ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.
– ગની દહીંવાલા

બને મારી પળ – રમેશ પારેખ

વળે પાછાં જે વહી ચૂક્યાં છે એ જળ
સમેટાય રણ ને બને મારી પળ

તમે આવી ઊભા રહો રૂબરૂ
તો દર્પણમાં ઊગી નીકળતાં કમળ

મને સ્વપ્નમાં તું જ દેખાય છે
કહે, શું હશે મારાં સ્વપ્નોનું ફળ

તણાઈ જતા તૃણ પેઠે મૃગો
હશે ઝાંઝવામાંય દરિયાનું બળ

હું ચાલ્યા કરું ક્યાંય પ્હોંચ્યા વિના
છે રણની સફરમાંય સુક્કાં વમળ

નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ

– રમેશ પારેખ

આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે આપણા ચોવીસ લાખ વર્ષ એટલે બ્રહ્માની એક પળ માત્ર. કવિ પણ શબ્દબ્રહ્મનો સ્વામી છે. સર્જન કરે એ પળ કવિ બ્રહ્માની સમકક્ષ બેઠો ગણાય છે. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः | કદાચ એટલે જ ર.પા.ની એક પળ પણ નાનીસૂની નથી. વહી ગયેલાં પાણી કદી પાછાં વળતાં નથી. પણ કવિ કહે છે કે જે વહી ચૂક્યાં છે એ જળ પાછાં વળે, વીતી ગયેલો સમય પાછો ફરે અને અફાટ અસીમ રણ સમેટાઈ જાય ત્યારે એમની એક પળ બનશે. આ તો એક શેરની વાત થઈ. આખી ગઝલ આ રીતે માણવા જેવી છે, કેમકે આ ર.પા.ના શબ્દો છે. એ દરિયો નથી એ છતાં એના તળનો તાગ કોઈ કાઢી શકવા સમર્થ નથી.

4 Comments »

  1. pragnajuvyas said,

    May 30, 2020 @ 11:47 AM

    ‘ બને મારી પળ ‘ ર પાની અફલાતુન ગઝલ નો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ.
    તેમા મત્લામા
    अपारे कान्य संसारे कविरेव प्रजापतिः ।
    यथास्मै रोचते विश्व तथेदं परिवर्ती ।
    शृंगारी चेत् कविः काव्या जातं रसमयं जगत् ।
    स एव वीतरागाश्चेत् नीरसं सर्वमेव तत् ।
    मनसि सदा सुसमाधिनि विस्फुरणमनेकध मिधेयस्य-
    कवेः समाधिः परं व्याप्रियते । આસ્વાદ કાંઇ પામેલા રપાની મહાનતા બતાવે છે.
    અને મક્તા આવતા ગઝલ ઉપર એમનું વિશેષ પ્રભુત્વ સિધ્ધ થાય છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની રચનાની લાક્ષણિકતા કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિની અનુભિતી થાય છે

  2. Kajal Kanjiya said,

    May 31, 2020 @ 4:19 AM

    વાહહહ

  3. Prahladbhai Prajapati said,

    May 31, 2020 @ 8:26 PM

    સુપર્બ

  4. હરિહર શુક્લ said,

    June 1, 2020 @ 8:31 AM

    ક્યાંય પહોંચ્યાં વગર માત્ર ચાલ્યે રાખવાનું 👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment