દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વિવેક મનહર ટેલર

મિત્રને… – રમેશ પારેખ

ન હોત પ્રેમ તો શું હોત? છાલ જાડી હોત?
હું વૃક્ષ હોત ને હે મિત્ર, તું કુહાડી હોત.

થતું હે મિત્ર, તને ખિલ્યો ખિલ્યો જોઈને
અરે, હું તારા વગર કેવી ફૂલવાડી હોત!

તું આલ્બમોને સજીવન કરી ન શકતો હોત
તો ફોટો હોત હું ને સ્વયં કબાડી હોત.

તેં મારી બૂમનો તરજૂમો ગુલમહોરમાં કર્યો
થયું શું હોત, તને બૂમ મેં ન પાડી હોત?

આ જનમટીપની જો તું ન એક ચાવી હોત
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?

તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
ન હોત તું, તો મેં મૂંછોય ના ઉગાડી હોત.

– રમેશ પારેખ
(૨૨-૦૯-૧૯૮૮)

મિત્રતાનો અને પ્રેમનો કેવો મહિમા!

6 Comments »

  1. ચંદ્રશેખર said,

    March 26, 2020 @ 6:03 AM

    ર.પા.ની આ રચના કયા છંદમાં નિબદ્ધ છે?

  2. Prahladbhai Prajapati said,

    March 26, 2020 @ 9:04 AM

    સુપેર્બ્

  3. pragnajuvyas said,

    March 26, 2020 @ 11:32 AM

    ન હોત તો પ્રેમ તો શું હોત -છાલ જાડી હોત,
    હું હોત વૃક્ષ ને હે મિત્ર !તું કુહાડી હોત.
    રપાનો ગઝલનો મત્લા મિત્રતાનો અને પ્રેમનો મહિમાની એ એક દિવ્ય અનુભૂતિ છે ! એને કહી શકાતો નથી કે એને બતાવી શકાતો નથી. પ્રેમ હ્રદયનો હ્રદય સાથે થતો સંબંધ છે. એમાં સર્વાત્મ નિવેદન છે, છતાં સર્વસ્વ ની સાર્થકતાનો અનુભવ છે. પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે સર્વત્ર પ્રિયનું દર્શન થાય છે. આપણો પ્રેમ અને ભક્તિભાવ જ દેવાલયને જીવંત બનાવી શકે છે. હૃદયમાં પ્રેમની સ્થાપના વગર મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતી નથી. પ્રેમ જ જીવનમાં, જગતમાં કે મંદિરમાં પ્રાણ લાવે છે.
    જાણીતી વાત ર.પાના શબ્દોમાં-“અનિલની દોસ્તીએ મારા અભાવોનું થોડું વળતર આપ્યું. અનિલ સાહિત્યરસિક મિત્ર જ નહીં, મારા માટે જ્ઞાન અને માહિતીનો ખજાનો હતો. એ સાહિત્યની, સાહિત્યકારોની અનેક વાતો કરતો જે મેં ક્યારેય વાંચી કે સાંભળી ન હોત. મારા મનમાં સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો પુરાતો રહ્યો.” ગુજરાતી ગઝલની અમર ત્રિપુટી – અનિલ જોશી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ.. સમકાલિન કવિઓ અને જિગરજાન મિત્રો..!! મિત્ર અનિલ જોશી માટે લખેલી ગઝલનો શેર યાદ આવે
    શ્યામ, આદિલ, મનોજ, હું, ચિનુ
    છીએ એક જ ગઝલના શેર અનિલ
    તેને માટેનો આ શેર
    પ્રેમનો એક ટાપુ છે જેની –
    રાજધાનીનું તુ શહેર, અનિલ
    મિત્ર અનિલ જોશીએ રમેશ પારેખ માટે કવિતાનો માર્ગ ખુલ્લો કરી દીધો.તેમણે મિત્ર અંગે અનેક રચનાઓ કરી-
    મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
    અંગૂઠો કાપી તને આપી દીધો.

    અમસ્થું મેં કહ્યું કે, મિત્ર ! છું અરીસો ફક્ત હું
    પરંતુ દોસ્ત નિરખી મને કાં થરથરી ગયો ?

    જળ ને ઝળઝળિયાંનો ભેદ સમજ્યાં નહીં,
    એવા તમને, નમસ્કાર છે, દોસ્તો.

    દોસ્તની છાતીઓનું નામ બારમાસી વસંત,
    હમેશા ત્યાં જ અમારો પડાવ વરણાગી.
    ધન્યવાદ ડૉ વિવેકજી

  4. હરિહર શુક્લ said,

    March 27, 2020 @ 12:28 AM

    મિત્ર એટલે મૂછે લીંબુ 👌

  5. Jitendra Desai said,

    March 27, 2020 @ 12:32 AM

    લોકડાઉનમાં ઘરમાં એકલા બેસી કોઇ જીગરજાન દોસ્ત ને યાદ કરતા કરતા આ કાવ્ય વાંચવાની ખુબ મજા આવી. કવિ એ આ કાવ્ય એમના કયા મિત્ર ને યાદ કરીને લખ્યું હશે?

  6. PALASH SHAH said,

    April 12, 2020 @ 5:02 AM

    ખરેખર લોકકડાઉન માં આ કાવ્ય વાંચવા ની ખૂબ મજા આવી

    તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
    ન હોત તું, તો મેં મૂંછોય ના ઉગાડી હોત.

    સુપર્બ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment