સદાય હાજરાહજૂર વર્તમાન ધન્ય છે,
ભવિષ્ય ભૂતકાળની શું કામ બાંધીએ મમત !
વિહંગ વ્યાસ

પ્યાલીનું છલકાઈ જવું ? – ગની દહીંવાલા

વિકસેલ કળી, શું યાદ નથી ? તે શર્મથી સંકોચાઈ જવું,
બેચાર દિવસના યૌવન પર ના ફૂલ બની ફુલાઈ જવું.

આ વિરહ-મિલન, આ હર્ષ રુદન, કહેવાતી વસંતો-પાનખરો,
છે એક તમારી દૃષ્ટિનું સામે રહેવું, પલટાઈ જવું.

આ ચંદ્ર છે કુદરતનાં કરમાં એક જામ મદિરાનો જાણે,
આ ચાંદની જાણે મસ્તીમાં એક પ્યાલીનું છલકાઈ જવું !

તોફાની યુવાનો ઝંઝાનિલ, કોમલ ઊર્મિનો મંદ સમીર,
ક્યાં ધોધથી જઈ ટકરાઈ જવું, ક્યાં ઝરણામાં ખેંચાઈ જવું !

મજબૂરીની એ અંતિમ સીમા દુશ્મનને ખુદા ના દેખાડે,
આવેશમાં દિલ સરખા દિલને ના કહેવાનું કહેવાઈ જવું.

બુદ્ધિનું ડહાપણ પૂર્ણ થયું, ત્યાં લાગણીએ વિપ્લય સર્જ્યો,
પડખેના હજી લીરા સીવું, ત્યાં પાલવનું ચીરાઈ જવું.

હંમેશા ‘ગની’, આ ઉપવનમાં એક દૃશ્ય સગી આંખે જોયું,
હર પુષ્પનું પાલવમાં રહેવું, હર પથ્થરનું ફેંકાઈ જવું.

– ગની દહીંવાલા

1 Comment »

  1. pragnajuvyas said,

    May 13, 2020 @ 2:28 PM

    મા. ગની દહીંવાલા આગવા અંદાઝની ‘અફલાતુન’ ગઝલ
    આ ચંદ્ર છે કુદરતનાં કરમાં એક જામ મદિરાનો જાણે,
    આ ચાંદની જાણે મસ્તીમાં એક પ્યાલીનું છલકાઈ જવું !
    આ શેર ઉપર આફ્રીન !
    અસીમ અવિરત પ્યાસ અને જામ પર જામ ની …
    નશીલો ચાંદ, મદહોશ સિતારા અને …
    મસ્ત મક્તા
    હંમેશા ‘ગની’, આ ઉપવનમાં એક દૃશ્ય સગી આંખે જોયું,
    હર પુષ્પનું પાલવમાં રહેવું, હર પથ્થરનું ફેંકાઈ જવું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment