કઈ કૂંચી, કઈ કળ… – યોગેશ પંડ્યા
બ્હાર ઓલ્યો ધોધમાર મેઘરવો વરસે ને
અંદર બરકે છે મારો સાયબો.
આડઝૂડ વીંઝાતી ઝડીઓમાં ઓગળી એવું ભીંજાય મારું તન,
જાણે કે ફાટફાટ દરિયા ફાટ્યા કે પછી ફાટ્યું છે આખું ગગન;
ઊભી જ્યાં નેવાંની હેઠ્ય હું તો સ્હેજવાર આરપાર મારું ગવન!
બ્હાર ઊભી ખુદ હું થઈ ગઈ વરસાદ અને
અંદર મરકે છે મારો સાયબો!
કોરી થાવાને હું તો નાવણિયે ગઈ પણ સાંકળ દેવાનું ગઈ ભૂલી,
હળવેથી સાયબાએ ઝીલી, ’ને શરમાઈ સાયબાની બાંહોમાં ઝૂલી;
સાનભાન ખોયું ને ખબર્યું ના રહી, કઈ કૂંચીથી કઈ કળ ખૂલી?
બ્હારના કમાડ આડાં હળવે દીધાં ને હવે-
અંદર ફરકે છે મારો સાયબો.
– યોગેશ પંડ્યા
વાદળ અને વહાલના બેવડા વરસાદમાં ભીંજાતી નાયિકાની મજાની સંભોગશૃંગાર રચના. બહાર મેઘ ધોધમાર વરસી રહ્યો અને ઘર ભીતરથી સાહ્યબો અવાજ દઈ રહ્યો છે. બહાર વરસાદ અને ભીતરથી વર સાદ! નાયિકા ધોધમાર વરસાદમાં ઘરબહાર કેમ નીકળી છે એનો ફોડ કવિએ પાડ્યો નથી. જરૂરી પણ નથી. આડઝૂડ વીંઝાતી વરસાદની ઝડીઓમાં નાયિકાનું તન એવું ઓગળી ગયું છે કે એ ખુદ વરસાદ બની ગઈ છે… આ વરસાદમાં પછી સાહ્યબો પણ મનભર નહાઈ લે છે. શરીર લૂછી કોરી થવા નાયિકા નાવણિયામાં તો પ્રવેશી પણ સાંકળ દેવાનું ભૂલી ગઈ. સાહ્યબો અંદર પ્રવેશી એને ઝાલે ને ઝૂલાવે છે ત્યારે સાનભાન સ્વાભાવિકપણે જ હાથ રહેતાં નથી. કઈ કૂંચીથી કઈ કળ ખૂલીનો સંભોગશૃંગાર ‘અંદર ફરકે છે મારો સાયબો’ પંક્તિમાં રતિસુખની ચરમસીમાએ પહોંચે છે, અને વહાલની આ હેલીમાં આપણને પણ ભીંજાયા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.
pragnajuvyas said,
February 4, 2023 @ 7:45 AM
કવિશ્રી યોગેશ પંડ્યાનુ ખુબજ સુંદર સંભોગશૃંગાર ગીત
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
શૃગારરસને કલાત્મક બનાવી સરસ રીતે કવિતાને મુલવવાથી કવિતાનુ હાર્દ માણી શકાય છે, જે વિષય-વસ્તુને કવિશ્રીએ સ્પર્શ્યું છે તે મોટા ભાગે ગુજરાતી કવિતા-સાહિત્યમાં અસ્પૃશ્ય રહ્યું .કવિની હિંમત ને દાદ !
રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો . કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો.
નરસિંહ મહેતાના ગૃહત્યાગથી માંડીને કૃષ્ણ કે શિવ-શંકર-પાર્વતીનાં દર્શન દુર્લભ થતાં ભક્તનાં મનોભાવ વ્યથિત થાય, એની વ્યથા યા વિષાદ યા વિરહ એ વિપ્રલંભ શૃંગારનાં તો ઇશ્વરનાં મિલનયોગનાં નિર્દેશોમાં સંભોગશૃંગાર જોવા મળે છે.
ન્હાનાલાલની ઊર્મિકવિતા – માં મિલન અને સંભોગશૃંગાર છે. પણ જ્યાં પૂર્ણિમાનો ચન્દ્ર મધ્યાકાશને પામે છે, કવિ ર. પા દ્વારા પણ કેટલીક ઉત્તમ ગજાની સંભોગ-શૃંગાર અને વિરહ-શૃંગારની રચનાઓ છે
darshak acharya said,
February 4, 2023 @ 11:04 AM
સરસ રચના , સરસ આસ્વાદ
Pravin Sarvaiya said,
February 4, 2023 @ 11:04 AM
જબ્બરદસ્ત યોગેશભાઇ! મજા આવી ગઇ..
Ramesh Maru said,
February 4, 2023 @ 11:07 AM
સુંદર ગીત અને આસ્વાદ પણ સ-રસ..
Tanu patel said,
February 4, 2023 @ 7:59 PM
મઝાની શૃંગારિક રચના,,,
સાથે આસ્વાદ પણ માણવાજોગ……
kishor Barot said,
February 4, 2023 @ 9:35 PM
મજાનું ગીત. કવિને અભિનંદન. 🌹
બારીન said,
February 5, 2023 @ 9:06 PM
ખુબ સુંદર ગીત અને એની છણાવટ .
આવું તો નહિ પણ આને મળતું આવે એવું હરીન્દ્ર દવે નું ગીત કાલે સાંભળ્યું
કૌમુદી મુન્શી ના આવાજ માં
એક વાર એકલામાં કીધું અડપલું,
મબલખને મેળે ચઢ્યું યાદ હોઠને
તો માંડ કરી દાબી દીધાં,
ત્યાં વળી આંખડીથી છલક્યો ઉન્માદ
હરીન્દ્ર દવે
લતા હિરાણી said,
February 10, 2023 @ 3:14 PM
તોફાની ગીત