નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.
– જુગલ દરજી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદા રાવળ

ચંદા રાવળ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એ જ વાત – ચન્દા રાવળ

બસ,
.        એ જ વાત ના છેડો.
શીદને ચાહું, શી વિધ ચાહું, કેમ સહું તમ ચેડો.
.       એ જ વાત ના છેડો
.     માધવ
.       એ જ વાત ના છેડો.

કદમ્બ-વૃક્ષે પાન ફૂટતાં
.       જમુના જલમાં લ્હેરો.
મધુવનની વાટે પથરાતો
.       પ્રણય, પ્રિયા તમ ઘેરો.
.       ક્યાંય નહીં ત્યાં કેડો.
બેય નયનમાં રોપ્યા તમને, ઊગ્યો મબલક નેડો!

વળી વળીને પૂછો શાને?
.       હોઠ મરકતા લાગે.
જાણે ફૂલ ઊપર કો’ ભમરો
.       ડંખ દિયે અનુરાગે.
.       મુજને ના છંછેડો.
બેઉ ઓષ્ઠમાં ગોપ્યા તમને; ગુંજ્યો મનનો મેડો.

.       બસ, એ જ વાત ના છેડો.
બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
.       માધવ, હૃદયદુવારે તેડો!

– ચન્દા રાવળ

કોઈને ચાહવાનાં તે કંઈ કારણ હોતાં હશે? પ્રેમ એટલે તો બસ, પ્રેમ… એમ પૂછીને થાય નહીં પ્રેમ, ખરું ને? પણ આ જુઓ, નટખટ માધવ મુરારી તો ગોપી પાસે પોતાને ચાહવાનાં કારણ જાણવા પૃચ્છા કરી રહ્યો છે. પણ ગોપીય કંઈ જાય એમ થોડી છે? માધવની વહાલી કંઈ જેવી તેવી હોય? જવાબતલબી કરી રહેલ કાનાને ગોપી શું કહે છે તે જાણવા જેવું છે. માધવ મુરારીએ તો પૂછી લીધું કે ગોપી એને શા માટે ચાહે છે, કઈ રીતે ચાહે છે. પણ ગોપી એકદમ સ્પષ્ટ છે – કેરી ખાવ, ઝાડ શા માટે ગણવાં? એ માધવને કહે છે, કે બસ, આ એક જ જ વાત છેડશો નહીં. કદમ્બ વૃક્ષ પર પાન ફૂટે અને જમુનાના જળમાં લહેરો ઊઠે એમ મધુવનની વાટે પથરાયેલ માધવના અસીમ અફાટ પ્રેમે એને ચારે તરફથી એવો ઘેરો ઘાલ્યો છે કે ભાગી છૂટવાનો કોઈ કેડો જ બચતો નથી. નજરોમાં કેવળ માધવ જ સમાયો હોય ત્યાં મબલખ સ્નેહ ન ઊગે તો જ નવાઈ. પણ કૃષ્ણ તો હતા જ ટિખળી. મંદમંદ મરકતાં એ વળી-વળીને નિષિદ્ધ પ્રશ્ન કરે છે ત્યારે ભમરો ફૂલને પ્રેમથી ડંખે એવો આહ્લાદ ગોપી અનુભવે છે. બેઉ નયનમાં કેવળ માધવને જ સ્થાન આપ્યા બાદ હવે બેઉ અધર પર પણ એનું જ સ્થાન હોવાની જાહેરાત ગોપી કરે છે. રાત-દિ ગોપીના હોઠે માધવનું જ નામ હોવાને લઈને મનનો મેડો ગુંજારવથી ભરાઈ ઊઠ્યો છે. સામા સવાલ કરવાના બદલે માધવ પણ પોતાને નજરોમાં પ્રોવીને પોતાના હૃદયમાં સ્થાન આપે એ જ ગોપીની અભ્યર્થના છે. સરવાળે, સહજ ભાષા અને પ્રવાહી લયને લઈને મનમાં લાંબા સમય સુધી રણઝણ્યા કરે એવું મધુરું સ્નેહગીત…

પ્રાસ સાચવવા કવયિત્રીએ ‘ચેડાં’ શબ્દ સાથે ચેડાં કરીને ‘ચેડો’ શબ્દ ન વાપર્યો હોત તો રચના વધુ આસ્વાદ્ય બની હોત.

Comments (5)