તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

શ્રીફળ બાંધ્યાં -પારુલ ખખ્ખર

થંભ અલખનો ખોડયો એના છેડા અધ્ધર આંબ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

એક ખૂણે ધગધગતી ધૂણી, બીજે ખૂણે ચૂલો રે
ત્રીજો ખૂણો સાદ કરે અંતરપટ ખોલી ખુલો રે
ચોથે ખૂણે ઉકળે આંધણ એમાં જીવતર રાંધ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

પાંચ પદારથ ઓગાળીને એક કોડિયું ઘડિયું રે
એમાં મૂક્યાં બે અંગારા ત્યાં તો જળમાં દડિયું રે
કાંઠે બેસી એનાં નામે કંઈક ઠીકરાં ભાંગ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

સાત સાત ધરતીના તળિયાં, તળિયામાં તરવેણી રે
તરવેણીની માથે ફરકે એક ધજા લાખેણી રે
ધજા ઉપર ઓવારી દઈ રણઝણતાં શ્વાસો ટાંગ્યા રે…
શ્રદ્ધાની ગાઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

-પારુલ ખખ્ખર

કવિતા શરૂ થતાં જ ભાવકને બાંધી લે છે. ‘થંભ અલખનો’- જે દેખાતો નથી, નિરાકાર છે, એનો થાંભલો ખોડવાની વાત છે. થાંભલો પણ કેવો, જેના છેડા અધ્ધર આંબે છે. (અધ્ધરનો એક દૂરનો અરુઢ અર્થ અંતરિક્ષ થાય છે, પણ અહીં અંબર શબ્દ કદાચ વધુ જામ્યો હોત!) મંદિરમાં ઘણીવાર થાંભલા પર કપડાંમાં પાણીચું શ્રીફળ મૂકીને બાંધવામાં આવે છે, એ શ્રીફળને આ અલખના થાંભલા પર નાયિકાએ બાંધ્યા તો છે પણ શ્રદ્ધાની ગાંઠ વડે. કેમકે શ્રદ્ધા વિના તો બધું જ પાણી.

મંદિરના ચાર ખૂણા. માત્ર ત્રીજા ખૂણાને છોડીને ચારેયમાં અગ્નિ. પણ ધ્યાન દઈએ તો આ ત્રીજા ખૂણામાં પણ અગ્નિની અનુપસ્થિતિ નથી જ. આ ત્રીજો ખૂણો અંતરપટ ખોલીને ખૂલવાને સાદ દે છે. વિવાહમંડપમાં મૃત્યુની એટલે કે યમની આહુતિ આપતી વખતે અગ્નિ અને વરકન્યાની વચ્ચે પડદો રાખવામાં આવે છે જેથી બન્ને જણ આહુતિ જોઈ ન શકે. અંતરપટ ઊઘડે તો જ એ અગ્નિ દેખાય.

સરવાળે આખી રચના આસ્વાદ્ય છે.

9 Comments »

  1. Pravin Shah said,

    May 22, 2020 @ 6:53 AM

    ખૂબ સુંદર ગીત..
    પારુલબેનને અભિનંદન..

  2. હરિહર શુક્લ said,

    May 22, 2020 @ 7:52 AM

    પારુલ ખખ્ખરજી ના ગીતો વિશે તો શું કહેવું? માત્ર માણવાની નકરી મોજ 👌💐

  3. pragnajuvyas said,

    May 22, 2020 @ 11:14 AM

    કવયિત્રી સુ શ્રી પારુલ ખખ્ખર એક અલગ આભા ઊભી કરે છે.
    ડૉ વિવેકનો સુંદર આસ્વાદ
    શ્રીફળ બાંધ્યાં રે… લોકગીતની શૈલીમાં આ અનૂઠું ગીત છે
    બહુ મજાની રચના.

  4. Harshad said,

    May 22, 2020 @ 7:33 PM

    Very nice . Like it.

  5. NAREN said,

    May 23, 2020 @ 1:21 AM

    ખુબ સુન્દર રચના

  6. Kajal kanjiya said,

    May 23, 2020 @ 3:57 AM

    મજા પડી

  7. Lalit Trivedi said,

    May 23, 2020 @ 5:06 AM

    બહુ સરસ…. હંમેશની જેમ જ… આગવી અભિવ્યક્તિ
    …. તળમાંથી નીપજતી.. પોતીકાં કલ્પનો. તાજગી સભર…
    અભિનંદન… રાજીપો

  8. લલિત ત્રિવેદી said,

    May 23, 2020 @ 5:10 AM

    તળની નિપજ.. પોતીકાં કલ્પનો… તાજગી… અલખ નો થંભ…
    અભિનંદન.. રાજીપો

  9. બળવંત જાની said,

    May 24, 2020 @ 2:54 AM

    જીવતર,. કર્મઠતા અને તળપદી મનોભૂમિનું હ્રદયસ્પર્શી આલેખન.
    અર્થપૂર્ણ પ્રાસ યોજના તથા અગ્નિ, પાણીચા શ્રીફળ અને છૈક અધ્ધર સુધી પહોંચેલો થંભ, જળમાં તરતું કોડિયું, ઉપરાંત ધજા ઉપર ટંગેલા શ્વાસ. જીવનવખરીને જુવારતા કવયિત્રી. ધન્યવાદ..
    બળવંત જાની.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment