કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના
– સંજુ વાળા

એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ એવો છે વરસાદ,
સાત ખોટના શબ્દોને પણ વાદળ પાછળ મૂકી દઈને આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ એવો છે વરસાદ.

ઘર કહેવાતી છાપરીઓ કે ડુંગ૨ ઘેર્યાં ઝાડ બધાંયે આજ વરસતા જળ પછવાડે વરસે છે જો ઝાંખાંપાંખાં,
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે કુંવરજીની તેગ ફરે ને ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આખેઆખા;
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઈ બટ્ટ-મોગરા ફૂલ ભરેલા ચોમાસામાં હાથ હજીયે બોળ્યા કરીએ એવો છે વરસાદ.

સૂરજ જ્યારે સંતાતો જઈ બીક ભરેલા અડાબીડ અંધારે, ત્યારે કેવા એનું નામ કહીને મનમાં થપ્પો પાડી દેતા,
પણ એ ત્યાંથી નહીં નીકળે તો -ની શંકાએ મૌન રહીને કિરણ જડે તો કહીશું માની ઊગી ટીસને દાબી દેતા;
તને ખબર છે, મને ખબર છે એક સમયમાં કહેવી’તી ને નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ એવો છે વરસાદ.

– ધ્રુવ ભટ્ટ

વરસાદ પડતો રહે, પડતો રહે, પડતો જ રહે એવા પ્રલંબ લયના તારથી ગૂંથાયેલું આ ગીત ગણગણાવીએ ત્યારે ભીતર પણ અનવરત ટપ ટપનું સંગીત રેલાતું હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. સમર્થ કવિ કાવ્યસ્વરૂપનો કાવ્યવિષયને ઉપસાવવામાં કેવો ઉત્તમ વિનિયોગ સાધી શકે છે એનું એક ઉદાહરણ આ ગીત આપણને આપે છે. અટકવાનું નામ ન લેતા વરસાદમાં ભીંજાવાથી બચવા આંગળીઓના અંકોડા ભેરવીને છાપરી નીચે બેઠા રહીને પ્રતીક્ષા કરવા સિવાય બીજો કોઈ આરો રહેતો નથી. શબ્દોને ભૂલી જઈને મળ્યું એને મનભર માણી લેવાની આ મોસમ છે. વરસાદની ચાદરમાં સૃષ્ટિ એવી તો ઢંકાઈ ગઈ છે કે સૃષ્ટિ પોતે વરસતા જળની પાછળ વરસતી હોવાનો ભાસ થાય છે. અંધારા આભમાં કાળા વાદળની કોરેથી ચમકતી વીજળીની તલવારના ઝબકારામાં પરીકથાના એકદંડિયા મહેલ ઝગમગતા જણાય છે. અડાબીડ અંધારું સ્વાભાવિક ભય જન્માવે છે. સૂરજ આવા અંધારામાં ક્યાંક સંતાઈ ગયો છે એ જોઈને નાયકને બાળપણની સંતાકૂકડીની રમત અને ડોકિયું કરતાં ઝડપાઈ જાય એનો થપ્પો પાડી દેવાની વાત યાદ આવે છે. પણ આ વરસાદ કદાચ અટકશે જ નહીં અને સૂરજ કદાચ નીકળશે જ નહીં એવી આશંકા પણ મનમાં ઘર કરી ગઈ છે. અને આ બધા વરસાદની વચ્ચે બંને જણને જાણ હોવા છતાં કહેવી હતી પણ કહી ન શકાયેલી વાતનો વરસાદ પણ મનમાં વરસ્યે રાખે છે.

4 Comments »

  1. pragnajuvyas said,

    July 15, 2023 @ 2:55 AM

    કવિશ્રી ધ્રુવ ભટ્ટનુ ખૂબ સુંદર ભીંજવી નાખે તેવુ વર્ષાગીત.
    આપણે જો ધ્રુવ ભ઼ટ્ટને પૂછીયે કે જંગલ, પહાડ, દરિયો અને આકાશમાં સૌથી વધુ પ્રિય એમને શું? તો મને લાગે એ આકાશની પસંદગી કરે.આકાશમાંથી પડતું જળ જાણે ઝરમર ઝરમર પડતુ હોય એવી અનુભૂતી થાય છે.
    ડૉ વિવેકનો સરસ આસ્વાદ
    માણો

  2. gaurang thaker said,

    July 15, 2023 @ 11:30 AM

    આઆઆઆહ…. વાહ વાહ વાહ… ઉત્તમ ગીત….ગીતનો લય વિષયને અત્યંત મનભાવન બનાવે છે ….ખૂબ જ સરસ આસ્વાદ વિવેકભાઈ..

  3. Ramesh Maru said,

    July 15, 2023 @ 12:43 PM

    વાહ…સાંગોપાંગ સુંદર ગીત…

  4. Jigisha Desai said,

    July 16, 2023 @ 6:23 PM

    Vahhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment