આવી સૈયર ઠંડી..! – પ્રકાશ પરમાર
આવી સૈયર ઠંડી..!
સાવરિયાની અકોણાઈમાં હવે આવશે મંદી…!
આવી સૈયર ઠંડી.
મેડીનો સુનકાર પાછા પગલે પાછો થાશે;
કડલાં કાંબીનો કેલીરવ પડસાળે પડઘાશે.
પર્વત શિખર ચડી ઉતરશે ખીણમાં આ પગદંડી….!
આવી સૈયર ઠંડી.
સાજન મુજને પીશે માની કઢિયેલ દૂધનો કળશ્યો;
ગટકગટ ગટગટાવે મુજને તોયે રહેશે તરસ્યો..!
નાગરવેલના પાનની ફૂંપળ બનશે ફરી ફરંદી….!
આવી સૈયર ઠંડી.
ઓળંગીને આડ બધીએ ઓગળશું ઉભયમાં,
બોલકા મૌનનો હૂંફાળો સંવાદ રચીશું લયમાં.
પાતળિયાની પટરાણી થઈ મોજ માણશે બંદી..!
આવી સૈયર ઠંડી.
– પ્રકાશ પરમાર
ઠંડી એટલે ભરસંસારમાં પાનખર પણ ઘરસંસારમાં વસંત ઋતુની સંવાહક. રાતની ઠંડકમાં હૂંફ અર્થે પિયુ સાયુજ્ય સ્થાપવા આવશેની ખાતરીમાંથી જન્મેલું મજાનું ગીત આસ્વાદીએ. સતત તોરમાં ફરતા રહેતા સાંવરિયાની અકોણાઈમાં હવે મંદી આવશે એની નાયિકાને પ્રતીતિ છે. મેડીનો સૂનકાર કડલાં-કાંબીના કેલીરવમાં પડસાળ સુધી પડઘાશે. પાછા પગલે પાછા થવાની વાતમાં કવિકર્મનો રણકો સંભળાય છે. પાછા-પગલે-પાછો-પડસાળે-પડઘાશે-પર્વત-પગદંડીમાં ‘પ’ની વર્ણસગાઈ તથા કડલાં-કાંબી-કેલીરવ સાથે સુનકારના કારનો ‘ક’કાર પણ આખા બંધને રણકતા-પડઘાતા રાખે છે. શિખર ચડીને પગદંડીના ખીણમાં ઉતરવાનો સંભોગશૃંગાર મેડી-પરસાળના રૂપકથી અળગું પડી જાય છે એ નિરવદ્ય કાવ્યરસમાં થોડો ખટકો જરૂર પેદા કરે છે. સાજન પોતાને કઢિયેલ દૂધનો કળશ્યો ગણીને આકંઠ પીશે પીશે ને તોય તરસ્યો રહેશે એ આત્મવિશ્વાસ કાવ્યપ્રાણ સમો છે. અહીં પણ નાગરવેલના પાનની કૂંપળના ફરી ફરંદી બનવાવાળી ક્રોસલાઇન જામતી નથી. શાંત વસ્તુ તોફાની બનશે એવી અભિવ્યક્તિ કવિને હૈયાવગી હોય એમ જણાય છે, પણ નાગરવેલના પાનની બે વિરોધાભાસી અવસ્થા જળ-પવન જેવા પ્રતીકોમાં જેમ સ્પષ્ટ થઈ શકી હોત એમ થઈ શકતી નથી. ત્રીજો બંધ સહજ છે. કાયમ માટે બંદી થઈને રહેતી પત્ની હવે ઠંડીના પ્રતાપે પાતળિયાની પટરાણીનું ગરવું સ્થાન પામશે એ વાત સ્પર્શી જાય છે.
kishor Barot said,
January 21, 2023 @ 11:51 AM
નવા ગીતકવિઓમાં પરબત ભાઈમાં ઉજળી શક્યતાઓ જોઈ રાજીપો અનુભવું છું.
પરબત ભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ.
🌹🌹🌹🌹🌹🌹
Varij Luhar said,
January 21, 2023 @ 1:29 PM
વાહ.. સરસ ગીત અને આસ્વાદ
Barin Dixit said,
January 21, 2023 @ 1:59 PM
ખુબ સુંદર કાવ્ય , આપ ની એનાલિસિસ કાયમ પ્રમાણે તટસ્થ અને સચોટ .
વિનોદ જોશી સાહેબ નું “સખી મારો સાહ્યબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો હું તો ” યાદ આવી ગયું
Anonymous said,
January 21, 2023 @ 2:19 PM
સરસ ગીત..પણ ‘બોલકા મૌન…’વાળી વાત છે ત્યાં લય ખોટકાય છે, એટલે વાંચકે આયાસપૂર્વક વાંચવું પડે છે..બાકી મજા આવી
Anonymous said,
January 21, 2023 @ 2:24 PM
વ્હાલા ગુરુવારી મિત્ર,
દિવાળીના સ્વાગતની તૈયારીમાં હશો અને પછી તરત ઠંડીની ‘પ્રેમાળ’ ઋતુ શરૂ થશે. પ્રેમાળ કહેવાનો ખાસ ઉદ્દેશ્ય છે, સમજાઈ જ ગયો હશે. આમ તો ફાગણ એટલે કે વસંતને પ્રેમની ગુલાબી ઋતુ કહેવામાં આવે છે, પણ શિયાળો એમાં સહેજે ઊતરતો નથી, એવું અમારા સુરતના ગીતકવિ શ્રી પ્રકાશભાઈ પરમારને લાગે છે. એમનું એક ગીત જોઈએ એ પહેલાં એમનો થોડો પરિચય આપી દઉં.
પ્રકાશભાઈ પરમાર શિક્ષક છે. ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળનાં લેખન પરામર્શક છે. GCERT સ્ટેટ રિસોર્સ પર્સન છે. SSA (ગાંધીનગર)ની પ્રજ્ઞા કોર ટીમના સભ્ય અને એમનું લખેલું ‘પ્રજ્ઞાગીત’ પ્રજ્ઞા પ્રોજેક્ટના થીમ સોંગ તરીકે સન્માન પામ્યું છે, જે સમગ્ર ગુજરાતની શાળાઓમાં ગવાય છે. ધોરણ ૧થી ૫ પ્રજ્ઞા ‘ગુજરાતી’ વિષયનાં લેખક છે. તેઓ ઉમદા ગીતકવિ છે. એમનાં ગીતોનું ભાવવિશ્વ એકદમ નોખું અને પોતીકું છે.
ચાલો, પ્રકાશભાઈનું એક ગીત જોઈએ;
આવી, સૈયર, ઠંડી,
સાવરિયાની અકોણાઈમાં હવે આવશે મંદી.
આવી, સૈયર, ઠંડી.
માનવ સહજ સ્વભાવ છે કે દુખ હોય કે ખૂબ આનંદની પળો હોય તો એને વહેંચવા માટે મન તલસે. એમ, આ ગીતમાં અંતરનો ઉમળકો યુવાન છોકરી એની સખી આગળ ઠાલવે છે. ચોમાસું એટલે રોગની ઋતુ, હમણાં જ પૂરી થઈ છે અને હવે ઠંડીની મૌસમ આવી રહી છે, ત્યારે સખી એના સવારિયાના સામીપ્યની હરખભેર ઝંખના કરે છે. સાવરિયો થોડો અવળચંડો છે. એનું એ અકોળાપણું (અવળચંડાઈ) ઠંડીની ઋતુમાં મંદ પડશે એવી નાયિકાની ખેવના મુખડામાં કેટલી સરસ રીતે ઉદ્ઘાટિત થઈ છે. હું તો મુખડું ગણગણતો પાંચ મિનિટ અહીં જ થોભી ગયો.
મેડીનો સૂનકાર પાછા પગલે પાછો થાશે;
કડલાંકાંબીનો કેલીરવ પડસાળે પડઘાશે.
પર્વત શિખર ચડી ઊતરશે ખીણમાં આ પગદંડી.
આવી, સૈયર, ઠંડી.
કાવ્યની મજા જ શબ્દોના પ્રયોજનમાં છે. ‘પાછા થવું’ એટલે? સૌરાષ્ટ્રની લોકબોલીમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે આ રૂઢપ્રયોગ વપરાય છે. અત્યાર સુધી મેડી પર જે સૂનકાર હતો એ હવે મરી પરવારશે અને ત્યાં કેલીરવ…. શાનો? કડલાંકાંબીનો.. આહા! ભઈ કડલાંકાંબી રણકે ક્યારે એ કહેવાની જરૂર ખરી? ને આ મુખબંધમાં કવિ રાતને જે ચરમ સીમા પર લઈ ગયા છે એ માટે સો દાદ આપું. ‘પહાડ શિખર ચડી ઊતરશે ખીણમાં આ પગદંડી’ આને બે રીતે સમજાશે; પહાડને વાક્યનો કર્તા ગણો તો પહાડ પહેલાં પોતે શિખર ચડશે અને પછી ખીણમાં ઊતરશે, અથવા કર્તા સાવરિયો ગણો તો એ પહાડનું શિખર ચડશે અને પછી ખીણમાં ઊતરશે. યુવાન સ્ત્રી આથી વિશેષ ઠંડીમાં શું ઈચ્છે? નાયિકા માટે તો સામીપ્યની આ ચરમસીમા હશે.
સાજન મુજને પીશે માની કઢિયલ દૂધનો કળશ્યો;
ગટકગટ ગટગટાવે મુજને તોયે રહેશે તરસ્યો.
નાગરવેલનાં પાનની ફૂંપળ બનશે ફરી ફરંદી.
આવી, સૈયર, ઠંડી.
પ્રથમ બંધમાં રાતના મિલનની વાત પછી પણ નાયિકા માને છે કે, આ ઋતુમાં સાવરિયો મને ‘કઢિયલ દૂધ’ માની પીશે. ખૂબ ઉકાળીને જાડું કઢી જેવું બનાવેલું દૂધ એટલે કઢિયલ દૂધ. નાયિકા પોતાને પણ આ વિરહમાં તપીને કઢિયલ દૂધ જેવી સ્વાદિષ્ટ બતાવે એ કલ્પન કેવું મજાનું! મને પીધા પછીય એ તરસ્યો રહેશે એવી અપેક્ષા સાથે એ હવે ‘નાગરવેલનું પાન’ ખાઈને નફફટ (ફરંદી) બની જાશે એવું કલ્પે છે. મિલન પછીની નફ્ફટાઈ પણ વ્હાલી તો લાગેને!
ઓળંગીને આડ બધીએ ઓગળશું ઉભયમાં,
બોલકા મૌનનો હૂંફાળો સંવાદ રચીશું લયમાં.
પાતળિયાની પટરાણી થઈ મોજ માણશે બંદી.
આવી, સૈયર, ઠંડી.
કોઈપણ સમજુ સ્ત્રીની અપેક્ષા આ ત્રીજા બંધ જેવી જ હોયને? સ્ત્રીને પ્રેમ અને ‘હુંફાળો સંવાદ’ મળે એટલે એને મન એ પોતાના રાજાની પટરાણી જેવો આનંદ હોય.
– પ્રકાશ પરમાર (સુરત)
અને હવે મારું એક ગીત, તમારા પ્રતિભાવ સાથે પાછું મોકલજો.
== નણંદનું ગીત ==
ઓરે ભાભી….
આ ભમ્મરિયા કૂવાનો કાઢી તું દેને મને તાગ, એમાં કેવો છે નાગ?
કે પછી મારી રીતે જ માંડું ન્હાવા ને ડંખે તો માની લઉં મારા અહોભાગ? ઓરે ભાભી….
ડેલીને સાંકળ ના વાખ, મને આવી છે પાંખ,
ઈશારો સમજીને થોડી તો વાત મારી રાખ.
તારી કેડોએ ખેલ્યો જે દાવ એવો આવ્યો જો મારોયે લાગ..
કે પછી મારી રીતે જ માંડું ન્હાવા ને ડંખે તો માની લઉં મારા અહોભાગ? ઓરે ભાભી….
કીધું’તું માવડીને કાલ, મને ખોળાથી છુટ્ટી ના નાખ,
લે, ખાનગીમાં કહી દઉં છું કાબૂમાં રહી નથી આંખ
તારા આંબલિયે લૂમઝૂમ કેરીનો ચૂસનાર આવે ત્યાં આવે વૈશાખ,
કે પછી મારી રીતે જ માંડું ન્હાવા ને ડંખે તો માની લઉં મારા અહોભાગ? ઓરે ભાભી….
== મંથન ડીસાકર ==
*(૩૨૪) ગુરુવાર તા ૧૩/૧૦/૨૦૨૨*
ત અભિલાષી

પ્રકાશ પરમાર said,
January 21, 2023 @ 2:33 PM
આભાર.
મારાં ગીતને લયસ્તરો પર પોંખવા માટે..!
– પ્રકાશ પરમાર
રમેશ મારૂ said,
January 21, 2023 @ 3:36 PM
આવી સુંદર રચના માણવા મળે અને એમાં પણ ડો.વિવેક મનહર ટેલર જેવા ગીતકાર રચનાને વિવેચનાના ચાકડે ચડાવે અને કોઈપણ અહોભાવ વગર તેની તુલના થાય ત્યારે ચોક્કસ લાગે છે કે , હજી મારી માતૃભાષા જીવે છે…કવિ અને વિવેચક બંનેના કર્મને વંદન…
આવી સુંદર રચનાઓ હજી પણ આપતા રહો પ્રકાશભાઈ એવી શુભકામનાઓ…
pragnajuvyas said,
January 21, 2023 @ 9:25 PM
કવિશ્રી પ્રકાશ પરમારનુ સુંદર ગીત -આવી સૈયર ઠંડી..!
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
આ ગીતની યુ ટ્યુબ હોય તો જણાવશો.
તેઓના વખણાયેલ પ્રજ્ઞાગીત ગીતને માણીએ
પ્રજ્ઞાગીત | બનીએ પ્રજ્ઞાવાન | Pragna Song |
પ્રકાશ પરમારhttps://www.youtube.com › watch
………
Anonymous is a decentralized international activist and hacktivist collective and movement primarily known for its various cyberattacks against several ..
(-અનામિક એ વિકેન્દ્રિત આંતરરાષ્ટ્રીય કાર્યકર અને હેકટીવિસ્ટ સામૂહિક અને ચળવળ છે જે મુખ્યત્વે તેના વિવિધ સાયબર હુમલાઓ માટે જાણીતી છે..)
આપ નથી–
એકબીજાની લીટી લાંબી ટૂંકી કરવા બેઠા
શકુનીઓ ભેગા જાણે સોગઠી રમવા બેઠા
કોઈના હકને આખેઆખો ઓળવી લેવા :
વાંદરાં ત્રાજવા તોળી હિસાબ કરવા બેઠા
‘દેવ’ કહો કે ‘દૈવ’ને નામે છોડીએ શું શું ?
છીનવી અમારું પોતાનું ઘર ભરવા બેઠા
માલિક થઇ ગ્યા જાતે જ બોલો શું કહેવું ?
લૂચ્ચાઓ સ્વયંનું જ મંદિર ચણવા બેઠા-પ્રકાશ પરમાર
આપને ઓળખની બીક હોય તો મન ને મજબૂત કરવા નિયમિત ધ્યાન ધરો. મનને એકાગ્ર કરવાનું સહેલું નથી. આંખો બંધ કરો શ્વાસોશ્વાસની ક્રિયા કરો. દીવાની જ્યોત સામે જોઇને ધ્યાન ધરો. સૂતા પહેલા અવશ્ય કરો. શરૂમાં મનને એકાગ્ર કરવામાં વાર લાગશે ધીરે ધીરે એકાગ્રતા વધશે અને ધ્યાન કરવાના પ્રતાપે તમારું મન શાંત થશે અને તમારા મનમાંથી ડર જતો રહેશે.પછી Anonymous રહેવુ નહીં પડે.
બુલંદ અવાજે લલકારશો —
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે, બંદર છો દૂર છે,
બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે.
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા,
તારા હૈયામાં જો સાચી સબૂર છે….
છોને એ દૂર છે…
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા,
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે,
બંદર છો દૂર છે….
આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી,
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
છોને એ દૂર છે…
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે, બંદર છો દૂર છે,
બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે.
Poonam said,
January 22, 2023 @ 9:36 PM
આવી સૈયર ઠંડી… 👌🏻
– પ્રકાશ પરમાર –
Aaswad saras sir ji 😊
પીયૂષ ભટ્ટ said,
January 23, 2023 @ 10:09 PM
વાહ વાહ મિત્ર પ્રકાશભાઈ નાં સરસ ગીતનો સુંદર આસ્વાદ.
સાથોસાથ અન્ય મિત્રો નાં પ્રતિભાવો માણવાની પણ મજા આવી.
મંથનભાઈ નું મંથન મનનીય રહ્યું.
સૌને અભિનંદન.
લતા હિરાણી said,
February 10, 2023 @ 3:31 PM
નામ આજે સાંભળ્યુ પણ કામ ઉત્તમ ! વાહ કવિ !