ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
– હર્ષા દવે

મેલ હવે મન ઝાવાં – ફકીરમહંમદ મનસૂરી

મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.

ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?

વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

– ફકીરમહંમદ મનસૂરી

પાસે હોય એના પર ધ્યાન ન દેવું અને જે પાસે ન હોય એના માટે તડપતા રહેવું એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. દૂર હોય એને નજીક લાવવાના તમામ ઓરતા ફોગટ જ છે એમ કહીને કવિ મનને વલખાં મારવાનું છોડવા સમજાવે છે. હથેળી કૃપાનિધાનની મહેરબાનીને ઝીલવા માટે છે પણ આપણે એને ઉલટાવીને આંખે છાજલી કરી દૂરનું વધારે સાફ દેખાય એવી આરતમાં છેવટે નિરાશાના આંસુઓથી જ ભરીએ છીએ. પોતાની અસીમ વિશાળતાને વિસરીને આકાશ ઓસના એક બુંદમાં બંધાવા શા માટે ઝંખે છે એ કવિ માટે એક કોયડો છે. ઝાકળના એક બુંદમાં આખું આકાશ નજરે ચડે એ હકીકતને કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છેમ નહીં! (યાદ આવે- તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર!) વાદળ ભલે જોજનો દૂર કેમ ન હોય એ વરસીને ધરતી પર આવશે ત્યારે માટીના હૈયામાંથી જે સુગંધ ઊઠવાની છે એ આપણા અસ્તિત્ત્વને મહેંકાવ્યા વિના રહેવાની નથી. જે મળવાનું હશે એ આપોઆપ દૂરથી નજીક આવશે જ પણ એને નજીક લાવવા માટેના ધમપછાડા અને દાવા જતા કરી સાહજિક બનીને જીવન જીવીએ એમાં જ ખરો આનંદ છે. કેવી સરસ વાત!

6 Comments »

  1. નેહા પુરોહિત said,

    August 19, 2023 @ 3:08 PM

    ખૂબ જ સરસ કૃતિ.. પહેલી પંક્તિમાં જ ‘ઝાવાં’ શબ્દએ મન મોહી લીધું. વાહ, કવિને અભિનંદન..

  2. pragnajuvyas said,

    August 19, 2023 @ 6:40 PM

    ફકીરમહંમદ મનસૂરીનુ સુંદર ગીત
    એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા
    મનને આનંદમય રાખવની સહજ સરળ રીત

  3. Dinesh Mistry said,

    August 20, 2023 @ 12:32 PM

    Kavi ni tadtshyata drastman thay che….vadal aavine varasvanij che….teni aahladaktano Anand mano.

  4. Tanu patel said,

    August 20, 2023 @ 10:14 PM

    ‘મેલ હવે મન ઝાવાં’.. ધ્રુવ પંક્તિમાં જ આખા ગીતનો સાર…
    સરસ ગીત….

  5. Poonam said,

    September 1, 2023 @ 10:40 AM

    મ્હેકતું ઉરકપૂર,
    એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.
    – ફકીરમહંમદ મનસૂરી – Sugandhi…

    Aaswad mast sir ji 😊

  6. લતા હિરાણી said,

    September 2, 2023 @ 12:13 PM

    સરસ કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment