સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
વિવેક મનહર ટેલર

(સ્મરણોની ગલીમાંથી) – અનિલ ચાવડા

કહ્યું ‘તું કે જશો નૈં આમ સ્મરણોની ગલીમાંથી,
ધધખતા તાપમાં આવી ગયાને ચાંદનીમાંથી?

તમે દીધેલ આંસુને ય શાહી ઠાઠથી રાખ્યાં,
ન ઉતરવા દીધાં નીચે નયનની પાલખીમાંથી.

હૃદય કાઢી ન લીધું હોય! એવું કેમ વર્તે છે?
ફકત વીંટી જ તો કાઢી છે તારી આંગળીમાંથી!

ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે,
ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી.

ફકત વ્હેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખ્ખા દેશનો એક પાંખડીમાંથી.

– અનિલ ચાવડા

અનિલ ચાવડા કદાચ આજની પેઢીના કવિઓમાં લયસ્તરોનો સૌથી ચહીતો કવિ છે. લયસ્તરો પર એની રચનાઓની સંખ્યા જોઈએ તો એમ લાગે કે એક નાનકડો કાવ્યસંગ્રહ જ આખો અહીં હાજર છીએ. આ સંગ્રહમાં આજે વળી એક રચનાનો ઉમેરો કરીએ…

8 Comments »

  1. N. SHAH said,

    November 2, 2019 @ 12:35 PM

    Can you please explain the last Sher? Thanks.

  2. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    November 2, 2019 @ 3:30 PM

    સરસ,સરસ…..

  3. MAHENDRA DALAL said,

    November 3, 2019 @ 8:23 PM

    ખુબ ખુબ સરસ

  4. લલિત ત્રિવેદી said,

    November 4, 2019 @ 12:55 PM

    વાહ

  5. vimala Gohil said,

    November 4, 2019 @ 2:42 PM

    “ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે,
    ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી.” વાહ…

  6. Bharat Bhatt said,

    November 8, 2019 @ 10:52 AM

    ખુબ સુંદર.એક એક પંક્તિ ભાવવાહી .
    -ફકત વ્હેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
    પડે છે ભાગ આખ્ખા દેશનો એક પાંખડીમાંથી.
    આ પંક્તિ વાંચતા એવું લાગેકે કવિ એવું દર્શાવા માંગે છે કે માણસોનો અહંમ અને મહાભારતના યુધના મંડાણ અને અનેક દેશોના ભાગલા એક નાની વાત માંથી થયા !!?

  7. Yogesh Shukla said,

    November 11, 2019 @ 9:52 PM

    એક એક શેર દમદાર ,
    મઝા આવી ગઈ ,,,
    વાહ વાહ

  8. Anil Chavda said,

    November 22, 2019 @ 5:49 AM

    પ્રિય N.SHAH

    એક સમયે રાજીવ ગાંધીએ એમ કહેલું કે, “હું અહીંથી એક રૃપિયો મંજૂર કરું છું તો છેવાડાના માણસ સુધી માંડ દસ પૈસા પહોંચે છે.”
    આજે પણ દેશના કામ અર્થે જ્યારે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, ત્યારે તેની રકમ માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોમાં વહેંચાઈ જાય છે, અબજો રૃપિયા પાંચસાત માણસો ખાઈ જાય છે, અને તેમાંથી માંડ બેપાંચ ટકા જેતે યોજના માટે વાપરવામાં આવે છે. ટૂંકમાં ફૂલના ઢગલે ઢગલે ઉપરના લોકો અંદરોઅંદર વહેંચી લે છે અને એકાદ બચીકૂચી પાંદડીમાંથી આખા દેશના લોકોનો ભાગ પાડવામાં આવે છે.

    કંઈક આવું હું અંતિમ શેરમાં કહેવા માગતો હતો.
    આશા છે આપ મારી વાત સમજી શક્યા હશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment