‘ગેબ્રિઅલ’માંથી – એડવર્ડ હર્શ (અનુ. વિવેક મનહર ટેલર)
મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
રાત્રિના અંધારામાં પર્વત પર
સિમેન્ટની થેલી ઊંચકીને ચડવા જેવું છે
પર્વતની ટોચ દેખાતી નથી
કેમકે પર્વતની ટોચ છે જ નહીં
હાય આ સિસિફસિયું દુઃખ
મને ખબર નહોતી કે મારે મથવાનું છે
ઉપર જવાના રસ્તા વગર જ
ખાડાખૈય્યાવાળા ઝાડીઝાંખરામાંથી પસાર થવા માટે
કેમકે ત્યાં કોઈ રસ્તો જ નથી
ત્યાં તો છે માત્ર એક જડ શિલા
અને મહીં કૂદવા માટે એક નદી
અને છે સમય એના મધ્યયુગીન ઓરડાઓ સાથે
સમય એની દાંતાદાર ધાર સાથે
અને જડ ઓજારો
મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
આપણા વડે આપણી અંદર અંધારામાં
કરાતી મજૂરી છે
જો કે ક્યારેક-ક્યારેક જ્યારે હું સૂઈ જાઉં છું
હું ફરીથી એની સાથે હોઉં છું
અને પછી હું જાગી જાઉં છું
રે સિસિફસિયું દુઃખ
તારી આ ભારીખમતા મારા શરીર સાથે
સિમેન્ટાય એ માટે હું તૈયાર નથી
ધ્યાનથી જુઓ અને તમે જોઈ શકશો કે
લગભગ દરેક જણ પોતાના ખભા પર
સિમેન્ટની થેલીઓ ઊંચકીને ચડી રહ્યા છે
એટલા માટે જ સવારે પથારીમાંથી ઊઠવું
અને દિવસમાં ચડાણ કરવું
એ હિંમતનું કામ છે
– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
બાપના ખભા પર દીકરાની નનામીના બોજથી વધુ વજનદાર બીજું કંઈ હોતું નથી. એડવર્ડ હર્શે દત્તક લીધેલ દીકરા ગેબ્રિઅલને કોઈક રહસ્યમયી બિમારી હતી, જેના કારણે માત્ર ૨૨ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી એનું અકાળે અવસાન થયું હતું. ‘ગેબ્રિઅલ: અ પોએમ’ આ દુઃખદ ઘટનાને વણી લેતી ૭૫ પાનાં અને ૭૫૦ જેટલી ત્રિપદીઓથી બનેલ દીર્ઘ શોકાંતિકા છે. આખી કવિતામાં ક્યાંય વિરામચિહ્નો વપરાયાં નથી- કદાચ કવિને અકાળે છેહ દઈ જનાર સંતાનની વાત કરતી વખતે વ્યાકરણના આરોહ-અવરોહ બિનજરૂરી જણાયા હશે.
અત્રે પ્રસ્તુત કાવ્યાંશમાં સિસિફસનો ઉલ્લેખ છે. ગ્રીક પુરાણકથાઓનું એક પાત્ર છે, જે પોતાની ચાલબાજીઓ અને મૃત્યુને બે વાર છેતરવા બદલ કુખ્યાત હતો. આખરે દેવતા ઝીઅસે એને એક મહાકાય શિલાને પર્વતની ટોચ ઉપર લઈ જવાની સજા આપી. શિલા ટોચ પર પહોંચતાવેંત ફરી ગબડી જાય અને સિસિફસ એને ફરી ધક્કો દેતો દેતો ટોચ ઉપર લઈ જાય. આ અંતહીન સજાના કારણે કોઈ માણસના ભાગે અશક્યવત્ કામ કરવાનું આવે તો એને સિસિફિયન કાર્ય કહેવાય છે.
આટલી પૂર્વભૂમિકા બાદ કવિતાનો આનંદ લઈએ.
*
Gabriel: A Poem
I did not know the work of mourning
Is like carrying a bag of cement
Up a mountain at night
The mountaintop is not in sight
Because there is no mountaintop
Poor Sisyphus grief
I did not know I would struggle
Through a ragged underbrush
Without an upward path
Because there is no path
There is only a blunt rock
With a river to fall into
And Time with its medieval chambers
Time with its jagged edges
And blunt instruments
I did not know the work of mourning
Is a labor in the dark
We carry inside ourselves
Though sometimes when I sleep
I am with him again
And then I wake
Poor Sisyphus grief
I am not ready for your heaviness
Cemented to my body
Look closely and you will see
Almost everyone carrying bags
Of cement on their shoulders
That’s why it takes courage
To get out of bed in the morning
And climb into the day
– Edward Hirsch