મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
ઊર્મિ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આકાર-કાવ્ય

આકાર-કાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સોશ્યલ ડિસ્ટન્સિંગ – વિવેક મનહર ટેલર

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી એક કવિતા આજે આપના માટે… આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે.

Comments (5)