સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
’ગની’ દહીંવાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પીયૂષ ચાવડા

પીયૂષ ચાવડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઊંચા ગજાનો – પીયૂષ ચાવડા

રોજ પજવે અવનવી રીતે, કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.

કોઈ મારી ભીતરે ખોદી જુઓ, લાશો પડી છે,
રોજ ઇચ્છાઓ મરે છે, ને ઊઠે રોજે જનાજો.

ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!

એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસનું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહિ, વિસ્તરેલો મુજ લબાચો.

જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.

– પીયૂષ ચાવડા

આમ તો બધા જ શેર ગણગણી શકાય એવા છે પણ મને કંટકોમાં કેદ થઈને રહી ગયેલી દૃષ્ટિ વધુ ગમી ગઈ. નજરની સામે મજાનો આખો બગીચો ખીલ્યો હોય પણ માણસની નજરમાં ખોડ હોય તો એને ફૂલ નહીં, કાંટા જ દેખાશે. શાળામાં અભ્યાસ કરતા હતા એ સમયે હિંદીના પાઠ્યપુસ્તકમાંના એક પાઠનું લાંબુલચ શીર્ષક –युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला, और दुर्योधन को कोई सज्जन नहीँ मिला- યાદ આવી ગયું.

Comments (10)

આટલો સંબંધ છે? – પીયૂષ ચાવડા

તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?

વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.

ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે.

ધાબળા તારા કશા ના કામના,
ભીતરેથી લાગતી આ ઠંડ છે.

કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. આ પથ્થર નથી કૈં, પંડ છે.

– પીયૂષ ચાવડા

મીરાંની પીડાનું ગાન સકિઓ અનવરત કરતા આવ્યા છે… પણ રાણાના પૉઇન્ટ ઑફ વ્યૂથી આખી ઘટનાને જોઈએ તો? રાણાને કોઈ તકલીફ જ નહીં થઈ હોય? શા માટે એ મીરાંબાઈને ઝેરનો પ્યાલો આપવા તૈયાર થયો હશે? વિચારવા જેવું કે નહીં?

લયસ્તરોના આંગણે કવિ પીયૂષ ચાવડા તથા એમના ગઝલ સંગ્રહ ‘હાથ સળગે છે’ – બંનેનું સહૃદય સ્વાગત છે…

Comments (4)