સપ્તપદી વિશેષ: પદ ૭: આજ વર-કન્યાનાં લગનની વધામણી
જેના માટે ‘લયસ્તરો’ના આંગણે સાત દિ’થી શહેનાઈ ગૂંજી રહી છે અને લગ્નગીતોના માંડવડાં બંધાઈ રહ્યાં છે, એ વહાલસોયા દોસ્તના આજે લગ્ન છે ત્યારે દુલ્હા-દુલ્હનને અમારા અને તમારા તરફથી મબલખ અભિનંદન અને લાખ લાખ શુભકામનાઓ. સફળ, પ્રેમાળ અને પ્રસન્ન દાંપત્યજીવન માટેની અગણિત શુભેચ્છાઓ સાથે આ નવલા વરરાજા અને એની નવલી વરરાણીને આજે વધાવીએ… (અને હા, કાલે જ અમે ખોલીશું… અમારી બાંધી મુઠ્ઠી! )
(ચિત્ર : નૈનેશ જોશી)
[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Vadhamani.mp3]
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.
આંગણ રૂડાં સાથિયા પુરાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
એજી દ્વારે દ્વારે તોરણિયા બંધાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વિવાહ કેરો શુભ દિન આયો, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.
મહેલુંમાં માંડવા રોપાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
કુમકુમને ફુલડે વધાવ્યા,રાજ રંગીલા હો રાજ રંગીલા.
સૌના તનમનમાં આનંદ છાયો, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.
ઢોલીડે ઢોલને ગજાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
ડેલી માથે દિવડા પ્રગટાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વર વહુને મોતીડે વધાવ્યાં, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.
પ્રભુતામાં પગલાં પથરાયાં, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વરવહુ આજે બંધનમાં બંધાયા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
હૈયાનાં તારને મિલાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.
*
કંસાર ખવડાવવાની વિધિ પછી હવે આશીર્વાદ…. સાળો-સાળી પગરખાંના રૂપિયા ઉઘરાવે.. અને કન્યાવિદાયની કરુણ ઘડી આવે… છેલ્લે સાસરે આવેલી નવવધૂને આવકારવાની વિધિ થાય, જેમાં ગૃહપ્રવેશ પહેલાં દિયર-નણંદો ઘરના દ્વાર બંધ કરી દઈ ભાઈ પાસે ગૃહપ્રવેશ માટે રૂપિયાની માંગણી કરે (અને કઢાવેય ખરા!)… ત્યારબાદ મીંઢળ છોડવાની, છેડાછેડી છોડવાની અને કંકુપાણી ભરેલા પાત્રમાંથી સિક્કા શોધવાની વિધિઓ થાય… પછી શું થાય એ તો હવે દુલ્હા-દુલ્હન જ જાણે!
pragnaju said,
November 7, 2009 @ 2:06 AM
ખૂબ સરસ
પછી શું થાય એ તો હવે
દુલ્હા-દુલ્હન જ જાણે…
અનુભવવાણી કહું?
આજે થયાં સફળ લોચન મ્લાન મારાં,
સંતાપ અંતર તણા સઘળા શમ્યા ને,
આશા ફળી, સુખદ ભાવિ તણાં હજારો
સ્વપ્નાં થયાં પ્રકટ રૂપ મહીં તમારા.
Jayshree said,
November 7, 2009 @ 3:18 AM
અમારા તરફથી પણ ખૂબ ખૂબ વધાઇ અને અઢળક મબલખ શુભેચ્છાઓ…
Pinki said,
November 7, 2009 @ 4:45 AM
આ નવલા વરરાજા અને એની નવલી વરરાણીને મબલખ શુભેચ્છાઓ… !!
Dhwani Joshi said,
November 7, 2009 @ 5:48 AM
ખૂબ ખૂબ વધાઈ…
sunil shah said,
November 7, 2009 @ 5:52 AM
રૂ અને દુધ જેવા ………… વરરાજાને અઢળક શુભેચ્છાઓ.
Rohit Darji said,
November 7, 2009 @ 10:16 AM
પછિ શુ થાય ? આતો લાકડાનો લાડુ, ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય.છતા આપણિ શુભેચ્છાઓ તેમનિ સાથે છે એટલે વાન્ધો નહિ આવે. આપણિ જેમ તેઓ પણ ભવ સાગર પાર ઉતરિ જશે. આભાર.
Kirtikant Purohit said,
November 7, 2009 @ 11:14 AM
છેક અમેરિકામાં નવદંપતિને અમારા આશિર્વાદ અને શુભેચ્છાઓ પહોંચે તેવી અભિલાષા.
Ramesh Patel said,
November 7, 2009 @ 2:47 PM
છેક અમેરિકાથી ,લગ્નોત્ત્સવની મજા બ્લોગ જગત પર માણી
અને લગ્ન સંમારંભની રંગત મનમાં ગૂંજી, એ નવદંપતિને શુભેચ્છા સાથે અર્પણ.
રમેશ પટેલ(આકાશદીપ)
લાલભાઈના લગન
મઘમઘ મોગરાએ મહેંકે માંડવા,
વાગે શરણાઈ ને ઢોલ
લીલાં તોરણીયાં આસોપાલવનાં
દિલથી આવકારો દઈએ સ્વજન
કે આજ મારે માંડવે(૨)
લેવાયાં લાલભાઈનાં લગન
મંગલ ગીતડાં મનભરી માણવા
અમ આંગણીયે પધારો મહેમાન
ઝબૂકે રોશનીને હરખે નયન
કે આજ મારે મંડવે(૨)
લેવાયાં લાલભાઈનાં લગન
ગોળ પતાસાંના પડિયા છલકાવી,
ફાળકે ફૂલે વરરાજાની ફોઈ
લૂણ ઉતારી,બહેનડી માણે લગન
કે આજ મારે માંડવે(૨)
લેવાયાં લાલભાઈનાં લગન
શાહી શ્રીમંતાઈ શોભાવે સોફા
જોધપુરી જામા ને રજવાડી વાઘા
હસમુખભાઈ હસીહસી વધાવે મંગલ
કે આજ મારે માંડવે(૨)
લેવાયાં લાલભાઈનાં લગન
સપ્તપદીના સૂરો ને પકવાન મધુરાં
ઘોડલે થનગને લાલભાઈ લાડીલા
ભાઈબંધ નાચી ફોડે ફટાકડા ગગન
કે મનભરી માણીએ લાલભાઈનાં લગન(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
nialm doshi said,
November 14, 2009 @ 7:48 AM
આજે આખો લગ્નોત્સવ માણવાની મજા માણી…
વધાઇ હો વધાઇ..