ખેડૂતની ભૂખ શું ભાંગે? – રૂપસિંહ વાઘસિંહ રાઠોડ
(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)
ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.
– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ
લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.
દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?