અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ન્હાનાલાલ કવિ

નિરાંતે – ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’

મેં તો ઢાળ્યા’તા ચોક માંહી ઢોલિયા
કે વાત એની કરશું નિરાંતે
મારી છાતીએ ટહુક્યા’તા મોરલા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ઢાળ્યા’તા પાંપણના પરદા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ખોલ્યાં’તાં અંતરનાં બારણાં
કે વાત એની કરશું નિરાંતે
મેહ વરસ્યો, તો મુશળધારે
કે વાત એની કરશું નિરાંતે
મોર ગ્હેક્યા’તા રાત આખી
કે વાત એની ક૨શું નિરાંતે
મારી વાડીમાં મોગરા મ્હેકયા
કે વાત એની ક૨શું નિરાંતે
પછી હેલી આનંદની વરસી
કે વાત એની કરશું નિરાંતે
તોયે રહી ગઈ થોડી તરસી
કે વાત એની ક૨શું નિરાંતે

– ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’

નથી કહેવું કહી-કહીને બધું જ કહી દે એ પણ કવિતાની અનેક ખૂબીઓમાંની એક છે. જુઓ આ રચના. ‘કે વાત એની કરશું નિરાંતે’ કહીને કવિ બધું જ કહી દે છે. સામી વ્યક્તિ કાન દઈને બેઠી છે એટલે કથકને ખબર છે જ કે વાત કરવા માટેની સાચી નિરાંતવી વેળા આ જ છે, પણ દરેક કડી સાથે આ ધ્રુવકડીના અંકોડા ભેરવીને કવિ વાતમાં સતત મોણ નાખતા રહે છે. ચોકમાં ઢોલિયો ઢાળીને પ્રિયજન સાથે સાયુજ્ય સાધ્યું હોવાની વાત પોતાની સખીને કરે છે. પરિતૃપ્તિના અંતે પણ થોડી તરસ તો બાકી રહી જ જાય એ માનવસહજ માનસનું આકલન રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

6 Comments »

  1. Ramesh Maru said,

    July 29, 2023 @ 10:19 AM

    તમે જે ગીતો રજૂ કરો છો એમનાથી સાવ અલગ જ…
    ફાકડું કહી શકાય એવું ગીત દર વખતે હોય છે…એવી ઝમાવટ લાગી નહીં…
    વાંચતા જ મનમાં રમતું થઈ જાય એવું ના લાગ્યું…માફી ચાહું છું પણ જેવું લાગ્યું એવું કહ્યું…

  2. kishor Barot said,

    July 29, 2023 @ 12:05 PM

    અભિવ્યક્તિનું નાવિન્ય ગમ્યું.

  3. pragnajuvyas said,

    July 29, 2023 @ 5:09 PM

    કવિશ્રી ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’નુ મધુરૂં ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    યાદ આવે
    મન તો થાય છે કે કહી દઉં,
    પણ જવા દે, કંઈ નથી કહેવું

  4. સિકંદર મુલતાની said,

    July 30, 2023 @ 4:51 PM

    Wahh

  5. Vinod Manek 'Chatak' said,

    August 2, 2023 @ 10:21 AM

    ખૂબજ સરસ રચના

  6. Poonam said,

    August 8, 2023 @ 5:01 PM

    મારી વાડીમાં મોગરા મ્હેકયા
    કે વાત એની ક૨શું નિરાંતે…
    – ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’ –
    Mahekti Nir(ant)…

    Aaswad, saras 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment