સૂર્ય ઊગે ને આંખ ખોલે છે
એક ટોળું હરેક જણમાંથી.
નયન દેસાઈ

શાશ્વત નથી – હેમેન શાહ

અગર સૃષ્ટિમાં કંઈ જ શાશ્વત નથી,
હો બિન્દુ કે સિન્ધુ, તફાવત નથી.

વિગતવાર કહેવાની દાનત નથી,
કથા એક પણ તર્કસંગત નથી.

પૂછ્યું મેં, ‘વધારે હું જાણી શકું?’
તરત આવ્યો ઉત્તર, ‘ઈજાજત નથી.’

એ માન્યું કે મેં ચાલ બદલી હતી,
આ રસ્તાઓ પણ તો યથાવત્ નથી.

વિલક્ષણ વિચારો હું ક્યાં સાચવું?
જ્યાં એકાંત સુદ્ધાં સલામત નથી !

ઘણાં શિલ્પ લાવણ્યમય થઈ શકત,
પરંતુ અણીશુદ્ધ નિસ્બત નથી.

– હેમેન શાહ

સદ્યંત સુંદર રચના.

5 Comments »

  1. હરિહર શુક્લ said,

    April 4, 2020 @ 8:51 AM

    👌

  2. pragnajuvyas said,

    April 4, 2020 @ 11:07 AM

    કવિ શ્રી હેમેન શાહની શાશ્વત નથી મજાની ગઝલ
    અગર સૃષ્ટિમાં કંઈ જ શાશ્વત નથી,
    હો બિન્દુ કે સિન્ધુ, તફાવત નથી.
    ‘પ્રેમની કોઈપણ પળ તત્ક્ષણ પૂરતી જ શાશ્વત હોય છે ! યૌવન શાશ્વત નથી, યૌવન અમર નથી એની વાત કાવ્યાત્મક રીતે કહે છે. આપણાં લોકગીતોમાં પણ આ વાત જુદી જુદી રીતે પડઘાય છે, અથવા એમ કહીએ કે લોકગીતની આ વાત આપણા શિષ્ટ કવિઓમાં નવાં કલ્પન-પ્રતીક દ્વારા આવે છે. શાશ્વત યૌવન તો કાલિદાસના ‘મેઘદૂત’ની અલકાનગરીમાં છે. યૌવન ભલે શાશ્વત ન હોય, પણ માણસ મનભરીને જીવ્યો હોય, તો એની સ્મૃતિ શાશ્વત છે.
    પૂછ્યું મેં, ‘વધારે હું જાણી શકું?’
    તરત આવ્યો ઉત્તર, ‘ઈજાજત નથી.’
    સબંધો ક્યારેક શોક જન્માવે, ક્યારેક આનંદ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે શોક મિથ્યા છે, ટકી શકતો નથી અને આનંદ શાશ્વત છે, તે મટી શકતો નથી.’ હું શાશ્વત છું, શરીર શાશ્વત નથી. આ હકીકત છે. અંતવંત ઈમે દેહા નિત્યસ્યોક્તા: શરીરીણા:. શરીરીણા:, શરીરનો માલિક, શાશ્વત છે, પણ શરીર નહીં.

  3. Pravin Shah said,

    April 4, 2020 @ 10:58 PM

    ખૂબ સુંદર રચના

  4. લલિત ત્રિવેદી said,

    April 5, 2020 @ 11:27 AM

    અસલ ગઝલ… બધાં જ શેર અદભુત…મને ખૂબ ગમતા કવિ

  5. Vishal Darji said,

    April 14, 2020 @ 1:57 AM

    સમય છે , પણ
    વાત કરવી નથી .

    મર્યાદામાં રહીને ,
    સબંધ હોતા નથી .

    જાણવાની તસ્દી છે ,
    પણ ઈજાજત નથી .

    માનુ છું મૌન પણ ,
    વાત કરવાની ઈચ્છા નથી.

    ડર છે ખોવાનો પણ ,
    પોતાનો હોવાનો હક નથી .

    છે જીદંગી આવી પણ ,
    ઇબાદત નથી.

    કરીશ ખોટો ગુમાન પણ ,
    નમવાની આદત નથી .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment