ખોવાઈ જાઓ
તો જ્યાં હો ત્યાં જ ઊભા રહેવું,
સહેજ આસપાસના રેક તપાસવા.
(આ ઘટના જનરલી રેકની આસપાસ જ બનતી હોય છે.)
આમ તો કોઈને પૂછવાની કે
બોલાવવાની જરૂર નથી હોતી.
સાંજે લાઇટો બંધ કરતી વખતે
કોઈ તમારા નામની બૂમ નહીં પાડે.
દરવાજા બંધ કરતી વખતે પણ નહીં.
લાઈબ્રેરીમાં ખોવાવું ને
પુસ્તકમાં ખોવાવું એમાં તાત્ત્વિક ભેદ છે
એવું કેટલાક માને છે,
તમે પુસ્તકમાં ખોવાયા હો તો
જેમના તેમ પાછા નથી ફરતા.
ખોવાવું એ એટલી વ્યગ્ર કરનારી બાબત નથી
જેટલી કે જેમના તેમ પાછા નહીં ફરી શકવું.
બીજી કઈ રીતે કહું?
એટલે કે પાછા ફરનારા ખોવાયેલા જ હોય છે.
– અજય સરવૈયા
કવિતા જે તે સમયના સમાજનો અરીસો હોય છે. આ કવિતાની ભાષા જુઓ. એના શીર્ષક માટે કવિએ ભૂંસાઈ ગયેલ પુસ્તકાલય કે વાંચનાલય શબ્દ વાપરવાના બદલે લાઈબ્રેરી શબ્દ પ્રયોજવું જ યોગ્ય ગણ્યું છે. (એ વાત અલગ છે કે હવે તો લાઈબ્રેરી પોતે જ ભૂંસાવાના આરે છે!) એ જ રીતે લાઇટનું બહુવચન લાઇટ્સના બદલે લાઇટો પણ સાંપ્રત ગુજરાતીનો આયનો છે.
લાઈબ્રેરી હોય કે પુસ્તક, એમાં પ્રવેશનાર પ્રવેશતી વખતે જેવા હોય છે એવાને એવા કદી પરત ફરી શકતા નથી એ હકીકત કવિએ બ-ખૂબી રજૂ કરી છે…
Permalink
November 13, 2019 at 8:42 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.
– મનીષા જોષી
‘ उनको खुदा मिले है खुदा की जिन्हे तलाश, मुज़को तो बस इक ज़लक मेरे दिलदारकी मिले…… ‘
Permalink
November 13, 2019 at 8:27 AM by તીર્થેશ · Filed under ગઝલ, દુષ્યન્ત કુમાર
तुम्हारे पाँव के नीचे कोई ज़मीन नहीं
कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं
मैं बेपनाह अँधेरों को सुब्ह कैसे कहूँ
मैं इन नज़ारों का अँधा तमाशबीन नहीं
तेरी ज़ुबान है झूठी ज्म्हूरियत की तरह
तू एक ज़लील-सी गाली से बेहतरीन नहीं
तुम्हीं से प्यार जतायें तुम्हीं को खा जाएँ
अदीब यों तो सियासी हैं पर कमीन नहीं
तुझे क़सम है ख़ुदी को बहुत हलाक न कर
तु इस मशीन का पुर्ज़ा है तू मशीन नहीं
बहुत मशहूर है आएँ ज़रूर आप यहाँ
ये मुल्क देखने लायक़ तो है हसीन नहीं
ज़रा-सा तौर-तरीक़ों में हेर-फेर करो
तुम्हारे हाथ में कालर हो, आस्तीन नहीं
-दुष्यंत कुमार
એ વાતે પૂરો સભાન છું કે કવિતાની સરખામણી તાર્કિક નથી હોતી, પણ મારાથી મનોમન સરખામણી થઇ તો જાય જ છે…. હિન્દી-ઉર્દૂ કાવ્યમાં જે વિષયનું વૈવિધ્ય હોય છે અને રચનાઓમાં જે ઊંડાણ હોય છે તે અનોખું જ હોય છે. પ્રસ્તુત રચના સરળ છે, પણ તેની વેધકતા-ઇન્ટેન્સિટી તો જુઓ !!!
Permalink
November 9, 2019 at 7:03 AM by વિવેક · Filed under ગીત, ભાનુપ્રસાદ પંડ્યા
તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ !
વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ !
થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું !
અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું !
હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !
ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી !
રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ !
જોયું તો ના નીર અહીં સથવારે નભ ને ઈન્દુ !
અમને લાગી ઠેસ અમે ના મળશું કોઈ મુકામે !
કોઈ લખો કાગળ તો લખજો ‘વહી ગયાં’ ને સરનામે !
– ભાનુપ્રસાદ પંડ્યા
Time-tested!
Permalink
November 7, 2019 at 2:19 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.
કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.
એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.
શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.
– અનિલ ચાવડા
Permalink
November 7, 2019 at 1:42 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?
‘ મરવું’ માંથી વાસ આવે છે
બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,
કોહવાતા લાકડાની,
મરઘાના ખાતરની,
વરસોથી ન ખૂલેલા, હવડ, હવાબારી વગરના
સંબંધની,
‘લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,
હવે શ્રીફળ પધરાવો, ચાર બાજુએ ચાર ચાંદલા કરો,
અક્ષત લગાડો, હાથમાં ચકીને ત્રણ વખત માથે અડાડો,
કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા…મિ…’–ની વાસ આવે છે ‘મરવું’ માંથી.
કૂંપળમાંથી કોલસો
વ્હેલમાંથી તેલ
—કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’
ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,
પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,
ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,
યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું,
તોયે સાલું હેં હેં કરતું ઊભું જ છે, અમર,
આ ‘મરવું’
જોઈએ ત્યારે મારું વા’લું ન મળે,
આડે હાથે મુકાઈ જાય.
ગોતો કેરોસીનના બળબળતા ઉજાસમાં,
રેલવેના આટેપાટે,
છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ,
એકવીસ માળ બાવીસ વાર ચડો
ને ઊતરો,
પણ ગુમ
‘ઠીક ત્યારે, જેવી હરિ ઇચ્છા’ કહીને મન મનાવી લો
ત્યાં જ હસતું હસતું
તમારી બગલમાં સોપારીની જેમ ઊપસી આવે
અને પૂછે,
‘હાઉક! મને ગોતતા હતા?’
– ઉદયન ઠક્કર
માવજત તો જુઓ !!!!!
Permalink
November 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
કહ્યું ‘તું કે જશો નૈં આમ સ્મરણોની ગલીમાંથી,
ધધખતા તાપમાં આવી ગયાને ચાંદનીમાંથી?
તમે દીધેલ આંસુને ય શાહી ઠાઠથી રાખ્યાં,
ન ઉતરવા દીધાં નીચે નયનની પાલખીમાંથી.
હૃદય કાઢી ન લીધું હોય! એવું કેમ વર્તે છે?
ફકત વીંટી જ તો કાઢી છે તારી આંગળીમાંથી!
ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે,
ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી.
ફકત વ્હેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખ્ખા દેશનો એક પાંખડીમાંથી.
– અનિલ ચાવડા
અનિલ ચાવડા કદાચ આજની પેઢીના કવિઓમાં લયસ્તરોનો સૌથી ચહીતો કવિ છે. લયસ્તરો પર એની રચનાઓની સંખ્યા જોઈએ તો એમ લાગે કે એક નાનકડો કાવ્યસંગ્રહ જ આખો અહીં હાજર છીએ. આ સંગ્રહમાં આજે વળી એક રચનાનો ઉમેરો કરીએ…
Permalink
November 1, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પૂછ્યું એણે એક એવું પલાખું,
ભાખું તોયે વેણ હું શુંય ભાખું!
માણ્યું તેમાં મોણ તે શીદ નાખું,
દેખ્યું પેખ્યું જેમનું તેમ દાખું!
સ્વપ્ને જોઉં, તે વળી સ્હેજ ચાખું,
ભૂલી જાઉં, યાદ હું કૈં ન રાખું!
ગ્રીવા ધોળી તે પરે રમ્ય લાખું,
જોતી કેવું મર્મીલું ને મલાખું!
આવો, આવો, ના કદી દ્વાર વાખું,
ખુલ્લું રાખું સર્વદા ગેહ આખું!
– રાજેન્દ્ર શુક્લ
રા.શુ.ની કવિતા ગુજરાતી ગઝલમાં એક અલગ જ ચીલો ચાતરે છે. અન્ય કવિઓને ભારે થઈ પડે અને માંડ હાથ લાગે એવા કાફિયાઓનો ઢગલો લઈને આખેઆખી મત્લાગઝલ લખવી એમને સાવ સહજ છે. ભૂલાતી જતી ગુજરાતીના કેટલાક શબ્દોના અર્થ જાણી લીધા બાદ આ કવિતા અને ભાવકની વચ્ચે આવવું યોગ્ય જણાતું નથી.
પલાખું – આંકના ઘડિયાનો/પાડાનો પ્રશ્ન
ભાખવું – ભવિષ્યકથન કરવું
પેખ્યું – જોવું, દેખવું
દાખવું – દેખાડવું (દાખું – વગડાવવું)
ગ્રીવા – ડોકી
લાખું – શરીર ઉપરનું લાખના રંગનું નાનું મોટું ચકદા જેવું ચિહ્ન કે ડાઘ
મલાખું – બાડું
વાખું – બંધ કરવું ગેહ – ઘર
Permalink
October 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
આજે પાછી સદગત થઈ ગઈ,
ઇચ્છાની આ આદત થઈ ગઈ.
એની સાથે રહેવા માટે
નિષ્ફળતા પણ સંમત થઈ ગઈ.
દુઃખોની જે ઢગલી કીધી;
એ પણ પળમાં પર્વત થઈ ગઈ.
તારી-મારી જૂની વાતો;
બસ, ઓચિંતી સાંપ્રત થઈ ગઈ.
ચર્ચાની વચ્ચે-વચ્ચે પણ
થોડી ચર્ચા અંગત થઈ ગઈ.
બાપા જલ્દી મૃત્યુ પામ્યા!
કન્યા જલ્દી ઓરત થઈ ગઈ.
શ્વાસો લેવાનું મેં છોડ્યું;
તે દા’ડાથી રાહત થઈ ગઈ.
– ભરત ભટ્ટ ‘પવન’
સરળ. સહજ.
Permalink
October 23, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
તિમિર ને તેજનું આ તલમલાતું છળ ઊઘડે
હું આંખ બંધ કરું ને બધાં પડળ ઊઘડે
અનર્થલોકનાં અગણિત ભુવન ને સ્થળ ઊઘડે
શબ્દ પડે ને ગગન સામટું સકળ ઊઘડે
સમયની પાર બીડેલી મિલનની પળ ઊઘડે
યુગોથી જીવમાં થીજેલ કૈં વમળ ઊઘડે
નદી તળાવ સમુદ્રોનાં તળ અતળ ઊઘડે
તમારાં પગલાં પડે ને સમસ્ત જળ ઊઘડે
સુગંધ શ્વાસનાં દ્વારે અડે… ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઊઘડે
– જવાહર બક્ષી
Permalink
October 22, 2019 at 2:29 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
ધોધમાર ચોમાસું ખાબકે ને તોય પછી પથ્થરની આંખો ભીંજાય શું?
અધકચરા માળાને છોડી જાય પંખી તો
વસમું બહુ લાગે છે ડાળને!
એમ કર્યો દૂર તમે જીવનથી જાણે કોઈ
ભોજનમાં આવેલા વાળને!
હોઠે લગાડવાની વાંસળીને પથ્થર પર પટકી પટકીને તોડાય શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
માથા પછાડતા આ દરિયાના કાંઠે હું
જોઉં છું દૂર જતી નાવને,
ઊછળતાં મોજાંના ઘૂઘવાટા વચ્ચે ક્યાં
સાંભળશે એ મારું, “આવને!”
જળમાં જળ ભેળવીને જાય નદી ચાલી તો પાછળ જઈ શકશે તળાવ શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
– અનિલ ચાવડા
રામબાણ વાગ્યા રે હોય તે જાણે….
Permalink
October 19, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
મીઠી મજાની કાલ સુધી તો હતી નજર;
આજે જ કેમ સાફ નથી લાગતી નજર?
ક્યારેક વીંટળાઈ જઈ વેલ થઈ જતી,
ક્યારેક આરપાર મને વીંધતી નજર.
આંખોને ફૂટી પાંખ, ચમત્કાર થઈ ગયો,
મારી ઉપર તો નાખ જરા ઊડતી નજર.
તેથી જ આજકાલ બળે છે ત્વચા ઘણી;
રાખો છો, દોસ્ત! કેમ તમે ચાંપતી નજર?
નજરોની ચાલ જોઈ ‘પવન’ દંગ થઈ ગયો,
થઈ જાય સ્થિર તોય સતત દોડતી નજર.
– ભરત ભટ્ટ ‘પવન’
નજરને કેન્દ્રમાં રાખીને કવિ એક અદભુત રચના લઈ આવ્યા છે. ઊડતી નજર, ચાંપતી નજર જેવા રુઢિપ્રયોગ એવી સહજતાથી ગઝલમાં વણી લેવાયા છે કે વાહ કહી ઊઠવાનું મન થાય. એમાંય મક્તામાં સ્થિર દેખાતી હોવા છતાં દોડતી નજરની લક્ષણિકતા કવિએ જે બખૂબી ઝાલી છે, એ સિફત બહુ ઓછાને હસ્તગત હોય છે.
Permalink
October 18, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક અગ્રાવત
સ્વભાવનાં વહેણમાં
સુકાન, હલેસાં કે લંગરવિહોણી નાવ લઈ
ઝંપલાવ્યું છે.
પવન કહે એ પથ
મોજાંની મરજી એ દિશા
નીકળી પડ્યા લઈ પાણીનો રથ.
દોરડાનો એક પુરાણો ટુકડો
જરઠ વાંસનો સાથ.
…આ ગઈ ગઈ- પડે સામટી ફાળ
ત્યાં તો, ત્યાં તો સાંકડમૂકડ ક્ષણ વચાળ
મળે આછેરી ભાળ!
સરસર સરસર કપાય સમય
હવા બજાવે મીંઢાં મનને :
ક્યાં, ક્યે છેડે જઈશું,
કોણ હશે રાહ જોતું? ક્યાં ક્યાં-
કઈ ભૂમિ પર હશે ઉતરાણ?
હમણાં કંઈ કશી ના જાણ…
‘સમાલ, સમાલ બેલી’
પવન પાતળો રવ ઊઠે
ને રહી જાય!
– રમણીક અગ્રાવત
વાત તો મુસાફરીની છે પણ આ મુસાફરી દુનિયામાં, દુનિયાએ પ્રશસ્ત કરેલા માર્ગો કે મુકામોની નથી. અહીં વાત છે સહજ થવાની. પોતે જે છે, એને યથાતથ સ્વીકારવાની અને સ્વ-સ્વીકૃતિમાં રહેલા જોખમો ખેડવાની તૈયારીની. સુકાન, હલેસાં અને લંગર વગરની નૌકા લઈને સ્વભાવના વહેણમાં ઝંપલાવવાનું છે. સ્વભાવ જેમ વહે એમ વહેવાનું છે. એકવાર સ્વ-ભાવમાં કૂદકો દીધો પછી પવન અને પાણી જેમ દોરે ને જ્યાં દોરે તેમ ને ત્યાં દોરાવાનું. ક્યાં જવાનું છે, ક્યાં પહોંચીશું, કોઈ રાહ જોતું હશે કે કેમ આવા કોઈપણ પ્રશ્નોની તમા રાખ્યા વિના આપણે જેવા છીએ તેવા જ રહીને દુનિયામાંથી પસાર થવાનું છે. પવનથીય પાતળો આત્માનો અવાજ વચ્ચે વચ્ચે સંભાળવાનું કહેતો રહે એ સાંભળીને બસ વહ્યે રાખવાનું છે… આ છે ખરી મુસાફરી.
આમ તો અછાંદસ રચના છે પણ કવિએ પંક્તિએ-પંક્તિએ વહેણની જેમ બદલાયે રાખતો લય અને પ્રાસ ઝાલી રાખ્યા હોવાથી આ મુસાફરીનું સંગીત અનુભવી કાનોમાં રણક્યા વિના નથી રહેતું.
Permalink
October 17, 2019 at 2:15 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય
૧.
આજની છે ઘડી રળિયામણી, કે વગડામાં
કીર,કોયલ,કપિ,મૃગ,મોર બધાં અધ્ધરશ્વાસ!
ગોઠડી એક પછી એક નવી માંડે વ્યાસ
૨.
“સુન્દ-ઉપસુન્દ અસુર ભાઈ હતા,બન્નેમાં
એવો તો સંપ હતો,હેત કરી નવરાવે,
એકબીજાને વળી તાણ કરી ખવરાવે
જેઠનો માસ હતો,લૂ કહે કે મારું કામ!
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
વાયુનું વાળુ ને પાણીનું શિરામણ કરતા
શિખરે ઊભા રહી નામ રટણ પણ કરતા
ઇન્દ્રને ફાળ પડી ફાળ ભરીને આવ્યા,
– સ્વર્ગ છે ગપ,અને વૈકુંઠ શું છે? મોટું ગપ!
ખાઓ,પીઓ ને કરો લ્હેર,મૂકો તપની લપ!
પાંચ-દસ સુંદરી આપી ને સુરા યે રસબસ
એકના બે ન થયા કે ન થયા ટસથી મસ…
બ્રહ્મા પ્રકટ્યા તે પળે વાયુની ડૂંટીમાંથી!
– માગી લો,માગી લો,જે જોઈએ તે માગી લો!
સુન્દ-ઉપસુન્દે તો માગ્યું કે અમર થઈ જઈએ!
– ના હોં, એ તો ન મળે,બીજું કશું પણ માગો!
હાથમાં હાથ પરોવીને કહ્યું બન્નેએ:
– એકબીજાથી જ મરીએ,ન કોઈ ત્રીજાથી!
– ‘ઠીક,’ બ્રહ્માએ કહ્યું સમજી વિચારીને, ‘ભલે!’ ”
૩.
સરવા કાનેથી કથા સાંભળીને શુક પૂછે:
– ને પછી શું?ને પછી શું?ને પછી શું?ને પછી…
૪.
“ધોડતા,ધરણીને ધમરોળતા ભાઈ,ભાઈ!
પળમાં સિંહ થતા વ્યાઘ્ર,તપસ્વીઓને
દાઢમાં રાખતા,દેવોને દબાવી દેતા
રાજવીઓને કચડ ખાતા ભચડ યક્ષોને”
૫.
પાંખ ફેલાવીને ચકરાઈ રહ્યાં છે ગીધો
૬.
“હાવરાબાવરા દેવો ગયા બ્રહ્મા પાસે
વિશ્વકર્માએ તો તિલ તિલ લઈને રત્નોથી
રૂપના પાતળા પર્યાય સમી એક કન્યા
રચી નવરાશથી, ને એને કહ્યું: હે ભદ્રા,
સુન્દ-
ઉપસુન્દ સમીપે જઈને ફૂટ પડાવ!
કહ્યું કન્યાએ, ‘પિતાજી,હું જરા પરકમ્મા
દેવતાઓની કરી લઉં…’ ને એ ફરવા માંડી
જોતાંજોતાં વળી એને વળી જોતાંજોતાં
શિવ ચતુર્મુખ થયા છે,એવું પુરાણો કહે છે”
૭.
આંખને કાણી કરીને કોઈ બગલો બોલ્યો:
– વાત તો સાચી કે ભગવાન બધું જુએ છે
૮.
“મ્હેકની જેમ પવનમાં એ મરકતી આવી
અડખે પડખેથી સરકતી ને થરકતી આવી
ઝાલ્યો કર એકે,ઝુંટાઝૂંટ થઈ,બીજાએ
ઝપઝપાઝપ ત્યાં થયા ખાંડા-ખડગના ઝટકા
ભલ્લ,ભાલોડાં,ભમરભાલા,ગદાના ભટકા
જોતજોતાંમાં અસુર બેલડી કટકે કટકા”
૯.
પશુ-પંખીથી અલગ બેસી રહેલો માણસ
ધાર કાઢી રહ્યો છે ધીરે ધીરે છૂરાની:
– કોણ આ સુન્દ હતો?ધ્યાન નહોતું મારું…
પશુ ને પંખી સહુ તાકી રહે માણસને
– અને ઉપસુન્દ વળી કોણ હતો,એ ક્હેશો?
પશુ ને પંખી સહુ તાકી રહે માણસને
– ઉદયન ઠક્કર
————
સંદર્ભ: મહાભારત,આદિપર્વ
મહાભારતના આદિપર્વમાં સુન્દ અને ઉપસુન્દ બે ભાઈઓની ઉપકથા આવે છે. બંને ભાઈઓ… સૉરી, વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. માત્ર સૃષ્ટિની તમામ સુંદર વસ્તુઓ પાસેથી તલ-તલભાર સૌંદર્ય લઈને બ્રહ્માએ વિશ્વકર્મા કને જે સુંદરીનું સર્જન કરાવ્યું એનું નામ તિલોત્તમા હતું એટલી હકીકત હું ઉમેરી દઉં છું. ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાતા ગઝલનો છંદ લઈને કવિએ મીની-ખંડકાવ્ય રચ્યું છે, અને એને નવ ખંડોમાં વહેંચી દીધું છે. માત્ર એક પંક્તિથી લઈને ઓગણીસ પંક્તિઓ સુધીની અનિયત પંક્તિસંખ્યા આ ખંડોમાં જોવા મળે છે.
મહાભારતની આ ઉપકથા શું આ બે ભાઈઓના મૃત્યુ સાથે સાચે જ પૂરી થઈ ગઈ હતી? કે સુન્દ અને ઉપસુન્દ કદી મર્યા જ નથી? આપણે બસ, આ જ સમજવાનું છે,…
Permalink
October 16, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.
તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.
ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.
– મનોજ ખંડેરિયા
હું તો મક્તાથી જ ઘાયલ થઇ ગ્યો…..
Permalink
October 15, 2019 at 8:27 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !
રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !
ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની ;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?
જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને,
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !
ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !
ઉડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !
ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !
– શેખાદમ આબુવાલા
જો શેખાદમ હયાત હોતે તો આજે તેઓ 90 પૂરા કરતે ! મને નાનપણથી જ ગમતા આ શાયર…..ઘણા શાસ્ત્રીય કસબીઓ તેઓને બહુ મહત્વ નથી આપતા પણ મને તો કાયમ તેઓ ગમતા જ રહ્યા છે.
Permalink
October 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ માણેક 'ચાતક'
ન ચર્ચા, ન ચોવટ, ન વાતો કરી છે
નીરવ મૌનની એ ક્ષણો આકરી છે.
ન અફવા, ન બણગા, ન ખોટું કહીશું
જરા સત્ય બોલ્યું, જુબાં પણ ડરી છે.
ન દિવસે, ન માસે, ન વર્ષે મળી તું
ફકત તું મળે એ ક્ષણો કરગરી છે.
ન વર્ષા, ન ઝરમર, ન ફોરાં, કશું ના
છતાં આભમાં સપ્ત રંગી પરી છે.
ન શબ્દો, ન છંદો, ન શેરો સમજતા
તમારી કૃપા કાવ્ય થૈ અવતરી છે.
– વિનોદ માણેક ‘ચાતક’
ગીત જે રીતે ધ્રુવપંક્તિ પકડીને વર્તુળાકાર ગતિ કરે એ જ રીતે પાંચેય શેરના ઉલા મિસરામાં ત્રણ નકાર પકડીને આગળ વધતી આ ગઝલ કેવી મજાની થઈ છે! હા, બીજા શેરમાં કથન થોડું ખટકે છે એ નિવારી શકાયું હોત તો સારી ગઝલ ઉમદા ગઝલ બની હોત.
Permalink
October 11, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
પ્રથમ છોડ રૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતી ઉખાડે છે કોઈ!
જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !
વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !
થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે ‘શબનમ’ ને ફૂલો અડાડે છે કોઈ.
– શબનમ
કલાપીની અમર પંક્તિ -‘જે પોષતું એ મારતું, એવો દીસે ક્રમ કુદરતી’- યાદ આવી જાય એવો મજાનો મત્લા. પણ ખરી મજા તો પ્રિયજનની પ્રતીક્ષામાં કમાડે ટકોરાના ભણકારા સાંભળતા કાન આંખનું કામ કરતા થઈ ગયા હોવાનો જે ઇન્દ્રિયવ્યુત્યય કવયિત્રી લઈ આવ્યાં છે એમાં છે. વાંસળીવાળાની ધૂન પર મદહોશ થઈ દોરાતા ઉંદરોની વાર્તા યાદ કરાવતો શેર તો સ-રસ જ થયો છે, પણ મક્તા તો ભઈ, વાહ! આમ તો ફૂલ પર ઝાકળ હોય એટલે ઝાકળ ફૂલોને અડતી હોય એવું આપણને લાગે પણ તિર્યક દૃષ્ટિએ જગત જુએ નહીં એ કવિ શાનો? અહીં ફૂલને ઝાકળ નહીં, ઝાકળને ફૂલ કોઈક અડાડી રહ્યું છે અને ફૂલના બદલે ઝાકળ ખીલી ઊઠ્યું છે, સૉરી ‘શબનમ’ ખીલી ઊઠી છે!! પોતાના નામનો કેવો અર્થસભર અને ચપોચપ પ્રયોગ!
Permalink
October 10, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિરેન ગઢવી
જે ક્ષણ સમય નવાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
મન મોહતા અવાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
ધ્રિબાંગ ઢોલ બાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
ઘૂંઘટમાં ફૂલ લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
ના જાણું કોના કાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
અંતરમાં મારા આજે ધ્રિબાંગ ઢોલ બાજે.
હાલત નથી એ દિલની ઉજવે પ્રસંગ કોઈ,
શું થાય ! લોક લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
કોઈના આંખે આંસુ, કોઈને મસ્તી મોઘમ,
આ કેવા રે મિજાજે ધ્રિબાંગ ઢોલ બાજે !
જીવ્યો છે ભવ્ય જીવન સાબિત થઈ રહ્યું છે,
જો ! રંકના જનાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
એ નાદ એ હદે આ માનસ ઉપર છે હાવી,
લાગે બધાય સાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
– હિરેન ગઢવી
નાદસૌંદર્ય કવિતાનું અભિન્ન અંગ છે. નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાંથી શ્રીકૃષ્ણ ઝૂલે ઝૂલતા હોય એવું સંગીત સંભળાય છે તો કાન્તના ‘સાગર અને શશીનો ઝૂલણા દરિયાના મોજાંની આવ-જાનું સંગીત તાદૃશ કરી આપે છે. શ્રીધરાણીના ‘ભરતી’ કાવ્યમાં સમુદ્રમાંથી ઊઠતા મોજાંઓ હજારો ઘોડાઓ કૂચે ચડ્યા હોય એવો નાદ જન્માવી અવનિ-આભને ભરી દે છે. હિરેન ગઢવીની આ ગઝલમાંથી એ જ રીતે ધ્રિબાંગ ધમ ધ્રિબાંગ ધમ ઢોલ બાજતો ન સંભળાય તો કહેજો…
Permalink
October 9, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.
આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.
ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે ?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની ?
– હરીન્દ્ર દવે
પ્રેમની ભાષા કાલાતીત છે…..
Permalink
October 8, 2019 at 8:20 AM by તીર્થેશ · Filed under ગીત, સિતાંશુ યશશ્ચંદ્ર
લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.
શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.
મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.
અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. [ લાતી = કોઠી ]
એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.
પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.
પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.
સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.
બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?
કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.
ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.
ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.
બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.
નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.
બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.
અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.
– સિતાંશુ યશશ્ચંદ્ર
ધીમી ગતિએ આગળ વધતું માવજતથી ગૂંથવામાં આવેલું નાજુક ગીત…..સંદેશ સ્પષ્ટ છે, માવજત મોહક છે.
Permalink
October 5, 2019 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
છે આકરા પ્રહાર પણ જવાબ આપવો નથી,
નથી સ્વીકારી હાર પણ જવાબ આપવો નથી.
મલમ લગાવશું નહીં આ ઘાવ તાજો રાખશું,
છે તીર આરપાર પણ જવાબ આપવો નથી.
જવાબ આપીએ નહીં, હા! એ સ્વંય જવાબ છે,
કરી દીધો છે વાર પણ જવાબ આપવો નથી.
સમય જરૂર આવશે સમય જવાબ આપશે,
ઘસીશું શબ્દ ધાર પણ જવાબ આપવો નથી.
જો એક મારશું તો દસ ઉભા થશે એ રાવણો
ટકી જશું ધરાર પણ જવાબ આપવો નથી.
– પારુલ ખખ્ખર
‘જવાબ આપવો નથી’નો ટંકાર કરતાં-કરતાં કવયિત્રી જવાબના કેવા તાતા તીર ચલાવે છે એ જુઓ…
Permalink
October 4, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
શ્રદ્ધા બિચારી-બાપડી થઈને ઉભી રહી,
શંકા હતી તે ખાતરી થઈને ઉભી રહી.
પંપાળ્યે રાખી પ્રેમથી તો કદ વધી ગયું,
ચપટીક ચિંતા, ગાંસડી થઈને ઉભી રહી.
તપતા રહ્યા તે આખરે પાક્કા બની ગયા,
તકલીફ એવી તાવડી થઈને ઉભી રહી.
વાંચ્યું’તું ખૂબ તક વિશે,પણ ના કળી શક્યા,
પહેલી હતી તે આખરી થઈને ઉભી રહી.
છે ભૂલ એનું નામ ! એ ભૂલ્યા’તાં આપણે,
એની હતી એ આપણી થઈને ઉભી રહી.
– ડૉ.મનોજ જોશી ‘મન’
મત્લા જ ‘મન’ જીતી લે એવો બળકટ થયો છે. સાવ સાચી વાત. આજે આપણે જે યુગમાં જીવી રહ્યાં છીએ, એમાં શ્રદ્ધા સાવ બિચારી ને બાપડી બનીને રહી ગઈ છે ને શંકા હિમાલય જેવું નક્કર સત્ય બની ગઈ છે. બીજા શેરમાં ‘ચિંતા બડી અભાગની’ની વાત કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે! સમય પર ત્યાગ ન કરીએ અને પંપાળીએ તો ચપટીભર ચિંતા ગાંસડી બની જઈ આપણને કચડી નાંખવામાં વાર નથી લગાડતી. ને તકલીફની તાવી પર જે તપ્યે રાખે એ પાકા બની જાય છે એ વાત પણ સ-રસ. જો કે તાવડીના સ્થાને નિંભાડો કે ભઠ્ઠી શબ્દ વધુ અપેક્ષિત લાગે છે. તક અને ભૂલ વિશેના શેર પણ આસ્વાદ્ય થયા છે.
Permalink
October 3, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, રૂપસિંહ વાઘસિંહ રાઠોડ
(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)
ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.
– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ
લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.
દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?
Permalink
October 2, 2019 at 3:38 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ

(શિખરિણી)
અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને !
ગયા- ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા !
તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન:
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.
ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું ?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની ?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ ?
હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો ! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે ?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે ?
(અનુષ્ટુપ)
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘટ
અક્ષુણ્ણ ધરતીતીરે પ્રગટાવ, મહા નટ !
– સુન્દરમ્
(૧૫-૦૨-૧૯૪૮)
આ અવનિ પર ગાંધીજીએ પ્રથમ શ્વાસ લીધો એને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં. દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના અવસાનના પંદર દિવસ પછી લખાયેલું આ કાવ્ય આપ સહુ માટે રજૂ કરીએ છીએ..
કળી ન શકાય એવી સફર સાધીને ગાંધી તો ચાલતા થયા પણ આ શાંતિપ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે જે આંધી સર્જાય, એ એમની શાંતિપ્રિયતાથી શું વિપરિત નહોતી? શું એ ગાંધીને છાજે ખરું? જાઉં છું એવું કહેવાય એ રોકાયા નહીં, ને ઘડીભર તો પૃથ્વીનું હૈયું પણ સ્થિર થઈ ગયું. અજાતશત્રુ ગાંધીજીની શત્રુતા દુનિયાભરની શત્રુતાની સામે હતી. દુનિયામાંથી વેરભાવ મિટાવી દુનિયાને પ્રણયની વેદી બનાવવી એ એમની એકમાત્ર ઇચ્છા હતી. અને આ સંગ્રામમાં તેઓ માત્ર પ્રભુનામનું કવચ પહેરીને કૂદી પડ્યા હતા. ગાંધી-સાધી અને આંધીનો આંતર્પ્રાસ રચનાને બળકટતા આપે છે.
ત્રણ ગોળી સનન કરતી વીંધી ગઈ, એ બતાવવા કવિએ વાપરેલ ત્રણ અક્ષરનો સ-ન-ન ત્રણ ગોળીઓ જેવો ભાસે છે. આ કવિકર્મની કમાલ છે. ‘અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ’ –અહીં પણ જે નાદસૌંદર્ય જન્મ્યું છે એ કાવ્યની કરુણાને વધુ ઘેરી બનાવે છે. પૃથ્વી પરનાં સૌ રુદન દૂર કરી શકે એ પહેલાં જ ગાંધી વિદાય થયા એટલે રુદન ઓર વધી ગયાં. કાવ્યાંતે કવિ આ મહા નટને અરજી કરે છે કે એના સત્ય અને આનંદનો ઘડુલો ધરતીના કાંઠે પ્રગટાવે… એની અનુપસ્થિતિમાં એણે કરેલા કાર્યો અને એણે ચીંધેલા માર્ગે ચાલીને આપણે પરમ શાંતિ અને ચરમ આનંદની પ્રાપ્તિ કરીએ…
Permalink
October 2, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
હથેલીઓમાં ફૂલ હોય ને તોય લાગતું; જાણે અંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
હું ને તું ના કાંઠા તોડી એક થઈને વહીએ આપણ
પ્રથમ મિલનના મૌનને તોડી, કહેવું છે તે કહીએ આપણ
સ્નેહ જીવનમાં અહમ્ આપણો ઓગળી રહેશે નિત્ય નિરંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
મળવાની મોસમ છલકી છે, શાને અળગાં રહીએ આપણ?
ફૂલ પાંખડીનું અંતર પણ, શાને સ્હેજે સહીએ આપણ?
શ્વાસ શ્વાસમાં ગૂંજી રહ્યો છે આઠ અક્ષરનો મીઠો મંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
એકમેકને ચાહીએ એવું, ગગન ધરા થઈ, બેઉ આપણ
બંને તરસ્યા, બંને વરસ્યા, ભીંજવતા ભીંજાયા આપણ
વરસીને પણ કોરાં રહીએ એવું તે કૈં હોય સદંતર?
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
– તુષાર શુક્લ
મુગ્ધતા પછીની અવસ્થાનું કાવ્ય જાણે કે…..
Permalink
October 1, 2019 at 9:50 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
તારી ચોકલેટી ઇચ્છા પર મારો મુકામ
થાક જીવતરનો સ્હેજ હું ઉતારું
તારી એ ચાખેલી ચ્યુઇંગમને ચગળીને
તરફડતા દિવસોને કાઢું
એક ચ્યુઇંગમ પર જાતને જિવાડું
ચ્યુઇંગમનાં નારંગી મોસંબી અજવાળાં
મારે અંધાર સમે ટેકો
ચ્યુઇંગમથી અળગી હું જાત કરું લાગે કે
આત્માને ખોળિયાથી ફેંક્યો
રૅપરમાં વીંટેલી ચ્યુઇંગમની જેમ
મારા શ્વાસ તને ક્યાંથી વીંટાળું…એક ચ્યુંઇગમ
ચ્યુઇંગમના રસ્તા કે તારી એ યાદો કે
મારી આ લાગણી ના ખૂટે
ભીતરમાં જેમ તને મમળાવું એમ મારી
એક નસ તંગ થઈ તૂટે
ચ્યુઇંગમની જેમ તને ચાખીચાખીને
આંખ શબરીની જેમ હું પલાળું…એક ચ્યુંઇગમ
અહીં સહુકોઈ પોતાની ચ્યુઇંગમ મમળાવે
ને સહુકોઈ એના બંધાણી
ચ્યુઇંગમ એ કાંઈ નથી બીજું કે
યાદ કોક આવે ને લાવી દે પાણી
ચ્યુઇંગમ તો ચોંટે પણ જન્મારો જેનામાં
ચોંટે એ ક્યાંથી ઉખાડું…એક ચ્યુંઇગમ
– મુકેશ જોષી
વિષયનું નાવીન્ય જ માત્ર મહત્વનું નથી, આવા અઘરા વિષય ઉપર અર્થગંભીર વાત કરવી એ સિદ્ધહસ્તતાની નિશાની છે….છેલ્લા અંતરામાં કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ થઇ જાય છે….
Permalink
Page 28 of 118« First«...272829...»Last »