‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
બેફામ

અમે વૃક્ષની જાત… – ઉષા ઉપાધ્યાય

અમે વૃક્ષની જાત-
.              અમે ના ખળખળ વહીએ સંગે.

ડાળ-પાનમાં રહે ઝીલાતો
.                          જળનો નાતો સ્હેજ!
ફૂલ-કળીમાં છલકે સઘળે
.                          જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

થાય અધિકું કદી, ઝૂકીને
.                          નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
.                          સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

હશે અધિકાં મારાં કરતાં
.                          પરપોટાનાં ભા’ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
.                          મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

– ઉષા ઉપાધ્યાય

 

અચળપણાના શાપ ન મળ્યા હોય એમ પાણી સાથે ખળખળ કરીને વહેવાનું પોતાના નસીબે ન હોવાના વસવસા સાથે વૃક્ષો જમીનમાં મૂળિયાં નાંખીને આજીવન સ્થિર ઊભાં રહે છે. એક તરફ ડાળી-પાંદડાં પાણીને પ્રત્યક્ષ ઝીલે છે તો બીજી તરફ એ જ પાણી ફૂલ-કળીના બંધારણનો અદૃશ્ય ભાગ થઈને પ્રકાશે છે. ઝાકળબુંદનું ઝલમલ તેજ પણ સોનામાં સુગંધ ઉમેરે છે. વધારે મન થાય તો વહેતાં જળમાં સહેજ ઝૂકી લઈને જાતને જોઈને પોતે પણ વહેતાં જળનું જ એક અંગ હોવાનું આશ્વાસન વૃક્ષ મેળવે છે. તો વળી, જાત સમેટીને તળનાં જળનો સંસ્પર્શ પણ એ મેળવતાં રહે છે. મનુષ્યની જેમ વૃક્ષોમાં પણ ઈર્ષ્યાભાવનું આલેખન કરીને સર્જકે સજીવારોપણ અલંકારને સર્વથા સાર્થક કર્યો છે. ભલે પળભરનું આયુષ્ય કેમ ન હોય, પણ પાણીમાં વહીને મેઘધનુષના રંગોને ઝીલવાનું સૌભાગ્ય પામનાર પરપોટાની વૃક્ષોને અદેખાઈ આવે છે, કેમ કે એમના નસીબે તો કાયમ તડકો વેઠવાનું જ લખાયું છે. ‘જાત’ સાથે ‘શાપ’નો પ્રાસ મેળવ્યા બાદ આગળ જતાં સર્જકે ‘રૂપ’ અને ‘ધૂપ’ ઉપર પ્રાસપસંદગીનો કળશ ઢોળ્યો છે, એટલા પૂરતો ખટકો ન અનુભવાતો હોત તો ગીત ઓર આસ્વાદ્ય બન્યું હોત.

10 Comments »

  1. kishor Barot said,

    July 7, 2023 @ 11:43 AM

    વૃક્ષનો વલોપત સ્પર્શી ગયો.

  2. Mana s. Vyas said,

    July 7, 2023 @ 12:21 PM

    ખૂબ સુંદર ગીત.આપણે રોજ અનેક વૃક્ષ આસપાસ જોતાં હોઇએ પણ ફક્ત કવિયત્રીને વૃક્ષની વેદના સ્પર્શી ગઈ.

  3. વિનોદ માણેક,ચાતક said,

    July 7, 2023 @ 12:37 PM

    સરસ ગીતિકા… સુંદર ભાવ સંવેદન

  4. વિનોદ માણેક,ચાતક said,

    July 7, 2023 @ 12:38 PM

    સરસ ગીતિકા… સુંદર ભાવ સંવેદન
    વૃક્ષ પ્રત્યેની ભીની અનુભૂતિ

  5. jugalkishor said,

    July 7, 2023 @ 2:17 PM

    પ્રાસ એ તો ગીતનું અવિભાજ્ય અંગ ગણાય. આ દૃષ્ટિએ ભગતસાહેબનાં ગીતો જોવાં કોઈએ. એમાં તો અંત્યાનુપ્રાસ ઉપરાંત મધ્યાનુપ્રાસ પણ જોવા મળે…અહેતુક અને સચોટ
    આ ગીતમાં ડાળ-પાન’માં’ ઝીલાતાં જળ કહ્યાં છે. પણ જમીનનાં જળ કેશાકર્ષણથી “ઉપર ચડતાંં” હોય છે. અને વર્ષાજળ હોય તો ડાળપાનમાં ને બદલે ‘પર’ નહીં જોઈએ ?

  6. jugalkishor said,

    July 7, 2023 @ 2:19 PM

    સૉરી, અહેતુકની જગ્યાએ વાંચો સહેતુક.

  7. વિવેક said,

    July 7, 2023 @ 6:16 PM

    @ જુગલકિશોરભાઈ,

    પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર આપની વાત સાથે સહમત છું. પ્રાસવાળી વાત સાથે પણ અને ડાળપાન સાથે ‘માં’ના સ્થાને ‘પર’ વધુ ઉપયુક્ત ગણાય એ વાત સાથે પણ…

    કુશળ હશો. લાંબા સમયે દર્શન થયા. આભાર

  8. pragnajuvyas said,

    July 7, 2023 @ 8:42 PM

    ગુજરાત વિદ્યાપીઠની આર્ટસ ફેકલ્ટીના ડીન કવયિત્રી ઉષા ઉપાધ્યાયનો. તેમનો સાહિત્ય પ્રેમ જ્યારે કલમમાંથી ટપકે છે તો તેમાં અનુભવની સાથે સાથે સંવેદનાની મધમીઠી સોડમ સહજે આવે છે. પ્રકૃતિ તેમની કવિતામાં સહજે વણાઈ જાય છે.
    ભલે પલકભર વહે ઝીલતાં
    . મેઘધનુષી રાગ,
    અમારે ઝીલવી નરદમ ધૂપ
    . અમે ના ખળખળ વહીએ સંગે.
    વાહ ગીત ગુંજન કરતા યાદ આવે
    “છીએ કાષ્ટ પોચુંને પલળી જવાના,
    જાે રાખો ભરોસો તો તારી જવાના.”
    લાકડું પલળીને ફુલી જાય છે. લોકો માટે એ નકામુ બની જાય છે પણ પોતાની શક્તિ પર ભરોસો રાખીએ તો એ જ લાકડું તોફાનમાંથી તારે છે. આપણી તાકાત આપણે જ ઓળખવાની હોય. કુદરતે બધામાં અનોખી શક્તિ મુકી છે. જેના આધારે આપણે અણધાર્યા કામો પણ પાર પાડી શકીએ છીએ. મા.જુ’ભાઇએ ભગતસાહેબનાં ગીતો યાદ કર્યા તેમના ગીતની-સંગીત પ્રસ્તુતિઃ શબ્દ અને સૂર બંનેની મસ્ત મહેફિલ તો અહીં અમેરીકામા પણ માણવા મળે
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  9. Bharati gada said,

    July 8, 2023 @ 1:49 PM

    વાહ ખૂબ સુંદર ગીત 👌

  10. Poonam said,

    July 10, 2023 @ 1:19 PM

    અમે વૃક્ષની જાત…
    – ઉષા ઉપાધ્યાય – Sa(ral)Tya !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment