એ તારે ઘર આવ્યો તેડે – ઉશનસ્
એ તારે ઘર આવ્યો તેડે, ચાહીને તવ યાર,
અભાગણી, જોજે પાછી તું રાખે બંધ દુવાર;
આ પળ તારે ભાયગ,
જે આવે છે કોક જ વાર,
જેને કા૨ણ જોગીજતીઓ
લે છે લખ અવતાર;
શું શોચે છે? આંગણ આવ્યાં વરી લે, દૈ વરમાળ. એ૦
એ પોતે તવ આંગણ આવ્યો,
પછી શું ઘર ને બ્હાર?
એહની સંગે નીકળી પડવા
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર? એ૦
જરીય મોં ફેરવીને પાછી
જોઈશ મા તું અતીતે,
એ છોડ્યું તે છોડ્યું,
જોડવું મન જો મનના મીતે;
ખુલ્લું એમ જ ઘર મૂકી જા, જા નવલે સંસાર. એ૦
છતછાપરુંયે આડશ અમથી
આડશ ભીંત-કમાડ,
સૌ સોંસરવી નીકળી જા તું,
ઠેકી જા સૌ વાડ;
તક છે છેલ્લી, મળી કે મળશે, નીકળી જા નિજ પાર. એ૦
– ઉશનસ્
સાક્ષાત્ ઈશ્વર અભાગણીને તેડવા એના ઘરે ચાહીને આવ્યો હોવાથી કવિ એને દ્વાર બંધ ન રાખવા તાકીદ કરે છે. જીવનમાં ક્યારેક જ આવતી આ પળ પામવા જોગીઓ અને જતિઓ લાખ-લાખ અવતાર લે છે અને આવામાં નાયિકાને વિચારમગ્ન જોઈ કવિ વળી એને ચીમકી દેતા કહે છે કે આંગણે આવેલ પ્રભુને વરમાળ આપીને એની સાથે લગ્ન કરી લે. ઈશ્વર આંગણે પધારે ત્યારે અંદર-બહાર બધું એકસમાન થઈ જાય છે. આપણે એ વિચારવાનું છે કે પહેર્યે કપડે, કોઈ પણ જાતના સાજશણગાર વિના અને હુંપદનો ભાર ત્યજીને આપણે એની સાથે નીકળી પડવા તૈયાર છીએ કે કેમ? મનમીત સાથે નવલો સંસાર માંડતી વખતે નથી અતીત તરફ મોં ફેરવીને જરાય જોવાની જરૂર કે નથી ઘર વાખવાની કોઈ આવશ્યકતા. ભૂત અને વર્તમાન –ઉભયને છોડીને ભાવિના પંથે ચાલી નીકળવાનું છે. છત-છાપરાં-ભીંત-કમાડ –આ તમામ આ ક્ષણે આડશ સમા લાગશે. જીવનને બાંધી રાખતી તમામ પળોજણોની વાડ ઠેકીને ખુદની પણ પાર નીકળી જવાનું છે, કેમકે આજે જે આ તક જીવનમાં આવી છે, એ આખરી તક છે.
સૉનેટ અને ઊર્મિકાવ્યોના સ્વામી ગીતનો હાથ ઝાલે છે ત્યારે મકરંદ કે હરીન્દ્ર દવે જેવી મુલાયમતાના સ્થાને તળ ગુજરાતની ખરબચડી બાની અછતી રહેતી નથી. પણ ઉત્તમ કવિના હાથમાં કાવ્યસ્વરૂપની માવજત થોડી બરછટ થાય તોય કાવ્યતત્ત્વ તો નિરવદ્ય જ રહે છે એની પ્રતીતિ અહીં થયા વિના રહેતી નથી.
pragnajuvyas said,
February 9, 2023 @ 3:42 AM
મા.ઉશનસજીનું મધુરું ગીત
ડો વિવેકજીનો સ રસ આસ્વાદ
barin said,
February 9, 2023 @ 12:07 PM
આમ પણ કશુંયે સાથ ક્યાં આવે છે ? અહીં તો પ્રભુ પોતેજ લેવા આવ્યા હોય પછી શું વાટ જોવાની . સુંદર ગીત અને એવોજ. રસાસ્વાદ જય હો વિવેક સાહેબ ની
preetam lakhlani said,
February 10, 2023 @ 8:53 AM
ઉશનસના સોનેટ પર મણીલાલ હ પટેલ બહુ સરસ બોલે છે… સાંભળવા જેવુ તો ખરુ, વિવેક્ભાઈ અહીંયા મૂકેલ ગીત સરસ છે, મજા આવી ગઈ…
Poonam said,
February 20, 2023 @ 8:51 AM
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર? Hummm
– ઉશનસ્ –
Aaswad saras !