મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.
– મનહર મોદી

ઠેસ… – પ્રફુલ્લા વોરા

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈય૨ શું કરું?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈય૨ શું કરું?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?

– પ્રફુલ્લા વોરા

પ્રેમમાં કશુંય અમથું અમથું થતું નથી, પણ બધું જ અમથું અમથું –આપોઆપ થઈ રહ્યું હોવાની ભ્રમણા સેવવાનું આપણને ગમે છે. કાવ્યનાયિકા સહેલી સામે હૈયું ઠાલવવા બેઠી હોવાની પળનું આ ગીત છે. હીંચકો બે કડે બંધાય… પ્રેમની દોરી બે હૈયે પરોવીને નાયિકાએ ઝૂલવું શરૂ કર્યું કે હૈયામાં ફાળ પડી. બે જણની આંખ મળે, અમથી એક ડાળ ઝૂલે, અને એ બે જણને ખબર પડે એ પહેલાં તો વાયરો ગામ આખમાં વાય વળે… હથેળી પર મૂકેલી મેંદી પણ છાનીછપની વાતો જાહેર કરવા માંડે છે. પ્રેમ એટલે સાનભાન ભૂલી જવાય એ સમાધિ. પગ તો જમીન પર ચાલતા હોય પણ હૈયું કોઈ બીજી જ દુનિયામાં હોવાથી હાલતાંચાલતાં ઠેસ વાગવી કંઈ નવું નથી હોતું. વળી નવાનવા પ્રેમમાં તો નાનામાં નાની વાતના મસમોટા પડઘા ઊઠવાના. જરી અમથી ઠેસ વાગી નથી કે ઘૂઘરમાળ રૂમઝૂમ થઈ નથી. ઉજાગરા આંજેલી ખુલ્લી આંખે અઢળક સપનાંઓ જોઈજોઈને રાત પસાર થાય છે. અને સવાર પડતાં મનના માણીગરના દર્શનનું જરા અમથું અજવાળું આંખે ઝીલાતાંવેંત રાતભરના વિયોગને લઈને ભરાઈ આવેલું હૈયું પાંપણની પાળ તોડીને છલકાઈ ન ઊઠે તો જ નવાઈ…

5 Comments »

  1. Pragnaju said,

    August 25, 2023 @ 7:19 AM

    Comment
    સુંદર અને નાજુક ગીત
    અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
    કે સૈયર શું કરું ?
    સંવેદનોની સુંદર અભિવ્યક્તિ !
    ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા
    માણો… સ્વર : ગાર્ગી વોરા, અનુપા
    tahuko.com
    https://tahuko.com › …
    tahuko ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા from tahuko.com
    Jan 16, 2009 — અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ, કે સૈયર શું કરું ? સૈયર મૂકી હથેળીયું પર અમથી .

  2. Vinod Manek, Chatak said,

    August 25, 2023 @ 4:22 PM

    ખુબ સરસ નજાકત ભર્યું ગીત..

  3. DILIPKUMAR CHAVDA said,

    August 30, 2023 @ 6:42 PM

    સંવેદનાઓથી ઉભરાતું મજાનું ગીત

  4. Poonam said,

    September 1, 2023 @ 11:22 AM

    અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
    કે સૈયર શું કરું?
    – પ્રફુલ્લા વોરા –

    Aaswad swadhisht sir ji 😊

  5. લતા હિરાણી said,

    September 2, 2023 @ 12:05 PM

    પ્રફુલ્લા વોરાની હથોટી ગઝલમાં ખૂબ સરસ છે.
    ગીત પણ સરસ નીપજયું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment