યામિની – યૉસેફ મૅકવાન
વહે અશબ્દ યામિની!
સુમંદ છંદ ગંધમાં તરંત તારલા,
અકથ્ય હેત નેત્રમાં ઝગે ઝલાંમલાં,
પ્રસન્ન થાવ આજ અંતરે છલાંછલાં.
અહીં શ્વસંત સંગ કામિની!
વહે અશબ્દ યામિની!
સમસ્ત સૃષ્ટિ શાંતિના સરોવરે સરે,
સમીર સુપ્ત પર્ણમાં ફરે, ઝરા ઝરે,
અષાઢ અભ્ર જેમ આજ સોણલાં ઠરે,
અહીં તગત નંદ-દામિની!
અહીં અશબ્દ દામિની?
– યૉસેફ મૅકવાન
આજે તો નગરજીવન એવું થઈ ગયું છે કે ચોવીસ કલાકમાં એક પળની નિરાંત દેખાતી નથી, પણ ગામડાંઓમાં હજીય રાતની ચાદર પથરાતાંવેંત બધું શાંત થઈ જાય છે. રાત્રિનો કાળો કામળો ઓઢીને સૂતી સૃષ્ટિનું સાવ ટૂંકું પણ અસરદાર આલેખન કવિએ કર્યું છે. કવિતામાં દરેક શબ્દનો મહિમા છે. કવિએ ‘નિઃશબ્દ’ના બદલે પ્રમાણમાં ઓછો વપરાતો ‘અશબ્દ’ શબ્દ વાપર્યો છે. કારણ? આખું ગીત લગા લગા લગા લગાની ત્રિકલ ચાલે ગતિ કરતું હોય ત્યારે ‘નિઃશબ્દ’માં વિસર્ગને લઈને ‘નિ’નો માત્રાભાર જરૂરી લઘુના બદલે ગુરુત્વ તરફ વધારે ઢળી જવાથી લયની પ્રવાહિતા જોખમાઈ શકે છે. કવિએ બાહોશીપૂર્વક એ ટાળ્યું છે. આખી રચનામાં કુલ ત્રેંસઠ લઘુ અક્ષરને સ્થાન છે, જેમાંથી કેવળ સાત સ્થાને કવિએ ‘ઇ’કારાંત લઘુ માત્રા પ્રયોજી છે અને બાકીના છપ્પન સ્થાને શુદ્ધ ‘અ’કારાંત લઘુ માત્રા વાપરી હોવાથી ગીતનો લય અભૂતપૂર્વ રીતે પ્રવાહી થયો છે. છે ને ઉમદા કવિકસબ? ‘લગા લગા’ના ત્રિકલ માત્રામેળને કારણે ગીત સવારના હાથમાંના પાણીના કટોરામાંનું બુંદેય હલે નહીં એવી ઘોડાની રેવાળ ચાલ જેવી રવાની પણ સતત વર્તાય છે.
વાતાવરણમાં વ્યાપ્ત મંદ સુગંધ જાણે કે આકાશની છબડીમાં તરતા તારલાઓમાંથી આવી રહી છે. તારાઓનો ઝબક-ઝબક પ્રકાશ હેતાળ સ્વજનની આંખમાં ટમટમ થતાં ઝળઝળિયાં જેવો ભાસે છે. કથક ઘરની અગાશીમાં સૂતો હોવો જોઈએ કારણ આકાશમાંના તારા નજરે ચડે છે અને પડખે પત્ની શ્વસી રહી છે. બીજો બંધ બ.ક.ઠાકોરના ‘ભણકારા’ની યાદ અપાવે એવો છે. સૃષ્ટિ જાણે કે નૌકા છે અને શાંતિના સરોવરમાં ધીમેધીમે સરી રહી છે. સૂઈ ગયેલ પાંદડાઓની નીંદર ઊડી ન જાય એ રીતે પવન એમની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. અષાઢના વાદળોની જેમ સપનાંઓ ઠરી રહ્યાં છે. નંદ-દામિનીવાળી પંક્તિમાં એક લઘુ ખૂટે છે, ત્યાં કવિતા છાપવામાં કંઈક ભૂલ થઈ હોવાનો સંભવ છે. જાણકાર ભાવક ભૂલસુધાર કરવામાં મદદ કરશે તો ગમશે.
Vinod Manek 'Chatak' said,
August 5, 2023 @ 1:06 PM
સરસ લ ગા, લ ગા.. નો લય
અદભુત ગીત
pragnajuvyas said,
August 5, 2023 @ 8:59 PM
સીધું દિલમાંથી કાવ્ય બહાર આવ્યું છે જાણે…… !
બહુજ ઉચ્ચ કોટીના શબ્દો ભારવાળી રચના , બે ત્રણ વાર વાંચવી પડે ત્યારે સમાજ પડે ,
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ,
Poonam said,
August 8, 2023 @ 5:22 PM
અહીં તગત નંદ-દામિની!
અહીં અશબ્દ દામિની? Bahoot khoob !
– યૉસેફ મૅકવાન –
Aasawad la jawab !
Tanu patel said,
August 9, 2023 @ 8:49 PM
રાત્રિનું વર્ણન કરતું લયબદ્ધ સરસ ગીત.
સાથે દરેક શબ્દની છંદ સાથે બારીકાઈથી
સમજ આપતો વિવેકભાઈ નો સરસ આસ્વાદ..
લતા હિરાણી said,
August 15, 2023 @ 4:11 PM
ગમ્યું.