પેલી બારીએ – પ્રભુરામ જયશંકર જોષી
પેલી બારીએ રે પેલી બારીએ રે,
હાં અટારીએ રે
ઝૂલે જોબન ગુલાલ!
જોબન ગુલાલ,
એના ગોરા ગોરા ગાલ;
પેલી બારીએ રે, પેલી બારીએ રે,
હાં અટારીએ
ઝૂલે જોબન ગુલાલ !… ટેક.
ઝૂલે કટિએ કલાપ, ચાંદ મલકે અમાપ;
એનાં નૈનનમાં મન્મથનાં ચાપ,
પેલી બારીંએ રે!…
ઝૂલે નથનો હિંડોળ, ઝૂલે કુંડળ વિલોલ,
ઝૂલે હૈડામાં હેમલ હિંડોળ,
પેલી બારીએ રે!…
ઝૂલે કિનખાબી ખાલ, ઝૂલે ચૂંદડલી લાલ;
ઝૂલે ચણિયાશું પાની પ્રવાલ
પેલી બારીએ રે!…
ઝૂલે કંકણ સિંગાર, કટિમેખલાની હાર;
ઝૂલે નખીંયા ઝાંઝરનાં ઝંકાર,
પેલી બારીએ રે!…
તજો દાદાના મ્હોલ, સજો સાજન હિંડોળ;
ઝૂલો ભવ ભવ હૈયાને હિંડોળ,
પેલી બારીએ !…
– પ્રભુરામ જયશંકર જોષી
मेरे सामनेवाली खिडकी માં વસતા चांद का टुकडा તરફના અનુરાગની ઘણી કવિતાઓ આપણે સહુએ માણી હશે. એમાં આ એક રચનાનો ઉમેરો. ભાષા એવી તો સહજ અને સરળ છે કે રચના કવિહૈયેથી આપોઆપ સરી આવી હોવાનું અનુભવાય. ત્રેવડા પ્રાસને હિંડોળે ઝૂલતા બબ્બે પંક્તિના છ બંધમાં સુંદરીના સૌંદર્ય અને શૃંગારનું વર્ણન ખાસ્સું હૃદ્ય થયું છે. આમ જોઈએ તો વાતમાં કશું નવું નથી. આ પ્રકારની સૌંદર્યપ્રસંશા કવિઓ સદીઓથી કરતા આવ્યા છે, પણ રજૂઆતની સરળતા અને સચ્ચાઈ આપણને સ્પર્શ્યા વિના રહેતાં નથી. ખરું ને?
pragnajuvyas said,
August 24, 2023 @ 6:30 AM
જોબન ગુલાલ,
એના ગોરા ગોરા ગાલ;
પેલી બારીએ રે, પેલી બારીએ રે,
એક એક શબ્દમાં શૃંગારરસ ટપકતો હોય છે. આમ, શૃંગાર સ્ત્રીનું એક અભિભૂત અંગ બની ગયું .શૃગાર રસને બિભસ્ત રસમાં પ્રવેશ કરાવ્યા વગર સ-રસ રીતે માત્ર તન નહિ પણ મનની લાગણીને સ્પર્શતી વાતો નિઃસંકોચ રીતે કરી છે. શૃંગાર હવે આભડછેડનો વિષય રહ્યો નથી.ગુજરાતી લેક્ષિકોનમાં શૃંગાર રસ વિષે આ માહિતી છે.રતિ જેનો સ્થાયી ભાવ છે
Yogesh pandya said,
August 24, 2023 @ 9:28 PM
આપણો ગીત વૈભવ કેટલો ભર્યો ભર્યો છે તેને પ્રતિપાદિત કરતું આ ગીત ખૂબ જ નાઝુકાઈ થી અંગ મરોડ લેતું લેતું આગળ વધે છે.ગીતની કેડય ઉપર શબ્દો,અલંકારો કે ઉપમાઓ નો જરા જેટલો ભાર નથી.સહજ રીતે આગળ વધતું આ ગીત નમણું અને નાઝુક છે.ધન્યવાદ…
Neela sanghavi said,
August 24, 2023 @ 9:32 PM
સરસ મજાની શૃંગારિક અભિવ્યકિત.
Poonam said,
September 1, 2023 @ 11:12 AM
…પેલી બારીએ !…
– પ્રભુરામ જયશંકર જોષી –
Aaswad Saral ne sundar sir ji !
લતા હિરાણી said,
September 2, 2023 @ 12:11 PM
પેલી બારીની મોહ-માયા ઈશ્વરની જેમ સદાકાળ અવિચળ