ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
શેખાદમ આબુવાલા

(સહિયારો ગૂંથ્યો વરસાદ રે) – હરીશ મીનાશ્રુ

એક એક ટીપાને પ્રીતિમાં પોરવીને
સહિયારો ગૂંથ્યો વરસાદ રે
વીજળીને ઝબકારે મોતી પરોવ્યાનું
રૂપક ઘડાયું એની બાદ રે

નકરો અષાઢ બની ગોરંભે માઢ અને મેડી તે શ્રાવણની શેહમાં
મેઘ અને માટીનાં કામણ વરતાય હવે ભીને તે વાન બેય દેહમાં

બન્નેની આંખોમાં પડઘા પડે જ્યાં
જળ વિરહીની જેમ પાડે સાદ રે
ખાંગા થઈને બેઉ તરસે- વ૨સે તો હવે
કોણ કરે કોની ફરિયાદ રે

માટીમાં મજ્જામાં ઝળાંહળાં જળ ૨મે સગપણ સુગંધ બની સેજમાં
અડકો ત્યાં મેઘધનુ ચીતરાઈ જાય હવે આંગળીના અણસારે સ્હેજમાં

વહી ચાલ્યો થૈ થૈ થઈ રેલો મલ્હારનો
ઓરડાનો અનહદ ઉન્માદ રે
રહી રહીને જાગે છે મોરલાની ગ્હેક જેમ
પડખે પોઢેલાની યાદ રે

– હરીશ મીનાશ્રુ

પ્રણયના ગીત વિશ્વભરની કવિતાઓમાં કેન્દ્રસ્થાને રહ્યાં છે. પણ કવિએ લાખોવાર ગવાઈ ચૂકેલ અનુભૂતિની અહીં જે રીતે અનૂઠી માવજત કરી છે એને લઈને ગીત વધુ ધ્યાનાર્હ બન્યું છે. બે પ્રણયસંતપ્તહૈયાં ભેગાં મળીને વરસાદનાં એક-એક ટીપાંને પ્રીતનાં મોતીઓમાં પરોવે છે. ગંગાસતીની અમર રચના ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવજો, પાનબાઈ’નો સંદર્ભ લઈને કવિ કહે છે કે પ્રીત પહેલી, આ રૂપક બાદમાં. મુખડું અને મુખડાની રજૂઆતની મૌલિક શૈલી જ મન મોહી લે છે.

ઘરના દરવાજાની ઉપર બાંધેલી નાનકડી ઓરડી તે માઢ અને માઢ પછીતેનો માળ તે મેડી. શબ્દકોશોમાં જો કે બંનેના અર્થ બાબતે ખૂબ સેળભેળ જોવા મળે છે. માઢ એટલે આમ તો રાત્રે ગાવાના એક શાસ્ત્રીય રાગનું નામ પણ ખરું અને મેડી કરવી એટલે સ્ત્રી પુરુષ યોગ્ય ઉંમરે આવે ત્યારે તેમને જુદી એકાંત જગાએ સુવાડવાં એવો અર્થ પણ કાઢી શકાય. પણ અર્થની પળોજણમાં ઊંડા ઉતરવાના બદલે આપણે કવિએ છેડેલી પ્રણયવર્ષાની આ હેલીમાં જ કેમ ન ભીંજાઈએ સરાબોળ? ઘરનો માઢ અષાઢની જેમ ગોરંભાયો છે અને મેડી શ્રાવણની શેહમાં ભીની થઈ રહી છે. વરસાદ પદે અને માટીના કણેકણને ભીંજવે એવા કામણથી બંને પ્રિયજન સંતપ્ત થાય છે. માઢ-મેડી, ગોરંભો-શેહ, મેઘ-માટી –આમ પુરુષ અને સ્ત્રીના પ્રણયભાવોને સ-રસ રૂપક સાથે કવિએ આબાદ રજૂ કર્યા છે! પ્રણયકેલિનિમગ્ન બંને જણ ખાંગા થઈને વરસી પણ રહ્યાં છે અને તરસી પણ રહ્યા છે. મિલનની ક્ષણે પણ બંનેની આંખોમાં વિરહીના હૈયે હોય એવો તલસાટ સાદ દઈ રહ્યો છે… મળે એટલું ઓછું પડે એનું જ નામ પ્રણય. પીઓ પીઓ અને ધરવ થાય નહીં એવામાં કોણ કોની ફરિયાદ કરે, કહો તો!

પથારીમાં બેય દેહ પ્રણયજળમાં ગરકાવ થઈ ગયા છે. માટીમાં જળ ભળતાં જેમ સુગંધ રેલાય એમ સગપણ સુગંધ બનીને પથારીને તર કરી રહ્યું છે. બંનેના શરીર પ્રણયોર્મિની એ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યા છે, કે સહેજસાજ આંગળી જ અડે તોય સાત રંગનું મેઘધનુ આકારાતું અનુભવાય. મલ્હાર રાગનો રેલો બનીને ઓરડામાં છવાયેલો ઉન્માદ બેબાક વહી રહ્યો છે. ગીતમાં આગળ માઢ રાગનો અછડતો સંદર્ભ આવ્યો હતો એ અહીં સહજ યાદ આવે. કામકેલિ પૂર્ણ થઈ છે… ઉન્માદ પરાકાષ્ઠા સુધી પહોંચીને પૂરનાં પાણીની જેમ વહી જઈ રહ્યો છે. પ્રિયજન બાજુમાં જ સૂતો છે, પણ તોય એની યાદ મોરના ટહુકાની જેમ રહી રહીને આવી રહી છે. આંગળી અડાડી શકાય એવા સંનિવાસમાં અને સંભોગની બીજી જ પળે વિરહ સતાવવા માંડે એથી ચડિયાતી પ્રણયની બીજી કઈ અવસ્થા હોઈ શકે!

7 Comments »

  1. Jayesh Dharia said,

    December 23, 2022 @ 12:40 PM

    વાહ ભાઈ વાહ.. અદ્ ભૂત રચના..
    અને એટલું જ સરસ કાવ્ય રસાસ્વાદ..વાહ

  2. Neha said,

    December 23, 2022 @ 12:57 PM

    ઉત્તમ રચનાનાં ચયન માટે ધન્યવાદ..
    આમેય લયસ્તરોનાં સ્તર બાબત કોઈ
    શંકા કરવી યોગ્ય જ નથી.
    ખૂબ મજાનો આસ્વાદ કરી આપવા માટે
    પણ આભાર સાથે ધન્યવાદ.

  3. Bharati gada said,

    December 23, 2022 @ 5:26 PM

    ખૂબ સુંદર મજાના ગીતનો ખૂબ સુંદર રસાસ્વાદ 👌👌

  4. pragnajuvyas said,

    December 24, 2022 @ 1:08 AM

    કવિ હરીશ મીનાશ્રુ હાલમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કવિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમના મધુર ગીતનો ખૂબ સ રસ આસ્વાદ કરાવ્યો ડૉ વિવેકે.
    પ્રેમની અભિવ્યક્તિની નિરાળી રીત કવિ અપનાવે છે. વિશેષણો અને પ્રતીકોના ઉપયોગ દ્વારા પોતાના પ્રેમવિષયક ભાવોને કવિ આલેખે છે. વિશેષણોની વિદ્વતા સભર રજૂઆત કાવ્યની શોભા બની રહે છે. વળી કલાપૂર્ણ રીતે પોતાની વાત પણ સર્જક મૂકી શક્યા છે. પ્રેમની પરિભાષામાં જ પ્રેમીઓની જોડ પ્રદર્શિત થતી હોય છે. આવી એકરૂપતા કાવ્યમાં કવિએ સિદ્ધ કરી બતાવી છે.
    પ્રકૃતિ અને પ્રેમનું મેળવણ અને તેની કાવ્યમય રજૂઆત પ્રેમને પ્રગાઢ રીતે રજૂ કરે છે. પ્રકૃતિનાં તત્વો પ્રેમની જિકર કરનારાં અને માનવનાં પ્રેમસ્પંદનોને જગાડનાર હોય છે. આકાશ, રાત્રી, ઝાકળ, વસંત જેવા પ્રાકૃતિક તત્વો પ્રેમ વિષયક કાવ્યોમાં આવે એ સ્વાભાવિક છે.
    ‘વહી ચાલ્યો થૈ થૈ થઈ રેલો મલ્હારનો
    ઓરડાનો અનહદ ઉન્માદ રે
    રહી રહીને જાગે છે મોરલાની ગ્હેક જેમ
    પડખે પોઢેલાની યાદ રે ‘
    અહીં પ્રેમ સાથે એક તાંતણે બાંધીને રજૂ થયાં છે. તત્વો અને પ્રેમસંવેદનો એકરૂપ દર્શાવ્યા છે. આ અધ્યાત્મરંગી કવિની પ્રેમવિષયક સંવેદનાઓ પ્રેમની આદર્શતાને દર્શાવે તેવી છે. પ્રેમનું બાહ્યઆકર્ષણ આંતરિક સંવેદનાઓમાં રમવા લાગે છે.અહીં શારીરિક આકર્ષણ છેવટે ધીમે-ધીમે સાત્વિકપ્રેમને પામે છે. એવો શુદ્ધ સાત્વિક પ્રેમ જ સાચો પ્રેમ છે.

  5. Geeta Shukla said,

    December 24, 2022 @ 8:15 AM

    સુંદર રચના

  6. Parbatkumar Nayi said,

    December 24, 2022 @ 11:43 AM

    વાહ
    મજાની રચના
    આભાર વિવેકભાઈ

  7. Aasifkhan said,

    December 24, 2022 @ 1:15 PM

    વાહ
    સરસ ગીતનો સુંદર આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment