રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

દુઃસ્વપ્ન – મણિલાલ હ. પટેલ

ગામ પાછું સપનામાં આવ્યું છે:
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે…

આંબલીના પોલા થડમાંથી, સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે…

વચલા ફળિયાના પીપળ-ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગુપચુપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજુ રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે…

રમજુડા ભૂવાએ ધૂણીધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યું છે
અંધારું મને નેળિયા બહાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે – અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું: પરસેવે રેબઝેબ

– મણિલાલ હ. પટેલ

ગામનો આદમી ગામ છોડીને શરે આવી જાય ત્યારે શરીર જ શહેરમાં આવે છે, એનો જીવ તો ગામમાં જ રહી જાય છે પાછળ. પણ આજે પરિસ્થિતિ એવી છે કે આખેઆખા ગામડાં શહેરમાં ઠલવાવા માંડ્યા છે. ગામના કૂવા હવડ થઈ ગયા છે ને શેરીઓમાં સન્નાટો ફેલાઈ વળ્યો છે. મકાનોના દરવાજા હવે કાયમ માટે બંધ રહે છે અને પીપળાના ચોરા પર કદાચ દેવલોક થયેલા વડવાઓ આવે તો આવે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે… ગામડું હવે દુઃસ્વપ્ન બનીને સતાવે નહીં તો જ નવાઈ…

2 Comments »

  1. Parbatkumar nayi said,

    December 13, 2019 @ 8:19 AM

    અહા
    ગામડું…..

    ગાર-માટી-છાશ ચાલી તોરણો ચાલ્યાં ગયાં,
    ગામમાંથી ચોર પગલે સગપણો ચાલ્યાં ગયાં.
    પરબતકુમાર નાયી દર્દ

  2. pragnajuvyas said,

    December 13, 2019 @ 9:34 AM

    સ રસ અછાંદસનો ડો વિવેકે સુંદર આસ્વાદ કરાવ્યો ધન્યવાદ
    શ્રી મણિલાલ હ. પટેલને ગ્રામપ્રદેશ સાથે અનન્ય લગાવ હોવા છતાં પણ તેમને શહેરમાં રહેવું પડે છે. ત્યારે તેમની કેવી વેદના થાય છે તેનો ચિતાર મળી રહે છે. . કાવ્યનાયકને પોતાનું ઘર-ગામ યાદ આવતાં તે બોલી ઉઠે છે.
    ગામ પાછું સપનામાં આવ્યું છે:
    હવડ કૂવામાંથી નીકળેલી રાતે
    અહીં કાવ્યનાયકના ચિત્તમાં જૂની યાદો સળવળી ઊઠતા
    મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
    અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
    અહીં આંતરપ્રાસનું સંયોજન અને શબ્દના પુનરાવર્તન દ્વારા સુંદર લયાત્મકતા પ્રગટી છે જે કાવ્યના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે.
    સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
    મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે
    કવિએ ગામડાની પ્રકૃતિ અને લોકસંસ્કૃતિની ગામડું હવે દુઃસ્વપ્ન બનીને સતાવે છે.
    કવિના સજાગ કતૃત્વ વડે યોગ્ય શબ્દોની ગોઠવણથી આગવા પ્રકારનો લય નિપજી આવ્યો છે તેના કારણે કાવ્યના સૌંદર્ય પણ વધારો થાય છે. –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment