અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
હર્ષ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઉપરણાં – મકરંદ દવે

જૂનો રે ડગલો જુદો નવ પડે
નવો મારે ચડે નહીં અંગ,
ઉપરણાં વણે તું નવ નવ તેજનાં
મને અહીં વાસી વળગે રંગ;
કિરણો વરસે ને કાળપ ઝગમગે.

આભમાં જોઉં તો ઠપકો આપતો
સૂરજ તપી તપી જાય,
નીચે જોઉં તો તરણું નાચતું
ભાઈ, એનું હસવું નો માય;
અમે રે માણસ, મારગ ક્યાં મળે ?

પળે પળે ઊડવાની પાંખ નંઈ,
નંઈ કોઈ મૂળનાં મુકામ,
ઊભું રે અધવાટે અંધું પૂતળું
ખેલ એનો ફૂંકમાં તમામ;
અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે.

– મકરંદ દવે

જન્મોજન્મના સંસ્કાર એટલે જૂનો ડગલો – એ નાબૂદ થતાં નથી…અને એ જ બોજો મને નવી વાત સમજવા દેતો નથી…. તારી ક્રુપાના કિરણો પામવાની મારી પાત્રતા નથી – એ કિરણોથી તો મને કાળાશ જ નસીબ છે…

“અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે…..” – બસ માણસનું જાણે આ જ પ્રારબ્ધ !

Comments (1)

કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
ઊઘડે અને લાજી રહું,
સધ્યા તણા સિંદૂરથી
હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારું મન રહે
ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત

કવિતા એટલે એકલતાનું મહાગાન. સંસારના અડાબીડ વન વચ્ચે કવિ જાત સાથે અનુસંધાન સાધી લે ત્યારે કવિતાનું અવતરણ થાય છે. કવિતા ભલે સ્વથી સર્વ સુધીની યાત્રા કહેવાતી હોય, પણ એનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે કવિ સર્વથી સ્વ તરફ વળે. આંખની સામે કુદરતનો અફાટ રૂપસાગર પથરાયેલો છે પણ એને માણનાર કવિ એકલા જ છે. ‘કોને કહું?’નું મનુષ્યસહજ એકલગાન પણ પ્રકૃતિનું એકલપાન કરતી વેળાએ કવિ કરે છે. સવારે આકાશમાં લાલી પથરાય ત્યારે કવિ શરમના શેરડા અનુભવે છે, તો વળી સાંજના સિંદૂરિયા રંગથી એ આંખો ભરી લે છે. પ્રકૃતિની રૂપરંગતની આ સ્નેહલીલા માણવાનો સંસાર પાસે સમય નથી. કવિ એકલા હાથે આ લહાવો લૂંટી રહ્યા છે. ઉષા અને સંધ્યાના મુકાબલે બપોરનો તાપ સહેવો જો કે આકરો છે, એટલે એ સમય કવિ રતિગાનમાં વ્યતીત કરે છે. કવિ પ્રકૃતિ સાથે એવી ને એટલી આત્મીયતા અનુભવે છે કે ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં’ જેવો વિચાર પણ મનમાં આવ્યા વિના રહેતો નથી. કાવ્યાંતે કવિ પહેલી પંક્તિનું જ પુનરાવર્તન કરે છે પરંતુ પ્રશ્નાર્થચિહ્નનું સ્થાન બદલીને. પ્રશ્નચિહ્નનું સ્થાન બદલાઈ જવાથી બે વાક્ય બે મટીને એક તો થઈ જાય છે પરંતુ અર્થ સુદ્ધાં આખેઆખો બદલાઈ જાય છે. કાવ્યારંભે દ્વિધા એ હતી કે પોતે એકલા છે એ વાત કોને કહેવી. કાવ્યાંતે દ્વિધા અલગ છે: હવે સવાલ એ છે કે પોતે એકલા એકલા આ વાત કોને કહી રહ્યા છે. જે દુનિયા પ્રકૃતિરસનું અમૃતપાન કરવામાં સાથે ન જોડાઈ, એની આગળ એનો મહિમા ગાવાથી શો ફાયદો?

ગુજરાતી ગીતોને ષટકલ અને અષ્ટકલનો લય માફક આવી ગયો છે, પણ પ્રસ્તુત રચના સપ્તકલમાં છે. અને સપ્તકલનો લય એટલો મજબૂત થયો છે કે ગીત વાંચવું તો સંભવ જ નથી, એને ગણગણ્યે જ છૂટકો.

Comments (6)

વ્હાલેશરીનું પદ (કીધાં કીધાં કીધાં…) – હરીશ મીનાશ્રુ

કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે

દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિ૨ ૫૨ ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનો૨થ ભીડી રે
મહિયા૨ણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે

સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગો૨સગ્રાસ ન લાધે રે

મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
૨ઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધ૨ વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે

પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે

– હરીશ મીનાશ્રુ

કવિએ લખેલ વહાલેશરીનાં બાર પદોમાંનું આ દસમા ક્રમનું પદ. ગીતનો ઉપાડ નરસિંહ મહેતાના જાણીતા પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ની યાદ અપાવે છે. નરસિંહ ‘કીધું કીધું કીધું’ના ત્રણવારના પુનરાવર્તન સાથે ‘કાંઈક કામણ કીધું’ની વાત માંડે છે, ત્યાંથી સહેજ આગળ વધીને કવિ સમર્પણનું સાવ અવળું જ ગણિત માંડે છે. વ્રજમાં આજે વિપરીત કૌતુક થયું હોવાની વાતને ત્રેવડાવીને અધોરેખિત કરી દીધા બાદ કવિ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે અબળા નારીએ વહાલેશરી કૃષ્ણ ભગવાનને જ લૂંટી લીધા છે. રાધાકૃષ્ણ અને ગોપીકૃષ્ણના પ્રેમની વાતો તો હજારોવાર કહેવાઈ ચૂકી છે, પણ ખરું કવિકર્મ જ એ જે ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતમાં પણ સાવ અનૂઠો દૃષ્ટિકોણ શોધી શકે. સાક્ષાત્ ઈશ્વરને લૂંટી લેનારને કવિ ‘અબળા’ કહીને સંબોધે છે એ સમર્થ વિરોધાભાસ પણ તુર્ત જ સ્પર્શી જાય એવો છે.

…અને જીવનભર પોતાને લૂંટતા રહેનાર કાનાને લૂંટી લેવા માટેનો ગોપીનો કીમિયો તો જુઓ. માટલામાંથી દહીંદૂધ ખાલી કરી દઈ ખાલી માટલાંને દહીં ઊભરાતું હોય એમ એણે શણગાર્યાં છે. આટલું ઓછું હોય એમ કંચુકીની કસો તાણીને સ્તનોના ઉભારને વધુ આકર્ષક બનાવ્યો છે. ઈશ્વરનું ગુમાન હણવામાં આજે એ કોઈ કચાશ છોડનાર નથી. કંચવા અને કસ સાથે કસી અને તસોતસની વર્ણસગાઈમાં કવિએ મદન-મદ-મહિયારણ તથા હરિ-હણવા-હીંડીની વર્ણસગાઈઓ ઉમેરી પદને ઓર આસ્વાદ્ય બનાવ્યું છે. જો કે સમગ્ર રચનામાં આવી વર્ણસગાઈનું સંગીત આપણને સતત રણઝણતું સંભળાયે રાખે છે – લલના-લાગ-લીલા, ભરવાડા-ભાણેજડા, રઢ-રઢિયાળાં, વેણુંસોતાં-પદરેણુસોતાં, રસ-અરસપરસ વિ.

કાનજીનું મન ગોરસ પામવા તરફ છે અને મહિયારણનું મન લીલા કામવા તરફ છે. કહાન માંગે એ પહેલાં એ જ સામે ચાલીને દાણ માંગીને અવળી પ્રથા અજમાવે છે. યેનકેન પ્રકારે પણ એ કાનાથી એક ક્ષણ પણ અળગી રહેવા તૈયાર નથી. કૃષ્ણના ઓષ્ઠને ચૂમતી વાંસળી અને પગને ચૂમતી ધૂળ- ઈશ્વરની અખિલાઈને પોતાના ચુંબન-આલિંગનમાં સમાવી લેવા તરસતી-તડપતી ગોપી અરસપરસના રસ પીને અને અનુપમ દાણ લઈ-દઈને જ તૃપ્ત થાય છે. સામે સ્વયં પરમેશ્વર કેમ ન હોય, પ્રેમ અને યુદ્ધમાં તો બધું જ વ્યાજબી ગણાય, ખરું ને?

Comments (3)

હરિ, હું તો એવું જ માગું મોત! – કરસનદાસ માણેક

એવું જ માગું મોત,
.                  હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદઃ
જોજે રખે પડે પાતળું કદીયે આતમ કેરું પોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ
સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ જ્યોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

– કરસનદાસ માણેક

જીવનના બે અફર અંતિમો – જન્મ અને મરણ. બેમાંથી એકેય પર આપણી મનમરજી ચાલતી નથી એટલે આ બે અંતિમ વચ્ચેની જિંદગી આપણે કેવી જીવીએ છીએ એ જ અગત્યનું છે. જિંદગી સારી રીતે અને સંતોષપૂર્વક જીવ્યાં હોઈએ તો અંત ટાણે આ કે પેલું થયું હોત કે કર્યું હોતવાળા ઓરતાઓની ભૂતાવળ પજવે નહીં. છેલ્લા શ્વાસ સુધી પરમ-આતમની અવિરત શોધ ચાલુ રહે અને પ્રાણપંખેરું ઊડે એ સમયે પણ પોતે હરિસ્મરણમાં જ ઓતપ્રોત હોય એવું મૃત્યુ કવિ ઈશ્વર પાસે માંગે છે. અસ્તિત્ત્વ આખું શાતાનું સંગીત બની રહે એ જ એમની આરત છે. ઝાડીજંગલ-નદી-પર્વત એમ સંસારમાં કવિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે પરમેશ્વરને પોતાના જન્મોજનમના સાથી તરીકે સદૈવ સન્મુખ જ અનુભવ્યા છે. મૃત્યુ ક્યારે અને કઈ રીતે આવશે એ તો કોઈ કહી કે કળી શકતું નથી, પણ માણસ કેવા મૃત્યુની આશા રાખે છે એના પરથી એ કેવું જીવન જીવતો કે જીવ્યો હશે એની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કવિએ મુખડાની પંક્તિઓમાં જે પ્રાસ વાપર્યો છે એ જ પ્રાસપ્રયોજન ગીતના ચારેય અંતરામાં કર્યું હોવાથી ગીતનું નાદસૌંદર્ય પણ ઓર દીપી ઊઠ્યું છે.

Comments (6)

ઠેસ… – પ્રફુલ્લા વોરા

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈય૨ શું કરું?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈય૨ શું કરું?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?

– પ્રફુલ્લા વોરા

પ્રેમમાં કશુંય અમથું અમથું થતું નથી, પણ બધું જ અમથું અમથું –આપોઆપ થઈ રહ્યું હોવાની ભ્રમણા સેવવાનું આપણને ગમે છે. કાવ્યનાયિકા સહેલી સામે હૈયું ઠાલવવા બેઠી હોવાની પળનું આ ગીત છે. હીંચકો બે કડે બંધાય… પ્રેમની દોરી બે હૈયે પરોવીને નાયિકાએ ઝૂલવું શરૂ કર્યું કે હૈયામાં ફાળ પડી. બે જણની આંખ મળે, અમથી એક ડાળ ઝૂલે, અને એ બે જણને ખબર પડે એ પહેલાં તો વાયરો ગામ આખમાં વાય વળે… હથેળી પર મૂકેલી મેંદી પણ છાનીછપની વાતો જાહેર કરવા માંડે છે. પ્રેમ એટલે સાનભાન ભૂલી જવાય એ સમાધિ. પગ તો જમીન પર ચાલતા હોય પણ હૈયું કોઈ બીજી જ દુનિયામાં હોવાથી હાલતાંચાલતાં ઠેસ વાગવી કંઈ નવું નથી હોતું. વળી નવાનવા પ્રેમમાં તો નાનામાં નાની વાતના મસમોટા પડઘા ઊઠવાના. જરી અમથી ઠેસ વાગી નથી કે ઘૂઘરમાળ રૂમઝૂમ થઈ નથી. ઉજાગરા આંજેલી ખુલ્લી આંખે અઢળક સપનાંઓ જોઈજોઈને રાત પસાર થાય છે. અને સવાર પડતાં મનના માણીગરના દર્શનનું જરા અમથું અજવાળું આંખે ઝીલાતાંવેંત રાતભરના વિયોગને લઈને ભરાઈ આવેલું હૈયું પાંપણની પાળ તોડીને છલકાઈ ન ઊઠે તો જ નવાઈ…

Comments (5)

પેલી બારીએ – પ્રભુરામ જયશંકર જોષી

પેલી બારીએ રે પેલી બારીએ રે,
હાં અટારીએ રે
ઝૂલે જોબન ગુલાલ!

જોબન ગુલાલ,
એના ગોરા ગોરા ગાલ;
પેલી બારીએ રે, પેલી બારીએ રે,
હાં અટારીએ
ઝૂલે જોબન ગુલાલ !… ટેક.

ઝૂલે કટિએ કલાપ, ચાંદ મલકે અમાપ;
એનાં નૈનનમાં મન્મથનાં ચાપ,
પેલી બારીંએ રે!…

ઝૂલે નથનો હિંડોળ, ઝૂલે કુંડળ વિલોલ,
ઝૂલે હૈડામાં હેમલ હિંડોળ,
પેલી બારીએ રે!…

ઝૂલે કિનખાબી ખાલ, ઝૂલે ચૂંદડલી લાલ;
ઝૂલે ચણિયાશું પાની પ્રવાલ
પેલી બારીએ રે!…

ઝૂલે કંકણ સિંગાર, કટિમેખલાની હાર;
ઝૂલે નખીંયા ઝાંઝરનાં ઝંકાર,
પેલી બારીએ રે!…

તજો દાદાના મ્હોલ, સજો સાજન હિંડોળ;
ઝૂલો ભવ ભવ હૈયાને હિંડોળ,
પેલી બારીએ !…

– પ્રભુરામ જયશંકર જોષી

मेरे सामनेवाली खिडकी માં વસતા चांद का टुकडा તરફના અનુરાગની ઘણી કવિતાઓ આપણે સહુએ માણી હશે. એમાં આ એક રચનાનો ઉમેરો. ભાષા એવી તો સહજ અને સરળ છે કે રચના કવિહૈયેથી આપોઆપ સરી આવી હોવાનું અનુભવાય. ત્રેવડા પ્રાસને હિંડોળે ઝૂલતા બબ્બે પંક્તિના છ બંધમાં સુંદરીના સૌંદર્ય અને શૃંગારનું વર્ણન ખાસ્સું હૃદ્ય થયું છે. આમ જોઈએ તો વાતમાં કશું નવું નથી. આ પ્રકારની સૌંદર્યપ્રસંશા કવિઓ સદીઓથી કરતા આવ્યા છે, પણ રજૂઆતની સરળતા અને સચ્ચાઈ આપણને સ્પર્શ્યા વિના રહેતાં નથી. ખરું ને?

Comments (5)

મેલ હવે મન ઝાવાં – ફકીરમહંમદ મનસૂરી

મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.

ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?

વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

– ફકીરમહંમદ મનસૂરી

પાસે હોય એના પર ધ્યાન ન દેવું અને જે પાસે ન હોય એના માટે તડપતા રહેવું એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. દૂર હોય એને નજીક લાવવાના તમામ ઓરતા ફોગટ જ છે એમ કહીને કવિ મનને વલખાં મારવાનું છોડવા સમજાવે છે. હથેળી કૃપાનિધાનની મહેરબાનીને ઝીલવા માટે છે પણ આપણે એને ઉલટાવીને આંખે છાજલી કરી દૂરનું વધારે સાફ દેખાય એવી આરતમાં છેવટે નિરાશાના આંસુઓથી જ ભરીએ છીએ. પોતાની અસીમ વિશાળતાને વિસરીને આકાશ ઓસના એક બુંદમાં બંધાવા શા માટે ઝંખે છે એ કવિ માટે એક કોયડો છે. ઝાકળના એક બુંદમાં આખું આકાશ નજરે ચડે એ હકીકતને કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છેમ નહીં! (યાદ આવે- તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર!) વાદળ ભલે જોજનો દૂર કેમ ન હોય એ વરસીને ધરતી પર આવશે ત્યારે માટીના હૈયામાંથી જે સુગંધ ઊઠવાની છે એ આપણા અસ્તિત્ત્વને મહેંકાવ્યા વિના રહેવાની નથી. જે મળવાનું હશે એ આપોઆપ દૂરથી નજીક આવશે જ પણ એને નજીક લાવવા માટેના ધમપછાડા અને દાવા જતા કરી સાહજિક બનીને જીવન જીવીએ એમાં જ ખરો આનંદ છે. કેવી સરસ વાત!

Comments (6)

પ્રકાશના પગથારે – ડૉ. બટુકરાય પંડ્યા

આ પ્રકાશના પગથારે !
કો’ અંગુલિના અણસારે!
કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.

સૂનાં અંતર, સૂનાં આંગણ,
નીંદર ઘેન ઢળી’તી પાંપણ;
કોણ ગયું ખખડાવી સાંકળ બંધ હૃદયના દ્વારે? — આ.

શ્યામ તિમિર પથ આગળપાછળ,
ગરજે ઘોર નિરાશા વાદળ;
કોણ અગોચર માર્ગ ઉજાળે વીજ તણા ચમકારે? — આ.

નાદબ્રહ્મ શાશ્વત હે સુંદર!
અચળ સત્ય હૈ ષડ્જ શિવંકર!
છેડો ભૈરવ રાગ વાદ્ય આ રોમેરોમ પુકારે! — આ.

– ડૉ. બટુકરાય પંડ્યા

દિવ્ય પ્રકાશની અનુભૂતિથી જાગેલી ચેતનાનું આ ગાન છે. એક અણસારો માત્ર પ્રાપ્ત થઈ જાય પછીના આકર્ષણને કોણ રોકી શકે? અંતર અને આંગણ – બધું જ સૂનું હતું અને માંહ્યલો ઊંઘતો હતો એવામાં કોઈક ગેબી વટેમાર્ગુ આવીને હૃદયના દ્વાર ખખડાવી ગયું હોવાનો અહેસાસ થયો. જીવનનો માર્ગ આગળપાછળ બધેથી અંધારાથી ભર્યો હતો અને આકાશમાંય નિરાશાના વાદળો જ ગર્જ્યાં કરતાં હતાં. આવામાં કોઈક અગોચરે વીજળીના ઝબકારે પ્રકાશનો પગથાર દેખાડી દીધો, આંખના ઈશારે આમંત્રણ દીધું. આંગળીનો અણસારો દેનાર આ બીજું તો કોણ હોય? સત્યમ્ શિવમ્ સુંદરમ્ જ ને! જીવનમાં પ્રભાત થાય, જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે દેહના વાદ્યમાં રોમરોમેથી શિવારાધના કરતો ભેરવ રાગ જ ઊઠે ને !

Comments (8)

કોણ ચલાવે રાજ, બોલો! – સરૂપ ધ્રુવ

ચાળીસમે પણ ચલકચલાણું?
થતાં રહ્યાં તારાજ, બોલો!
અમેય રૈયત, તમેય રૈયત!
કોણ ચલાવે રાજ, બોલો!

મતપેટી કે મંત્રતંત્રથી
ફાટફૂટ ભઈ, ફૂલફટાક!
માણસથી મત મોટા કીધા;
નેવે મૂકી લાજ, બોલો!

ટળવળતી, તરફડતી
સગ્ગી જનતા સામે મીંચી આંખ,
થર્ડ વર્લ્ડના ચક્કરવરતી!
જાતે પ્હેર્યા તાજ, બોલો!

દેશવિદેશે ધજા ફરકતી;
સ્વીસબેન્કમાં આણ વરતતી;
સબમરીન સગતળિયે હોંચી;
કોનાં સરતાં કાજ, બોલો!

શ્હેર સળગતાં, નદીઓ મેલી;
સડતી લાશો, જંગલ ખાલી;
ગંગાજળથી શબ નવડાવ્યું,
પછી સજાવ્યા સાજ, બોલો!

સપના ઉપર સપનું મૂકી,
ચાળીસ માળ ચડાવ્યા ભારે!
ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
હવે તો આવ્યાં વાજ, બોલો!

કેટલું કહેવું? કયાં લગ સ્હેવું?
નથી થવું નારાજ, બોલો!
ચલો, ઉગામો મુક્કી સાથી!
રગદોળીશું તાજ, બોલો!

– સરૂપ ધ્રુવ
(૧૫ ઑગષ્ટ, ૧૯૮૭)

આઝાદી મળ્યાના ચાળીસ વર્ષ પછી લખેલી આ રચના આજે બીજા છત્રીસ વરસ વીતી ગયાં હોવા છતાંય એટલી જ પ્રસ્તુત લાગે છે. સાચી કવિતા જ એ જે સમયના સીમાડાઓને વળોટી જાય…સપનાં ઉપર સપનું મૂકીને ચાળીસ માળ ચડાવવાની વાતનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી…

Comments (4)

એ તો વાયરાની પાંખે ઊડી જાય રે! – પ્રેમશંકર હ. ભટ્ટ

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય,
એ તો વાયરાની પાંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય,
એ તો આભ કેરા હૈયે વેરાય રે!
– ફૂલડાંની ફોરમને.

નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે!
નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય,
ટોયે ઝાંઝવાનાં જળ શેં બુઝાય રે!
– ફૂલડાંની ફોરમને.

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા, ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે;
આભ કેરા ટોડલે તોરણો ટીંગાડવાના,
મનસૂબા કેમ પૂરા થાય રે!
– ફૂલડાંની ફોરમને.

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્ય કેમ કરીને વંચાય રે!
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શી વિષે તુણાય રે!
– ફૂલડાંની ફોરમને.

– પ્રેમશંકર હ. ભટ્ટ

મુખડા વિનાના ચાર બંધમાં વિસ્તરેલું ગીત સંભવિત-અસંભવિતના સમાંતર પાટા પર ગતિ કરે છે. જેમ પવનની પાંખે ઊડી જતી ફૂલની ફોરમને ઝાલવી શક્ય નથી, એમ જ આભના હૈયે વેરાતી વીજળીના તેજને સ્થાયી ન કરી શકાય. નાનાં નવાણનો તાગ ડૂબકી દઈને કાઢી શકાય પણ સમુદ્ર તો અતાગ છે. ઝાંઝવાનું જળ ટીપેટીપે પીવડાવવાથી તરસ્યાના કંઠની લ્હાય શાંત થતી નથી. મહેલ-મંદિર બધું બાંધવું શક્ય છે પણ આભના ટોડલે તોરણો તાંગવાના મનસૂબા તો કેમ કરીને પૂરા થાય? લિપિ-ભાષા અજાણ્યા હોય તોય અભ્યાસ કરીને વાંચી શકાય પણ ભાગ્યને કોણ વાંચી શકે? દરદાગીનાને રેણ કરીને સાંધી શકાય પણ તૂટ્યા આયખાને કઈ રીતે સાંધી શકાય? સાવ સરળ દાવાદલીલોની ઇબારત પર ગીત રચાયું છે, પણ કવિને જે કહેવું છે એ કદાચ એ છે કે જિંદગીનો તાગ મેળવવો સંભવ નથી. પ્રકૃતિના નાનામોટા ચમત્કાર હોય કે આપનાં જીવન-મૃત્યુ -સઘળું આપણી પહોંચ કે સમજણથી બહુ દૂર છે. તો જે આપણા હાથમાં જ નથી એવા ઝાંઝવા પાછળ દોડવાના બદલે, આભ પર તોરણ બાંધવાની મંશા સેવ્યા વિના આયખું ખૂટી જાય એ પહેલાં જીવવાનું શીખી લઈએ તોય ઘણું…

કવિ વિશે- (સૌજન્ય: https://gujarativishwakosh.org)

(જન્મ: 30 ઑગસ્ટ 1914; નિધન: 30 જુલાઈ 1976, અમદાવાદ)

કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના વતની. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું હતું; પાછળથી અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજ, ધ્રાંગધ્રાની આર્ટ્સ કૉલેજ અને પછી દહેગામની કૉલેજમાં આચાર્ય હતા.

કાવ્યસંગ્રહો: ‘ધરિત્રી’ (1943), ‘તીર્થોદક’ (1957), ‘મહારથી કર્ણ’ (1969), ‘અગ્નિજ્યોત’ (1972) અને ‘દીપ બુઝાયો’ (મરણોત્તર : 1977)

Comments (4)

આખું આકાશ તારી આંખમાં – ઉષા ઉપાધ્યાય

મારી નજરુંના નાજુક આ પંખીના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
.                પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
.                ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
.                મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
.                મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

– ઉષા ઉપાધ્યાય

પ્રેમ નામની અનુભૂતિનો ખરો ચમત્કાર જ એ કે એ હોય ત્યારે માણસને એમ જ લાગે કે પોતે પોતાનામાં નહીં, પણ સામામાં જીવે છે. પોતાની આખી દુનિયાનું સરનામું સામી વ્યક્તિના અસ્તિત્વમાં લખાયેલ હોવાની લાગણીનું જ બીજું નામ તે પ્રેમ. આપણી કાવ્યનાયિકાની દુનિયા પણ એનો પ્રિયતમ જ છે. પ્રિયતમની આંખ એ જ એની નજરના નાજુક પંખીનું આખેઆખું આકાશ. એક તરફ નજર માટે ‘નાજુક’ વિશેષણ વાપરીને કવયિત્રીએ પ્રણયની કુમાશ આબાદ મૂર્ત કરી બતાવી છે, તો બીજી તરફ આકાશને ‘આખ્ખું’ કહીને પ્રિયજન સિવાયની કોઈ પણ જગ્યાએ પોતાના ઉડ્ડયનનો અવકાશ શૂન્ય કરી દઈને સમર્પણની ચરમસીમા પણ આંકી બતાવી છે. ગીતની બંને પૂરકપંક્તિઓમાં કવયિત્રીએ પ્રાસની પળોજણ પડતી મૂકી હોવા છતાં ગીત આખું આસ્વાદ્ય બન્યું છે.

Comments (6)

એટલા દૂર ન જાઓ – ઉશનસ્

વિનવું: એટલા દૂર ન જાઓ,
કે પછી કદી યે યાદ ના આવો;

માનું, અવિરત મળવું અઘરું,
માગ્યું કોને મળતું સઘળું?
કગરુંઃ એટલા ક્રૂર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..

જાણું: નવરું એવું ન કોઈ
કેવળ મુજને રહે જે જોઈ;
તો યે આવા નિષ્ઠુર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું….

રાહ જોઈ જોઈ ખોઈ આંખ્યું,
પણ શમણું તમ સાચવી રાખ્યું;
છેલ્લું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..

આ વેલ મુજ અંસવન ટોઈ,
રહી ફળની આશ ન કોઈ;
પણ છેક ન નિર્મૂળ થાઓ.
કે પછી ક્દી યે યાદ ન આવો,

વિનવું, એટલા દૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો.

– ઉશનસ્

बेशक मंदिर-मस्जिद तोड़ो,बुल्लेशाह ये कहता
पर प्यार भरा दिल कभी न तोड़ो,इस दिल में दिलबर रहता

 

Comments (3)

યામિની – યૉસેફ મૅકવાન

વહે અશબ્દ યામિની!
સુમંદ છંદ ગંધમાં તરંત તારલા,
અકથ્ય હેત નેત્રમાં ઝગે ઝલાંમલાં,
પ્રસન્ન થાવ આજ અંતરે છલાંછલાં.
અહીં શ્વસંત સંગ કામિની!
વહે અશબ્દ યામિની!

સમસ્ત સૃષ્ટિ શાંતિના સરોવરે સરે,
સમીર સુપ્ત પર્ણમાં ફરે, ઝરા ઝરે,
અષાઢ અભ્ર જેમ આજ સોણલાં ઠરે,
અહીં તગત નંદ-દામિની!
અહીં અશબ્દ દામિની?

– યૉસેફ મૅકવાન

આજે તો નગરજીવન એવું થઈ ગયું છે કે ચોવીસ કલાકમાં એક પળની નિરાંત દેખાતી નથી, પણ ગામડાંઓમાં હજીય રાતની ચાદર પથરાતાંવેંત બધું શાંત થઈ જાય છે. રાત્રિનો કાળો કામળો ઓઢીને સૂતી સૃષ્ટિનું સાવ ટૂંકું પણ અસરદાર આલેખન કવિએ કર્યું છે. કવિતામાં દરેક શબ્દનો મહિમા છે. કવિએ ‘નિઃશબ્દ’ના બદલે પ્રમાણમાં ઓછો વપરાતો ‘અશબ્દ’ શબ્દ વાપર્યો છે. કારણ? આખું ગીત લગા લગા લગા લગાની ત્રિકલ ચાલે ગતિ કરતું હોય ત્યારે ‘નિઃશબ્દ’માં વિસર્ગને લઈને ‘નિ’નો માત્રાભાર જરૂરી લઘુના બદલે ગુરુત્વ તરફ વધારે ઢળી જવાથી લયની પ્રવાહિતા જોખમાઈ શકે છે. કવિએ બાહોશીપૂર્વક એ ટાળ્યું છે. આખી રચનામાં કુલ ત્રેંસઠ લઘુ અક્ષરને સ્થાન છે, જેમાંથી કેવળ સાત સ્થાને કવિએ ‘ઇ’કારાંત લઘુ માત્રા પ્રયોજી છે અને બાકીના છપ્પન સ્થાને શુદ્ધ ‘અ’કારાંત લઘુ માત્રા વાપરી હોવાથી ગીતનો લય અભૂતપૂર્વ રીતે પ્રવાહી થયો છે. છે ને ઉમદા કવિકસબ? ‘લગા લગા’ના ત્રિકલ માત્રામેળને કારણે ગીત સવારના હાથમાંના પાણીના કટોરામાંનું બુંદેય હલે નહીં એવી ઘોડાની રેવાળ ચાલ જેવી રવાની પણ સતત વર્તાય છે.

વાતાવરણમાં વ્યાપ્ત મંદ સુગંધ જાણે કે આકાશની છબડીમાં તરતા તારલાઓમાંથી આવી રહી છે. તારાઓનો ઝબક-ઝબક પ્રકાશ હેતાળ સ્વજનની આંખમાં ટમટમ થતાં ઝળઝળિયાં જેવો ભાસે છે. કથક ઘરની અગાશીમાં સૂતો હોવો જોઈએ કારણ આકાશમાંના તારા નજરે ચડે છે અને પડખે પત્ની શ્વસી રહી છે. બીજો બંધ બ.ક.ઠાકોરના ‘ભણકારા’ની યાદ અપાવે એવો છે. સૃષ્ટિ જાણે કે નૌકા છે અને શાંતિના સરોવરમાં ધીમેધીમે સરી રહી છે. સૂઈ ગયેલ પાંદડાઓની નીંદર ઊડી ન જાય એ રીતે પવન એમની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. અષાઢના વાદળોની જેમ સપનાંઓ ઠરી રહ્યાં છે. નંદ-દામિનીવાળી પંક્તિમાં એક લઘુ ખૂટે છે, ત્યાં કવિતા છાપવામાં કંઈક ભૂલ થઈ હોવાનો સંભવ છે. જાણકાર ભાવક ભૂલસુધાર કરવામાં મદદ કરશે તો ગમશે.

Comments (5)

નિરાંતે – ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’

મેં તો ઢાળ્યા’તા ચોક માંહી ઢોલિયા
કે વાત એની કરશું નિરાંતે
મારી છાતીએ ટહુક્યા’તા મોરલા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ઢાળ્યા’તા પાંપણના પરદા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ખોલ્યાં’તાં અંતરનાં બારણાં
કે વાત એની કરશું નિરાંતે
મેહ વરસ્યો, તો મુશળધારે
કે વાત એની કરશું નિરાંતે
મોર ગ્હેક્યા’તા રાત આખી
કે વાત એની ક૨શું નિરાંતે
મારી વાડીમાં મોગરા મ્હેકયા
કે વાત એની ક૨શું નિરાંતે
પછી હેલી આનંદની વરસી
કે વાત એની કરશું નિરાંતે
તોયે રહી ગઈ થોડી તરસી
કે વાત એની ક૨શું નિરાંતે

– ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’

નથી કહેવું કહી-કહીને બધું જ કહી દે એ પણ કવિતાની અનેક ખૂબીઓમાંની એક છે. જુઓ આ રચના. ‘કે વાત એની કરશું નિરાંતે’ કહીને કવિ બધું જ કહી દે છે. સામી વ્યક્તિ કાન દઈને બેઠી છે એટલે કથકને ખબર છે જ કે વાત કરવા માટેની સાચી નિરાંતવી વેળા આ જ છે, પણ દરેક કડી સાથે આ ધ્રુવકડીના અંકોડા ભેરવીને કવિ વાતમાં સતત મોણ નાખતા રહે છે. ચોકમાં ઢોલિયો ઢાળીને પ્રિયજન સાથે સાયુજ્ય સાધ્યું હોવાની વાત પોતાની સખીને કરે છે. પરિતૃપ્તિના અંતે પણ થોડી તરસ તો બાકી રહી જ જાય એ માનવસહજ માનસનું આકલન રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (6)

વાલમજી! હું તો – ભાસ્કર વોરા

વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.

આશાનું આભ મારું ગોરંભી લીધું
ને રોકી લીધી મુને વાટમાં,
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા
ને રીઝવી દીધી મુને છાંટમાં,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.

દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું
એને મલ્હારી સૂર થઈ ઠારો,
વ્હાલપની વાછંટો એવી મારો
કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.

– ભાસ્કર વોરા

પ્રેમમાં તૃપ્તિ કરતાં તરસ હંમેશા બળવત્તર જ હોવાની. ગમે એટલું કેમ ન ભીંજાઈએ, કોરાંને કોરાં જ રહી ગયાં હોવાનું પ્રતીત થાય એનું જ નામ પ્રેમ. કાવ્યનાયિકા પણ નાયક પાસે પોતાનું અંતરતમ પરિતૃપ્ત થઈ મઘમઘ મહોરી ઊઠે એવો અનરાધાર પ્રેમ માંગે છે. નાયક પણ કંઈ ઓછો નથી. આશાઓનું ગાજર દેખાડીને એણે નાયિકાને ખૂબ સતાવી છે. આખું આકાશ ગોરંભે ચડે એટએટલી આશાઓ બંધાવીને એણે નાયિકાને પોતાનું કામ કરતી રોકી દીધી છે. બધાં કામકાજ અને ફરજ પડતાં મેલીને એ ઘેલી થઈ બેઠી છે. પ્રેમની સાવ આછીપાતળી ઝરમર દઈને નાયકે વળી એને રીઝવી પણ દીધી છે. પણ બે અંતર વચ્ચેનું અંતર નાયિકાને જરાય પસંદ નથી. એની ભીતર જે દાહ ઉપડ્યો છે એ તો વહાલના મેઘમલ્હાર વડે જ ઠરવાનો છે. નાયિકા ઓળઘોળ થવા તત્પર છે, પણ વહાલમ અમાપ વહાલ વરસાવે તો. જો કે પ્રેમમાં તરસના મહિમાથી નાયિકા અજાણ પણ નથી. એને પ્રેમમાં ભીંજાવું તો ખૂબ છે પણ પૂરેપૂરા નહીં… થોડી તરસ બાકી રહી જાય તો જ ખરી મોજ… ખરું ને?

Comments (8)

તમે કિનારે ચૂપ – ફિલિપ ક્લાર્ક

ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

તમે ગયાં ને ફૂલદાનીમાં
ફૂલો નહીં પણ શૂલ,
કારણ નહીં ને ભમે અબોલા
કેવી થઈ ગઈ ભૂલ!

સાવ સુંવાળી હથેળીઓમાં ખોદી બેઠા કૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

કાજળમાં ઓગળતી રાતો
અને નીતરતાં ગીત,
આવો કહીને અળગાં રહેતાં
મળતાં એવાં સ્મિત.

ઝાકળ વચ્ચે તડકો કે આ ૨મે તમારું રૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

-ફિલિપ ક્લાર્ક

પ્રેમીજનો વચ્ચે અકારણ અબોલા અને તણાવ કઈં નવી વાત નથી. ભીતર સંવેદનના દરિયા ખળભળતા હોય અને સામી વ્યક્તિ કિનારે મૂંગીમંતર ઊભી હોય એવી અકળામણમાંથી આ રચના જન્મી છે. પ્રિયજનની અનુપસ્થિતિમાં ફૂલદાનીના ફૂલ કાંટા સમા ભાસે છે. હથેળીઓમાં સ્પર્શના અને સહવાસના બગીચા ઉગાડવાના હોય એના સ્થાને બેય જણ કૂવા ખોદી બેઠા છે. ભૂલ સમજાય છે પણ પહેલ કોણ કરે? પરિણામે રાતો ઉજાગરામાં પસાર થાય છે અને આંસુઓમાં કાજળ ધોવાય છે. સામનો થાય તો આવોની ઔપચારિકતાવાળું સ્મિત અલગાવ બનાવી રાખે છે. ઝાકળ પર પડતો તડકો રંગોની રમત કરી જે સૌન્દર્ય જન્માવે એમાં પણ પ્રિયજનનું રૂપ જ નજરે ચડે છે, પણ….

Comments (6)

અમે મેળે ગ્યાં’તાં – ઉમાશંકર જોશી

Umashankar4

અલકમલક ભેળો થાય,
અમે મેળે ગ્યાં’તાં.
ગામ ગામ આવી ઠલવાય,
અમે મેળે ગ્યાં’તાં.

હૈયું ન હાથ રહ્યું ઊભી બજારમાં;
શોધું હવે ક્યાં હું માનવી હજારમાં?

એ આગળ, હું પાછળ,
અમે મેળે ગ્યાં’તાં,
એ પાછળ, હું આગળ,
અમે મેળે ગ્યાં’તાં.

એ રહ્યો મૂંગો ને હું રહી માનમાં;
સમજ્યાં બંનેમાંથી એકે ના સાનમાં.

એ ગયો પૂરવ, હું પચ્છમ,
અમે મેળે ગ્યાં’તાં;
હું ગઈ ઉત્તર, એ દખ્ખણ,
અમે મેળે ગ્યાં’તાં.

સત્તરે ચૂક્યાં તે સિત્તેરે શોચતાં,
એની એ ભૂલ તોય હજારો કર્યે જતાં.

કરવાને છેલ્લા જુહાર,
અમે મેળે ગ્યાં’તાં.
ફરી હવે ક્યાંથી એ દીદાર?
અમે મેળે ગ્યાં’તાં.

– ઉમાશંકર જોશી

આજે એકવીસમી જુલાઈના રોજ કવિશ્રીના જન્મદિવસે એક ગીત માણીએ.

મેળો શબ્દ કાને પડતાવેંત ઇન્દ્રિયો સતેજ થઈ જાય. મેળો, મેળામાંનો માનવમહેરામણ અને જાતભાતની ચકડોળો તથા ખાણીપીણી-ખરીદીની દુકાનોનું ચિત્ર અલગ જ સંવેદન જન્માવે છે. કાવ્યનાયિકા અને નાયક પણ મેળામાં ગામેગામથી આવીને ઊભરાતી માનવમેદનીનો એક હિસ્સો છે. મેળામાં તે કોનું હૈયું હાથ રહે તે નાયિકાનું રહે? પણ નાયક હોઠ ખોલવાની હિંમત કરી ન શક્યો અને નાયિકા સ્ત્રીસહજ માનના તોરમાં રહી ગઈ. હૈયાંની વાત સમય પર સમજવામાં અને સહિયારવામાં ઉભય નિષ્ફળ નીવડ્યાં. બંનેની દિશા કે ગતિ સદૈવ પરસ્પરથી વિરુદ્ધ જ રહી, પરિણામે જીવનની ઢળતી સાંજે એકમેકને આખરી જુહાર બંને ફરી મેળે જાય છે, પણ હવે એ જૂનાં દર્શન તો ક્યાંથી થાય? મેળો તો ભર્યોભાદયો છે, પણ હૈયાં ખાલીખમ રહી ગયાં. મેળો તો રંગરંગીન છે, પણ હૈયે સ્નેહરંગ પૂરાયો જ નહીં. લોકગીતની ઢબમાં લખાયેલ આ ગીત લયપલટાને લઈને મેળાની ચકડોળનો આનંદ પણ આપે છે.

Umashankar5

Comments (4)

એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ એવો છે વરસાદ,
સાત ખોટના શબ્દોને પણ વાદળ પાછળ મૂકી દઈને આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ એવો છે વરસાદ.

ઘર કહેવાતી છાપરીઓ કે ડુંગ૨ ઘેર્યાં ઝાડ બધાંયે આજ વરસતા જળ પછવાડે વરસે છે જો ઝાંખાંપાંખાં,
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે કુંવરજીની તેગ ફરે ને ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આખેઆખા;
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઈ બટ્ટ-મોગરા ફૂલ ભરેલા ચોમાસામાં હાથ હજીયે બોળ્યા કરીએ એવો છે વરસાદ.

સૂરજ જ્યારે સંતાતો જઈ બીક ભરેલા અડાબીડ અંધારે, ત્યારે કેવા એનું નામ કહીને મનમાં થપ્પો પાડી દેતા,
પણ એ ત્યાંથી નહીં નીકળે તો -ની શંકાએ મૌન રહીને કિરણ જડે તો કહીશું માની ઊગી ટીસને દાબી દેતા;
તને ખબર છે, મને ખબર છે એક સમયમાં કહેવી’તી ને નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ એવો છે વરસાદ.

– ધ્રુવ ભટ્ટ

વરસાદ પડતો રહે, પડતો રહે, પડતો જ રહે એવા પ્રલંબ લયના તારથી ગૂંથાયેલું આ ગીત ગણગણાવીએ ત્યારે ભીતર પણ અનવરત ટપ ટપનું સંગીત રેલાતું હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. સમર્થ કવિ કાવ્યસ્વરૂપનો કાવ્યવિષયને ઉપસાવવામાં કેવો ઉત્તમ વિનિયોગ સાધી શકે છે એનું એક ઉદાહરણ આ ગીત આપણને આપે છે. અટકવાનું નામ ન લેતા વરસાદમાં ભીંજાવાથી બચવા આંગળીઓના અંકોડા ભેરવીને છાપરી નીચે બેઠા રહીને પ્રતીક્ષા કરવા સિવાય બીજો કોઈ આરો રહેતો નથી. શબ્દોને ભૂલી જઈને મળ્યું એને મનભર માણી લેવાની આ મોસમ છે. વરસાદની ચાદરમાં સૃષ્ટિ એવી તો ઢંકાઈ ગઈ છે કે સૃષ્ટિ પોતે વરસતા જળની પાછળ વરસતી હોવાનો ભાસ થાય છે. અંધારા આભમાં કાળા વાદળની કોરેથી ચમકતી વીજળીની તલવારના ઝબકારામાં પરીકથાના એકદંડિયા મહેલ ઝગમગતા જણાય છે. અડાબીડ અંધારું સ્વાભાવિક ભય જન્માવે છે. સૂરજ આવા અંધારામાં ક્યાંક સંતાઈ ગયો છે એ જોઈને નાયકને બાળપણની સંતાકૂકડીની રમત અને ડોકિયું કરતાં ઝડપાઈ જાય એનો થપ્પો પાડી દેવાની વાત યાદ આવે છે. પણ આ વરસાદ કદાચ અટકશે જ નહીં અને સૂરજ કદાચ નીકળશે જ નહીં એવી આશંકા પણ મનમાં ઘર કરી ગઈ છે. અને આ બધા વરસાદની વચ્ચે બંને જણને જાણ હોવા છતાં કહેવી હતી પણ કહી ન શકાયેલી વાતનો વરસાદ પણ મનમાં વરસ્યે રાખે છે.

Comments (4)

એક કહાની ઐસી ભી… – દક્ષા બી. સંઘવી

લટકચમેલી જેવી છોરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલે ત્યારે છોરીની આ લટકમટકતી ચાલે આખું ફળિયું કોળે
ગરમાળા જેવો એક છોરો ડોક નમાવી ફળિયા વચ્ચે સમી સાંજનો સોનલવરણો ઝરમર ઝીણો તડકો ઢોળે

તને ખબર છે! એમ કહીને આંખ નચાવી લટ લહેરાવી છોરી છુટ્ટી મૂકે આખી પતંગિયાની ઝલમલ ટોળી
આંખે અચરજ આંજી છોરો ‘એમ!’ ‘અરે!’ હોંકારા ભણતો વાતું એની ચગળે જાણે હોય રસીલી મીઠી ગોળી
કોક દિવસ છોરાને થાતું કેવું છે ઈ આજે અબ્બીહાલ કહું, પણ ‘કેમ કહું’ની કૂંચી છોરો મનમાં ખોળે

એક દિવસ! હા એક દિવસ તેજી ઘોડી ને લાલ પલાણે આવ્યો કુંવર લાવ્યો રે કાંઈ લાલ ફૂલની લીલી ડાળી
એક દિવસ! હા એક દિવસ તો સોળ સજી શણગાર ચમેલી ઘરચોળાના છેડે તડકો મોતી જેમ પરોવી હાલી
મોં મલકાવી સામે ઊભો છોરો એના પગલે પગલે ફૂલ વેરતો છાને ખૂણે જઈ જઈ રાતી આંખ્યું ચોળે

જાતાં જાતાં લટકચમેલી આંખો ઢાળી દઈ ગઈ’તી જે ફૂલો એની મનભર મસ્ત સુગંધ હજી છોરાના ગજવે
છોરાએ તો ઘસીઘસી ને ધોઈ હથેળી, ધોયું પહેરણ, ધોયું ગજવું તોય હજી એ ગંધ જુઓ છોરાને પજવે
પછી થયું શું?
થયું એમ કે લટકચમેલી નથી-નથીના જાપે સૂનમૂન બેઠો છોરો હાય વીતેલી પળ વાગોળે
વહી ગયેલાં જળ વાગોળે… હાય વીતેલી પળ વાગોળે…

– દક્ષા બી. સંઘવી

એક તો આઉટ ઓફ ધ બોક્સ લાગે એવી લાંબીલચ પંક્તિનું ગીત અને ‘લટકચમેલી’ જેવા સંબોધનથી ઉપાડ- એટલે ગીત સાથે મુલાકાત થતાવેંત એટલો તો ખ્યાલ આવી જ જાય કે રચના જરા હટ કે જ હશે. ગામમાં છોકરી યુવાન થાય એટલે ફળિયું સજીવન થઈ જાય. આપણો કાવ્યનાયક કંઈ કોઈ અપવાદ નથી. ગરમાળો તાપ ઝીલીને ફૂલ ખેરવીને રસ્તાને પીળી ચાદરથી ઢાંકી દે એ વાતને છોકરા સાથે વણી લઈને સર્જક ખૂબ જ મનહર ચિત્ર ખડું કરે છે. રૂપના તાપ સામે ડોક ઝૂકાવી ઊભેલા ગરમાળા જેવો છોકરો સમી સાંજના કુમાશભર્યા તડકા જેવી લાગણીઓ વહેતી કરે છે.

બંને મિત્રો પણ છે, એટલે વાતચીતનો વહેવાર તો છે, છોકરી તરફથી મિત્રતા છે, પણ છોકરો રસીલા મીઠા પ્રેમમાં ઓગળી ચૂક્યો છે. દિલની વાત હમણાં કહું હમણાં કહુંની તાલાવેલી વચ્ચે પણ છોકરાના એકતરફી પ્રેમને વ્યક્ત થવા માટેની ચાવી મનના ભંડકિયામાંથી કેમે કરીને જડતી નથી. નિષ્ફળ પ્રણયકથામાં જે બને એ જ અહીં પણ બને છે. તેજીલી ઘોડી પલાણીને એક કુંવર આવીને સોળ શણગાર સજી છોકરીને પરણીને લઈ જાય છે. છોકરો છોકરીના પગલે પગલે તો સ્મિત અને પુષ્પો વેરતો જઈને પ્રસંગના આનંદમાં અન્હિવૃદ્ધિ કરે છે, પણ ખૂણામાં જઈને બધાથી છાનોમાનો રડીને રાતી થયેલી આંખ ચોળે છે. જતાં જતાં છોકરીએ મિત્રની હથેળીમાં ફૂલ મૂકી ગઈ, જેની સુગંધ અને યાદ હવે કેમે કરીને છોકરાનો કેડો મૂકતાં નથી. સમયજળ અને પ્રેમકહાણી ભલે વહી ગયાં પણ પૂરી ન થયેલી વાર્તાનું અધૂરું પાનું વાગોળતા છોકરાની જિંદગીએ આગળ વહેવાનું છોડી દીધું છે.

Comments (23)

અમે વૃક્ષની જાત… – ઉષા ઉપાધ્યાય

અમે વૃક્ષની જાત-
.              અમે ના ખળખળ વહીએ સંગે.

ડાળ-પાનમાં રહે ઝીલાતો
.                          જળનો નાતો સ્હેજ!
ફૂલ-કળીમાં છલકે સઘળે
.                          જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

થાય અધિકું કદી, ઝૂકીને
.                          નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
.                          સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

હશે અધિકાં મારાં કરતાં
.                          પરપોટાનાં ભા’ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
.                          મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

– ઉષા ઉપાધ્યાય

 

અચળપણાના શાપ ન મળ્યા હોય એમ પાણી સાથે ખળખળ કરીને વહેવાનું પોતાના નસીબે ન હોવાના વસવસા સાથે વૃક્ષો જમીનમાં મૂળિયાં નાંખીને આજીવન સ્થિર ઊભાં રહે છે. એક તરફ ડાળી-પાંદડાં પાણીને પ્રત્યક્ષ ઝીલે છે તો બીજી તરફ એ જ પાણી ફૂલ-કળીના બંધારણનો અદૃશ્ય ભાગ થઈને પ્રકાશે છે. ઝાકળબુંદનું ઝલમલ તેજ પણ સોનામાં સુગંધ ઉમેરે છે. વધારે મન થાય તો વહેતાં જળમાં સહેજ ઝૂકી લઈને જાતને જોઈને પોતે પણ વહેતાં જળનું જ એક અંગ હોવાનું આશ્વાસન વૃક્ષ મેળવે છે. તો વળી, જાત સમેટીને તળનાં જળનો સંસ્પર્શ પણ એ મેળવતાં રહે છે. મનુષ્યની જેમ વૃક્ષોમાં પણ ઈર્ષ્યાભાવનું આલેખન કરીને સર્જકે સજીવારોપણ અલંકારને સર્વથા સાર્થક કર્યો છે. ભલે પળભરનું આયુષ્ય કેમ ન હોય, પણ પાણીમાં વહીને મેઘધનુષના રંગોને ઝીલવાનું સૌભાગ્ય પામનાર પરપોટાની વૃક્ષોને અદેખાઈ આવે છે, કેમ કે એમના નસીબે તો કાયમ તડકો વેઠવાનું જ લખાયું છે. ‘જાત’ સાથે ‘શાપ’નો પ્રાસ મેળવ્યા બાદ આગળ જતાં સર્જકે ‘રૂપ’ અને ‘ધૂપ’ ઉપર પ્રાસપસંદગીનો કળશ ઢોળ્યો છે, એટલા પૂરતો ખટકો ન અનુભવાતો હોત તો ગીત ઓર આસ્વાદ્ય બન્યું હોત.

Comments (10)

સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો…. – પુષ્યમિત્ર ઉપાધ્યાય

સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

છોડો મહેંદી, ખડ્ગ સંભાલો,
ખુદ હી અપના ચીર બચા લો,
દ્યૂત બિછાએ બૈઠે શકુનિ,
મસ્તક સબ બિક જાએંગે
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

કબ તક આસ લગાઓગી તુમ, બિકે હુએ અખબારો સે,
કૈસી રક્ષા માંગ રહી હો દુઃશાસન દરબારો સે?
સ્વયં જો લજ્જાહીન પડે હૈ
વો ક્યા લાજ બચાયેંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

કલ તક કેવલ અંધા રાજા, અબ ગૂંગા-બહરા ભી હૈ,
હોંઠ સિલ દિએ હૈ જનતા કે, કાનો પર પહરા ભી હૈ;
તુમ હી કહો યે અશ્રુ તુમ્હારે,
કિસકો ક્યા સમજાએંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

– પુષ્યમિત્ર ઉપાધ્યાય (સૌજન્ય–અનિલ ચાવડા)

ફરી એકવાર – હિન્દી કાવ્યજગતે એક પ્રખર રચના પ્રકટાવી !

તમામ મા-બહેન-દીકરીઓએ આત્મસાત કરવા લાયક રચના ! આતતાયીનો વધ કરવા અવતારની રાહ ન જોવાય – ભલે સંઘર્ષમાં મ્રુત્યુ મળે – વિવશતા ઓઢીને બેસી તો ન જ રહેવાય !

Comments (2)

એવા સંબંધો હવે પાંગર્યા – રામુ પટેલ ‘ડરણકર’

ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા,
હરખની હેલી તો એવી ચઢી કે
.                પંડ્યનાં પાથરણાં પાથર્યાં!

ઉંબર ઓળંગી હું આંગણામાં જાઉં
.                ત્યાં આસોપાલવ પાન ખેરવે,
સુક્કાં આ પાંદડાંમાં હળવે રહીને કો’ક
.                લીલીછમ્મ પીંછિયું ફેરવે.

ડૂબેલાં એક દિન સાતે વહાણ
.                આજ અણધાર્યાં આવીને નાંગર્યાં,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.

કોઈના અણસારા ઘેરેલાં વાદળ થઈ
.                સુખ જેમ મારામાં ફૂટશે,
સપનામાં આવેલાં આષાઢી મેઘધનુ
.                મ્હેંદીના રંગ મારા લૂંટશે.

ગુમસૂમ બનીને આજ ઊભેલા ગઢમાં
.                હોંકારા દઉં બની કાંગરા,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.

– રામુ પટેલ ‘ડરણકર’

કવિનું નામ પ્રથમવાર સાંભળ્યું પણ રચના તો વાંચતાવેંત મનોમસ્તિષ્ક પર કાબૂ લઈ બેઠી. પહેલા વરસાદે ધરતી જેમ મઘમઘ થઈ ઊઠે એમ જ આ રચના વાંચતાવેંત અંતરતમ મહેંકી ઊઠ્યું… સંબંધમાં પોઝિટિવિટીનું આ ગીત કેવું મજાનું છે! વરસોથી ગુમસૂમ ગઢનું નસીબ આજે પલટાયું છે. ડૂબી ગયાંની પ્રતીતિ થવાના આરે જિંદગી આવીને ઊભી હોય એવી પળે અચાનક જ મનોરથોનાં સાતેય વહાણ કાંઠે આવીને લાંગરે ત્યારે જ અનુભૂતિ થાય એ કવિએ બખૂબી આલેખી છે. દરવાજો એટલે શક્યતા. ખૂલવાની સંભાવનાથી સભર. આવી કોઈપણ પ્રકારની શક્યતા જ્યાં આવીને શૂન્ય થઈ જાય એનું નામ દીવાલ. દરવાજે ટકોરા દો અને દરવાજા ખૂલે એ તો દુન્યવી સંબંધ. અહીં તો દરવાજાના સ્થાને દીવાલ આખેઆખી ખૂલે છે. ‘ખોબો માંગું ને દઈ દે દરિયો’ પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. સરવાળે ગીત નખશિખ આસ્વાદ્ય!

Comments (19)

આપણામાં… – યૉસેફ મૅકવાન

આપણામાં સમજણનો દરિયો જો હોત –
તો છીછરા પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યાં ના હોત!

તડકાની મહેક તારી આંખોમાં છલકતી’તી
ચાંદની શા મહેક્યા’તા શ્વાસ.
હળવી હવાને એક હિલ્લોળે પાન ખરે
આપણો એમ છૂટ્યો સહવાસ!
પછી અમથુંયે જોયું નહિ, અમથુંયે બોલ્યાં નહિ
આમ અમથુંયે રૂઠ્યાં ના હોત….! આપણામાં…

ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
આભલાનો ઓઢી લીધો ભાર,
હસ્યાં-મળ્યાંનાં બધાં સ્મરણોને મૂકી દીધાં
જીવતરના હાંસિયાની બહાર…!
કાશ! અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…! આપણામાં

– યૉસેફ મૅકવાન

કહે છે કે ખરું ગીત તો મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય. આ વાત પ્રમાણવી હોય તો પ્રત્યક્ષ ગીત એનું ઉત્તમ ઉદાહરણ છે. કવિ કહે છે કે આપણી અંદર જો સમજણનો દરિયો હોત તો આપણે છીછરા પાણીમાં આ રીતે અધવચ્ચે ડૂબી ગયાં ન હોત. ‘દરિયો,’ છીછરા’ અને ‘અધવચ્ચે’ –આ ત્રણ શબ્દો અહીં કી-વર્ડનું કામ કરે છે. પરસ્પર માટે દિલમાં સાચો પ્રેમ હોવા છતાં લાંબો સમય ટક્યા બાદ સમ્-બંધ તૂટે એ અવઢવના તાંતણે કવિએ શબ્દોના મોતી પરોવી મજાની માળા રચી છે.

સમજણ વિના કોઈ સગપણ ટકતું નથી પણ સગપણ ટકાવવું હોય તો આછીપાતળી સમજણ ન ચાલે, સમજણનો દરિયો ભર્યો હોવો જોઈએ બંનેમાં. દરિયો વિશાળતા અને ગહનતા-ઉભયનું પ્રતીક છે. દરિયા જેવી સમજણ ભીતરમાં ભંડારી ન હોય એ સંબંધ ટકી રહ્યા હોય તોય પ્રાણવંતા તો નહીં જ હોય. ગીતની શરૂઆત ‘આપણામાં’ શબ્દથી થાય છે, એનો અર્થ એ કે આ સમજણ કોઈ એક વ્યક્તિમાં હોત તોય ચાલવાનું નહોતું. સંબંધ તૂટ્યાનો બોજ કોઈ એકજણ ઉપર નાંખી દેવાને બદલે કવિ જ્યારે ‘આપણામાં’ કહીને દાખલો માંડે છે ત્યારે એ વાત સાફ છે કે બંનેમાં સમજણ હોવી અનિવાર્ય હતું. અસીમ-ઊંડી સમજણ કેળવવામાં બે જણ નિષ્ફળ જાય ત્યારે છીછરા પાણીમાં અધવચ્ચે ડૂબવાની નોબત આવે.

Comments (6)

॥ ૐ હરિ ૐ ॥ – હરીશ મીનાશ્રુ

હરડે ફાકે છે તોય કરવા પડે છે બ્રાહ્મમહુરતમાં લોમ અનુલોમ
એ ઘડીએ તોંદ ઉપર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

દાઢ દુખે મંમદની, ઉપ૨ સે બીબડી ભી
કરતી હે રોજ પરેશાન
વિઠ્ઠલ તો વાંઢાવિલાસી, આ મામલામાં
એને છે ઊંડું ગનાન

મુદ્દા છે નાયગરા-વાયગરા, મૂસળી, આ ઢળતી જવાની ને જોમ
બહુચરાનો સેવક આ ચંદુડિયો અમથો કાં કૂદી પડે કરતો યા હોમ

દાક્તર તો ગુમ, હેલ્થ સેન્ટરમાં પશલો
તે ફુલ્લ ટાઈમ એમ્બીબીએસ
ડાબા ઢગરાને સ્હેજ ઊંચો કરીને મુખી
છોડે પેટાળ થકી ગેસ

માગશરમાં માવઠું કે મેંઢક ના હોય તોય ચોરામાં ગડગડતું વ્યોમ
ચૌદશિયા જીવોને પ્રિય અતિ ચા ભેગી ચોવટ, દેવોને જેમ સોમ

ભગલો ભગાવે ફૂલસ્પીડે એનો ઉસ્તરો
ને ઓચિંતો આવે જો બમ્પ
દુનિયાનું દાઢું છોલાય, ઊડે છોતું
ફટકડીને ફેરવી લે ટ્રમ્પ

વતું ને વાત પૂગે રામના અયોધ્યાથી પોપજીના વેટિકન રોમ
નીચી મૂંડીએ લોક ઘઉંના જવારા જેમ મૂંડાવે કેશ દોમ દોમ

ગામ આખું જાણે: ફલાણીની ખડકીમાં
ખાતું ખોલ્યું છે કોણે ભૂતિયું
લબદાયું સબિસડીવાળી એ ભગરીના
પોદળે તલાટીનું જૂતિયું

નવરી બજા૨, એમાં સંપીને વાળે નખ્ખોદ આમ પચરંગી કોમ
એ ઘડીએ તોંદ પર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી કવિતામાં બહુ ઓછા કવિ ભાષાને પોતાની મૌલિક અને આગવી શૈલી વિકસાવીને અછોઅછો વાના કરી શક્યા છે. રાજેન્દ્ર શુક્લની રચના નીચે કવિનું નામ ન લખ્યું હોય તોય ફતાક કરતુંકને કહી શકાય કે આ રચના એમની છે. આવું જ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે પણ કહી શકાય. માણસનો મૂળ સ્વભાવ પંચાતિયો. પોતાના દુઃખ ભૂલવાનો સૌથી સહેલો ઉપાય કોઈ હોય તો એ પારકી પંચાત. ગામેગામમાં વ્યાપ્ત નવરી બજારનું એક ખૂબ જ મજાનું અને હળવુંફૂલકું ચિત્ર કવિએ એમની અનોખી શૈલીમાં રજૂ કર્યું છે.

કબજિયાતથી શરૂ કરી હજામત સુધીની રોજબરોજની ક્રિયાઓને કવિએ મંદમંદ સ્મિત આપણા હોઠ પર રેલાવ્યે રાખે એવી રીતે રજૂ કરી છે. રાત્રે હરડે ફાકવાથી લઈને બ્રાહ્મમુહુર્તમાં પ્રાણાયમ કરવા સુધીના ઉપાય કર્યા બાદ પણ પેટ સાફ ન થાય ત્યારે છેવટે માણસ ભગવાનને પણ કષ્ટ આપવાનું ચૂકતો નથી. આમ, માનવસ્વભાવ અને ભગવાન સાથેના એના નિતાંત સ્વાર્થી સ્વભાવ ઉપર માર્મિક કટાક્ષ સાથે કવિ ગીતનો ઉપાડ કરે છે. મહંમદની દાઢ દુઃખે છે એ ઓછું હોય તેમ એની બીબી પણ રોજેરોજ એનો જીવ લેવામાં કસર છોડતી નથી અને મૂળભૂત ભારતીય સંસ્કાર પ્રમાણે વાંઢો વિઠ્ઠલ લગ્નજીવન વિશે ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી મહંમદને ઈલાજ પણ સૂચવે છે. ઢળતી જવાનીમાં પૌરુષી જોમ બરકરાર રાખવા માટે વાયગ્રા અને મૂસળીપ્રયોગ સૂચવાય છે, એ જ્ઞાનપિરસણીમાં બહુચરાજીનો ભક્ત ચંદુ પણ વણનોતર્યો યા હોમ કરતોક કૂદી પડે છે.

હેલ્થ સેન્ટરમાં તબીબની ગેરહાજરી અને કમ્પાઉન્ડરની મનમાનીનું ચિત્ર રજૂ કરી કવિએ ગામોમાં મૂળભૂત જરૂરિયાતોના અભાવની નસ બરાબર પકડી છે. દેવોને જેમ સોમરસ વહાલો છે એમ ગામના ચૌદશિયાઓને ચોવટ-પંચાત પ્રાણપ્યારી છે. હજામની દુકાન એટલે ગામનું અખબાર. વતુ અને વાતુંના તાણાવાણાથી વાળંદ દેશ-દુનિયાનું પોત વણે છે. ઝાડનું એક પાંદડુંય હલે તો ગામ આખાને એની જાણકારી મળી જાય એવું જબરદસ્ત નેટવર્ક ગામોમાં જોવા મળે છે. ગમની પચરંગી કોમ નવરી બજારમાં કઈ કઈ રીતે અનેર કેવું કેવું નખ્ખોદ વાળે છે એનું પચરંગી ચિત્ર કવિએ તાદૃશ રજૂ કર્યું છે…

Comments (6)

ઝૂરણ મરશિયું – જયેન્દ્ર શેખડીવાળા

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

જીવત૨ સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસે૨ રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ…હુ….ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

મનના જ૨જ૨ દુ૨ગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

– જયેન્દ્ર શેખડીવાળા

પ્રસ્તુત ગીતમાં પ્રવેશ કરવાની કૂંચી એનું શીર્ષક ‘ઝૂરણ મરશિયો’ છે. મરસિયો એટલે મૃત્યુ પછી ગવાતું શોકગીત. મૃતકને હાર પહેરાવવાનો રિવાજ છે. પણ કવિ ટહુકા પહેરાવવાનું ઇજન આપે છે અને તેય હાથણીભેર… ટબુકડા પંખીના કંઠેથી નીકળતા સાદને હાથણીના વિરાટકાય સ્વરૂપ સાથે સાંકળી લઈને વિરહ અને પ્રણયની પરાકાષ્ઠા એક જ પંક્તિમાં કવિએ કેવી આબાદ રજૂ કરી છે!

જીવનનું ઝરણું ન માત્ર સૂકાઈ રહ્યું છે, અસ્તિત્ત્વના નકશા પરથી ભૂંસાઈ પણ રહ્યું છે. નાયક વિરહજળમાં એ હદે ડૂબ્યો છે કે આંખમાંથી વહેતાં પાણીની સેર એને જ આંસુ ગણે છે અને નાયક આંસુ હોય તો આંખમાંથી વહેતાં આંસુ કંઠહાર બની રહે છે. આંસુ જ વિરહની વાણી છે એટલે કવિ એને વાણીસેર જેવી અનૂઠી પણ સચોટ ઉપમા આપે છે.

જનાર તો પાછળ વાયકાઓ મૂકીને ચાલી ગઈ. કાગડાનું પ્રતીક આપણે ત્યાં મૃતકના આત્મા સાથે જોડાયેલ છે. કવિ બેને જોડીને પત્નીના કોકિલકંઠને યાદ કરે છે. મૃત્યુના કાળા અંધારા માટે કવિ કાજળઘેરી અમાસનું રૂપક પ્રયોજે છે. અમાસનું બહુવચન કરી તમસને વળી ઓર ગાઢું કરે છે. કવિ મૃત્યુને વહાલું કરી જનારને અંધારું પીરસવા પણ તૈયાર છે, જો જનાર પાછું ફરવા તૈયાર હોય તો.

મનનો કિલ્લો જર્જરિત થઈ ગયો છે અને રાંગેથી કાંકરી ખરવા માંડી છે. જીવતરનો ભાર જાણે ટચલી આંગળીના માથે આવી ગયો હોય એમ જીરવી શકાય એવો રહ્યો નથી. ગોવર્ધન અને કૃષ્ણની તર્જની પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. દીવાલ ચીરીને ઊગવું પીપળાની પ્રકૃતિ છે. કવિ નાયિકાને પીપળની જેમ પોતાના જીવતરના જર્જરિત દુર્ગના કાંગરે ઉગાડવા તૈયાર છે. ટૂંકમાં, આ વિયોગ મૃત્યુએ કેમ ન સર્જ્યો હોય, કવિ મૃતક કોઈપણ પ્રકારે પરત ફરે એવી તીવ્ર આરતમાં વિલાપે છે.

Comments (3)

મળવું’તું…. – અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

– અનિલ ચાવડા

આ રચના અનિલભાઇની જ હોઈ શકે…😀 લાક્ષણિક શૈલી…..રમતિયાળ ભાષામાં ગહેરી વાત – ” હમણા હમણાથી આંખોમાં…..ટકતું બહુ આકાશ નથી…..” – વાહ….

Comments (1)

પગલાંની માળા – કવિ દાદ

વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બે ચાંચડિયે એક જ તરણું, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં’તાં જેમ સુઘરીના માળા-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં’તાં પગપાળાં;
વિ’ખાંઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું, ગાળા–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, કયાં કરવા ઊતારા;
આસારો દઈ ઊડાડી મૂકયાં, વલખે પાંખુવાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

આવનજાવન રહી ન કોઈ, ઊંઘી ગયાં અજવાળાં;
બંધ કરી ઘર બેસી ગયાં છે, સૂનાં ઘરને તાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

મરી ગયાં ‘દાદલ’ મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

– કવિ દાદ

મધુરા સહજીવનની આશાએ એકબંધને બંધાતા યુગલોમાં ઘણાંયને અધવચ્ચે અલગ થવાનો જોગ આવતો હોય છે. કવિ દાદ પાસેથી એક અદભુત રચના આ સંદર્ભે આપણને મળે છે. બે જણ જીવતરના સુંવાળાં સપનાંનાં તણખલાં વીણી-વીણીને સપ્તપદીના પગલાંની માળા ગૂંથે છે એ વાતથી ગીતારંભ થાય છે. શરૂમાં તો સહવાસ એટલો પ્યારો લાગતો હોય છે જાણે બે પંખી સાથે મળીને એક જ તરણું ઊપાડી ઊડે છે. સુઘરી જે કુશળતાથી માળો ગૂંથે છે એ જ કૌશલ્યથી બંને જણ એકમેકના મન એકમેક સાથે ગૂંથે છે. માળા તો બધા પંખીના હોય પણ કળાકૌશલ્યની એરણ પર સુઘરી કદાચ અવ્વલ ક્રમે આવે. કવિતામાં યોજાતાં પ્રતીક કવિતાને ઉપકારક હોય તો જ કવિતા સારીમાંથી ઉત્તમ તરફ ગતિ કરી શકે.

પણ આજે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે રસ્તે બે જણ સંગાથે પગપાળાં ચાલ્યાં હતાં ત્યાં આજે જંગલ-ઝાડી-ઝાંખરાં ઊગી આવ્યાં છે. મતલબ એ માર્ગ હવે અવાવરૂ બની ગયો છે. રસ્તામાં જ્યાં સાથે બેસી બે જણ વિસામો કરતાં હતાં એ નદી-ભાગોળ બધું આજે વીંખાઈ ગયું છે.

પિંજરમાં લાંબો સમય કેદ પંખીને અચાનક આકાશમાં છૂટાં મૂકી દેવામાં આવે તો વરસોથી જકડાઈ ગયેલ પાંખોને લઈને શું કરવું-શું ન કરવુંની સમજ ન પડે એ જ રીતે પ્રેમપિંજરની કેદમાં પોતપોતાના અસ્તિત્ત્વને સંકોરીને જીવવા ટેવાયેલ પ્રેમીજન અચાનક અલગ અને સ્વતંત્ર થઈ જવાની પરિસ્થિતિને અનુકૂળ થવામાં તકલીફ અનુભવે છે. જીવતર સૂનાં પડ્યાં છે. ફરી અજવાળાં થાય એવી આશા ક્યાંય દેખાતી નથી. બંધ ઘરને તાળાં લાગી ગયાં હોય એમ અંધારું જીવન બંધિયાર થઈ ગયું છે. કરોળિયાની જાળમાં જંતુ જે રીતે ફસાઈને મરી જાય એ રીતે બંને જણ પોતે જ ગૂંથેલા જાળાંની લાળમાં સપડાઈને જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરી રહ્યાં છે.

કેવું અદભુત ગીત!

Comments (3)

(ઓચિંતો ત્રાટક્યો અષાઢ) – દાન વાઘેલા

મને  ચડી ગઈ રોમ-રોમ ટાઢ!
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહિ-
.                                                ઓચિંતો ત્રાટક્યો આષાઢ!         મને ચડી ગઈ…

ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ,
છતાં ચાલી હું મીણ જેમ પીગળી!
માજમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંટળાતી વીજળી!

કોને ખબર છે કે ગામ આખું કોરું –
.                                                પણ ડૂબ્યાં આ મેડી ને માઢ!         મને ચડી ગઈ…

દરિયાનાં મોજાં તો માપી શકાય,
અરે! ફળિયાની ફાળ કેમ માપવી?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી?

રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
.                                                પીલાતો શેરડીનો વાઢ!         મને ચડી ગઈ…

– દાન વાઘેલા

આજે તો વરસાદ મનફાવે ત્યારે અને મનફાવે એટલો ખાબકી પડે છે, પણ એક જમાનો હતો જ્યારે ચોમાસું અષાઢ-શ્રાવણ સુધી સીમીત રહેતું, પ્રેમ પણ વરસાદ જેવો છે. એ કંઈ પૂનમ-બીજ એમ તિથિવાર જોઈને નથી થતો. પ્રેમના વરસવા માટે ગાજવીજનીય જરૂર નથી. ચાર આંખ વચ્ચે તારામિત્રક રચાય અને કોઈપણ જાતની પૂર્વજાણકારી વિના અષાઢ ત્રાટકી પડે એમ પ્રેમ રોમરોમને ભીંજવી ટાઢો અહેસાસ કરાવી શકે છે.

પરિવારે મર્યાદાના ઉંબરા ન વળોટવાનું શીખવ્યું હોવા છતાં પ્રેમની ઉષ્મા જ એવી છે કે ભલભલા મનસૂબા અને મર્યાદાઓ મીણની જેમ પીગળી જાય છે. ચાલીનો શ્લેષ પણ મર્માળો છે. બીજી તરફ કાજળકાળી રાતે દેમાર વીજળીઓ ડરાવતી હોય એમ રહીરહીને યાદ આવતી સામાજિક મર્યાદાઓની વાત મનને મૂંઝવણમાં પણ મૂકે છે. આ અષાઢી વરસાદ ભીતરી વરસાદ છે એટલે ગામ-શેરી તો ક્યાંથી ભીંજાવાના? પણ અહીં તો માઢ-મેડી ગરકાવ થઈ જાય એ હદે હૈયું જળબંબાકાર થઈ ગયું છે.

દરિયાંનાં મોજાંઓને તો માપી-ઓળંગી શકાય પણ ફળિયું કેમ કરીને ઓળંગવું? અહીં પણ માપી-માપવીમાં રહેલ હળવો શ્લેષ આસ્વાદ્ય બન્યો છે. શેરડીનો વાઢ પીલાય ત્યારે જેમ રસના ફુવારાઓ વછૂટે એમ અંતરમાં પ્રેમરસના ફુવારાઓ ફૂટે છે. સોળ વરસથી અકબંધ સાચવેલું કૌમાર્ય શેરામાં વસતા સાજનને આપી તો દેવું છે પણ ષોડશી પૂર્ણતયા વિડંબનામુક્ત થઈ શકતી નથી. પહેલા પ્રેમની અવઢવની આ જ તો મજા છે અને કવિએ એને તંતોતંત વાચા પણ આપી છે.

Comments (13)

ગમે શિયાળુ તડકો! – ચંદ્રકાન્ત શેઠ

ગમે શિયાળુ તડકો,
લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો!

કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે!
માતાની છાતીની હૂંફ શું તનમન બંને માણે!
સૂરજ શિયાળે અચ્છો લડકો! રમીએ અડકોદડકો!

ચંદન જેમ ઉનાળે, તડકો ગમતો એમ શિયાળે!
ઠંડીને વળગીને તડકો મલકે વ્હાલે વ્હાલે!
શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો!

શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો!
ફૂલ ખીલવી શૈશવ-ગાલે તડકો મલકે કેવો!
શેડકડું દૂધ પીવા અહીં શું આવ્યો છે ફક્કડ કો!

– ચંદ્રકાન્ત શેઠ

આમ તો શિયાળો સમય પહેલાં ઓસરી ગયો છે અને ઉનાળો આવે એ પહેલાં ચોમાસુ અવારનવાર ડોકિયાં કરી રહ્યું છે. પણ કવિતાની ખરી મજા એ છે કે સમય એને સ્પર્શી શકતો નથી. કવિતા ભરશિયાળે ગરમાટો આપી શકે અને ભરઉનાળે ટાઢકથી નવડાવી શકે. શિયાળુ તડકાની વાત કરતા આ ગીતની ખરી મજા કૈલાસ અને શિવના એક રૂપકને બાદ કરતાં રોજિંદી જિંદગીની ઘટમાળમાંથી શોધી કઢાયેલ રૂપકોમાં છે. એક જ દાખલો લઈએ- લાડુ સાથે ગરમ દાળના સબડકા જેવું અદભુત રૂપક ગુજરાતી કવિતાએ કેટલીવાર ચાખ્યું હશે, કહો તો!

Comments (6)

(ઉન્નત ધવલ પયોનિધિ છલકત) – રાહુલ તુરી

ઉન્નત ધવલ પયોનિધિ છલકત, મલકત બાળ નિહાર.
માતવદન મૃદુ હેત કરીને પીરસત પયરસ ધાર.

ઉત્સંગ મહી પોઢયું પેટ સ્વયંનું
નીરખીને હરખાય.
રમત કરત બહુ બાલમુકુંદમ્
હસત હસત વલખાય.
મમતભરી આંગળીયો હેતે ઘટ્ટ અલક પસવાર.

કાળજયી કાલાતીત દૃશ્યમ્
નૈન ભરત ઉર માહી.
ભાવ અલૌકિક અદ્દભુત
આહ્લાદક અવર કશે આ નાહી.
એકમેવમાં સકલ સચરાચર પામત સુક્ષમ સાર.

– રાહુલ તુરી

આજની ગુજરાતી કવિતા દકિયાનૂસી રહી નથી અને આજના કવિઓની કલમ ચાર-પાંચ રેઢિયાળ વિષયોના કુંડાળામાં ફયા કરવાના બદલે સર્વગ્રાહી બની છે અને ગુજરાતી કવિતામાં જવલ્લે જ જોવા મળ્યા હોય એવા વિષયોમાં પણ ધનમૂલક ખેડાણ કરે છે એની પ્રતીતિ આ રચના કરાવે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાનું આવું દૃશ્યચિત્ર આપણી કવિતામાં કદાચ જ જોવા મળે. એમાંય કવિએ તુલસીદાસના ‘ठुमक चलत रामचंद्र, बाजत पैंजनियां’ની યાદ અપાવે એવી અવધી ભાષાને ગુજરાતી સાથે સંમિલિત કરીને અલગ જ ‘ફ્લેવર’ સર્જી છે. શુભ્ર સ્તનયુગ્મમાંથી સાગર છલકાતો જોઈ બાળક મલકી રહ્યું છે. માતા પ્રેમપૂર્વક એને દૂધપાન કરાવી રહી છે. ખોળામાં પોતાના જ પેટને હસતું-રમતું-વલખાતું જોઈને એની સંગ માતા પણ હરખી રહી છે. બાળકની ઘટ્ટ લટોને એ મમતાભરી આંગળીઓથી પસવારે છે. સમગ્ર સંસારમાં વાત્સલ્યને વ્યાખ્યાયિત કરતાં આ દૃશ્યને કવિ યથાર્થ રીતે જ કાળજયી અને કાલાતીત લેખાવે છે. આવો અલૌકિક, અદભુત અને આહ્લાદક ભાવ સંસારમાં બીજે ક્યાંય જડી શકે નહીં. સ્નેહસરવાણીની આ એક માત્ર પરિભાષા સકળ સચરાચર માટે પ્રેમનો સૂક્ષ્મ સંદેશ પૂરી પાડે છે.

Comments (19)

પંખી બેઠું ડૂંડે – મનોહર ત્રિવેદી

કવિના નવ્ય કાવ્યસંગ્રહની સર્વપ્રથમ પ્રત કવિહસ્તે પ્રાપ્ત કરવાની ધન્ય ક્ષણ..

*
પંખી બેઠું ડૂંડે*
ખેડુ નજરું માંડે જાણે ભથવારીના સૂંડે.

નળ્ય વળગાડે છાતીસરસી
બેઉ તરફની છાંય
ખૂણેખાંચરે જઈને થંભ્યા
તડકાઓના પાય

ગાડામારગ જાય ઊતરતો પોતામાં શું ઊંડે?

આભ નમીને રહ્યું નીરખી
લચી પડેલો મૉલ
વહુવારુની જેમ લ્હેરખી
ઘૂમે ઓળેઓળ

જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
પંખી બેઠું ડૂંડે

– મનોહર ત્રિવેદી

(*. કવિમિત્ર રમણીક સોમેશ્વરના અછાંદસની પ્રથમ પંક્તિ)

કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત.

બપોરીવેળાના ખેતરનું દૃશ્યચિત્ર કવિએ કલમના જૂજ લસરકા માત્રથી આબાદ ઉપસાવી આપ્યું છે. જે રીતે વહેલી સવારથી એકધારો પરિશ્રમ કરીને ભૂખ્યો-તરસ્યો થયેલો ખેડૂત બપોરે ભાથું લઈને આવતી ભથવારીના ટોપલા તરફ આતુર મીટ માંડે એવી જ પરિતૃપ્તિની અપેક્ષા લઈને ડૂંડા પર આવી બેઠેલા પંખીની ઉપસ્થિતિથી કાવ્યારંભ થાય છે. બે ખેતર વચ્ચેની કાંટાળા થોરની સરહદની વચ્ચે પસાર થતો સાંકડો રસ્તો એટલે નળ્ય. બેઉ તરફની છાંયને નળ્ય છાતીસરસી વળગાડે છે –આ એક જ પ્રતીક બપોરી તાપની પ્રખરતા મુખરિત કરવા સક્ષમ છે. ખૂણાખાંચરાઓને બાદ કરતાં તડકો સમસ્ત સૃષ્ટિમાં પગપેસારો કરી ચૂક્યો છે. છાંયડો એટલો ઓછો થઈ ગયો છે કે નળ્યના બે છેવાડા સિવાય ક્યાંય નજરે ચડતો નથી. ખૂણાખાંચરાઓને બાદ કરતાં સૃષ્ટિમાં બધી જગ્યાએ કેવળ તડકાનું જ સામ્રાજ્ય છે. આ જ કવિના ‘તડકા! તારા તીર’ ગીતમાં પણ આવું જ કલ્પન જોવા મળે છે: ‘છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ.’ વળી, ‘તડકા’ બહુવચન ઓછું પડ્યું હોય એમ કવિ પોએટિક લાઇસન્સ વાપરી પાછળ ‘ઓ’ ઉમેરી બહુવચનનો પણ વિસ્તાર કરે છે. નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલ નિર્જન માર્ગ જાણે છેવાડે જઈને પોતાની જ અંદર ઊંડે ન ઉતરી જતો હોય એવો ભાસે છે. પંખીના બેસવાથી સજીવન થયેલ ખેતરની બપોરી દુર્દશા વર્ણવ્યા બાદ કવિ પુનઃ આવા વાતાવરણમાં સૃષ્ટિના ધનમૂલક પરિબળો સાથે સંધાન કરવું ચૂકતા નથી. લચી પડેલ મૉલને જોવા જાણે આભ માથે ઝળુંબી રહ્યું છે. વહુવારુ જે રીતે મર્યાદા જાળવીને ચાલે, એમ પવનની લહેરખી પણ ઓળેઓળે- ચાસેચાસે ઘૂમી રહી છે. કેવું અદભુત કલ્પન! બાકી હતું તે પતંગિયાના ઝુંડે સીમને શણગારી છે. આવા ખેતરમાં જઈ દિવસ ગાળવાનું મન ન થય તો જ નવાઈ…

*

Comments (10)

પગને પરખી – મનોહર ત્રિવેદી

પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શોર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તોર
તરત જ ની૨વ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?
અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

– મનોહર ત્રિવેદી

*

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. (દયારામ)

– ઈશ્વરની કૃપા ઝીલવા માટે પાત્રતા જરૂરી છે. ભક્તિ અને તડપ સાચા હોય તો માર્ગની ધૂળ સુદ્ધાં પગને ઓળખી લઈ વટેમાર્ગુને દૂર આવેલી મઢૂલી સુધી પહોંચાડી આપે છે. ગનીચાચા પણ યાદ આવે: ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ!’ખરું ને? એકવાર સુરતા જાગી ગઈ, તો પાછળથી વહેરે આવતો સાંજનો શોર અને સમજણનો જૂઠો તોર-બધું જ ઓસરી જાય છે. વૈખરી પણ ખરી જાય છે અને પરા વાણી ખૂલી-ખીલી ઊઠે છે. ચોર્યાસી લાખ ભવના આંટાફેરામાં પોતાને કોણ અને કયા જન્મનું ઋણ ખેંચી લાવ્યું છે એ અળવીતરી દુવિધા સાંઈના ધૂણે મૂકી દેતાંમાં જ સંસારના ત્રિવિધ તાપ શાંત થઈ ભીતરે શાતા ફરી વળે છે. ઈશ્વરનો દરબાર ભરચકતાનો- અપારનો દરબાર છે. અહીં ઓછપને કોઈ સ્થાન નથી. અદીઠનો અંબાર પહેલવહેલીવાર નજરે ચડે એ પળે જ દુનિયા પાછળ છૂટી જાય છે. સરળ ભાષામાં ઊંડી અભિવ્યક્તિ!

Comments (4)

સૈંયા… – વિનોદ જોશી

સૈંયા, મેલી દે તારી નવાબી,
.          કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….

મુંને વીજળિયું તૂટે છે પંડમાં,
નથી આરોઓવારો નવ ખંડમાં;

સૈંયા, દાનત ખોરી બેહિસાબી,
.          કે આજ કરી દેને તું ખાનાખરાબી…

મુંને હોઠેથી ડામ દીધા આકરા,
મારાં રૂંવે રગદોળ્યા ઉજાગરા;

સૈંયા, અંધારું આછું ગુલાબી,
.          કે રંગ ચડ્યો હળવેથી હાજરજવાબી…

મુંને સોંસ૨વાં સણકે સંભારણાં,
લોહી કૂદીને લેતું ઓવારણાં;

સૈંયા, ખરબચડી રાત છે રુઆબી
.          કે પોત મારું પોચું પોચું ને કિનખાબી…

– વિનોદ જોશી

લયસ્તરો પર કવિશ્રીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત…

ધણીપણું બતાવતા ધણીને સામ-દામ-દંડ-ભેદના ન્યાયે પોતાની તરફ પાછો ખેંચી આણવાની નાયિકાની મથામણ ગીતમાં સુપેરે વ્યક્ત થઈ છે. નાયિકાની ડાબી આંખ રોજ ફરકે છે. કોઈના આવવાના શુકન તો રોજ થાય છે, પણ સૈંયાજી નવાબી તોર મેલતા નથી અને પરત પાસે આવતા નથી. આ તરફ વિરહસિક્ત નાયિકાના અંગાંગમાં વીજળીઓ તૂટી રહી છે, પણ આ તડપ-તોફાનનો ક્યાંય કોઈ આરોઓવારો નથી. ખાનાખરાબી થઈ હોવાનું પ્રતીત થાય એ હદે નાયિકા સમર્પિત થવા તલપાપડ છે, પણ નાયકની તો દાનત જ સાવ ખોરી અને બેહિસાબી છે. એ વાણીના જે ડામ દઈ ગયો છે એ જીરવવા નાયિકાને એટલું આકરું થઈ પડ્યું છે કે ઊંઘ સુદ્ધાં નાતો છોડી-તોડી ગઈ છે. પોતાની બદહાલતના વર્ણન સાથે એ નાયકને પ્રલોભન આપતાં રહેવાનુંય ચૂકતી નથી. કાળાડિબાંગ અંધારું પ્રેમના ગુલાબી રંગે રંગાયું હોવાનું કહી એ સૈંયાને લલચાવે છે. એકતરફ સ્મરણ જાત સોંસરવા સણકા જન્માવે છે તો બીજી તરફ ઓરતા લોહીમાં તોફાને ચડ્યા છે. નાયિકાનું પોત રાણી પદ્મિણી જેવું પોચું અને કિનખાબી છે પણ એકલતામાં પોતાનો રુક્કો જમાવી બેસતી રૂઆબદાર રાત એવી તો ખરબચડી છે કે નાયિકાનું હોવું ઉઝરડાઈ જાય છે…

Comments (8)

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે…. . . ……મલેશિયા, 2018

*

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીત,
નહીં કરેલી થઈ ગઈ પ્રીત, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીત;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

Comments (21)

કોઈ – નીતિન વડગામા

કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.

કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

– નીતિન વડગામા

‘કોઈ અહીં આવે છે મળવા’થી ગીતનો ઉપાડ થાય છે. અહીં ‘અહીં’ એટલે આખી દુનિયા. દુનિયામાં કે આપણા જીવનમાં આવતા દરેક લોકોના આગમનના હેતુ અલગઅલગ જ હોવાના. કોઈ કેવળ મળવા આવે છે, તો કોઈ કશું સાંભળવા. કોઈ ઉપલક મુલાકાતે આવી ચડ્યું છે, તો કોઈ આપણા અસ્તિત્ત્વમાં આખેઆખા ઓગળવા આવે છે. કવિએ અલગઅલગ મહેમાનોના આગમન પાછળના અલગઅલગ પ્રયોજનોની યાદી બનાવીને સરળ ભાષામાં વિચારવંત કરી દે એવું બળકટ ગીત રચ્યું છે. કોઈ આરતીની ઝાલર સાંભળી રહે છે, તો કોઈને અમથો-અમથો નશો ચડે છે. ઈશ્વરનો અમથો-અમસ્તો નશો જેને ચડે છે, એને વળી કવિ બડભાગી કહેવાના બદલે અભાગી વિશેષણથી નવાજે છે એ વળી ધ્યાનમાં લેવા જેવું છે. અવળવાણી સારી કવિતાનું મહત્ત્વનું અંગ છે, એ વાત અહીં સમજાય છે. કોઈ પદ-પ્રતિષ્ઠા-સમૃદ્ધિના આકાશમાં ઊંચે ઊગવાના હેતુથી આવે છે, તો કોઈ કળીની જેમ પોતે ઊઘડવા આવે છે. ગીતમાંથી પસાર થઈ ત્યારે ર.પા.ની અમર ગઝલ ‘મનપાંચમના મેળામાં’ તો યાદ આવે જ, પણ સુન્દરમનું ‘કોણ?’ પણ અવશ્ય યાદ આવશે.

Comments (12)

(નામ રતન બીજ) – ડૉ. ભરત ગોહેલ

નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.

માલા મોતી હાથ ધરે ક્યું, છોડો સબ દિખલાવા;
હોઠ જરા ભી હિલે ન ઐસે, ભીતર ભીતર ગાવા.
નામ લિખ ક્યું કાગદ રંગે, ક્યું ખરચો રે શ્યાહી;
.                                       નામ રતન બીજ…

નામ જપન કી બેલા કૈસી? જબ ચાહા જપ લેના;
મનમેં મંદિર, મનમેં મૂરત; મન હી મન મત્ત રેના.
ઐસી કિ૨યા કરો ના જીસસે, લોગ કરે બાહબાહી;
.                                       નામ રતન બીજ…

૫૨મ પ્રીત કી પાવન કથની, અંતરપટ હો અંકિત:
ઐસે રટતે રહો નામ હો, જનમ જનમ કો સંચિત.
ચાહ બચે ના એક અલાવા, પિયુ રહો સો ચાહી;
.                                       નામ રતન બીજ…

– ડૉ. ભરત ગોહેલ

મીરાંબાઈ ‘રામરતન’માં ધન પામ્યાં, આપણા કવિ ‘નામરતન’ની ગડ ઉકેલે છે. કહે છે, પ્રભુનામના રત્નને અંતરની માટીમાં એવી રીતે દાટી દો કે જોનારાને કેવળ શરીર જ દેખાય, અંદર વવાઈને ઊગવા તત્પર પ્રભુનામનું બીજ નજરે જ ન ચડે. અખાની જેમ જ કવિ માળા-મોતી વગેરે દેખાવાની તરફેણમાં નથી. એ તો કહે છે, પ્રભુનામ તો એ રીતે અંદરોઅંદર જ ગાવાનું હોય કે હોઠ જરાય હલે સુદ્ધાં નહીં. કાગળ પર પ્રભુનામ લખીને કાગળ બગાડવાની કે શાહી ખર્ચવાની ટેવ પણ અર્થહીન છે. અને ઈશ્વરનું નામ લેવા માટે તે કોઈ વેળા હોય? મન થાય ત્યારે લેવાનું હોય એ તો, કારણ મનમાં જ મંદિર પણ છે અને મનમાં જ મૂર્તિ પણ છે એટલે મનમાંને મનમાં જ નામ લેવું જોઈએ. એવું કશુંય કરવાનું જરૂરી નથી, જે જોઈને લોકો વાહવાહી કરે. પરમકૃપાળુ પરમેશ્વર સાથેની પરમ પ્રીતની પવિત્ર કથા અંતરપટ પર એમ અંકિત હોવી જોઈએ કે જનમજનમનું ભાથું બંધાય. એક ઈશ્વરને બાદ કરતાં કશાયની ચાહના ન રહે એ રીતે પિયુ પરમેશ્વરને ચાહવાનો છે. અલગારી સંતબાનીમાં આલેખાયેલ આ ગીત આજના પોચટ ભજનકાવ્યોથી સુપેરે અલગ તરી આવે છે.

Comments (7)

મ્હેણું – સંજુ વાળા

વ્હાલે માર્યું જબરું મ્હેણું!
મને કહે: તું ખમતીધર, હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થૈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!

– સંજુ વાળા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સહૃદય સ્વાગત!

સંગ્રહમાંના ‘વ્હાલાપંચક’ ગુચ્છમાંથી એક ગીતરચના આપ સહુ માટે. મજબૂત લય અને સીધી હૈયામાંથી ઉતરી આવી હોય એવી સહજ બાનીને લઈને રચના વાંચતા, સૉરી, ગણગણતાવેંત દિલમાં ઊતરી જાય એવી બળકટ થઈ છે. (પ્રવાહી લયને લઈને વાંચવું તો શક્ય જ નથી!) પ્રિયાને ખમતીધર લેખાવી પોતે તો કેવળ ચરણરજ છે એમ જ્યારે વહાલો કહે છે, ત્યારે સમર્પિતાને આ સમર્પણને મહેણું કહી ઓળખાવે છે. જો કે એના આ છણકામાં મહેણાંનો કોઈ ભાવ નથી જ નથી. વાત તો કેવળ વહાલની જ છે અને એ તો ગીતના ઉપાડના પહેલા શબ્દથી જ કવિએ સ્પષ્ટ કરી દીધી છે. આખું ગીત સહજ-સાધ્ય છે. ગાતાં-ગાતાં માણીએ…

Comments (4)

બારણાની તૈડમાંથી – પ્રીતમ લખલાણી

બારણાની તૈડમાંથી જોયાં કરું છું કે,
ફળિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

ભમ્મરિયા વાવના હું સીંચું છું પાણી ને,
સીંચાતી જાઉં ઘીમે ઘીમે,
આશના પાતાળેથી ફૂટે સ૨વાણી ને,
હરખાતી જાઉં ઘીમે ઘીમે.
ઊંડા અતાગ કોઈ તળિયેથી આજ,
મને ટોચે લાવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

આંખ્યુંમાં ફૂટ્યા છે કેસરિયા કોડ,
સખી સૂરજ શા ઝળહળતા રેલે,
મહેંદીના છોડ જેવા રાતા રે ઓરતામાં,
સાંવરિયો મદમાતો ખેલે.
બળતી હથેળીમાં ભીનેરો હાથ દઈ,
રુદિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

– પ્રીતમ લખલાણી

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગીતસંગ્રહ ‘શેરીથી શેઢા સુધી’નું સહૃદય સ્વાગત છે…

પ્રોષિતભર્તૃકાની આંખો કાયમ પિયુના આગમનની પ્રતીક્ષામાં જ રત હોવાની. શક્યતાના બારણાંઓ બંધ હોય તો તિરાડમાંથી આવતો પ્રકાશ સુદ્ધાં આશાનું કામ કરે છે. ફળિયું ખાલી છે પણ કોઈ આવી ઊભું હોવાનો અહેસાસ નાયિકાને પોતાના વાસ્તવથી અળગી કરીને સ્વપ્નમહેલમાં પ્રેમથી લાવી આણે છે. ભમ્મરિયો શબ્દપ્રયોગ આમ તો બહુ ઊંડો અને ચક્કર આવી જાય એવા કૂવા માટે વપરાય છે. વાવ માટે આ પ્રયોગ યથોચિત ગણાય? આપણે તો ભાવ પકડીએ. પાણી સીંચતા-સીંચતા નાયિકાને પોતે સીંચાતી હોવાનું અનુભવાય છે. પિયુમિલનની આશા છેક પાતાળે જઈ પહોંચી હોય એ પરાકાષ્ઠાએ કોઈ બારણે આવી ઊભું હોવાનો ભાસ પાતાળ ફેડીને ફૂટી નીકળતી સરવાણી જેવો હરખ જન્માવે છે. સરવાણી પાતાળથી સપાટીએ આવે એની સાથોસાથ નાયિકા ઊંડા અતાગ તળિયેથી નિજનું પણ ઉર્ધ્વગમન થતું અનુભવે છે. ઊજાગરાને લઈને રાતાં ટશિયાં ફૂટેલી આંખ કેસરિયા કોડ ફૂટ્યા બરાબર લાગે છે અને આંખમાંથી વહેતા હર્ષાશ્રુના રેલા તિરાડમાંથી આવતા પ્રકાશને કારણે સૂરજ જેવા ઝળહળે છે. મહેંદીના છોડ જેવા રાતા ઓરતાની વાત થોડી મૂંઝવે છે. મહેંદીનો છોડ તો લીલો હોય. પિસાઈને હાથ પર લાગ્યા પછી મહેંદી હથેળી પર રતાશ બનીને પથરાય એ વાત અલગ પણ જ્યારે વાત કેવળ છોડની હોય ત્યારે રાતો રંગ રસાસ્વાદ અવરોધતો અનુભવાય છે. સરવાળે ગીત ઘણું સ-રસ થયું છે. વિરહાગ્નિથી બળતી હથેળીમાં મનના માણીગરનો હાથ તમામ બળતરાઓને શાંત કરી દેતો હોય એવો ભીનેરો વર્તાય છે.

Comments (6)

રોજ ઊઠીને દળવું – સંજુ વાળા

રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

કહેવું ને સાંભળવું યાને
બેઉં સમાન્તર પાટા,
બન્ને વચ્ચે ઊગે ઓગળે
સૂસવાટા સન્નાટા.

એ ય ખરું કે દિવસે-રાતે વધવું બળવું ઝળવું
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

હું કહું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂંસી તાલ મેળવ્યે
સોરાવું ને સ્હેવું

વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું

– સંજુ વાળા

 

જિબ્રાન યાદ આવી જાય – ” સાથે ગાજો,નાચજો અને હર્ષથી ઉભરાજો, પણ એકમેક વચ્ચે એક અંતર જરૂર રાખજો ”

– કદાચ સંબંધ કોહવાઈ જવા પાછળ આ જ મુખ્ય કારણ હશે….

Comments (4)

ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે….. – મુકેશ જોષી

કોઈ સવારે, ફૂલો સાથે વાત કરીને
ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે
તમે દ્વાર ખોલીને ઊભા હોવ છતાંય
સાંકળ જેવું ધીમે ધીમે તમને એ ખખડાવે
તો, તમે મૂકી દો છાતી ઉપર હાથ,
કશું વિચારો પહેલાં કિયો વિચાર આવે?

ખુલ્લી આંખે સપનું આવે, ગુલાબની પાંદડીએ એનું
નામ લખીને કંઈક જનમથી ઝૂર્યા હો ને
ખરું પૂછો તો ગઈ રાતનાં સપનાંઓનાં પતંગિયાંની
પાંખ ઉપરથી હેઠા પણ ના ઊતર્યા હો ને
તમે હજુ તો પૂછો ‘કોણ તમે’ના કોઈ ઉત્તરમાં
એ ચારેબાજુ હવા સુગંધી આવે

અજવાળું ઊગવાની ખાસ્સી વેળ હોય ને એય
તમારી સામે સૂરજમુખી જેવું ખીલવા લાગે
તમે તમારા મન માંહે સંતાડી રાખ્યો હો એ સૂરજ
ફટાક કરતો એની પાસે ભાગે
તમને એ આંજી દે આછા ઉજાસથી કે
અંધારું કે અજવાળું ના કશું જ તમને ભાવે

તમે હજુ તો મનમાં આંબો વાવો, પહેલાં ડાળ તૂટે ને
કોઈ તમારી કૂંપળ જેવી વાત ફળે ના
તમે પછીથી શોધ આદરો રસ્તાઓમાં ચહેરાઓમાં
છતાંય તમને કોઈ નક્કર ભાળ મળે ના
કોઈ સાંજે તમે એકલા બેઠા હો, ને સવાર જેવી
એક છોકરી તમને જો યાદ આવે!

– મુકેશ જોષી

 

પ્રેમના મહાપર્વએ નાજુક નમણું-શું પ્રેમગીત….ગીતનો ઉપાડ આખા ગીતને અલગ જ ઉંચાઈ આપી દે છે. છેલ્લો અંતરો પણ મનભાવન છે…

Comments (1)

એ જ વાત – ચન્દા રાવળ

બસ,
.        એ જ વાત ના છેડો.
શીદને ચાહું, શી વિધ ચાહું, કેમ સહું તમ ચેડો.
.       એ જ વાત ના છેડો
.     માધવ
.       એ જ વાત ના છેડો.

કદમ્બ-વૃક્ષે પાન ફૂટતાં
.       જમુના જલમાં લ્હેરો.
મધુવનની વાટે પથરાતો
.       પ્રણય, પ્રિયા તમ ઘેરો.
.       ક્યાંય નહીં ત્યાં કેડો.
બેય નયનમાં રોપ્યા તમને, ઊગ્યો મબલક નેડો!

વળી વળીને પૂછો શાને?
.       હોઠ મરકતા લાગે.
જાણે ફૂલ ઊપર કો’ ભમરો
.       ડંખ દિયે અનુરાગે.
.       મુજને ના છંછેડો.
બેઉ ઓષ્ઠમાં ગોપ્યા તમને; ગુંજ્યો મનનો મેડો.

.       બસ, એ જ વાત ના છેડો.
બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
.       માધવ, હૃદયદુવારે તેડો!

– ચન્દા રાવળ

કોઈને ચાહવાનાં તે કંઈ કારણ હોતાં હશે? પ્રેમ એટલે તો બસ, પ્રેમ… એમ પૂછીને થાય નહીં પ્રેમ, ખરું ને? પણ આ જુઓ, નટખટ માધવ મુરારી તો ગોપી પાસે પોતાને ચાહવાનાં કારણ જાણવા પૃચ્છા કરી રહ્યો છે. પણ ગોપીય કંઈ જાય એમ થોડી છે? માધવની વહાલી કંઈ જેવી તેવી હોય? જવાબતલબી કરી રહેલ કાનાને ગોપી શું કહે છે તે જાણવા જેવું છે. માધવ મુરારીએ તો પૂછી લીધું કે ગોપી એને શા માટે ચાહે છે, કઈ રીતે ચાહે છે. પણ ગોપી એકદમ સ્પષ્ટ છે – કેરી ખાવ, ઝાડ શા માટે ગણવાં? એ માધવને કહે છે, કે બસ, આ એક જ જ વાત છેડશો નહીં. કદમ્બ વૃક્ષ પર પાન ફૂટે અને જમુનાના જળમાં લહેરો ઊઠે એમ મધુવનની વાટે પથરાયેલ માધવના અસીમ અફાટ પ્રેમે એને ચારે તરફથી એવો ઘેરો ઘાલ્યો છે કે ભાગી છૂટવાનો કોઈ કેડો જ બચતો નથી. નજરોમાં કેવળ માધવ જ સમાયો હોય ત્યાં મબલખ સ્નેહ ન ઊગે તો જ નવાઈ. પણ કૃષ્ણ તો હતા જ ટિખળી. મંદમંદ મરકતાં એ વળી-વળીને નિષિદ્ધ પ્રશ્ન કરે છે ત્યારે ભમરો ફૂલને પ્રેમથી ડંખે એવો આહ્લાદ ગોપી અનુભવે છે. બેઉ નયનમાં કેવળ માધવને જ સ્થાન આપ્યા બાદ હવે બેઉ અધર પર પણ એનું જ સ્થાન હોવાની જાહેરાત ગોપી કરે છે. રાત-દિ ગોપીના હોઠે માધવનું જ નામ હોવાને લઈને મનનો મેડો ગુંજારવથી ભરાઈ ઊઠ્યો છે. સામા સવાલ કરવાના બદલે માધવ પણ પોતાને નજરોમાં પ્રોવીને પોતાના હૃદયમાં સ્થાન આપે એ જ ગોપીની અભ્યર્થના છે. સરવાળે, સહજ ભાષા અને પ્રવાહી લયને લઈને મનમાં લાંબા સમય સુધી રણઝણ્યા કરે એવું મધુરું સ્નેહગીત…

પ્રાસ સાચવવા કવયિત્રીએ ‘ચેડાં’ શબ્દ સાથે ચેડાં કરીને ‘ચેડો’ શબ્દ ન વાપર્યો હોત તો રચના વધુ આસ્વાદ્ય બની હોત.

Comments (5)

એ તારે ઘર આવ્યો તેડે – ઉશનસ્

એ તારે ઘર આવ્યો તેડે, ચાહીને તવ યાર,
અભાગણી, જોજે પાછી તું રાખે બંધ દુવાર;

આ પળ તારે ભાયગ,
જે આવે છે કોક જ વાર,
જેને કા૨ણ જોગીજતીઓ
લે છે લખ અવતાર;
શું શોચે છે? આંગણ આવ્યાં વરી લે, દૈ વરમાળ.      એ૦

એ પોતે તવ આંગણ આવ્યો,
પછી શું ઘર ને બ્હાર?
એહની સંગે નીકળી પડવા
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર?      એ૦

જરીય મોં ફેરવીને પાછી
જોઈશ મા તું અતીતે,
એ છોડ્યું તે છોડ્યું,
જોડવું મન જો મનના મીતે;
ખુલ્લું એમ જ ઘર મૂકી જા, જા નવલે સંસાર.      એ૦

છતછાપરુંયે આડશ અમથી
આડશ ભીંત-કમાડ,
સૌ સોંસરવી નીકળી જા તું,
ઠેકી જા સૌ વાડ;
તક છે છેલ્લી, મળી કે મળશે, નીકળી જા નિજ પાર.      એ૦

– ઉશનસ્

સાક્ષાત્ ઈશ્વર અભાગણીને તેડવા એના ઘરે ચાહીને આવ્યો હોવાથી કવિ એને દ્વાર બંધ ન રાખવા તાકીદ કરે છે. જીવનમાં ક્યારેક જ આવતી આ પળ પામવા જોગીઓ અને જતિઓ લાખ-લાખ અવતાર લે છે અને આવામાં નાયિકાને વિચારમગ્ન જોઈ કવિ વળી એને ચીમકી દેતા કહે છે કે આંગણે આવેલ પ્રભુને વરમાળ આપીને એની સાથે લગ્ન કરી લે. ઈશ્વર આંગણે પધારે ત્યારે અંદર-બહાર બધું એકસમાન થઈ જાય છે. આપણે એ વિચારવાનું છે કે પહેર્યે કપડે, કોઈ પણ જાતના સાજશણગાર વિના અને હુંપદનો ભાર ત્યજીને આપણે એની સાથે નીકળી પડવા તૈયાર છીએ કે કેમ? મનમીત સાથે નવલો સંસાર માંડતી વખતે નથી અતીત તરફ મોં ફેરવીને જરાય જોવાની જરૂર કે નથી ઘર વાખવાની કોઈ આવશ્યકતા. ભૂત અને વર્તમાન –ઉભયને છોડીને ભાવિના પંથે ચાલી નીકળવાનું છે. છત-છાપરાં-ભીંત-કમાડ –આ તમામ આ ક્ષણે આડશ સમા લાગશે. જીવનને બાંધી રાખતી તમામ પળોજણોની વાડ ઠેકીને ખુદની પણ પાર નીકળી જવાનું છે, કેમકે આજે જે આ તક જીવનમાં આવી છે, એ આખરી તક છે.

સૉનેટ અને ઊર્મિકાવ્યોના સ્વામી ગીતનો હાથ ઝાલે છે ત્યારે મકરંદ કે હરીન્દ્ર દવે જેવી મુલાયમતાના સ્થાને તળ ગુજરાતની ખરબચડી બાની અછતી રહેતી નથી. પણ ઉત્તમ કવિના હાથમાં કાવ્યસ્વરૂપની માવજત થોડી બરછટ થાય તોય કાવ્યતત્ત્વ તો નિરવદ્ય જ રહે છે એની પ્રતીતિ અહીં થયા વિના રહેતી નથી.

Comments (4)

કઈ કૂંચી, કઈ કળ… – યોગેશ પંડ્યા

બ્હાર ઓલ્યો ધોધમાર મેઘરવો વરસે ને
અંદર બરકે છે મારો સાયબો.

આડઝૂડ વીંઝાતી ઝડીઓમાં ઓગળી એવું ભીંજાય મારું તન,
જાણે કે ફાટફાટ દરિયા ફાટ્યા કે પછી ફાટ્યું છે આખું ગગન;
ઊભી જ્યાં નેવાંની હેઠ્ય હું તો સ્હેજવાર આરપાર મારું ગવન!
બ્હાર ઊભી ખુદ હું થઈ ગઈ વરસાદ અને
અંદર મરકે છે મારો સાયબો!

કોરી થાવાને હું તો નાવણિયે ગઈ પણ સાંકળ દેવાનું ગઈ ભૂલી,
હળવેથી સાયબાએ ઝીલી, ’ને શરમાઈ સાયબાની બાંહોમાં ઝૂલી;
સાનભાન ખોયું ને ખબર્યું ના રહી, કઈ કૂંચીથી કઈ કળ ખૂલી?
બ્હારના કમાડ આડાં હળવે દીધાં ને હવે-
અંદર ફરકે છે મારો સાયબો.

– યોગેશ પંડ્યા

વાદળ અને વહાલના બેવડા વરસાદમાં ભીંજાતી નાયિકાની મજાની સંભોગશૃંગાર રચના. બહાર મેઘ ધોધમાર વરસી રહ્યો અને ઘર ભીતરથી સાહ્યબો અવાજ દઈ રહ્યો છે. બહાર વરસાદ અને ભીતરથી વર સાદ! નાયિકા ધોધમાર વરસાદમાં ઘરબહાર કેમ નીકળી છે એનો ફોડ કવિએ પાડ્યો નથી. જરૂરી પણ નથી. આડઝૂડ વીંઝાતી વરસાદની ઝડીઓમાં નાયિકાનું તન એવું ઓગળી ગયું છે કે એ ખુદ વરસાદ બની ગઈ છે… આ વરસાદમાં પછી સાહ્યબો પણ મનભર નહાઈ લે છે. શરીર લૂછી કોરી થવા નાયિકા નાવણિયામાં તો પ્રવેશી પણ સાંકળ દેવાનું ભૂલી ગઈ. સાહ્યબો અંદર પ્રવેશી એને ઝાલે ને ઝૂલાવે છે ત્યારે સાનભાન સ્વાભાવિકપણે જ હાથ રહેતાં નથી. કઈ કૂંચીથી કઈ કળ ખૂલીનો સંભોગશૃંગાર ‘અંદર ફરકે છે મારો સાયબો’ પંક્તિમાં રતિસુખની ચરમસીમાએ પહોંચે છે, અને વહાલની આ હેલીમાં આપણને પણ ભીંજાયા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

Comments (8)

પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
છેદ પડ્યો છે છ૨કમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની…

ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંમર પર બેઠો
સખિયન! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો
લોહી હલ્યા રે અચરમ્ અચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું
છબછબિયું અન્ધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું
જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

– જયેન્દ્ર શેખડીવાળા

સોળ વર્ષની મુગ્ધ વય પ્રેમમાં પડવાની વય છે. ષોડશીના પ્રથમ પ્રેમની અનુભૂતિનાં ગીતો તો આપની પાસે ઘણાં છે, પણ સોળ વરસના લબરમૂછિયા નવયુવાનની પ્રેમાનુભૂતિની આવી રચના ભાગ્યે જ માણવા મળશે. સોળ વરસથી સ્થિર ઊંડા જળમાં અચાનક ટહુકાની રાવ પડતાં જાણે કે તોફાન મચ્યું છે. ટહુકાની રાવ સાથે આમ તો ઝાડની ડાળ યાદ આવે, પણ અહીં કવિએ ઊંડા પાણીમાં ટહુકાની રાવ પડી હોવાનું કપ્લન બાંધીને પ્રથમ પંક્તિથી જ ભાવકને આ રચના જરા હટ કે હોવાનો ઈશારો પણ કર્યો છે. પ્રેમનો આ ટહુકાર છરી ન હોય એમ સોળ વરસના અકબંધ અસ્તિત્ત્વમાં જાણે કે આછો કાપો પડી જાય છે. છરકમ્ છરકમ્ – આ રવાનુકારી (onomatopoeia) શબ્દની દ્વિરુક્તિ છરીથી આછો છરકો પડવાની ક્રિયાને ચાક્ષુષ કરી દે છે.

અકબંધ પાનીના ઉલ્લેખ મિષે પરીક્ષિત અને કળિયુગની ઓછી જાણીતી વાર્તા યાદ આવે. કળિયુગ સામે પરીક્ષિત અડીખમ હતા પણ એમણે એને સોનામાં રહેવાની રજા આપી એ કારણે કળિયુગે એમના મુગટમાં ઘર કરી લીધું હતું, જેના દુષ્પ્રભાવના કારણે તક્ષક નાગના ડંખ અને સાત દિવસમાં મૃત્યુનો શાપ રાજાને વેઠવાનો આવ્યો હતો એ કથા સર્વવિદિત છે. પણ એક ઓછી જાણીતી ઉપકથા મુજબ દેહધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ પરીક્ષિત રાજાએ હાથ-પગ ધોયા પણ પગની પાની ધોવાની રહી જતાં કળિયુગ શાપ મુજબ પગની પાનીમાં થઈને એમના દેહમાં પેઠો હતો. કવિને આ સંદર્ભ અભિપ્રેત હશે કે કેમ એ તો ખ્યાલ નથી પણ નાયિકાની પગની પાની અકબંધ છે એમ કહ્યા બાદ પછી તરતની પંક્તિમાં ટહુકાનું લસલસ કરતુંકને પગમાં પેસવાની વાત આવે છે.

કોઈકનો અવાજ સોળ વરસથી અકબંધ વ્યક્તિત્ત્વમાં છેદ કરીને અંદર ઊતરી ગયો છે. સણકા ઊપડી રહ્યા છે. નાયક નાયિકાને કહે છે કે, હે સખી! આ ટહુકો કોનો છે એની પંચાતમાં પડવાના સ્થાને હૈયા આખાને હચમચાવી દે એવી જે કંપારીઓ જન્મી છે, એને વેઠવાની મજા લો. પ્રણયસંગીત ના ધિન ધિન તાને લઈને લોહીમાં ખળભળાટ મચ્યો છે.

હિંદુ પરંપરા અનુસાર છોકરી એના લગ્નના દિવસે નથ પહેરે છે અને સુહાગરાતે પતિ એ નથ ઉતારી બે દેહનું અદ્વૈત સાધે છે. પણ નાયક નથ ઉતારવાના બદલે જીવનમાં પહેલીવાર પોતાની મૂંછ ઉતારવાની વાત કરે છે, એ સૂચક છે. સ્ત્રી ઉપર પૌરુષી કબજો મેળવવાના બદલે નાયકની નેમ પોતાના અહંકારનો ત્યાગ કરવાની વધુ છે. આ જ સાચો પ્રણય છે ને! એ પછીની સંભોગશૃંગારની વાત તો સહજ સમજાય એવી છે…

Comments (12)

આવી સૈયર ઠંડી..! – પ્રકાશ પરમાર

આવી સૈયર ઠંડી..!
સાવરિયાની અકોણાઈમાં હવે આવશે મંદી…!
આવી સૈયર ઠંડી.

મેડીનો સુનકાર પાછા પગલે પાછો થાશે;
કડલાં કાંબીનો કેલીરવ પડસાળે પડઘાશે.
પર્વત શિખર ચડી ઉતરશે ખીણમાં આ પગદંડી….!
આવી સૈયર ઠંડી.

સાજન મુજને પીશે માની કઢિયેલ દૂધનો કળશ્યો;
ગટકગટ ગટગટાવે મુજને તોયે રહેશે તરસ્યો..!
નાગરવેલના પાનની ફૂંપળ બનશે ફરી ફરંદી….!
આવી સૈયર ઠંડી.

ઓળંગીને આડ બધીએ ઓગળશું ઉભયમાં,
બોલકા મૌનનો હૂંફાળો સંવાદ રચીશું લયમાં.
પાતળિયાની પટરાણી થઈ મોજ માણશે બંદી..!
આવી સૈયર ઠંડી.

– પ્રકાશ પરમાર

ઠંડી એટલે ભરસંસારમાં પાનખર પણ ઘરસંસારમાં વસંત ઋતુની સંવાહક. રાતની ઠંડકમાં હૂંફ અર્થે પિયુ સાયુજ્ય સ્થાપવા આવશેની ખાતરીમાંથી જન્મેલું મજાનું ગીત આસ્વાદીએ. સતત તોરમાં ફરતા રહેતા સાંવરિયાની અકોણાઈમાં હવે મંદી આવશે એની નાયિકાને પ્રતીતિ છે. મેડીનો સૂનકાર કડલાં-કાંબીના કેલીરવમાં પડસાળ સુધી પડઘાશે. પાછા પગલે પાછા થવાની વાતમાં કવિકર્મનો રણકો સંભળાય છે. પાછા-પગલે-પાછો-પડસાળે-પડઘાશે-પર્વત-પગદંડીમાં ‘પ’ની વર્ણસગાઈ તથા કડલાં-કાંબી-કેલીરવ સાથે સુનકારના કારનો ‘ક’કાર પણ આખા બંધને રણકતા-પડઘાતા રાખે છે. શિખર ચડીને પગદંડીના ખીણમાં ઉતરવાનો સંભોગશૃંગાર મેડી-પરસાળના રૂપકથી અળગું પડી જાય છે એ નિરવદ્ય કાવ્યરસમાં થોડો ખટકો જરૂર પેદા કરે છે. સાજન પોતાને કઢિયેલ દૂધનો કળશ્યો ગણીને આકંઠ પીશે પીશે ને તોય તરસ્યો રહેશે એ આત્મવિશ્વાસ કાવ્યપ્રાણ સમો છે. અહીં પણ નાગરવેલના પાનની કૂંપળના ફરી ફરંદી બનવાવાળી ક્રોસલાઇન જામતી નથી. શાંત વસ્તુ તોફાની બનશે એવી અભિવ્યક્તિ કવિને હૈયાવગી હોય એમ જણાય છે, પણ નાગરવેલના પાનની બે વિરોધાભાસી અવસ્થા જળ-પવન જેવા પ્રતીકોમાં જેમ સ્પષ્ટ થઈ શકી હોત એમ થઈ શકતી નથી. ત્રીજો બંધ સહજ છે. કાયમ માટે બંદી થઈને રહેતી પત્ની હવે ઠંડીના પ્રતાપે પાતળિયાની પટરાણીનું ગરવું સ્થાન પામશે એ વાત સ્પર્શી જાય છે.

Comments (11)

ભણકારા પહેરીએ! – અનિલ ચાવડા

ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!

ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!

પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

ધારો કે રસ્તો આ રસ્તો ના હોત
અને હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!

આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

~ અનિલ ચાવડા

ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ જો મકાં
વો…..ફિર નહીં આતે….વો…..ફિર નહીં આતે….

Comments (4)

તડકા! તારાં તીર – મનોહર ત્રિવેદી

તડકા! તારાં તીર,
વીંધતો જાય કોઈ શિકારી કોયલ-કાબર-કીર.

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ,
છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ;
તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય,
ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય,
પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર..

વાયરા સીમે સૂસવે: હડી કાઢતી આ બપ્પોર,
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર;
ઝૂંટવે તું શું જોર? તું તારે લાવજે તારો પીર..
તડકા! તારાં તીર…

– મનોહર ત્રિવેદી

કોઈ શિકારી એક પછી એક પક્ષીઓનો શિકાર કરતો જતો હોય એમ તડકાનાં તીર અંગાંગને વીંધી રહ્યાં હોવાનું ચિત્ર કવિએ દોઢ જ પંક્તિમાં આબાદ દોરી બતાવ્યું છે. ભાઠોડામાંનું ઘાસ પણ તડકાના તાપને લઈને સૂકાઈ ગયું છે. સૂર્ય માથે ચડ્યો હોય ત્યારે પડછાયો લગભગ ગાયબ જેવો થઈ જાય છે. છાંયડા જેવો છાંયડો પણ વાડની ઓથ લેવા નજીક જઈ ભરાયો છે, મતલબ વાડનો પડછાયો નહીંવત્ જેવો રહી ગયો છે એમ કહીને કવિ કેવી અદભુત રીતે ભરબપોરની વેળા થઈ હોવાનું કહી દે છે! તરકોશી એટલે એકસાથે ત્રણ-ત્રણ કોશ સાથે ચાલી શકે એવું વિશાળ નવાણ! પણ તડકાના કારણે તરકોશીએ પણ પાણી નસીબ નથી એમ કહીને કવિએ તડકાના તીરને વધુ ધાર કાઢી છે.

આમ તો શતસહસ્રો કિલોમીટર દૂર પ્રકાશતો સૂર્ય જાણે બળદગાડાની ધૂંસરી પર આવી બેઠો હોય એમ એકદમ નજીક આવીને ધરતીને તાવી રહ્યો છે. તડકાની દાદાગીરીનો કોઈ પાર નથી. જ્યાં જ્યાં એ પગ મૂકે તે તે જગ્યા એની જાગીર બની જાય છે. સીમમાં વાયરા સૂસવાટા મારતા હોય અને બપ્પોર હડી કાઢતી હોય એ વચ્ચે પણ ટેકરી પરનો ગુલમહોર બાકીની સમગ્ર સૃષ્ટિની જેમ નમતું જોખી દેવાના બદલે એકલવીરની જેમ ઝીંક ઝીલે છે, ખીલે છે. ગુલમહોરની ઓથ લઈને આખી રચનામાં તડકાને સર્વોપરી સ્વીકારી લેનાર કવિ કાવ્યાંતે તડકાને પડકારે છે…

Comments (9)

…….ખરી જવું છે – મુકેશ જોષી

પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

પાણીમાં ઓગાળી તડકો પી જાવાનું સહેલ નથી,
સુગંધનો દીવો જ કહે છે મારી પાસે તેલ નથી.
પીળા શ્વાસે લીલાં સ્વપ્નો ઉછેરવાં કૈ ખેલ નથી,
ધગ ધગ સૂરજ સામે હો ને એક જ શ્વાસે ઠરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપ૨થી ખરી જવું છે.

મળે ધરાનો ખોળો અંતે શું મોટી મિરાત નથી?
મરણ પછી પણ હૂંફ મળે એ નાનીસૂની વાત નથી.
ઝળહળ પાંખે ઊડી જવાનું એ બાજુ, જ્યાં રાત નથી.
જીવન જેણે આપ્યું એનાં દર્શન કાજે ફરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

– મુકેશ જોષી

ઐ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો
અપના-પરાયા મહેરબાં-નામહેરબાં કોઈ ન હો……

Comments (2)

(સહિયારો ગૂંથ્યો વરસાદ રે) – હરીશ મીનાશ્રુ

એક એક ટીપાને પ્રીતિમાં પોરવીને
સહિયારો ગૂંથ્યો વરસાદ રે
વીજળીને ઝબકારે મોતી પરોવ્યાનું
રૂપક ઘડાયું એની બાદ રે

નકરો અષાઢ બની ગોરંભે માઢ અને મેડી તે શ્રાવણની શેહમાં
મેઘ અને માટીનાં કામણ વરતાય હવે ભીને તે વાન બેય દેહમાં

બન્નેની આંખોમાં પડઘા પડે જ્યાં
જળ વિરહીની જેમ પાડે સાદ રે
ખાંગા થઈને બેઉ તરસે- વ૨સે તો હવે
કોણ કરે કોની ફરિયાદ રે

માટીમાં મજ્જામાં ઝળાંહળાં જળ ૨મે સગપણ સુગંધ બની સેજમાં
અડકો ત્યાં મેઘધનુ ચીતરાઈ જાય હવે આંગળીના અણસારે સ્હેજમાં

વહી ચાલ્યો થૈ થૈ થઈ રેલો મલ્હારનો
ઓરડાનો અનહદ ઉન્માદ રે
રહી રહીને જાગે છે મોરલાની ગ્હેક જેમ
પડખે પોઢેલાની યાદ રે

– હરીશ મીનાશ્રુ

પ્રણયના ગીત વિશ્વભરની કવિતાઓમાં કેન્દ્રસ્થાને રહ્યાં છે. પણ કવિએ લાખોવાર ગવાઈ ચૂકેલ અનુભૂતિની અહીં જે રીતે અનૂઠી માવજત કરી છે એને લઈને ગીત વધુ ધ્યાનાર્હ બન્યું છે. બે પ્રણયસંતપ્તહૈયાં ભેગાં મળીને વરસાદનાં એક-એક ટીપાંને પ્રીતનાં મોતીઓમાં પરોવે છે. ગંગાસતીની અમર રચના ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવજો, પાનબાઈ’નો સંદર્ભ લઈને કવિ કહે છે કે પ્રીત પહેલી, આ રૂપક બાદમાં. મુખડું અને મુખડાની રજૂઆતની મૌલિક શૈલી જ મન મોહી લે છે.

ઘરના દરવાજાની ઉપર બાંધેલી નાનકડી ઓરડી તે માઢ અને માઢ પછીતેનો માળ તે મેડી. શબ્દકોશોમાં જો કે બંનેના અર્થ બાબતે ખૂબ સેળભેળ જોવા મળે છે. માઢ એટલે આમ તો રાત્રે ગાવાના એક શાસ્ત્રીય રાગનું નામ પણ ખરું અને મેડી કરવી એટલે સ્ત્રી પુરુષ યોગ્ય ઉંમરે આવે ત્યારે તેમને જુદી એકાંત જગાએ સુવાડવાં એવો અર્થ પણ કાઢી શકાય. પણ અર્થની પળોજણમાં ઊંડા ઉતરવાના બદલે આપણે કવિએ છેડેલી પ્રણયવર્ષાની આ હેલીમાં જ કેમ ન ભીંજાઈએ સરાબોળ? ઘરનો માઢ અષાઢની જેમ ગોરંભાયો છે અને મેડી શ્રાવણની શેહમાં ભીની થઈ રહી છે. વરસાદ પદે અને માટીના કણેકણને ભીંજવે એવા કામણથી બંને પ્રિયજન સંતપ્ત થાય છે. માઢ-મેડી, ગોરંભો-શેહ, મેઘ-માટી –આમ પુરુષ અને સ્ત્રીના પ્રણયભાવોને સ-રસ રૂપક સાથે કવિએ આબાદ રજૂ કર્યા છે! પ્રણયકેલિનિમગ્ન બંને જણ ખાંગા થઈને વરસી પણ રહ્યાં છે અને તરસી પણ રહ્યા છે. મિલનની ક્ષણે પણ બંનેની આંખોમાં વિરહીના હૈયે હોય એવો તલસાટ સાદ દઈ રહ્યો છે… મળે એટલું ઓછું પડે એનું જ નામ પ્રણય. પીઓ પીઓ અને ધરવ થાય નહીં એવામાં કોણ કોની ફરિયાદ કરે, કહો તો!

પથારીમાં બેય દેહ પ્રણયજળમાં ગરકાવ થઈ ગયા છે. માટીમાં જળ ભળતાં જેમ સુગંધ રેલાય એમ સગપણ સુગંધ બનીને પથારીને તર કરી રહ્યું છે. બંનેના શરીર પ્રણયોર્મિની એ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યા છે, કે સહેજસાજ આંગળી જ અડે તોય સાત રંગનું મેઘધનુ આકારાતું અનુભવાય. મલ્હાર રાગનો રેલો બનીને ઓરડામાં છવાયેલો ઉન્માદ બેબાક વહી રહ્યો છે. ગીતમાં આગળ માઢ રાગનો અછડતો સંદર્ભ આવ્યો હતો એ અહીં સહજ યાદ આવે. કામકેલિ પૂર્ણ થઈ છે… ઉન્માદ પરાકાષ્ઠા સુધી પહોંચીને પૂરનાં પાણીની જેમ વહી જઈ રહ્યો છે. પ્રિયજન બાજુમાં જ સૂતો છે, પણ તોય એની યાદ મોરના ટહુકાની જેમ રહી રહીને આવી રહી છે. આંગળી અડાડી શકાય એવા સંનિવાસમાં અને સંભોગની બીજી જ પળે વિરહ સતાવવા માંડે એથી ચડિયાતી પ્રણયની બીજી કઈ અવસ્થા હોઈ શકે!

Comments (7)

કેમ મનાવું? – પુષ્કરરાય જોષી

મનને કેમ મનાવું?
કંઠે બાઝ્યો ડૂમો તોયે
ગીત અધૂરું ગાવું…

મીઠા કોકિલ પંચમ સૂરે
દિલમાં દર્દ ઘૂંટાય,
શીતલ મન્દ મલયની લહરે
લાગે ઊની લહાય;
મીઠી મીઠી મહેક હવાની
કેમ ફરીથી લાવું?

ગુલમહોરી યાદોના જખમો
રૂંવે રૂંવે ડંખે,
એકલતાના રણમાં હૈયું
તોયે મૃગજળ ઝંખે,
શાણો સમજે છોને દુનિયા
ખુદને કેમ મનાવું?

– પુષ્કરરાય જોષી

પ્રિયજનની યાદની બે તાસીર છે. એક તરફ તો એ જીવનની એકલતામાં ગુલમહોરી રંગો અને સુંવાળપ ભરે છે, પણ બીજી તરફ એ જખ્મો બનીને વળી રૂંવે રૂંવે ડંખે છે. આવામાં મનને મનાવવું તો અઘરું છે જ પણ જિંદગી જીવવાનું ત્યાગી પણ દેવાતું નથી એટલે ગળે ભલે ને ડૂમો કેમ ન બાઝ્યો હોય, અધૂરું રહી ગયેલું ગીત ગાવું તો પડે જ છે. કોયલનો મીઠો સ્વર પણ દર્દ ઘૂંટનાર બની રહે છે, શીતલ મંદ પવન પણ ઊની લ્હાય બનીને દાઝે છે… મીઠી હવાની મહેંક તો ત્યજી ગઈ છે, એને પરત ક્યાંથી લાવવી એ સવાલ છે… એકલતાનું રણ અફાટ અસીમ વિસ્તર્યું હોય ત્યારે પ્રિયજનની ઉપસ્થિતિ મૃગજળથી વિશેષ કંઈ નથી એ મન જાણતું હોવા છતાં મન મૃગજળને ઝંખે છે… આભાસ તો આભાસ પણ નજરની સામે તો હોય! વિરહની તીવ્રતા અને સ્વજનની ચાહનાની આ પરાકાષ્ઠા કવિએ બહુ સરળ સહજ શબ્દોમાં કેવી સ-રસ રીતે આલેખી છે!

Comments (7)