ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.
– જુગલ દરજી

કોણ ચલાવે રાજ, બોલો! – સરૂપ ધ્રુવ

ચાળીસમે પણ ચલકચલાણું?
થતાં રહ્યાં તારાજ, બોલો!
અમેય રૈયત, તમેય રૈયત!
કોણ ચલાવે રાજ, બોલો!

મતપેટી કે મંત્રતંત્રથી
ફાટફૂટ ભઈ, ફૂલફટાક!
માણસથી મત મોટા કીધા;
નેવે મૂકી લાજ, બોલો!

ટળવળતી, તરફડતી
સગ્ગી જનતા સામે મીંચી આંખ,
થર્ડ વર્લ્ડના ચક્કરવરતી!
જાતે પ્હેર્યા તાજ, બોલો!

દેશવિદેશે ધજા ફરકતી;
સ્વીસબેન્કમાં આણ વરતતી;
સબમરીન સગતળિયે હોંચી;
કોનાં સરતાં કાજ, બોલો!

શ્હેર સળગતાં, નદીઓ મેલી;
સડતી લાશો, જંગલ ખાલી;
ગંગાજળથી શબ નવડાવ્યું,
પછી સજાવ્યા સાજ, બોલો!

સપના ઉપર સપનું મૂકી,
ચાળીસ માળ ચડાવ્યા ભારે!
ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
હવે તો આવ્યાં વાજ, બોલો!

કેટલું કહેવું? કયાં લગ સ્હેવું?
નથી થવું નારાજ, બોલો!
ચલો, ઉગામો મુક્કી સાથી!
રગદોળીશું તાજ, બોલો!

– સરૂપ ધ્રુવ
(૧૫ ઑગષ્ટ, ૧૯૮૭)

આઝાદી મળ્યાના ચાળીસ વર્ષ પછી લખેલી આ રચના આજે બીજા છત્રીસ વરસ વીતી ગયાં હોવા છતાંય એટલી જ પ્રસ્તુત લાગે છે. સાચી કવિતા જ એ જે સમયના સીમાડાઓને વળોટી જાય…સપનાં ઉપર સપનું મૂકીને ચાળીસ માળ ચડાવવાની વાતનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી…

4 Comments »

  1. pragnajuvyas said,

    August 15, 2023 @ 6:49 AM

    કવયિત્રી સરૂપ ધ્રુવના ગીત સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. એમાં કોઈ સુધારો શક્ય નથી. ‘પ્રતિબદ્ધ કવિ’ તરીકે આ કવિતા સુષ્ઠુ સુષ્ઠુ કવિતાઓ વાંચવા ટેવાયેલા ગુજરાતી વાચકમનને વિક્ષુબ્ધ કરી નાંખે એવી છે.
    ઈમાનદાર આક્રોશ છે .યાદ આવે ગાલિબ સાહેબ
    हज़ारों ख़्‌वाहिशें ऐसी कि हर ख़्‌वाहिश पह दम निक्‌ले
    बहुत निक्‌ले मिरे अर्‌मान लेकिन फिर भी कम निक्‌ले
    डरे क्‌यूं मेरा क़ातिल क्‌या रहेगा उस की गर्‌दन पर
    वह ख़ूं जो चश्‌म-ए तर से `उम्‌र भर यूं दम ब दम निक्‌ले
    निकल्‌ना ख़ुल्‌द से आदम का सुन्‌ते आए हैं लेकिन
    बहुत बे-आब्‌रू हो कर तिरे कूचे से हम निक्‌ले
    भरम खुल जाए ज़ालिम तेरे क़ामत की दराज़ी का
    अगर उस तुर्‌रह-ए पुर-पेच-ओ-ख़म का पेच-ओ-ख़म निक्‌ले
    मगर लिख्‌वाए कोई उस को ख़त तो हम से लिख्‌वाए
    हुई सुब्‌ह और घर से कान पर रख कर क़लम निक्‌ले
    हुई इस दौर में मन्‌सूब मुझ से बादह-आशामी
    फिर आया वह ज़मानह जो जहां में जाम-ए जम निक्‌ले
    हुई जिन से तवक़्‌क़ु` ख़स्‌तगी में दाद पाने की
    वह हम से भी ज़ियादह ख़स्‌तह-ए तेग़-ए सितम निक्‌ले
    मुहब्‌बत में नहीं है फ़र्‌क़ जीने और मर्‌ने का
    उसी को देख कर जीते हैं जिस काफ़िर पह दम निक्‌ले
    कहां मै-ख़ाने का दर्‌वाज़ह ग़ालिब और कहां वा`इज़
    पर इत्‌ना जन्‌ते हैं कल वह जाता था कि हम निक्‌ले
    આ ગીત ૩૬ વર્ષ પહેલા લખાયુ છે.
    ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
    હવે તો આવ્યાં વાજ, બોલો!
    ચલો, ઉગામો મુક્કી સાથી!
    રગદોળીશું તાજ, બોલો!
    સાંપ્રતસમયે લખાયુ હોત તો કદાચ આક્રોશ ઓછો હોત અને પ્રસન્નતાનો ભાવ હોત…!

  2. Neela sanghavi said,

    August 15, 2023 @ 11:24 AM

    ચાલીસ વર્ષે જે પરિસ્થિતિ હતી એ જ આજે પણ છે.

  3. Varsha patel said,

    August 15, 2023 @ 12:23 PM

    કવિતાની બાનીમાં ચાબખા. વાહ ભાઈ વાહ.

  4. Ramesh Maru said,

    August 15, 2023 @ 7:20 PM

    સચોટ ને વેધક…ખરેખર ‘કોણ ચલાવે રાજ,બોલો !’…

    ખૂબ જ સુંદર રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment