સપ્તપદી વિશેષ: પદ ૮: છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો…
…તો મિત્રો, આજે અમે અમારી બાંધી મુઠ્ઠી આ ગીતની સાથે જ ખોલીએ છીએ… એ પણ લગ્નના થોડા સજીવ ચિત્રો સાથે !
ધવલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો,
પેલી મોનલની આગળ-પાછળ ભમતો’તો,
લોસ એંજેલસની શેરીમાં અટવાતો’તો,
એટલાન્ટા ને એલ.એ.ની વચ્ચે રખડતો’તો,
Every weekend એ પ્લેનમાં ઉડતો’તો,
ધવલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો…
મોનલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી… 🙂
*
બંને જણા કે’દાડાનું ‘પૈણું પૈણું’ જ કરતા હતા એટલે આ ગીત એમને માટે એકદમ યોગ્ય છે!
[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Chori-Kedada-Nu.mp3]
(વરપક્ષ તરફથી)
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !
મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,
એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,
અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી.
(કન્યાપક્ષ તરફથી)
જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી ભાગોળે આવી ભમતા’તા,
મારી શેરીઓમાં અટવાતા’તા,
તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !
મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,
એને ફરવા નીત નવી ગાડી જો’શે,
એને પે’રવા નીત નવી સાડી જો’શે,
તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !
(વરપક્ષ તરફથી)
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.
તારે સાસુની ચાકરી કરવી પડશે,
એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે,
તારે સસરાજીને માનપાન આપવા પડશે,
અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !
(કન્યાપક્ષ તરફથી)
જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,
એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,
એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.
જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા…
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી…
*
આ સાથે જ માણીએ એમનાં લગ્નનાં બીજા થોડા ફોટાઓ… જે ખાસ તમારા માટે તાત્કાલિક પાડીને (રીશેપ્શન માણ્યા પહેલાં જ) મૂકીએ છીએ… આપણાં ઘરનાં જ ફોટોગ્રાફર વિવેકનાં કેમેરાની નજરે…!
*
(લયસ્તરો ટીમ -વિવેક, ધવલ, મોના-સાથે નવેલી દુલ્હન-મોનલ)
*
(… and they lived happily ever after !! )
*
અમારા વહાલા મિત્રો ધવલ-મોનલનાં લગ્ન-પ્રસંગ નિમિત્તે અહીં ઉજવાયેલા સપ્તપદી વિશેષ (જે આ આઠમી પોષ્ટની સાથે અષ્ટપદી વિશેષ થઈ ગયો છે!), ઊર્મિસાગર.કૉમ પર ઉજવાયેલાં ફટાણાં-સ્પેશ્યલ અને ટહુકો પર ઉજવાયેલાં લગ્નગીત-સ્પેશ્યલ અવસરમાં શામિલ થઈ આ અવસરને વધુ ધવલ કરવા બદલ આપ સૌ મિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર…!
(લગ્નની વિધિની જાણકારી માટે ગુર્જરી.નેટનો, ચિત્રો માટે નૈનેશ જોશીનો અને ઓડિયો માટે ખાસ નીરજ શાહનો અને જયશ્રીનો આભાર…)