સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું
– તુષાર શુક્લ

એવા સંબંધો હવે પાંગર્યા – રામુ પટેલ ‘ડરણકર’

ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા,
હરખની હેલી તો એવી ચઢી કે
.                પંડ્યનાં પાથરણાં પાથર્યાં!

ઉંબર ઓળંગી હું આંગણામાં જાઉં
.                ત્યાં આસોપાલવ પાન ખેરવે,
સુક્કાં આ પાંદડાંમાં હળવે રહીને કો’ક
.                લીલીછમ્મ પીંછિયું ફેરવે.

ડૂબેલાં એક દિન સાતે વહાણ
.                આજ અણધાર્યાં આવીને નાંગર્યાં,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.

કોઈના અણસારા ઘેરેલાં વાદળ થઈ
.                સુખ જેમ મારામાં ફૂટશે,
સપનામાં આવેલાં આષાઢી મેઘધનુ
.                મ્હેંદીના રંગ મારા લૂંટશે.

ગુમસૂમ બનીને આજ ઊભેલા ગઢમાં
.                હોંકારા દઉં બની કાંગરા,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.

– રામુ પટેલ ‘ડરણકર’

કવિનું નામ પ્રથમવાર સાંભળ્યું પણ રચના તો વાંચતાવેંત મનોમસ્તિષ્ક પર કાબૂ લઈ બેઠી. પહેલા વરસાદે ધરતી જેમ મઘમઘ થઈ ઊઠે એમ જ આ રચના વાંચતાવેંત અંતરતમ મહેંકી ઊઠ્યું… સંબંધમાં પોઝિટિવિટીનું આ ગીત કેવું મજાનું છે! વરસોથી ગુમસૂમ ગઢનું નસીબ આજે પલટાયું છે. ડૂબી ગયાંની પ્રતીતિ થવાના આરે જિંદગી આવીને ઊભી હોય એવી પળે અચાનક જ મનોરથોનાં સાતેય વહાણ કાંઠે આવીને લાંગરે ત્યારે જ અનુભૂતિ થાય એ કવિએ બખૂબી આલેખી છે. દરવાજો એટલે શક્યતા. ખૂલવાની સંભાવનાથી સભર. આવી કોઈપણ પ્રકારની શક્યતા જ્યાં આવીને શૂન્ય થઈ જાય એનું નામ દીવાલ. દરવાજે ટકોરા દો અને દરવાજા ખૂલે એ તો દુન્યવી સંબંધ. અહીં તો દરવાજાના સ્થાને દીવાલ આખેઆખી ખૂલે છે. ‘ખોબો માંગું ને દઈ દે દરિયો’ પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. સરવાળે ગીત નખશિખ આસ્વાદ્ય!

19 Comments »

  1. pragnajuvyas said,

    June 24, 2023 @ 2:58 AM

    કવિશ્રી રામુ પટેલ ‘ડરણકર’નુ મધુરું ગીત
    ડૉ વિવેકનો મધુરો આસ્વાદ
    અમારે ત્યાં આ.મોદીજીએ સંબંધ અંગે કહેલ નવી વાત માણી આનંદ થયો
    AI એટલે America-India સંબંધ’
    ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
    . સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા,
    મુખડું મન પ્રસન્ન કરી ગયું
    યાદ આવે
    ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
    રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.
    અને મનમા ગુંજન થયું ડો,વિવેકે યાદ કરાવેલ- રપાએ પોતે આસ્વાદ કરાવેલ ગીત…માણો

  2. Rinku Rathod said,

    June 24, 2023 @ 11:13 AM

    વાહ

  3. Bharati gada said,

    June 24, 2023 @ 11:17 AM

    વાહ વાહ ખૂબ સુંદર લયબદ્ધ ગીત સાથે ખૂબ સુંદર આસ્વાદ 👌👌

  4. Ramesh Maru said,

    June 24, 2023 @ 11:18 AM

    સુંદર ગીત…

  5. ચંદ્રશેખર પંડ્યા said,

    June 24, 2023 @ 12:05 PM

    ખૂબ સુંદર!

  6. Yogesh pandya said,

    June 24, 2023 @ 1:56 PM

    ખૂબ જ સરસ ગીત…

  7. લલિત ત્રિવેદી said,

    June 24, 2023 @ 2:35 PM

    સરસ ગીત

  8. gaurang thaker said,

    June 24, 2023 @ 3:32 PM

    વાહ વાહ

  9. રિયાઝ લાંગડા (મહુવા). said,

    June 24, 2023 @ 7:46 PM

    સરસ ગીત…👌

  10. દીનેશપરી ગોસ્વામી said,

    June 26, 2023 @ 8:38 AM

    રામુ પટેલ…નામ પહેલીવાર સાંભળ્યું.પણ શબ્દો જોરદાર.દરેક પંક્તિ અર્થસભર અને લાગણી નીતરતી.ગમ્યું.

  11. Rashmi said,

    June 26, 2023 @ 12:39 PM

    કમ્પોઝ કરીને ગાવાનું મન થઈ જાય તેવું મધુર, લયબદ્ધ ગીત. આસ્વાદ પણ એટલો જ સુંદર માણવા જેવો.

  12. સિકંદર મુલતાની said,

    June 26, 2023 @ 5:32 PM

    સરસ ગીત

  13. Kamlesh Solanki said,

    June 27, 2023 @ 9:19 AM

    ખુબ સરસ રચના

  14. Tanu patel said,

    June 27, 2023 @ 7:48 PM

    સરસ ગીત..

  15. Poonam said,

    June 29, 2023 @ 7:59 PM

    …એવા સંબંધો હવે પાંગર્યા.
    – રામુ પટેલ ‘ડરણકર’ – sundar rachna !

    Aaswad 👌🏻

  16. Deepa said,

    June 30, 2023 @ 9:27 AM

    લયબધ ઉત્તમ ગીત રચના.કવિને ખૂબ ખૂબ અભિનંદન….

  17. પટેલ નિરાલી સાગર said,

    June 30, 2023 @ 10:03 AM

    કવિ રમેશ પારેખ અનિલ જોશી અને વિનોદ જોશીની ગીત – રકચનાઓ ની હરોળ માં ઉભી રહી શકે તેવી સુંદર રચના

  18. વિરલબેન ભટ્ટ said,

    July 1, 2023 @ 11:30 AM

    સુંદર મધુર ગીત. વારંવાર વાચવાનું મન થાય તેવું ઉત્તમ ગીત

  19. કમલેશ શુક્લ said,

    July 1, 2023 @ 12:06 PM

    ખૂબ જ સરસ ગીત અને ઉમદા આસ્વાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment