હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

સૂફીનામા : ૦૧ : વાસ્તવિકતા – રાબિયા

પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે.
વાણી જન્મે છે વિરહમાંથી,
હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.
જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય
તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?
વળી તમારું અસ્તિત્વ હજુ જેના સ્વ માં છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
વળી જે તમારી યાત્રાની નિશાનીરૂપે જીવંત છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?

– રાબિયા

In love, nothing exists between heart and heart.
Speech is born out of longing,
True description from the real taste.
The one who tastes, knows;
the one who explains, lies.
How can you describe the true form of Something
In whose presence you are blotted out?
And in whose being you still exist?
And who lives as a sign for your journey?

-Rabia al-Adawiyya

મંદિરમાં જેમ ગર્ભગૃહ, મહાભારતમાં જેમ ગીતા તેમ ઇસ્લામમાં સૂફી. ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો જે સ્થાન ઝેનનું બૌદ્ધપંથમાં છે તે જ સ્થાન સૂફીનું ઇસ્લામમાં છે. ઇસ્લામનો પાયો અદ્વૈત નથી. સૂફીમાં અદ્વૈતનો ઈશારો છે. ‘અનલહક’ એ અદ્વૈતનો ઉદ્દગાર છે. અદ્વૈતની ઉદ્દઘોષણા છે. સૂફીની કોઈ સ્પષ્ટ મર્યાદિત વ્યાખ્યા નથી. ઈશ્વરને પ્રિયતમ સ્વરૂપે અનુભવવો, માશૂક સરીખો સંવાદ સાધવો, સખાભાવે ઝઘડવું-રૂઠવું-રીઝવું… આ બધા સૂફીના સ્વભાવ-સ્વરૂપ. જયારે કોઈક સાધક ઈશ્વરના પ્રચલિત ખ્યાલને વીંધીને ઈશ્વર-તત્વનું ચિંતન કરે ત્યારે તે સૂફી-ભોમકામાં પદાર્પણ કરે. જલાલુદ્દીન રૂમીએ સૂફી પરંપરામાં એવું મોટું સિમાચિહ્ન સર્જ્યું છે કે ત્યાર બાદના તમામ સૂફીપરંપરાના સર્જનો એ જ માપદંડે મપાય છે. અસંખ્ય સાધકોએ આ પરંપરામાં અદભૂત સર્જન આપ્યા છે.

પ્રસ્તુત રચના એક લાક્ષણિક સૂફી કાવ્ય છે- સંપૂર્ણપણે અદ્વૈતનું ગાન !! એક ગુલામડી તરીકે યુવાન થનાર બહેન ઇસ્લામની પૂજ્ય સંત બને છે સાતમી સદીના અતિરૂઢીચૂસ્ત સમાજમાં. તેઓએ પરમતત્વને આત્મસાત કર્યું હતું, અને સ્પષ્ટ કહે છે કે “પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે” – દ્વંદ્વ શમે છે ત્યારે પ્રેમ જ રહી જાય છે, બીજું કશું હોતું નથી. કિરણ અને સૂર્ય અલગ નથી, બૂંદ અને મોજું અને સાગર અલગ નથી. અલગતાની જનની ભ્રમણા છે. ઈશ્વરને શોધવો નરી મૂર્ખતા છે.

2 Comments »

  1. pragnajuvyas said,

    December 4, 2019 @ 4:54 PM

    જાણીતી વાત છે કે ઈશ્કએ સૂફીવાદ નું દૈવત છે..સુફીવાદમાં ઇશ્વરનો સંદર્ભ ત્રણ મુખ્ય સંજ્ઞાઓથી વ્યક્ત થયો છે, તે છે પ્રેમી, પ્રેમભાજન અને વહાલો, જેમાં છેલ્લી સંજ્ઞા સુફી કવિતાઓમાં ઘણી વાર જોવા મળે છે.સુફીવાદનો સામાન્ય દ્રષ્ટિકોણ એવો છે કે પ્રેમ દ્વારા માનવજાત તેની આંતરિક નિર્મળતા અને ગૌરવ તરફ પાછી વળી શકે છે
    મા તીર્થેશભાઇએ સંત રાબિયાની રચનાનુ સ રસ રસદર્શન કરાવ્યું.’જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?’ છે’
    ‘હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
    જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;’
    એ અનુભવવાની વાત છે તેથી તેનુ વર્ણન ન થઇ શકે.

  2. ધવલ said,

    December 5, 2019 @ 7:57 AM

    જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
    જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.

    – ખરી વાત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment