એવા સંબંધો હવે પાંગર્યા – રામુ પટેલ ‘ડરણકર’
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
. સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા,
હરખની હેલી તો એવી ચઢી કે
. પંડ્યનાં પાથરણાં પાથર્યાં!
ઉંબર ઓળંગી હું આંગણામાં જાઉં
. ત્યાં આસોપાલવ પાન ખેરવે,
સુક્કાં આ પાંદડાંમાં હળવે રહીને કો’ક
. લીલીછમ્મ પીંછિયું ફેરવે.
ડૂબેલાં એક દિન સાતે વહાણ
. આજ અણધાર્યાં આવીને નાંગર્યાં,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
. સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.
કોઈના અણસારા ઘેરેલાં વાદળ થઈ
. સુખ જેમ મારામાં ફૂટશે,
સપનામાં આવેલાં આષાઢી મેઘધનુ
. મ્હેંદીના રંગ મારા લૂંટશે.
ગુમસૂમ બનીને આજ ઊભેલા ગઢમાં
. હોંકારા દઉં બની કાંગરા,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ
. સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.
– રામુ પટેલ ‘ડરણકર’
કવિનું નામ પ્રથમવાર સાંભળ્યું પણ રચના તો વાંચતાવેંત મનોમસ્તિષ્ક પર કાબૂ લઈ બેઠી. પહેલા વરસાદે ધરતી જેમ મઘમઘ થઈ ઊઠે એમ જ આ રચના વાંચતાવેંત અંતરતમ મહેંકી ઊઠ્યું… સંબંધમાં પોઝિટિવિટીનું આ ગીત કેવું મજાનું છે! વરસોથી ગુમસૂમ ગઢનું નસીબ આજે પલટાયું છે. ડૂબી ગયાંની પ્રતીતિ થવાના આરે જિંદગી આવીને ઊભી હોય એવી પળે અચાનક જ મનોરથોનાં સાતેય વહાણ કાંઠે આવીને લાંગરે ત્યારે જ અનુભૂતિ થાય એ કવિએ બખૂબી આલેખી છે. દરવાજો એટલે શક્યતા. ખૂલવાની સંભાવનાથી સભર. આવી કોઈપણ પ્રકારની શક્યતા જ્યાં આવીને શૂન્ય થઈ જાય એનું નામ દીવાલ. દરવાજે ટકોરા દો અને દરવાજા ખૂલે એ તો દુન્યવી સંબંધ. અહીં તો દરવાજાના સ્થાને દીવાલ આખેઆખી ખૂલે છે. ‘ખોબો માંગું ને દઈ દે દરિયો’ પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. સરવાળે ગીત નખશિખ આસ્વાદ્ય!