હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
છેદ પડ્યો છે છ૨કમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની…

ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંમર પર બેઠો
સખિયન! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો
લોહી હલ્યા રે અચરમ્ અચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું
છબછબિયું અન્ધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું
જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

– જયેન્દ્ર શેખડીવાળા

સોળ વર્ષની મુગ્ધ વય પ્રેમમાં પડવાની વય છે. ષોડશીના પ્રથમ પ્રેમની અનુભૂતિનાં ગીતો તો આપની પાસે ઘણાં છે, પણ સોળ વરસના લબરમૂછિયા નવયુવાનની પ્રેમાનુભૂતિની આવી રચના ભાગ્યે જ માણવા મળશે. સોળ વરસથી સ્થિર ઊંડા જળમાં અચાનક ટહુકાની રાવ પડતાં જાણે કે તોફાન મચ્યું છે. ટહુકાની રાવ સાથે આમ તો ઝાડની ડાળ યાદ આવે, પણ અહીં કવિએ ઊંડા પાણીમાં ટહુકાની રાવ પડી હોવાનું કપ્લન બાંધીને પ્રથમ પંક્તિથી જ ભાવકને આ રચના જરા હટ કે હોવાનો ઈશારો પણ કર્યો છે. પ્રેમનો આ ટહુકાર છરી ન હોય એમ સોળ વરસના અકબંધ અસ્તિત્ત્વમાં જાણે કે આછો કાપો પડી જાય છે. છરકમ્ છરકમ્ – આ રવાનુકારી (onomatopoeia) શબ્દની દ્વિરુક્તિ છરીથી આછો છરકો પડવાની ક્રિયાને ચાક્ષુષ કરી દે છે.

અકબંધ પાનીના ઉલ્લેખ મિષે પરીક્ષિત અને કળિયુગની ઓછી જાણીતી વાર્તા યાદ આવે. કળિયુગ સામે પરીક્ષિત અડીખમ હતા પણ એમણે એને સોનામાં રહેવાની રજા આપી એ કારણે કળિયુગે એમના મુગટમાં ઘર કરી લીધું હતું, જેના દુષ્પ્રભાવના કારણે તક્ષક નાગના ડંખ અને સાત દિવસમાં મૃત્યુનો શાપ રાજાને વેઠવાનો આવ્યો હતો એ કથા સર્વવિદિત છે. પણ એક ઓછી જાણીતી ઉપકથા મુજબ દેહધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ પરીક્ષિત રાજાએ હાથ-પગ ધોયા પણ પગની પાની ધોવાની રહી જતાં કળિયુગ શાપ મુજબ પગની પાનીમાં થઈને એમના દેહમાં પેઠો હતો. કવિને આ સંદર્ભ અભિપ્રેત હશે કે કેમ એ તો ખ્યાલ નથી પણ નાયિકાની પગની પાની અકબંધ છે એમ કહ્યા બાદ પછી તરતની પંક્તિમાં ટહુકાનું લસલસ કરતુંકને પગમાં પેસવાની વાત આવે છે.

કોઈકનો અવાજ સોળ વરસથી અકબંધ વ્યક્તિત્ત્વમાં છેદ કરીને અંદર ઊતરી ગયો છે. સણકા ઊપડી રહ્યા છે. નાયક નાયિકાને કહે છે કે, હે સખી! આ ટહુકો કોનો છે એની પંચાતમાં પડવાના સ્થાને હૈયા આખાને હચમચાવી દે એવી જે કંપારીઓ જન્મી છે, એને વેઠવાની મજા લો. પ્રણયસંગીત ના ધિન ધિન તાને લઈને લોહીમાં ખળભળાટ મચ્યો છે.

હિંદુ પરંપરા અનુસાર છોકરી એના લગ્નના દિવસે નથ પહેરે છે અને સુહાગરાતે પતિ એ નથ ઉતારી બે દેહનું અદ્વૈત સાધે છે. પણ નાયક નથ ઉતારવાના બદલે જીવનમાં પહેલીવાર પોતાની મૂંછ ઉતારવાની વાત કરે છે, એ સૂચક છે. સ્ત્રી ઉપર પૌરુષી કબજો મેળવવાના બદલે નાયકની નેમ પોતાના અહંકારનો ત્યાગ કરવાની વધુ છે. આ જ સાચો પ્રણય છે ને! એ પછીની સંભોગશૃંગારની વાત તો સહજ સમજાય એવી છે…

12 Comments »

  1. Varij Luhar said,

    January 26, 2023 @ 11:32 AM

    વાહ વાહ.. ખૂબ સરસ ગીત અને
    આસ્વાદ

  2. Ramesh Maru said,

    January 26, 2023 @ 12:05 PM

    વાહ…સુંદર ગીત ને આસ્વાદ પણ એવો જ મજાનો…

  3. જયેન્દ્ર શેખડીવાળા said,

    January 26, 2023 @ 12:32 PM

    લયસ્તરોનો આનંદાભાર

  4. Bharati gada said,

    January 26, 2023 @ 1:22 PM

    વાહ વાહ ખૂબ સુંદર ગીતનો ખૂબ સુંદર રસાસ્વાદ

  5. Anonymous said,

    January 26, 2023 @ 6:28 PM

    ખૂબ સરસ ગીત અને મજાનો આસ્વાદ

  6. Akhand Vyas said,

    January 26, 2023 @ 8:02 PM

    કેવી પ્રણય પ્રચુર અનુભૂતિ કવિના શબ્દ પ્રયોજનો, ગીતની લયકારી સાથે વહે છે?!
    અદ્ભુત સર્જકત્વ…

  7. pragnajuvyas said,

    January 27, 2023 @ 1:31 AM

    મધુર ગીત
    અને
    સ રસ આસ્વાદ
    છોકરીઓ માટે આ પશ્ચાતકિશોરાવસ્થા અને આરંભ-કુમારાવસ્થા માટે બે સરસ, સૂચક સંસ્કૃત શબ્દો છે.: કન્યા અને તરુણી ! કન્યા શબ્દની ધાતુ વિશે વિવિધતા છે. કન એટલે ઈચ્છા કરવી, જે ઈચ્છા કરે છે એ કન્યા છે. બીજો એક અર્થ છે: કેન ઈયમ નેયા ઈતિ ન નિશ્ચિતમ, કોણ એને સ્વીકારશે એ નિશ્ચિત નથી. એક ત્રીજો અર્થ પણ છે, કમનીયા ઈતિ કન્યા. જે કમનીય છે એ કન્યા છે. માટે કહેવાયું છે કે નિર્દોષન કન્યાદર્શન એટલે કે કન્યાનું દર્શન એક નિર્દોષ ક્રિયા છે. તરુણી શબ્દ તૃ પરથી આવે છે. જેના પરથી તરુ અથવા વૃક્ષ શબ્દ બન્યો છે. તૃ એટલે ઊગવું, વિસ્તરવું, ઓળંગવું. એ છોકરી જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે એ તરુણી છે.
    મનમા ગુંજે
    सोलह बरस की बाली उमर को सलाम
    ऐ प्यार तेरी पहली नजर को सलाम
    सलाम

  8. Poonam said,

    January 27, 2023 @ 10:02 AM

    પહેલી નથ તું પ્હેરું,
    ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું… 👌🏻
    – જયેન્દ્ર શેખડીવાળા –

    Aaswad swadisth sir ji 😊

  9. kusum kundaria said,

    January 27, 2023 @ 7:37 PM

    વાહ ખૂબ સરસ ગીત અને સુંદર આસ્વાદ.

  10. Anonymous said,

    January 30, 2023 @ 2:11 PM

    સુંદર આસ્વાદ્ય ગીત

  11. દત્તાત્રય ભટ્ટ said,

    January 30, 2023 @ 2:13 PM

    સુંદર આસ્વાદ્ય ગીત

  12. લતા હિરાણી said,

    February 10, 2023 @ 3:28 PM

    રણકાદાર ગીત .
    શબ્દોનું પુનરાવર્તન કેવો સરસ ગુંજારવ પેદા કરે છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment