મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
‘અગન’ રાજ્યગુરુ

એ જ વાત – ચન્દા રાવળ

બસ,
.        એ જ વાત ના છેડો.
શીદને ચાહું, શી વિધ ચાહું, કેમ સહું તમ ચેડો.
.       એ જ વાત ના છેડો
.     માધવ
.       એ જ વાત ના છેડો.

કદમ્બ-વૃક્ષે પાન ફૂટતાં
.       જમુના જલમાં લ્હેરો.
મધુવનની વાટે પથરાતો
.       પ્રણય, પ્રિયા તમ ઘેરો.
.       ક્યાંય નહીં ત્યાં કેડો.
બેય નયનમાં રોપ્યા તમને, ઊગ્યો મબલક નેડો!

વળી વળીને પૂછો શાને?
.       હોઠ મરકતા લાગે.
જાણે ફૂલ ઊપર કો’ ભમરો
.       ડંખ દિયે અનુરાગે.
.       મુજને ના છંછેડો.
બેઉ ઓષ્ઠમાં ગોપ્યા તમને; ગુંજ્યો મનનો મેડો.

.       બસ, એ જ વાત ના છેડો.
બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
.       માધવ, હૃદયદુવારે તેડો!

– ચન્દા રાવળ

કોઈને ચાહવાનાં તે કંઈ કારણ હોતાં હશે? પ્રેમ એટલે તો બસ, પ્રેમ… એમ પૂછીને થાય નહીં પ્રેમ, ખરું ને? પણ આ જુઓ, નટખટ માધવ મુરારી તો ગોપી પાસે પોતાને ચાહવાનાં કારણ જાણવા પૃચ્છા કરી રહ્યો છે. પણ ગોપીય કંઈ જાય એમ થોડી છે? માધવની વહાલી કંઈ જેવી તેવી હોય? જવાબતલબી કરી રહેલ કાનાને ગોપી શું કહે છે તે જાણવા જેવું છે. માધવ મુરારીએ તો પૂછી લીધું કે ગોપી એને શા માટે ચાહે છે, કઈ રીતે ચાહે છે. પણ ગોપી એકદમ સ્પષ્ટ છે – કેરી ખાવ, ઝાડ શા માટે ગણવાં? એ માધવને કહે છે, કે બસ, આ એક જ જ વાત છેડશો નહીં. કદમ્બ વૃક્ષ પર પાન ફૂટે અને જમુનાના જળમાં લહેરો ઊઠે એમ મધુવનની વાટે પથરાયેલ માધવના અસીમ અફાટ પ્રેમે એને ચારે તરફથી એવો ઘેરો ઘાલ્યો છે કે ભાગી છૂટવાનો કોઈ કેડો જ બચતો નથી. નજરોમાં કેવળ માધવ જ સમાયો હોય ત્યાં મબલખ સ્નેહ ન ઊગે તો જ નવાઈ. પણ કૃષ્ણ તો હતા જ ટિખળી. મંદમંદ મરકતાં એ વળી-વળીને નિષિદ્ધ પ્રશ્ન કરે છે ત્યારે ભમરો ફૂલને પ્રેમથી ડંખે એવો આહ્લાદ ગોપી અનુભવે છે. બેઉ નયનમાં કેવળ માધવને જ સ્થાન આપ્યા બાદ હવે બેઉ અધર પર પણ એનું જ સ્થાન હોવાની જાહેરાત ગોપી કરે છે. રાત-દિ ગોપીના હોઠે માધવનું જ નામ હોવાને લઈને મનનો મેડો ગુંજારવથી ભરાઈ ઊઠ્યો છે. સામા સવાલ કરવાના બદલે માધવ પણ પોતાને નજરોમાં પ્રોવીને પોતાના હૃદયમાં સ્થાન આપે એ જ ગોપીની અભ્યર્થના છે. સરવાળે, સહજ ભાષા અને પ્રવાહી લયને લઈને મનમાં લાંબા સમય સુધી રણઝણ્યા કરે એવું મધુરું સ્નેહગીત…

પ્રાસ સાચવવા કવયિત્રીએ ‘ચેડાં’ શબ્દ સાથે ચેડાં કરીને ‘ચેડો’ શબ્દ ન વાપર્યો હોત તો રચના વધુ આસ્વાદ્ય બની હોત.

5 Comments »

  1. pragnajuvyas said,

    February 10, 2023 @ 3:25 AM

    કવયિત્રી ચન્દા રાવળનુ મધુરું ગીત
    ડો વિવેકનો સ રસ આસ્વાદ
    બસ, એ જ વાત ના છેડો.
    બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
    . માધવ, હૃદયદુવારે તેડો!
    ભગવાન શ્રીકૃષ્ણ અગણિતાનંદ-પૂર્ણાનંદ છે. ગોપીજી સમજી ગયા કે પ્રિયતમ શ્રીકૃષ્ણ જ એમનો મનોરથ પૂર્ણ કરવા આવ્યા છે. યાદ આવે-
    પ્રણયોર્મિ કાવ્યોના પ્રણેતા રમેશ પારેખ…
    શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
    એક જણ ઉજ્જડ રહી ગયું કોને ખબર?
    મૈં પ્રેમકા પ્યાલા પી આયા.

  2. baarin said,

    February 10, 2023 @ 2:00 PM

    સુંદર ગીત , રસ પ્રદ આસ્વાદ , જય શ્રી કૃષ્ણ

  3. Lata Hirani said,

    February 10, 2023 @ 3:05 PM

    મસ્તીભર્યું ગીત….

  4. Anonymous said,

    February 11, 2023 @ 8:08 PM

    બેય નયનમાં રોપ્યા તમને,,વાહ,
    બહુ સરસ…માધવ પ્રીતિ…

  5. Poonam said,

    February 20, 2023 @ 8:54 AM

    માધવ,
    એ જ વાત ના છેડો… 😊
    – ચન્દા રાવળ –

    Aaswad swadisth sir ji !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment