ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.
– દિલીપ રાવલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુસાફરી – રમણીક અગ્રાવત

સ્વભાવનાં વહેણમાં
સુકાન, હલેસાં કે લંગરવિહોણી નાવ લઈ
ઝંપલાવ્યું છે.
પવન કહે એ પથ
મોજાંની મરજી એ દિશા
નીકળી પડ્યા લઈ પાણીનો રથ.
દોરડાનો એક પુરાણો ટુકડો
જરઠ વાંસનો સાથ.
…આ ગઈ ગઈ- પડે સામટી ફાળ
ત્યાં તો, ત્યાં તો સાંકડમૂકડ ક્ષણ વચાળ
મળે આછેરી ભાળ!
સરસર સરસર કપાય સમય
હવા બજાવે મીંઢાં મનને :
ક્યાં, ક્યે છેડે જઈશું,
કોણ હશે રાહ જોતું? ક્યાં ક્યાં-
કઈ ભૂમિ પર હશે ઉતરાણ?
હમણાં કંઈ કશી ના જાણ…
‘સમાલ, સમાલ બેલી’
પવન પાતળો રવ ઊઠે
ને રહી જાય!

– રમણીક અગ્રાવત

વાત તો મુસાફરીની છે પણ આ મુસાફરી દુનિયામાં, દુનિયાએ પ્રશસ્ત કરેલા માર્ગો કે મુકામોની નથી. અહીં વાત છે સહજ થવાની. પોતે જે છે, એને યથાતથ સ્વીકારવાની અને સ્વ-સ્વીકૃતિમાં રહેલા જોખમો ખેડવાની તૈયારીની. સુકાન, હલેસાં અને લંગર વગરની નૌકા લઈને સ્વભાવના વહેણમાં ઝંપલાવવાનું છે. સ્વભાવ જેમ વહે એમ વહેવાનું છે. એકવાર સ્વ-ભાવમાં કૂદકો દીધો પછી પવન અને પાણી જેમ દોરે ને જ્યાં દોરે તેમ ને ત્યાં દોરાવાનું. ક્યાં જવાનું છે, ક્યાં પહોંચીશું, કોઈ રાહ જોતું હશે કે કેમ આવા કોઈપણ પ્રશ્નોની તમા રાખ્યા વિના આપણે જેવા છીએ તેવા જ રહીને દુનિયામાંથી પસાર થવાનું છે. પવનથીય પાતળો આત્માનો અવાજ વચ્ચે વચ્ચે સંભાળવાનું કહેતો રહે એ સાંભળીને બસ વહ્યે રાખવાનું છે… આ છે ખરી મુસાફરી.

આમ તો અછાંદસ રચના છે પણ કવિએ પંક્તિએ-પંક્તિએ વહેણની જેમ બદલાયે રાખતો લય અને પ્રાસ ઝાલી રાખ્યા હોવાથી આ મુસાફરીનું સંગીત અનુભવી કાનોમાં રણક્યા વિના નથી રહેતું.

Comments (1)

તળમાં ઊતર્યું તળાવ – રમણીક અગ્રાવત

તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ,
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર,
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે.
બૂઢાં ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.

– રમણીક અગ્રાવત

સ્વરૂપની દૃષ્ટિએ આમ તો આ કાવ્ય અછાંદસ છે પણ પહેલી બે પંક્તિ પ્રાસસહિત ગીતના ચાલમાં ચાલે છે એ જોતાં જ ઉમાશંકર જોશીનું ‘એક પંખીને કંઈક…’ કાવ્ય યાદ આવી જાય જેમાં પહેલી પંક્તિ છંદમાં લખીને કવિએ અછાંદસ કાવ્ય સિદ્ધ કર્યું છે.

સ્વરૂપને બાજુએ રાખીને કવિતા પર નજર માંડીએ તો તરત સમજાય છે કે કવિએ સાવ અનૂઠી રીતે દુષ્કાળગ્રસ્ત ઉનાળાનું વર્ણન કર્યું છે. તળાવની વચ્ચે પાણી નથી, તરસ છે અને બાવળની સજ્જડ ચોકી તો જાણે આપણી છાતી જ ભીંસતી હોય એવી અનુભવાય છે. અવ્વાવરુ પીપળાની ઉપર પાંદડા નથી બચ્યાં તો નીચે મૂળમાં પણ ઉધઈના પોડાં બાઝ્યાં છે. ગામમાં પણ કોઈ બચ્યું નથી એટલે કવિ ગામને બૂઢું કહે છે… સલામ, કવિ!

Comments (4)

સપ્તપદી – રમણીક અગ્રાવત

M7
.                    (ચિત્ર સૌજન્ય: નૈનેશ જોશી)

*

સામાજિક કારણોસર આવતા અઠવાડિયે અમેરિકાની ટૂંકી મુલાકાતે જઈ રહ્યો હોવાથી આવનાર પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર કદાચ ન આપી શકાય એ માટે ક્ષમા પ્રાર્થું છું.

-વિવેક

*

જળ લઈ હથેળીમાં
ખળખળતાં નિત્ય વહેવાનું
જળસાક્ષીએ લીલું પ્રણ લઈએ.

આ અગ્નિ છે મધ્યસ્થ
કરશું ને ઠારશું બનતું
અગ્નિસાક્ષીએ સંતપ્ત પ્રણ લઈએ.

ધરજે હળવે હળવે પગ
ધરતીખોળે સાથોસાથ ડગ માંડવાનું
અડગ પ્રણ લઈએ.

ફરફરતી લટ તારી મને બાંધે
નહીં થવા દઈએ સખ્ય વાયવીય કદીય
વાયુસાક્ષીએ અફર પ્રણ લઈએ.

હોય બધે પણ દેખાય નહીં ક્યાંય
અવકાશસમ પ્રણયમત્ત રહીશું
…પ્રણ લઈએ.

ફૂલગજરા, વેણીમાં મરકતી સેવંતી
ગુલાબ માળા, વરસતી પાંખડીઓ :
સૌરભસાક્ષીએ
નિર્મળતા જીરવવાનું પ્રણ લઈએ.

સ્વજન, સ્નેહીઓ, ગુરુજનો
તમારી સાક્ષીએ સોંપાઈએ પરસ્પરને
ઊજવશું ઐક્ય
પ્રણપૂર્વક પ્રણયપથ લઈએ.

– રમણીક અગ્રાવત

લયસ્તરો પર આવતીકાલથી એક નવી જ ‘ફ્લેવર’ના કાવ્યોનો રસથાળ એક વિશેષ પ્રસંગ નિમિત્તે પીરસાનાર છે એની પૂર્વતૈયારીરૂપે રમણીક અગ્રાવતની આ કવિતા…

‘અવસર આવ્યા આંગણે’  – આ કાવ્ય સંગ્રહમાંથી લોકગીતના ઢાળે ચાલતું આ લગ્નગીત સાભાર લીધું છે.  કવિએ એમના પુત્ર-પુત્રવધૂના લગ્ન નિમિત્તે લગ્નના ભાતીગળ પાસાંઓને આવરી લેતાં લોકબોલીમાં લખેલા લગ્નગીતોનો આ વિશિષ્ટ સંપુટ છે જેમાં કંકોતરી, નોતરું, વડી-પાપડ, પ્રભાતિયું, સાંજી, વધામણી, ગણેશસ્થાપન, માણેકસ્થંભ, મામેરું, અંઘોળ, ઉકરડી, વરઘોડો, અણવર, પોંખણું, કન્યાવિદાય જેવા તમામ પાસાંઓ પરની ગીતરચનાઓ સમાવિષ્ટ છે. દરેક પ્રસંગને અનુરૂપ રેખાચિત્રો અને દરેક પ્રસંગની લાક્ષણિક્તાઓનો ટૂંકો આલેખ પણ અહીં સામેલ છે. ટૂંકમાં, ગુજરાતના ગામડાંઓમાંથી પણ હવે ભૂંસાતા જતી લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દરેક ગુજરાતીના ઘરમાં હોવો ઘટે…

Comments (8)

પગલું – આલ્બર્ટ આઈન્સ્ટાઈન (અનુ. રમણીક અગ્રાવત)

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.

મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી

અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.

– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
અનુવાદ : રમણીક અગ્રાવત

E=MC2 જેવો સાપેક્ષવાદનો અટપટો સિદ્ધાંત આપનાર વીસમી સદીના મહાનતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કલમ લઈ ક્યારેક કવિતા પર પણ હાથ અજમાવતા હતા એવું જાણીએ તો સાશ્ચર્યાનંદ જ થાય ને ! કવિ મુસાફરીની વાત લઈને આવે છે અને જીવનમાં આપણે નાનાવિધ સ્વરૂપે જે જે સફર અનવરતપણે કરતા રહીએ છીએ એ બધાની વાત કરે છે. યાદી લંબાતી જાય ત્યારે એમ થાય કે વૈજ્ઞાનિક કવિતામાં પણ સમીકરણો લઈને બેસી ગયા કે શું ? પણ બધી મુસાફરીઓમાં અંતે જ્યારે પરાજયથી પરાજય અને પરાજય સુધી આવે ત્યારે એક થડકો અનુભવાય… આ કેવી મુસાફરી છે જ્યાં હાર પર હાર અને હાર પછી હાર જ આવે છે ! પણ આ એક મહાન વૈજ્ઞાનિકની વાત છે. અહીં સત્ય સીધેસીધું આવી ભેટે એવી અપેક્ષા વધારે પડતી છે. જીવનનું સૌથી મોટું સત્ય વૈજ્ઞાનિક કવિતાના અંતે ખોલે છે કે હકીકતમાં વિજય કોઈ ઉચ્ચાસને નથી વિરાજતો, સાચો વિજય તો હોય છે વિજય માટેની પવિત્ર યાત્રાના હરએક પગલાંમાં…. માત્ર પગલાંમાં !

Comments (18)