હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

વાલમજી! હું તો – ભાસ્કર વોરા

વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.

આશાનું આભ મારું ગોરંભી લીધું
ને રોકી લીધી મુને વાટમાં,
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા
ને રીઝવી દીધી મુને છાંટમાં,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.

દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું
એને મલ્હારી સૂર થઈ ઠારો,
વ્હાલપની વાછંટો એવી મારો
કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.

– ભાસ્કર વોરા

પ્રેમમાં તૃપ્તિ કરતાં તરસ હંમેશા બળવત્તર જ હોવાની. ગમે એટલું કેમ ન ભીંજાઈએ, કોરાંને કોરાં જ રહી ગયાં હોવાનું પ્રતીત થાય એનું જ નામ પ્રેમ. કાવ્યનાયિકા પણ નાયક પાસે પોતાનું અંતરતમ પરિતૃપ્ત થઈ મઘમઘ મહોરી ઊઠે એવો અનરાધાર પ્રેમ માંગે છે. નાયક પણ કંઈ ઓછો નથી. આશાઓનું ગાજર દેખાડીને એણે નાયિકાને ખૂબ સતાવી છે. આખું આકાશ ગોરંભે ચડે એટએટલી આશાઓ બંધાવીને એણે નાયિકાને પોતાનું કામ કરતી રોકી દીધી છે. બધાં કામકાજ અને ફરજ પડતાં મેલીને એ ઘેલી થઈ બેઠી છે. પ્રેમની સાવ આછીપાતળી ઝરમર દઈને નાયકે વળી એને રીઝવી પણ દીધી છે. પણ બે અંતર વચ્ચેનું અંતર નાયિકાને જરાય પસંદ નથી. એની ભીતર જે દાહ ઉપડ્યો છે એ તો વહાલના મેઘમલ્હાર વડે જ ઠરવાનો છે. નાયિકા ઓળઘોળ થવા તત્પર છે, પણ વહાલમ અમાપ વહાલ વરસાવે તો. જો કે પ્રેમમાં તરસના મહિમાથી નાયિકા અજાણ પણ નથી. એને પ્રેમમાં ભીંજાવું તો ખૂબ છે પણ પૂરેપૂરા નહીં… થોડી તરસ બાકી રહી જાય તો જ ખરી મોજ… ખરું ને?

8 Comments »

  1. pragnajuvyas said,

    July 28, 2023 @ 2:46 AM

    કવિશ્રી ભાસ્કર વોરાનુ મધુરું ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
    કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.
    વાહ
    મનમા ગુંજે
    A little less love
    A little less love
    A little less love for you
    “knowing there’s a God who is perfect and who loves us just the way we are.” As humans, we aren’t perfect, but thankfully, we serve a God who is.
    પ્રેમને કુદરતે આપેલી, એક ભેટ, એક વરદાન માનવામાં આવે છે.માણસ સાચો પ્રેમ ઝંખે છે એટલે એવો પ્રેમ પ્રાપ્ત કરવાની એનામાં કુદરતી તૃષા રહે છે. પ્રેમની તરસ એ પ્રેમી માટે પીડા નથી પણ વરદાન છે. પ્રેમની તરસની તૃપ્તિ માટે માણસે વિવેક અને સંયમનો પૂરો ખ્યાલ રાખવો જોઇએ. મનની ચંચળતા સાત્વિક પ્રેમમાં નડતરરૂપ બને છે. સાચા પ્રેમની તરસ એ અભિશાપ નથી, પણ દિવ્ય વરદાન છે. રવીન્દ્રનાથ ટાગોરે પ્યાસ એટલે કે તરસના વિશિષ્ટ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે દૈનિક તરસ સિવાય પણ માણસમાં એક બીજી તરસ પણ રહેલી છે. એ તૃષાની સૂચના સંગીત, ચિત્ર, સાહિત્ય વગેરેમાં છે.તરસ એ પ્રગતિની બાધક નથી પણ સાધક છે. વૈજ્ઞાાનિકો શોધો એ તરસમાંથી જન્મી છે. ઋષિઓનું આત્મા-પરમાત્મા વિષયક ચિંતન પણ આધ્યાત્મિક તરસમાંથી જન્મ્યું છે. મોક્ષપ્રાપ્તિની મહેચ્છા પણ ઇશ્વર સાથે મિલનનું તૃષાનું પરિણામ છે. શુધ્ધ અને મંગલ તૃષા માણસને ઠારે છે.

  2. Deval Vora said,

    July 28, 2023 @ 10:54 AM

    વાહ

  3. મીતાબેન રણછોડસિંહ રાઠોડ said,

    July 28, 2023 @ 11:08 AM

    કવિ ભાસ્કર વોરાની ભાવસભર મધુર રજૂઆત કાબિલે તારીફ છે. એ ભાવને શબ્દ સહ ભાવક સુધી પહોંચાડવા માટે ડૉ.વિવેકનો પ્રયત્ન પણ સફળ રહ્યો છે.સ રસ ગીતનું રસદર્શન થયું છે.ઈચ્છા જ નવસર્જનની કેડી છે.નાયિકાની ભાવસંવેદના અહીં વિશાળ અર્થ છાયા લઈ પ્રગટ થાય છે.

  4. Dilancarkan multani said,

    July 28, 2023 @ 2:18 PM

    વાહ.. સરસ ગીત..

  5. સિકંદર મુલતાની said,

    July 28, 2023 @ 2:20 PM

    વાહ.. સરસ ગીત

  6. Sikandar multani said,

    July 28, 2023 @ 2:22 PM

    સરસ..ગીત..

  7. Vinod Manek 'Chatak' said,

    July 28, 2023 @ 3:49 PM

    રૂદિયા ને ભીંજવતું ગીત.

  8. Adarsh Shah said,

    August 1, 2023 @ 8:36 AM

    Modified from “ સ્નેહી પરમાર”
    કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
    કયાં તો પછી દિલ દ્રવયુ હોય, તે બેસે અહીં.

    કોઇની જો ઠારી હોય આંતરડી, તે બેસે અહીં,
    કયાં પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

    એટલો લાયક ખરો કે ઓટલે બેસી શકું ?
    એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

    Found on Layastaro,
    Original from સ્નેહી પરમાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment