ચાલુ છું…. – ‘રુસ્વા’ મઝલૂમી
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું.
જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.
પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું.
ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું.
થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.
– ‘રુસ્વા’ મઝલૂમી
pragnajuvyas said,
December 18, 2019 @ 12:18 PM
જનાબ રુસ્વા મઝલૂમીસાહેબની ખુમારી અને જુસ્સાથી તરબતર ગઝલ…
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું.
અફલાતુન મત્લા
બુધ્ધિના ઇશારે પાપ ધોવાની કે પુણ્ય પામવાની કોઇ ગણત્રી નથી હ્રુદયનો હુકમ સદા જીવનની ઉર્ધ્વ ગતિનો છે. હ્રુદય પૂર્ણતાનો એહસાસ કરાવે છે તેને રોકવાની બુધ્ધિની હેસિયત નથી
જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.
જીવનનો ખરો લ્હાવો સાગરની ગહનતામા પ્રવેશવાનો છે
વિસામાને આરામ વિરામના પ્રલોભનોને ફગાવી ઉત્સાહથી ચાલે છે.રુકના મૌતકી નીશાની શાણપણને સમજે છે.ખુદ્દારી અને ખુમારીથી પોતાના વિચારો પર ચાલવું તે ગૌરવ છે,
યાદ આવે ઘાયલસાહેબ
આન ને બાન એટલે રુસ્વા ઠાઠ અને શાન એટલે રુસ્વા
નથી પાસે જમીન કે જાગીર છતાં સુલતાન એટલે રુસ્વા
મીર ગાલિબનો દાગ મોમિનનો એક દીવાન એટલે રુસ્વા ઘાયલ