વાંસળી હૃદયની – શેખાદમ આબુવાલા
નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !
રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !
ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની ;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?
જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને,
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !
ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !
ઉડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !
ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !
– શેખાદમ આબુવાલા
જો શેખાદમ હયાત હોતે તો આજે તેઓ 90 પૂરા કરતે ! મને નાનપણથી જ ગમતા આ શાયર…..ઘણા શાસ્ત્રીય કસબીઓ તેઓને બહુ મહત્વ નથી આપતા પણ મને તો કાયમ તેઓ ગમતા જ રહ્યા છે.
Bharat Bhatt said,
October 16, 2019 @ 11:39 PM
શેખ આદમને યાદ કરી તેમની આ સુંદર રચના મુકવા બદલ આભાર .તેમના ઘણા મુક્તકો સમાજની આરસી છે . એટલેજ “આદમથી શેખ આદમ સુધી” છે.
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
October 18, 2019 @ 11:21 PM
સરસ,સરસ……